અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

આજના યુગમાં શિક્ષણ આવશ્‍યક - શ્રી માંધાતાસિંહજી જાડેજા પડઘરી તાલુકાના દેપાળીયા ખાતે શાળા પ્રવેશોત્‍સવ સંપન્‍ન

રાજકોટ તા. ૧૭ જુનઃ રાજકોટ જિલ્‍લામાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવશોત્‍સવ ઉજવણીમાં આજના બીજા દિવસે ગુજરાત પ્રવાસન નિગમનાં ડીરેકટરશ્રી માંધાતાસિંહજી જાડેજાએ પડધરી તાલુકાના દેપાળીયા ગામે પ્રવેશપાત્ર બે બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્‍યો હતો.
શ્રી માંધાતાસિંહજીએ જણાવ્‍યુ કે આજે પરિવર્તનનો પવન ફૂકાયો છે તેમાં શિક્ષણ એ પાયાની જરૂરીયાત છે. દરેક ક્ષેત્રના વિકાસ માટે આજના યુગમાં શિક્ષણ એ અતિ આવશ્‍યક બાબત બની છે. તેથી શાળામાં પ્રવેશ મેળવનાર અને અભ્‍યાસ ચાલુ હોય તેવા બાળકોને ભણવા માટે પ્રોત્‍સાહિત કરવા જરૂરી છે આ માટે વાલીઓએ જાગૃતિ કેળવવી પડશે.
શ્રી જાડેજાએ ઉમેર્યુ કે પ્રાથમિક શિક્ષણથી જ બાળકોમાં સંસ્‍કારોનું સિંચન શરૂ થાય છે. જેમાં મહત્‍વનો ફાળો માતાઓ અને શિક્ષકોનો હોય છે. આ સંસ્‍કારો આગળ જતાં કુટુંબ સમાજ અને ગામની ગરિમા અને પ્રતિષ્‍ઠા વધારે છે.
શાળા પ્રવેશોત્‍સવના આ કાર્યક્રમમાં બાળકો દ્વારા યોગ, નાટક, સ્‍વાગત ગીતો રજુ કરવામાં આવ્‍યાં હતા. ધોરણ ૩ થી ૭માં પ્રથમ આવનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્‍યું હતુ. જયારે ‘વાંચે ગુજરાત’ કાર્યક્રમ અન્‍વયે સૌથી વધુ પુસ્‍તકો વાંચનાર બાળકોને પ્રોત્‍સાહિત કરાયા હતા. આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને રમકડાં અને સાયકલ વગેરે મહાનુભાવોના હસ્‍તે અર્પણ કરવામાં આવી હતી. આ તકે દાતાઓનું સન્‍માન પણ કરાયું હતું.

ટિપ્પણીઓ નથી: