વડોદરા
આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટેઅઘતન મતદાર યાદી બનાવવા હાલમાં ભારતના
ચૂંટણી પંચના દિશાનિર્દેશો પ્રમાણે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની
કામગીરી ચાલી રહી છે અને છેલ્લા તબક્કામાં પ્રવેશી છે. આ કામગીરીનું
નિરીક્ષણ કરવા માટે ભારતના નિર્વાચન આયોગ દ્વારા નિયુક્ત કરાયેલા મતદાર
યાદી નિરીક્ષકશ્રી આર.એલ.મોપાલવર વડોદરા જિલ્લાની મુલાકાત લેવાના છે. આ
સનદી ઉચ્ચાધિકારીશ્રીને નાગરિકો મતદાર યાદી સુધારણાની બાબતમાં રવિવાર
તા.૧૭/૬/૨૦૧૨ના રોજ શહેર ના સર્કિટ હાઉસ ખાતે સાંજના ૪-૦૦થી ૫-૦૦ વાગ્યા
સુધી મળી શકશે. શ્રી મોપાલવરનો મોબાઇલ નંબર ૦૮૧૦૮૫૩૩૩૩૩ છે જેની મદદથી પણ
સંપર્ક થઇ શકશે.
હાલમાં તા.૧/૧/૨૦૧૨ના રોજ ૧૮ વર્ષની ઉંમર પૂરી કરનારા અને તેથી વધુ
ઉંમરના પરંતુ મતદાર યાદીમાં જેમની નામ નોંધણી સંદતર થઇ નથી, જેઓ
વર્તમાનને બદલે નવા વિધાનસભા વિસ્તારમાં તેમનું નામ ફેરવવા ઇચ્છે છે,
સ્થળાંતરને કારણે નામ ઉમેરવા કે કમી કરાવવા માંગે છે, નામની ભુલ સુધારવા
માંગે છે તેવા તમામ નાગરિકો યોગ્ય ફોર્મ ભરીને આ કામગીરી સોમવાર તા.૧૮મી
જૂન, ૨૦૧૨ સુધી કરાવી શકશે. આમ, મતદાર યાદીમાં નામ દાખલ કરવા કે તેને
લગતી અન્ય કામગીરી કરાવવા માટેની તક હવે છેલ્લા ૦૩ દિવસ જ ઉપલબ્ધ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વિનોદ રાવે આ તક ન ગુમાવવા નાગરિકોને
અનુરોધ કર્યો છે. તેની સાથે જ નર્મદા ભવનના જનસેવા કેન્દ્ર ખાતે અને
તાલુકા મામલતદાર કચેરીઓમાં ઓળખપત્રોની કામગીરી ચાલી રહી છે. જેના હેઠળ
ખોવાઇ કે ફાટી ગયેલા કે નાશ પામેલા મતદાર ઓળખપત્રની અવેજીમાં રૂા. ૨૫/-ની
ફી ભરીને ડુપ્લીકેટ ઓળખપત્ર બનાવી શકાય છે. ઉપરોક્ત સ્થળોએ મતદાર યાદીમાં
નામ નોંધણી સહિતની કામગીરીઓ પણ ચાલુ છે.
આ ઉપરાંત રવિવાર તા.૧૭/૬/૨૦૧૨ના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે જે તે
વિસ્તારના મતદાન મથકો ખાતે સવારના ૯-૦૦થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી નામ
નોંધણી તેમજ અન્ય કામો માટેના અરજીપત્રકો મેળવી તેમજ ભરીને પરત આપી
શકાશે. ધરઆંગણે ઉપલબ્ધ આ સગવડો રવિવારની રજાની મોકળાશમાં લાભ લેવાનું
નાગરિકો ચૂકે નહિ.
મતદાર યાદીમાં મતદાર પોતાના નામ સંબંધી વિગતોની ચકાસણી કરી શકે તે માટે
અત્રેની જિલ્લા કચેરી ખાતે ટેલિફોન હેલ્પલાઇન તા.૧/૬/૨૦૧૨થી તા.૧૮/૬/૨૦૧૨
દરમિયાન શરૂ કરવામાં આવી છે. જેનો ટેલિફોન નંબર ૦૨૬૫-૨૪૨૦૦૦૦ છે. તેના પર
મતદારો પૃચ્છા કરી શકે છે. તેમજ સંબધિત મામલતદારશ્રી/ પ્રાંત
અધિકારીશ્રી, જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાર યાદી રૂબરૂમાં જોઇને પણ
નામની ચકાસણી કરી શકશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો