પાટણ જિલ્લામાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ વધે તે માટે સ્ત્રીઓમાં જાગૃતતા લાવવા માટે અને સમાજના લોકોને શિક્ષણનું મહત્વ સમજાવવાના હેતુથી રાજય સરકારશ્રીએ ગત વર્ષના કન્યા કેળવણી રથનો સાર્વત્રિક આવકાર અને સમાજમાંથી મળેલ સકારાત્મક પ્રતિભાવોમાંથી પ્રેરણા લઇ ચાલુ વર્ષે પણ ગત વર્ષની જેમ આગામી તા. ૧૬ મી જુન-૨૦૧૧ થી તા. ૧૮મી જુન-૨૦૧૧ના દિવસોમાં પાટણ જિલ્લાના તમામ ૫૧૮ ગામોમાં રાજયકક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ કન્યા કેળવણી રથ લઇને આ ગામના લોકોને માર્ગદર્શન આપશે. જિલ્લામાં તા. ૧૬ થી તા. ૧૮મી જુન-૨૦૧૧ દરમ્યાન કુમાર ૧૦,૭૬૬ અને કન્યા ૯,૮૮૪ મળી કુલ્લે ૨૦,૬૫૦ બાળકોને શાળા પ્રવેશોત્સવ આપવામાં આવનાર છે.
કન્યા કેળવણી મહોત્સવના હેતુઓ ૧૦૦ ટકા નામાંકનના ધ્યેયની સિધ્ધિઓ માટે, તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને ધોરણ-૮ સુધીનું પ્રાથમિક શિક્ષણ કાર્ય પૂર્ણ કરે, સમાજ વાલીઓમાં શિક્ષણ, શિક્ષણ પ્રત્યે જાગૃત્તિ લાવવા, સમાજ વચ્ચે સમન્વય થાય તે માટે, શાળાના શૈક્ષણિક, ભૌતીક વિકાસમાં સમાજની ભાગીદારી વધારવા અને લોક ફાળો મેળવવા, પ્રાથમિક શાળા, અમારી શાળાની મમતાની ભાવના કેળવવા તથા પુરૂષો અને સ્ત્રી સાક્ષરતા દર વચ્ચે તફાવતને દુર કરવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના હેતુઓ રહયા છે. જિલ્લાના તમામ તાલુકાઓને તા. ૧૫ મી જુન-૨૦૧૧ના રોજ કન્યા કેળવણી રથને સરકારશ્રીની વિવિધ યોજનાઓના પોસ્ટરો, બેનરો રથને લગાડીને શણગારવામાં આવશે. તા. ૧૬ મી જુન-૨૦૧૧ના રોજ વહેલી સવારના તમામ તાલુકા પંચાયત કચેરીએથી પદાધિકારીઓ, મુખ્ય અધિકારીઓ, જિલ્લાના લાયઝન અધિકારીઓ સહુ પ્રસ્થાન કરવામાં આવશે. કન્યા કેળવણી રથનું ગામે ગામે નાની નાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવશે, તથા ગામના મુખ્ય માર્ગો અને મહોલ્લાઓમાં રથની સાથે શોભા યાત્રા કાઢીને ગામના વચ્ચે સભાના સ્વરૂપમાં ફેરવાશે. જયાં ધોરણ-૧માં પ્રવેશપાત્ર નવિન બાળકોને કુમકુમ તિલક કરીને શણગારેલ ઉંટગાડી, બળદગાડી અને ટ્રેકટર વિગેરેમાં શાળામાં પ્રવેશ આપવા માટે ગ્રામજનો સાથે લાવવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થીત ગ્રામજનોની સમક્ષ નાના ભુલકાંઓ દ્વારા સ્વાગત ગીત, અભિનય ગીત અને નાટિકાઓ દ્વારા બાળકોમાં રહેલ શક્તિઓને ખીલવવાનો પ્રયાસ કરી ગામ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રવેશ પામેલ બાળકોને દરેક તાલુકાઓના દરેક ગામોમાંથી ગ્રામજનો તરફથી સ્લેટ, પેન, દેશી હિસાબ, નોટબુકો, દફતર વિગેરે મોટી સંખ્યામાં દાન મેળવી બાળકોને પ્રોત્સાહિત કરાશે. ચાલુ વર્ષે પ્રવેશપાત્ર કન્યાઓ પૈકી શહેરી વિસ્તારની બી.પી.એલ. કાર્ડધારક કન્યાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૩૫ ટકા સ્ત્રી સાક્ષરતા દર ગામોમાં કુલ્લે ૫૦૩૮ કન્યાઓના નામો કોમ્પ્યુટરાઇઝ કરી નર્મદા નિધિમાં મોકલીને વિદ્યાલક્ષ્મી બોન્ડ તા. ૩૧ મી મે-૨૦૧૧ સુધીમાં ખરીદવામાં આવશે. જિલ્લાના તમામ ૪૯ રૂટોમાં રાજયકક્ષાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તથા તમામ રૂટોમાં લાયઝન અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જિલ્લામાં પાટણ તાલુકામાં ૬૭૮૭, ચાણસ્મા ૧૭૩૨, સિધ્ધપુર ૨૨૩૧, હારીજ ૧૫૭૪, સમી ૩૨૮૪, રાધનપુર ૨૫૨૭ અને સાંતલપુર ૨૫૧૫ મળી કુલ્લે ૨૦૬૫૦ બાળકોને શાળા પ્રવેશ અપાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન કુલ ૧૫૨ શાળાઓમાં કુલ્લે ૪૩૪૭ બાળકોને ધોરણ-૮માં પ્રવેશ મેળવશે. જિલ્લામાં ગત વર્ષે કુમાર ૧૧૨૨૦, કન્યા ૧૧૫૬૬ મળી કુલ્લે ૨૪૩૬૮ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવેલ હતો. કુમાર ૧૧૭ ટકા, કન્યા ૧૦૬ ટકા મળી કુલ્લે ૧૦૮.૨૩ ટકા પ્રવેશ સિધ્ધિ થઇ હતી. લોક સહકારથી રૂ. ૧૬ લાખ ૨૮ હજાર ૩૨૭ મળેલ હતા.
જિલ્લામાં રાજયના શ્રમ અને રોજગાર રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા તા. ૧૬ના રોજ સમી તાલુકામાં સવારના ૮ વાગ્યાથી તારાનગર, નવી કુંવર, સુબાપુરી, કુંવર અને રાજપુરા પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત શ્રમ રાજય મંત્રીશ્રી તા. ૧૭ના રોજ સવારના ૮ વાગ્યાથી સાંતલપુર તાલુકાના લોદરા, ઝંડાલા, ઝેકડા, ઝાંઝણસર અને કોલીવાડા પ્રાથમિક શાળા ખાતે તથા તા. ૧૮ના રોજ સવારે ૮ વાગ્યાથી રાધનપુર તાલુકાના વડનગર વાદી, વડનગર, અરજણસર, વિજયનગર અને અલ્હાબાદ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવીને બાળકોનું કુમકુમ તિલક તથા ગોળ, સાકર આપીને સ્વાગત કરશે.
આ ઉપરાંત જિલ્લાના પ્રભારી સચિવ અને રાજયના પશુપાલન અને ગૌ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ, કૃષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવશ્રી ર્ડા. રાજીવકુમાર ગુપ્તા તા. ૧૬થી તા. ૧૮મી જુન-૨૦૧૧ દરમ્યાન પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ અપાવનાર છે. જિલ્લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેનશ્રિ શંકરભાઇ કટારિયા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રફુલ જલુ ઉપરાંત જિલ્લા તથા રાજયના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ પણ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ-૨૦૧૧ દરમ્યાન વિવિધ તાલુકાઓની મુલાકાત લઇને પ્રવેશ પ્રસંગે ઉપસ્થિત રહીને બાળકોનું સ્વાગત કરીને તથા કુમકુમ તિલક અને મોં મીઠુ કરીને અને માહિતી માર્ગદર્શન આપીને સ્વાગત કરનાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો