વડોદરા
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત ૧૩૭ આંગણવાડીઓના ૩ હજારથી વધુ ભૂલકાઓને પૌષ્ટિક, તાજો અને ગરમ આહાર પુરો પાડવાની યોજનાનો અક્ષયપાત્ર હેઠળ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જાહેરક્ષેત્રની સી.ઈ.આઈ.એલ. સંસ્થાના સીઈઓ શ્રી એમ.વી.કે.કુમારે ગરમ ભોજનના પરિવહન માટે ૦૫ ઈન્સ્યુલેટેડ વાહનો અર્પણ કરવા ઉપરાંત વધુ ૦૫ વાહનો માટે રુા. ૧૦ લાખનો ચેક મહિલા અને બાળ વિકાસ મંત્રીને અર્પણ કર્યો હતો.
આ ઉપરાંત બાળ આરોગ્ય, શિક્ષણ અને ધડતર માટે આંગણવાડીઓને દત્તક લેનારી સ્વૈચ્છીક સેવા સંસ્થાઓ, ઔઘોગિક એકમો અને દાતાઓને સન્માનપત્રો અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં ભૂલકાંઓને પૌષ્ટિક આહારનું તેમજ પોષણ વધારતી હોમિયોપેથિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જિલ્લાની આંગણવાડીઓ માટે દાન કરવા તત્પર દાતાઓ સાથે સંકલન સાધવાની SMS આધારિત વ્યવસ્થા અમલમાં મૂકવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાકેશ શંકરને અભિનંદન આપ્યા હતા.
બાળ પોષણ અને અભિયાનમાં સમાજના તમામ વર્ગોએ જોડાવું જ પડશે તેવી લાગણી વ્યક્ત કરતાં શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષે ૨૧ હજારથી વધુ આંગણવાડીઓ માટે શૌચાલય સહિતના પાકાં મકાનો બાંધવા રાજ્યના અંદાજપત્રમાં રૂપિયા ૫૧૧ કરોડની જોગવાઇ કરી છે. આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગે ૧૫૯ નગરપાલિકાઓ પૈકી પ્રત્યેકમાં ૧૦ નંદધરો બાંધવા રૂપિયા ૪૦ લાખની જોગવાઇ કરી છે. રાજ્યમાં ૫૦ હજાર જેટલી આંગણવાડીઓના માધ્યમથી ૫૦ લાખ જેટલાં લાભાર્થીઓને પૂરક પોષણ સહિતના લાભો આપવામાં આવે છે. જેનો ભૂલકાઓ ઉપરાંત સગર્ભાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પણ લાભ મળે છે. રાજ્ય સરકારે અલાયદો મહિલા અને બાળ વિકાસ વિભાગ કાર્યાન્વિત કરવાની સાથે બાળ જન્મ, ઉછેર અને વિકાસની શ્રેણીબદ્ધ યોજનાઓ અમલમાં મૂકી છે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં મેયર ર્ડા.જ્યોતિબેન પંડયાએ સહુને આવકારતા શહેરી આંગણવાડીઓને દાતાઓના સહયોગથી સુવિધા સંપન્ન બનાવવાના તેમજ બાળ પોષણના આયોજનની રૂપરેખા આપી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ર્ડા. વિજય શાહ અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ ર્ડા. ગિરીશ પારેખ સહિત મહાનુભાવોએ બાળ પોષણમાં લોક સહયોગને આવકાર્યો હતો.
આ પ્રસંગે મ.સ.વિશ્વ વિઘાલયના કુલાધિપતિ ડૉ. મુણાલીની દેવી પુવાર, નાયબ મેયર હરજીવનભાઈ, પૂર્વ સાંસદ જયાબેન, શ્રીમતી શુભાગિની દેવી ગાયકવાડ, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સાધુ જગન મોહન દાસજી, સેવા સદનના સમિતિ અધ્યક્ષો અને નગર સેવકો, મ્યુનિસિપલ કમિશનરશ્રી અશ્વિનીકુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાકેશ શંકર, દાતા સંસ્થાઓના પ્રતિનિધિ તેમજ આંગણવાડી સેવાકર્મીઓ અને ભૂલકાઓ ઉપસ્થિત રહયા હતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો