જિલ્લાના ૦ થી ૫ વર્ષના ૩.૨૨ લાખ ઉપરાંત બાળકોને પોલીયોની રસી અપાશે
જિલ્લાનું એકપણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહી જાય તે જોવા ડીડીઓનો અનુંરોધ
ગોધરા,
સમગ્ર રાષ્ટ્રમાંથી પલ્સ પોલીયો નાબૂદ કરવાના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં આગામી તા. ૧૫/૪/૨૦૧૨ ને રવિવારના રોજ પોલીયો રસીકરણ અભિયાનનો બીજો રાઉન્ડ યોજાશે. પલ્સ પોલીયો રસીકરણ અભિયાનમાં પંચમહાલ જિલ્લાના ૦ થી ૫ વર્ષની વય જૂથના ૩,૨૨,૧૫૭ બાળકોને પોલીયોની રસી આપવામાં આવશે આ કામગીરી માટે આરોગ્યતંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્માએ જણાવ્યું છે.
ગોધરા ખાતે પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમીટીની બેઠકને સંબોધતા ડીડીઓશ્રીએ જિલ્લાનું એકપણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહી જાય તે જોવા આરોગ્ય અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લામાં આવેલા ઇંટોના ભઠ્ઠા, ઝુપડપટ્ટી વિસ્તાર, ઔધોગિક વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ છુટા છવાયા ઘરોના બાળકોને પણ આવરી લેવા તાકીદ કરી શહેરી વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રીત કરી અતિ જોખમ કારક એવા ઇંટોના ભઠ્ઠા અને ઝુપડપટ્ટી વિસ્તાર તેમજ નદીમાં વસતા લોકોના બાળકો પ્રત્યે વિશેષ કાળજી લેવા જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડોં. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તા ૧૫ એપ્રિલના રોજ યોજાનાર પોલીયો રસીકરણના બીજા રાઉન્ડ માટે ગ્રામ્ય ૧૩૧૧ અને શહેરી ૧૭૩ સહીત કુલ ૧૪૮૪ રસીકરણ બુથ ઉભા કરવામાં આવશે. જ્યારે ૨૬૨૨ ટીમો તા.૧૬/૧૭ એપ્રિલ ના રોજ ઘેર ઘેર ફરી પોલીયોની રસી આપશે. આ કામગીરી માટે બુથ ઉપર ૫૯૩૬ આરોગ્ય કર્મીઓ, ૨૯૨ સુપરવાઇઝર સહિત કુલ ૬૨૨૮ કર્મીઓ ફરજ બજાવશે. જિલ્લામાં ૨૯૨ રૂટ બનાવવામાં આવ્યા છે.જિલ્લામાં ફેબ્રુઆરી-૧૨માં યોજાયેલ પ્રથમ રાઉન્ડમાં ૧૦૧ ટકા સિધ્ધિ હાંસલ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસીથી રક્ષિત કરવા તેમણે વાલીઓને અનુંરોધ કર્યો હતો. આ બેઠકમાં મેડીકલ ઓફિસરો, ચીફ ઓફિસરો સી.ડી.એચ.ઓ, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહી પોલીયો રસીકરણ અભિયાનને સફળ બનાવવા રચનાત્મક સુચનો કર્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો