રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી પ્રો. વસુબહેન ત્રિવદી, આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજય નાણાંપંચ સચિવાલયના ચેરમેનશ્રી ભરતભાઇ ગરીવાલા, રાજય વાહન વ્યવહાર નિગમ, અમદાવાદના સભ્યશ્રી રમેશભાઇ મુંગરા ઉપસ્થિત રહેશે
જામનગર તા.૧૫ જૂન - ગુજરાત સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ અંતર્ગત રાજયમાં સો ટકા નામાંકનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ દ્વારા પાંચ વર્ષ પૂર્ણ કરનાર તમામ બાળક બાળિકાઓ એક સાથે જ શાળામાં પ્રવેશ મેળવે તે હેતુથી જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં તા.૧૬/૬/૧૧ થી તા.૧૮/૬/૧૧ સુધી અને શહેરી વિસ્તારમાં તા.૨૩/૬/૧૧ થી તા.૨૫/૬/૧૧ સુધી કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧નું આયોજન કરવામાં આવ્યુ છે. શાળા પ્રવેશોત્સવ માટે પ૦ રૂટ પાડવામાં આવ્યા છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૭૨૫૬ (કુમાર ૮૯૬૫ અને કન્યા ૮૨૯૧) અને શહેરી વિસ્તારના ૩૧૫૨ (કુમાર ૧૫૫૨ અને કન્યા ૧૬૦૦)મળી કુલ ૨૦૪૦૮ બાળકો પ્રથમ વખત શાળામાં પગલા માંડશે. જયારે પુનઃ પ્રવેશપાત્ર બાળકો ૧૪૬ છે.
આ કાર્યક્રમમાં નવા પ્રવેશ પામેલા બાળકોને ભરેલી ટોપી, કપાળમાં કુમકુમ કરી આવકારવામાં આવશે. બાળકોને પેન પાટી, નોટબુક, દફતર, કલરબોક્ષ, કંપાસ બોકસ, મીઠાઇ, ચોકલેટ દાતાઓ દ્વારા આપવામાં આવશે.
કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧માં તા.૧૬ થી ૧૮ના રોજ રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી જોડિયા, કાલાવડ અને ધ્રોલ તાલુકાના ગામોમાં,આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જામજોધપુર, ભાણવડ, અને લાલપુર તાલુકામાં, રાજય નાણાંપંચ સચિવાલય, ગાંધીનગરના ચેરમેનશ્રી ભરતભાઇ ગરીવાલા દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયા તાલુકાના ગામોમાં તથા રાજય વાહન વ્યવહાર નિગમ, અમદાવાદના સભ્યશ્રી રમેશભાઇ મુંગરા જામનગર, લાલપુર તથા કાલાવડ તાલુકાના ગામોમાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અધિક કલેકટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ વિવિધ ગામોના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જોડાઇ નવા પ્રવેશ પામેલ બાળકોને પ્રોત્સાહિત કરશે. તેમજ જે – તે વિસ્તારના ધારાસભ્યશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરંપચશ્રી, તલાટી મંત્રીશ્રી, ગ્રામ સેવક, ગ્રામ મિત્ર, શાળાના આચાર્યશ્રી ઉપસ્થિત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો