ગઈકાલે જેતપુરના પેઢલા ચોકડી પાસે ટેન્કર હડફેટે ચડી ગયેલા સ્કુટર ચાલક એવા જેતપુરના આશાસ્પદ ડો. કમલેશ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થતા પરમાર પરિવારમાં શોક વ્યાપ્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરમાં દાસી જીવણ પરામાં રહેતા અને મોટી મારડ સરકારી દવાખાનામાં ફરજ બજાવતા કમલેશભાઈ પરમાર ગઈકાલે પોતાની ફરજ પર હાજર થવા જેતપુરથી નીકળ્યા હતા. ત્યારે તેમના સ્કુટરને પેઢલા ચોકડી પાસે એક ટેન્કર ચાલકે હડફેટે લેતા કમલેશભાઈ બુરી દશામાં ડિવાઈડર સાથ અથડાતા માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ટેન્કર મૂકી નાશી છૂટ્યો હતો.
બનાવની જાણ કરાતા સંબંધિત પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તબીબના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડ્યો હતો. બનાવ બાબતે વધુ મળતી વિગતો મુજબ કમલેશભાઈ(ઉ.વ.૨૩) એ થોડા સમય પહેલાજ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી મોટી મારડ ગામે સરકારી દવાખાનામાં ફરજ બજાવતા હતા. તેઓ ત્રણ ભાઈમાના બીજા નંબરના ભાઈ હતા. તેમજ તેમના પિતા ભજન સંગીત ક્ષેત્રે જાણીતા છે. એક એવી પણ વિગત જાણવા મળી હતી કે કમલેશભાઈએ માથા પર હેલ્મેટ પહેરી હતી. પણ ટેન્કરની ટક્કરમાં તેઓ ઉછળીને ડિવાઈડર પર પટકાતા હેલ્મેટ પણ તૂટી જતા માથામાં ગંભીર ઈજા થવાથી મોતને ભેટ્યા હતા. બનાવથી પરમાર પરિવાર અને દાસીજીવણ પરા વિસ્તારમાં શોક ફેલાયો છે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો