- સંગીત વ્યકિતને પ્રાણવાન - શ્રધ્ધાવાન બનાવે છેઃ પંડિત રાજન સાજન મિશ્રા
- દેશના દરેક પ્રાન્તમાં સંગીતનો અમુલ્ય વારસો સચવાયો છે તેનું જતન કરી રાષ્ટ્રીય એકતા મજબુત બનાવવા પદમ વિભુષણ એવોર્ડ વિજેતા ગાયકોની હિમાયત- રાજકોટમાં સાત દિવસના સપ્ત સંગીત કાર્યક્રમનો શુભારંભ; પ્રથમ દિવસે મોડી રાત્રિ સુધી વિવિધ રાગોની અનુભૂતિ દ્વારા ભાવિકો ભાવ વિભોર
- ભારતીય શાસ્ત્રોએ દરેક પ્રહરનાં રાગ દર્શાવ્યા છે જે સ્વરોના નાદ સાંભળવાથી વ્યકિત હરહંમેશ પ્રસન્નતા અનુભવે છે; અહંકારને ઓગાળવાનું કામ કરે છે સંગીત

સંગીતએ ઇશ્વરની આરાધના છે શાસ્ત્રીય સંગીત દ્વારા વ્યકિતના અંતરના નાદ ઇશ્વરિય તત્ત્વો સાથે જોડાઇ જાય છે' તેમ આજ રોજ અહીં શાસ્ત્રીય ગાયન ક્ષેત્રે પદમ વિભુષણ એવોર્ડ મેળવનાર બનારસ ધરાનાના જાણીતા ગાયક પંડિત રાજન - સાજન મિશ્રાએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, જે બાળકોને શાળામાં કોઇપણ પ્રકારનું સંગીત શિખવાની તક મળે છે તેઓ કદાપિ ક્રાઇમની દિશામાં આગળ વધતા નથી. માટે દરેક શાળામાં સંગીતમાં સંગીતનો અભ્યાસ ફરજીયાત હોવો જોઇએ.
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં અગ્રીમ પંકિતની પ્રતિભાશાળી જોડી તરીકે જાણીતા એવા પંડિત રાજન - સાજન મિશ્રાના ગાયન કાર્યક્રમથી રાજકોટમાં સપ્ત સંગીત સમારોહનો પ્રારંભ થયો હતો. અહીંના હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત સાત દિવસના સંગીત - નૃત્ય અને ગાયન સમારોહના પ્રારંભે આજે શાસ્ત્રીય ગાયનની વિવિધ પ્રસ્તુત એ સંગીત રસિકોને મોડી રાત્રિ સુધી અલૌકિક અનુભૂતિ કરાવી હતી.
રાજકોટમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના મહત્ત્વ અને દિન - પ્રતિદિન વધતા જતા વ્યાપના સંદર્ભમાં પંડિત રાજન - સાજન મિશ્રાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જે 'ભૈરવથી ભૈરવ સુધી'નાં નામનો કાર્યક્રમ વિદેશના ૧૩ દેશોમાં રજૂ કર્યો ત્યારે જાણવા મળ્યું છે કે યુરોપના જે દેશોના લોકોને ભારતીય ભાષાનું જ્ઞાાન નથી તેઓ પણ આપણી સંગીતની ભાવદશા નિહાળીને અંતરાભિમુખ બની ગયા હતા. સ્વરોની દુનિયાનો વિરલ સ્પર્શ થતા જાહેર કાર્યક્રમોમા ંતેઓની આંખમાં અશ્રુધારા વહેતી જોવા મળી હતી.
ભારતીય શાસ્ત્રીય સંગીતએ આપણા ઋષિઓની વેદકાલીન સંસ્કૃતિની ફલશ્રુતિ છે તેમ કહી તેઓએ ઉમેર્યું હતું કે, આ શાસ્ત્રીય સંગીતને સાંભળવા અને શિખવા યુવાનોમાં રસ વધતો જાય છે તે અમાસ માટે પણ પ્રોત્સાહક બની રહ્યું છે. આજના યુવાનો સંગીત પ્રત્યે રસ - રૂચિ ધરાવેછે તે સુચાવે છે કે ભારતનું ભાવિ ઉજ્જવળ છે.
ભારતીય સંગીતના બનારસ ધરાનાના વાતો કરતાં તેઓએ ઉમર્યું હતું કે ધરાના તો સંગીતનો એક પ્રકાર છે પરંતુ દરેક સંગીતની શાસ્ત્રીય પ્રસ્તુતિ એ ઇશ્વરની અનુભૂતિનો જ વિષય છે સંગીતએ પરમ તત્ત્વની સાધના છે તેના દ્વારકા અંતરનાદ ઉઘડે છે. જેમ સંગીતની આરાધના કરતા - કરતા સમય પસાર થાય છે તેમ અંતરનાદ વધુ ઉંડાણથી સંભળાય છે જે આપણને સર્વવ્યાપક ઇશ્વરીય તત્ત્વનો સ્પર્શ કરાવે છે.
શાસ્ત્રીય સંગીતએ વ્યકિતના અહંકારને ઓગળવાનું કામ કરે છે તેમ જણાવી તેઓએ શાસ્ત્રીય સંગીત - નૃત્ય - વાદન મળતા વિશેષ પ્રસન્નતાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું રાગ - રાગીણીઓની પ્રસ્તુતિ એ માનસિક બિમારીઓમાં આજ ઇલાજનું કામ કરી રહી છે. ભારતીય શાસ્ત્રોમાં દરેક પ્રહરનાં રાગ દર્શાવવામાં આવ્યા છે વહેલી સવારે ૪ વાગ્યે રાગ ભૈરવથી દિવસનો પ્રારંભ થાય છે ત્યારબાદ ક્રમશઃ રાગ લલીત, બટીયાર, તોડી સાંવરી, સારંગ, ભીમપલાસી, મુલતાની બાદ રાત્રે મધુવંતી, શ્રી, મારવા, શુધ્ધ કલ્યાણ, માલકૌશ દરબારી અને અંતે ભૈરવથી સમપાન થાય છે આ તમામ રાગ એ સુર્યની બદલાતી રહેલી દિશાની સાથે વ્યકિતના મુડને આનંદમાં રાખે છે. પ્રસન્નતા બક્ષે છે.
ભારતીય માતા - પિતા માટે સંગીતના સંસ્કાર બાળકોને આપવાનું કામ ધર્મમય બનવું જોઇએ તેમ કહી તેઓએ આજે જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદનાં નામે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ આપણે એક ભારતીય નથી બની શક્યા તેના પ્રત્યે દુઃખની લાગણી વ્યકત કરી હતી. ભારતના દરેક પ્રાંતમાં સંગીતનો અમુલ્ય વારસો પડયો છે તેનું જતન કરી રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવાની તેઓએ હિમાયત કરી હતી. નિઓ રાજકોટ ફાઉન્ડેશના ઉપક્રમે આજથી સપ્ત સંગીતિ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સાત દિવસ સુધી સુવિખ્યાત કલાકારોની આ કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુતિ રજૂ થશે.



























