વડોદરા પ્રશાસનની શકવર્તી પહેલઃ બિનખેતી હક્કપત્રની નોંધો અને શરતફેરની કામગીરીઓ હવે જનસેવા કેન્દ્રમાં આઈટી આધારિત વ્યવસ્થા હેઠળ થશે
ગુજરાતમાં વડોદરામાં સોફટવેરના વિકાસ સહિત અમલીકરણ
પ્રત્યેક તબક્કે અરજીના નિકાલની પરિસ્થિતિનું મોનિટરિંગ થશે અને અરજદાર તે જાણી શકશે
વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પ્રશાસને બિનખેતી, હક્કપત્રકની નોંધો અને જમીનોના શરતફેરની ચાવીરૂપ મહેસુલી કામગીરીઓને સંપૂર્ણ જવાબદેહીતા અને પારદર્શકતા અને ગતિશીલતા સાથે કરવા માટે, રાજયમાં એક નવીન પહેલના રૂપમાં જનસેવા કેન્દ્રને માધ્યમ બનાવીને આઈ.ટી આધારિત ઈ-એનએ, ઈ-શરતફેર અને ઈમ્યુટેશન (હક્કપત્રકની નોંધો)ની વ્યવસ્થા અમલમાં મૂકી રહયું છે. આ નવી વ્યવસ્થાના સુચારૂ અમલીકરણ માટે શ્રી રાવના માર્ગદર્શન હેઠળ જનસેવા કેન્દ્રના સંચાલકો અને મહેસૂલી અધિકારીઓને સંયુકત રીતે અને સાવ મામુલી ખર્ચે એક નવું સોફટવેર બનાવ્યું છે. રાજયના મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે સોફટવેરનું વિમોચન અને આ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો.
આ વ્યવસ્થાને પગલે ખેડૂત ખાતેદારોએ વિવિધ દસ્તાવેજો અને એન.ઓ.સી. મેળવવા વિવિધ કચેરીઓમાં ફરવું નહીં પડે. જનસેવા કેન્દ્ર જ આ તમામ બાબતોનું સંકલન કરશે. ઉલ્લેખનીય છે કે વડોદરાએ અગાઉ લોક સહભાગીદારીથી મોડેલ ડિસ્ટ્રિકટની વિભાવનાનો અમલ, જનસેવા કેન્દ્રોનું આધુનિકરણ અને સીંગલ વિન્ડો સ્સ્ટિમ હેઠળ ખાનગી સહભાથીદારીથી સંચાલન જેવી અભિનવ પહેલો કરી છે. ઈ-શરતફેર, ઈ-બિનખેતી અને ઈ-મ્યુટેશન મહેસુલી પ્રશાસનના સરળીકરણની આવી જ એક વધુ પહેલ વડોદરાએ કરી છે.
મુખ્યમંત્રીશ્રી પ્રેરિત સ્વાન્તઃ સુખાયની ભાવના તેમજ વહીવટમાં સરળતા અને પારદર્શકતા માટે રાજય સરકારની સંકલ્પબદ્ધતા હેઠળ એટીવીટી જનસેવા કેન્દ્રો દ્વારા એન.એ.ની મંજુરી સહિતની કામગીરીઓમાં લોકાભિમુખ અભિગમ તેનાથી સાર્થક થશે તેવી લાગણી વ્યકત કરતાં શ્રી રાવે જાણાવ્યું હતું કે આ વ્યવસ્થા હેઠળ ફકત જમીનના સર્વે નંબર અને તેના સ્થળની જાણકારી હોય તો પણ તેના ઉલ્લેખ સહિતની અરજીઓ માત્ર રૂા. ૨૦/- ની ટોકન ફીથી લેવામાં આવશે આ કામગીરી સાથે સંબંધિત તમામ વિભાગોમાંથી જરૂરી દસ્તાવેજો, નોંધો મેળવવાનું સંકલન જનસેવા કેન્દ્ર કરશે. ટોલ ફ્રી નંબર (૯૦૯૯૯૩૦૦૭) નો સંપર્ક, એસએમએસ અને વેબસાઈટ દ્વારા અરજદાર તેની અરજીની પરિસ્થિતિ (સ્ટેટસ) સમયાંતરે જાણી શકાશે. તેમાં અરજદારને જરૂર પડયે લીગલ આસીસ્ટન્સ (કાયદાકીય માર્ગદર્શન) આપવાની અને પ્રોસેસીંગમાં બિનજરૂરી વિલંબ થતો હોય તો સંબંધિત ઉચ્ચાધિકારીઓને સતર્ક (એલર્ટ) કરવા જેવી જોગવાઈઓ પણ છે. જો કે અરજદાર ખેડૂતોએ અરજી આપતી વખતે ત્રણ જરૂરી સોગંદનામ જાતે કરવા પડશે. તેમણે પ્રત્યેક પરવાનગી માટે સરકાર નિર્ધારિત ફી/ચાર્જીસ ભરવાના રહેશે.
આ વ્યવસ્થા હેઠળ અરજીઓના પ્રોસેસિંગનો દૈનિક અને સાપ્તાહિક અહેવાલ કલેકટર સહિતના અધિકારીઓને મળતો રહેશે જેનાથી મોનિટરિંગ વધુ અસરકારક બનશે. પહેલી અરજીનો પહેલો નિકાલની કયુ સિસ્ટમ કયાંય ન તૂટે તેની તકેદારી તેમાં લેવાશે. જનસેવા કેન્દ્રો દ્વારા આપવામાં આવતી સામાન્ય સેવાઓ ઉપરાંતની આ મૂલ્યવર્ધિત વેલ્યુ એડેડ સેવા છે તેને ધારી સફળતા મળે તો સમગ્ર રાજયમાં તેના અમલીકરણની વિચારણા થઈ શકે છે તેમશ્રી રાવે જણાવ્યું હતું. અરજી મળ્યાના ચોવીસ કલાકમાં જ તેનું પ્રોસેસિંગ શરૂ થઈ જશે.
તા. ૧લી મે, ૨૦૧૨ સુધીમાં વડોદરા જિલ્લામાં હક્કપત્રકની એક પણ પડતર નોંધ નહીં રહે તેવો સંકલ્પ વ્યકત કરતાં શ્રી રાવે જણાવ્યું હતું કે આ વ્યવસ્થામાં અનુભવોને આધારે સતત સુધારા કરવામાં આવશે. અમદાવાદ પછી રાજયમાં સહુથી વધુ વાર્ષિક ૫૦૦ જેટલી એન.એ.ની અરજીઓ વડોદરામાં મળી છે. જુલાઈ-૨૦૧૧માં ત્રણ મહિનાથી વધુ મુદતની હક્કપત્રની પડતર નોંધોની સંખ્યા ૪૫૦૦ જેટલી હતી જેનો સમયબધ્ધ નિકાલ કરાતાં હવે માત્ર ૨૫૦ જેટલી નોંધ જ બાકી છે.
ગૃહ નિર્માણકારોના મંડળ ક્રેડાઈ-વડોદરાએ આ નવી પહેલને આવકારતા શ્રી રાવને અભિનંદન પાઠવ્યા છે અને તેને વધુ કાર્યક્ષમ બનાવવાના ઉપયોગી સૂચનો આપવા સહિત તેના અમલીકરણમાં સહાયક બનવાની ખાતરી આપી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો