સુરેન્દ્રનગર - બાળક તેની શરૂઆતની ઉંમરના વર્ષોમાં જે શિક્ષણ મેળવે છે તેની અસર તેના સમગ્ર જીવનકાળ દરમિયાન રહે છે. આથી જ રાષ્ટ્રના વિકાસ માટે પ્રાથમિક શિક્ષણને સૌથી વધારે મહત્વનું ગણવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા માટે ગુણાત્મક શિક્ષણ સાથે શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ૧૦૦ ટકા સ્થાયીકરણ થાય તેવા બહુહેતુક ઉદ્દેશો સાથે શિક્ષણના વિકાસનું યજ્ઞકાર્ય છેલ્લા કેટલાંક વર્ષોથી આરંભ્યું છે. જેના ખૂબ સારા પરિણામો સમગ્ર રાજ્યમાં આજે જોવા મળી રહ્યાં છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૧૬ થી ૧૮ મી જૂન દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં અને તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે.
આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મંત્રીશ્રીઓ, મહાનુભાવો તથા રાજયકક્ષા અને જિલ્લાકક્ષાના અધિકારી, પદાધિકારીશ્રીઓ ૬ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકોને પાટી–પેન–દફતર આપીને, કુમ – કુમ તિલક કરી શાળાપ્રવેશ કરાવશે. જિલ્લાના અતિ પછાત તાલુકાઓમાં તથા ધોરણ ૧ થી ૭ સુધીનો ડ્રોપ આઉટ રેટ ૧૦ ટકા કરતા વધારે હોય તેવા ગામોમાં વિશેષ ધ્યાન આપવામાં આવશે ઉપરાંત શાળાકક્ષાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગે કાયમી વ્યવસ્થાતંત્ર ઉભુ થાય તે બાબતને ખાસ ધ્યાને લેવાશે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે તથા શકય હોય ત્યાં લોકોના સહ્યોગ થકી તિથિ ભોજનની વ્યવસ્થા પણ કરાશે. આ સાથે વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી નવા શૈક્ષણિક સત્રના પહેલા દિવસથી માંડી કન્યા કેળવણીના મહોત્સવ સુધી કન્યા કેળવણીના ગીતો તથા સૂત્રો સાથેની પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે તથા ધોરણ ૩ થી ૭ માં ક્રમ ૧ થી ૩ ઉપર ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન પણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે.
બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે આકર્ષાય તે હેતુસર આંગણવાડીના બાળકોને ગામમાંથી ઉઘરાવેલા રમકડાં તથા સુ-શોભન કરેલી શાળા અને વર્ગખંડો તૈયાર કરવામાં આવશે. શાળામાં બાળકોનું નામાંકન થઇ ગયા બાદ શાળામાં બાળકો નિયમિત આવે અને તેમનું સ્થાયીકરણ થાય તેવું વાતાવરણનું નિર્માણ કરાશે.
(સંકલનઃ ઉર્વિ રાવલ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો