અસહય ગરમીથી બચવાની ટીપ્સ અજમાવવા અનુરોધ :
નવસારીઃ
ઉનાળાની અસહય ગરમીમાં લોકો રાહત અનુભવી શકે તે માટે નવસારી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ઘ્વારા કેટલીક ટીપ્સ અજમાવવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. અસહય ગરમીના કારણે લુ (હી સ્ટ્રોક)થી માથું દુખવું, ઉલ્ટી-ઉબકા, ચકકર આવવા, બેચેની આવવી વગેરે પ્રકારના લક્ષણો જોવા મળે છે. ગરમીના કારણે શરીરમાંથી પાણી અને ક્ષાર ઓછાં થવાના કારણે બ્લડપ્રેસર ઘટી જવાથી તેમજ ઇલેકટ્રોલાઇટ ઓછા થવાના કારણે ચામડી પર સીધી અસર થવાથી ચામડીના રોગો પણ થાય છે.
ગરમીમાં આ રોગોથી બચવા અને ગરમીમાં રાહત માટે સુતરાઉ કપડા, પાણી,લીંબુ સરબત વધુ પ્રમાણમાં લેવું અને ભીના કપડાથી શરીર ઢાંકવું.હાથ-પગમાં કોટન મોજા પહેરવા, દિવસ દરમિયાન પ્રવાહી વધારે પ્રમાણમાં લેવું. ચરબીયુકત ખોરાક લેવાનું ટાળવું. ગરમીના કારણે માથું દુખે અથવા ચકકર કે ઉબકા આવે તો તાત્કાલિક સારવાર મેળવી લેવી. હાલમાં ઉનાળા ઋતુમાં પાણીનું લેવલ નીચું જવાથી તથા પાણીની અછતના કારણે પીવાના પાણીમાં ઘણી અશુદ્વિઓ ભળે છે જેના કારણે પાણીજન્ય રોગો જેવાં કે કોલેરા, કમળો, ટાઇફોઇડ વિગેરે થવાની સંભાવના રહેલી છે. પીવાના પાણીને જંતુરહિત કરવા તેમાં બ્લીચીંગ પાવડર અથવા ૨૦ લીટરના પાણીનાં માટલામાં રોજ એક ગોળી કલોરીનની ભુકકો કરી નાંખવાથી પાણી જંતુરહિત અને સલામત રહે છે. બજારમાં ખુલ્લા ખાદ્ય પદાર્થો, ફેરીયા ઘ્વારા વેચાતા કુલ્ફી, ગોળા, માછલી તથા અન્ય ખાદ્ય પદાર્થો ખાવાનું તથા વાસી ખોરાક ખાવો નહી. પાણીજન્ય રોગો અંગેની જાણકારી નજીકનાં આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાના/હોસ્પિટલ ખાતે તેમજ અન્ય કોઇપણ રોગચાળા વિશે નવસારી જિલ્લા પંચાયતના રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.એમ.આર.ડેલીવાલા ફોનં નંબર (૦૨૬૩૭) ૨૩૨૫૩૩ મો.નં.-૯૭૨૭૭૦૪૦૦૭ પર સંપર્ક સાધવા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો