અમરેલી તા.૧૭ જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે અમરેલી જિલ્લામાં રાજયના નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ, જંગર અને કોલડા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
પ્રાથમિક શાળા ખાતે ગામલોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમોમાં નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળાએ દીપ પ્રગટાવી, રંગબેરંગી ટોપીઓ પહેરેલાં પ્રવેશવાંછુ બાળકોને કુમકુમ તિલકથી આવકારી સ્કૂલ બેગ-કીટ, ચોકલેટ આપીને પહેલા ધોરણ અને આંગણવાડીમાં નામાંકન કરાવ્યું હતું.
પ્રેમ, કરૂણા, ત્યાગ અને સહનશીલતાની મિશાલ સમી માતૃશક્તિ મહિમાનો ઉલ્લેખ શાસ્ત્રો અને ધર્મમાં હોવા છતાં પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થાને કારણે ગામડાઓમાં કન્યાઓ માંડમાંડ બે કે ત્રણ ધોરણનું પ્રાથમિક શિક્ષણ પુરૂ કરી શકતી હતી. પરિણામ સ્વરૂપે મહિલાઓનો સામાજીક દરજ્જો નીચો ગણવામાં આવતો હતો. પરંતુ રાજય સરકારે સમાજમાં શિક્ષણ પ્રત્યે લોકજાગૃત્તિ લાવવાનું છેલ્લા આઠ વર્ષથી કન્યા કેળવણીનું અભિયાન ચલાવતાં, ધોરણ-૧૦-૧૨ કે કોલેજ કક્ષાએ ટોપ ટેન વિદ્યાર્થીઓમાં ૭૦ ટકા કન્યાઓ સ્થાન મેળવવા સક્ષમ બની હોવાનું નાણા મંત્રીશ્રી વાળાએ જણાવ્યું હતું. સ્ત્રીઓમાં અડગ મનોબળ અને ઉચ્ચ શિક્ષણને કારણે આજે મહિલાઓ સરપંચ થી રાષ્ટ્રપતિ સુધીના સ્થાને બિરાજમાન છે. ત્યારે દીકરા-દીકરીઓમાં પક્ષપાત રાખ્યા વિના પોતાના બાળકોને પૂર્ણ શિક્ષણ આપવાની હ્રદયસ્પર્શી અપીલ કરી હતી.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોમાં પોતાના બાળકને શાળામાં દાખલ કરવાનુ હોય કે ન હોય, છતાં પણ બહોળી સંખ્યામાં હાજર રહેતાં ગ્રામલોકોને રાજય સરકાર વતી અભિનંદન પાઠવતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૬ થી ૧૪ વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેની કાળજી લઈને પ્રાથમિક શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ડ્રોપ આઉટ દર શૂન્ય કરવાના રાજય સરકારના પ્રયાસોમાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો.
નાની કુંકાવાવ, જંગર અને કોલડા ખાતે યોજાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભરતભાઈ સોરઠીયાએ પ્રાસંગિક પ્રવચનો કરતાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની વિસ્તૃત માહિતી આપી કુકાવાવ તાલુકો ગુણોત્સવ કાર્યક્રમમાં અમરેલી જિલ્લામાં પ્રથમ અને રાજયમાં સાતમાં ક્રમે આવેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ ઉપસ્થિત ગ્રામજનોને ૬ થી ૧૪ વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને નબળા વર્ગના બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરૂ કરાવવા આર્થિક સહકાર આપવા અપીલ કરી હતી.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મંત્રીશ્રી વાળાના હસ્તે નાની કુંકાવાવ ખાતે ૧૭ કુમાર અને ૧૭ કન્યા, જંગર ખાતે ૧૨ કુમાર અને ૦૮ કન્યા, કોલડા ખાતે ૧૩ કુમાર અને ૧૧ કન્યાઓ મળી ૭૮ બાળકોએ પ્રાથમિક શાળામાં તેમજ નાની કુકાવાવ ખાતે ૧૧ કુમાર અને ૧૧ કન્યા, જંગર ખાતે ૦૯ કુમાર અને ૦૮ કન્યા, કોલડા ખાતે ૦૪ કુમાર અને ૦૫ કન્યાઓ મળી ૪૮ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો હતો.
મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ત્રણેય શાળામાં વિદ્યાર્થીઓનું સન્માન,પ્રજ્ઞા પ્રોજેકટ અંતર્ગત વર્ગખંડ લોકાર્પણ, આંગણવાડી સ્પર્ધાની વિજેતા બહેનોને ઈનામ વિતરણ, આંગણવાડીને સાયકલ વિતરણ, વૃક્ષારોપણ અને વાંચે ગુજરાત અંતર્ગત પુસ્તક તરતુ મૂકવા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
આજના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી બધાભાઈ મયાત્રા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી વિજયભાઈ ડોબરીયા, ભાજપા અગ્રણીઓ સર્વશ્રી બાવાલાલ મોવલીયા, શૈલેષ પરમાર, વશરામભાઈ વઘાસીયા, તાલીમ ભવન-અમરેલીના પ્રાચાર્યશ્રી જે.એન.ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રકાશ ત્રિવેદી, મામલતદારશ્રી એન.પી.વ્યાસ, નાની કુંકાવાવના સરપંચશ્રી બાવચંદભાઈ સોરઠીયા, આચાર્યશ્રી મંજુલાબેન સુરાણી, કોલડા પ્રા.શા.આચાર્યશ્રી બાબુભાઈ વઘાસીયા, બી.આર.સી.શ્રી ઉદયભાઈ દેસાઈ સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો-વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો