માર્ગ અને મકાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કર્યું પુલોનું ભૂમિપૂજન
તિથિભોજન માટે દાતાઓની સરળતા માટે જિલ્લામાં ટેલીફોન સુવિધાનો પ્રારંભ
છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં રૂા. ૮૦૭ કરોડના માર્ગ વિકાસના કામો થયા છે
વડોદરા
માર્ગ અને મકાન મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ડભોઈ-કરણેટ રસ્તે ઓરસંગ નદી પર તથા ઝરવણ-કછાટાના રસ્તે ઉચ્છ નદી પર કુલ રૂા. ૨૭.૨૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા પુલોની ખાતમુહૂર્ત વિવિધ સંપન્ન કરી હતી. શ્રીમતી પટેલે જણાવ્યું કે, પુલના નિર્માણથી સંખેડા તાલુકાના ૨૩ અને ડભોઈ તાલુકાના ૧૩ ગામોના અનેક લોકોને લાભ થશે. ડભોઈ-કરણેટ પુલથી બે તાલુકાનું જોડાણ થતા અનેક પ્રજાજનો લાંબા અંતરને બદલે સીધેસીધા ટૂંકાઅંતરે જઈ શકાશે.
ઓરસંગ નદી પર રૂા. ૨૨.૨૬ કરોડના ખર્ચે પુલ નિર્માણ થશે. એમ જણાંવતા તેમણે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં વડોદરા જિલ્લામાં ૮૦૭ કરોડના ખર્ચે તેમજ ઝરવણ - કછાટાના રસ્તે ઉચ્છ નદી પર અંદાજે રૂા. ૫ કરોડના ખર્ચે માર્ગ નિર્માણ વિસ્તૃતિકરણના કામો સાથે સાથે ૨૦૧૧-૧૨માં રૂા. ૪૦૨ કરોડના ૩૧૮ કામોને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી ૨૬ કામો મકાન નિર્માણના થનારા છે. તેમજ ડભોઈ તાલુકામાં ત્રણ વર્ષમાં રૂા. ૯૧ કરોડના કામો કરવામાં આવ્યા છે. જિલ્લાના વિકાસથી વંચિત એવા નસવાડી, કવાંટ, વાધોડિયા વગેરે જેવા તાલુકાઓમાં તાલુકા પંચાયત ભવનો અને ગટર યોજનાના તેમજ માર્ગ સુવિધાના કામો હાથ ધરાનાર છે. શ્રીમતી પટેલે જણાવ્યું કે વિકાસ કામોમાં પ્રજા કેન્દ્ર સ્થાને હોય છે. પ્રજાના નાનામોટા કામો સાથે તેમની સુખસુવિધાની વિભાવના માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. આ સાથે તેમણે ૧૦૮ની સેવાઓ, સગર્ભા માતાઓ બાળકો અને કિશોરી સ્વાસ્થ્ય ૧૬ વર્ષ સુધીના કેન્સર, હ્દયરોગ કીડની જેવા રોગપીડિત બાળકોને સરકાર વિનામૂલ્યે સારવાર અને ઓપરેશનનો ખર્ચ કરે છે.
શ્રીમતી પટેલે ઉમેર્યું કે, આગામી બે વર્ષમાં તમામ આંગણવાડીના મકાન નિર્માણ કરવામાં આવશે. અકિંચન પરિવારોના આંગણવાડીમાં આવતા કુપોષિત ભૂલકાંઓને પૌષ્ટિક આહાર અપવા દાતાઓને કોઈ તકલીફ ન પડે અને દાતા સરળતાથી ભૂલકાંઓને ભોજન કરાવી શકે તે માટે વડોદરા જિલ્લામાં શરૂ થયેલી ટેલીફોન સેવા અને એસ.એમ.એસ. સેવાને ખુલ્લી મૂકી હતી. જયારે ઝરવણ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા કપાસ નિકાસ પર મૂકેલા પ્રતિબંધને વખોડી કાઢયો હતો.
આ પ્રસંગે માર્ગ અને મકાન રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, આ વિસ્તારના લોકોની વરસો જૂની પુલની માગનો પશ્ન હલ થશે. ગુજરાતના વિકાસ પર દેશ-દુનિયાની નજર છે, અને અન્ય રાજયો ગજરાતના વિકાસ મોડેલને અપનાવી રહયા છે. ગુજરાતમાં વર્તમાન સરકારે સેતુ બાંધવાનું કામ કરે છે. જયારે કેટલીક સરકાર સેતુ તોડવનું કામ કરે છે.
ડભોઈ કરણેટ રોડ પર ઓરસંગ નદી પર બંધાનારા પુલની ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ શ્રી રામસિંહ રાઠવાએ ડભોઈ-કરણેટ પુલને મહત્ત્વનો ગણાવતા જણાવ્યું કે, ભૂતકાળની સરકારો પ્રજાની તકલીફ પ્રત્યે લક્ષ આપ્યું નહોતું આ પુલ બંધાતા ડભોઈથી વડોદરા વચ્ચેનું લાંબુ અંતર ધટી જશે.
સંખેડાના ધારાસભ્યશ્રી અભેસિંહ તડવીએ ડભોઈ કરણેટ રસ્તે ઓરસંગ નદી પરના પુલને પ્રજાનું સપનું સાકાર થયાનું જણાવતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક વિકાસ કામોની પરિપૂર્તિ થઈ છે. આ સાથે સંખેડા તાલુકામાં માર્ગ નિર્માણની વિગતો તેમણે આપી હતી. જયારે ડભોઈના ધારાસભ્યશ્રી સિદ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું કે, પુલની વરસો જૂની માગણી હતી તેનું કામ શરૂ થવા જઈ રહયું છે. ડભોઈ - સંખેડાનો મેવાસ વિસ્તાર તાકાતવાળો હોવા છતાં આંતરમાળખાકીય સુવિધાના અભાવે પાછળ પડી ગયો હતો.
આ પ્રસંગે પંચાયતના અધિક્ષક ઈજનેર શ્રી એ.કે.પટેલે ડભોઈ-કરણેટ પરના ઓરસંગની નદી પરના પુલની તથા ઝરવણ-કછાટા રસ્તે ઉચ્છ નદી પરના પુલની વિગતો આપી હતી. અંતમાં કાર્યપાલક ઈજનેરશ્રી એ.સી.વાંસદિયાએ આભાર વિધિ કરી હતી. ડભોઈ કરણેટના રસ્તે ઓરસંગ નદી તથા ઝરવણ-કછાટા રસ્તે ઉચ્છ નદી પરના પુલની ખાતમુહૂર્તવિધિ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી સુધાબેન પરમાર, જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ-સદસ્યો કલેકટરશ્રી વિનોદ રાવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાકેશ શંકર તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો