અનુયાયીઓ

ગુરુવાર, 27 ડિસેમ્બર, 2018

રાજકોટના સામા કાંઠે રહેતા ઘઉંના
વેપારીના આપઘાતમાં બિલ્ડર, ફાયનાન્સરો, વકીલ સામે ગુનો
 બિલ્ડર તેની પત્ની અને મળતીયાઓએ કરોડોની લોન લેવડાવી 'દગો' દેતા ઝેરી દવા પી જીંદગી ટુંકાવી લીધી

શહેરના માર્કેટયાર્ડ સામે શક્તિ સોસાયટી-૧માં રહેતા અને પેડક રોડ પર હસમુખ ટ્રેડીંગના નામે ઘઉંની પેઢી ધરાવતા હસમુખભાઈ ઘેલાભાઈ સુરાણી નામના ૪૦ વર્ષના પટેલ વેપારીએ ગઈ તા. ૨૧મીએ કાલાવડ રોડ પરના પ્રેમ મંદિર સામેના બગીચામાં ઝેરી દવા પી લેતા તેનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તેણે બિલ્ડર, ફાયનાન્સ, વકીલ સહિતના ૧૧ આરોપીઓના ત્રાસથી કંટાળી આ પગલુ ભરી લીધાની ફરિયાદ આજે તેના પત્ની દક્ષાબેને (ઉ.વ. ૩૬) બી ડિવીઝન પોલીસમાં નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ નિલેશ લુણાગરીયા તેના પત્ની હિનાબેન, જીજ્ઞોશ મનહરલાલ પટેલ, સન્ની જાનમહમદ પ્રમાણી, ફૂલરટોન ફાયનાન્સના ઈંદુભાઈ ચૌહાણ, જય કિશન માણેક, અરવિંદ પટેલ, પટેલ મેતાજી જે. રાધે, રણછોડનગરનાં અતુલ પટેલ, શૈલેષ રામજીભાઈ ભંડેરી અને એડવોકેટ કેતન મંડ વિરુદ્ધ આપઘાત માટે દૂષ્પ્રેરણા આપવી, વિશ્વાસઘાત, છેતરપીંડી કરવી, ગુનાઈત કાવતરૂ, ગાળો અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ જારી રાખી છે.

ફરિયાદમાં દક્ષાબેને જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર નિસર્ગ અને પુત્રી વેદાંતી છે. ઘઉંનો વેપાર કરતા તેના પતિને ચારેક વર્ષ પહેલા પૂર્વા ઈન્ફ્રાસ્ટ્રકશન નામની પેઢી ધરાવતા બિલ્ડર નિલેશ લુણાગરીયા કે જે એન.કે. તરીકે ઓળખાય છે તેણે કહ્યું હતું કે તમે ઘઉંના મોટા વેપારીઓ છો. આપણે બંને ભાગીદારીમાં ઘઉંનો વેપાર કરીએ. તેનાં પતિએ હા પાડતા તેને નિલેશે દેશ અને વિદેશમાં પણ ધંધો કરવાનું કહી આ માટે મોટી લોન લેવાની વાત કરી હતી.

તેની સાથોસાથ કહ્યું કે તેણે બાંધકામના પ્રોજેક્ટો માટે પોતાના નામે લોનો લીધી છે જેથી બીજી લોન મળી શકશે નહીં તેમ કહી તેના પતિને પોતાની પેઢીના નામે લોન લેવા અને તે લોનની રકમ તેની પેઢી વાપરશે અને હપ્તા પણ ભરશે તેવી વાત કરી હતી. એટલું જ નહીં તેના પતિને એમ પણ કહ્યું હતું કે જો તેને રકમ જોઈતી હોય તો તે તેની પેઢી એટલે પૂર્વા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લોન લેશે. બદલામાં વ્યાજ સહિતની રકમ તેની પેઢીને પરત કરવી પડશે. જ્યારે લોનના સંપૂર્ણ હપ્તા તેની પેઢી ભરશે તેવું નક્કી કર્યું હતું.

આ પછી નિલેશે એડવોકેટ કેતન ભંડ પાસે ભાગીદારી પેઢી માટે સમજૂતી કરાર તૈયાર કરાવ્યો હતો. જેમાં તે તેની પત્ની હીનાબેન, તેના બનેવી જીજ્ઞોશ પટેલ અને તેનો પતિ ભાગીદાર હતા. નોટરી સમક્ષ ગઈ તા. ૧૫-૭-૨૦૧૫ના રોજ આ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નિલેશે ધંધા માટે તેના પતિની પેઢીના નામે ફૂલરટોન ફાયનાન્સમાંથી ૯૧ લાખની ગઈ તા. ૬-૮-૨૦૧૫ના રોજ લોન લેવડાવી હતી. જે રકમ તેના પતિની પેઢીના ખાતામાં જમા થઈ હતી. જેનો ૧.૧૫ લાખનો હપ્તો હતો.

બીજી લોન ચોલામંડલમમાંથી ૧.૪૦ કરોડની ગઈ તા. ૧૮-૫-૨૦૧૫ના રોજ લીધી હતી. જેનો હપ્તો ૧.૭૦ લાખનો હતો. આ લોનની રકમ પણ તેના પતિની પેઢીના ખાતામાં જમા થઈ હતી. આ બંને લોનના હપ્તા સમજુતી કરાર મુજબ નિલેશે ભરવાના હતા. આ લોનની રકમ તેના પતિની પેઢીના ખાતામાં જમા થતા જ નિલેશે પોતાની પેઢીમાં ચાર તબક્કે મળી ૪૪ લાખ લઈ લીધા હતા.

આ ઉપરાંત પર્સનલી ૬ લાખ પણ મેળવ્યા હતા. તેની પત્ની હીનાબેને ૧૮ તબક્કે ૧ કરોડ ૨ લાખ ઉપાડી લીધા હતા અને નિલેશના માણસ સની પ્રમાણીના ખાતામાં ત્રણ તબક્કે ૬૫ લાખ ટ્રાન્સફર કરાવાયા હતા. આમ કુલ ૨.૧૭ કરોડ ઉપાડી લેવાયા હતા. આ બંને લોનના હપ્તા નિલેશની પેઢીએ ભર્યા ન હતા.

જેથી ફૂલરટોન ફાયનાન્સના ઈંદુભાઈ ચૌહાણ તેના પતિને સતત ફોન કરી હપ્તાની ઉઘરાણી કરી અપશબ્દો બોલતા હતા. તેના પતિ જો નિલેશને હપ્તા ભરવાનું કહે તો તે ખોટા વાયદાઓ આપી સમય પસાર કરતો હતો. નિલેશે ગઈ તા. ૧૭-૯-૨૦૧૫ના રોજ ફેરફાર કરી પેઢીમાં ભાગીદાર તરીકે તેની પત્ની અને તેના પતિને રાખી દીધા હતા. તે વખતે પણ શરતો મુજબ પૂર્વા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે જ બંને લોનના હપ્તા ભરવાના હતા તેમ છતાં તેણે હપ્તા નહીં ભરી તેના પતિ સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હતી.

આ ઉપરાંત તેના પતિએ સંબંધી જયંતિભાઈ વસોયા પાસેથી ચોટીલાના મેવાસાની જમીન ગઈ તા. ૪-૮-૨૦૧૬ના રોજ ખરીદી કરી હતી. જેના અસલ દસ્તાવેજો એડવોકેટ કેતન મંડે કરાવ્યા હતા જે અનેક વખત માંગણી છતાં દસ્તાવેજો આપતો ન હતો. ચોલામંડલમ ફાયનાન્સના ત્રણ હપ્તા ચડી જતા ૫.૧૦ લાખના ચેક રિર્ટન થયો હતો. જેનો કેસ તેના પતિ સામે થયો હતો. આ બાબતે કોર્ટની નોટીસ મળી હતી. ત્યારે ચોલામંડલમે કલેક્ટરમાં મિલ્કતનો કબ્જો લેવા કાર્યવાહી કરી હતી. તેના કાગળો મળ્યા ત્યારે તેના પતિ નિલેશ પાસે ગયા હતા અને હપ્તા ભરવાનું કહેતા તેણે ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી ફાયનાન્સવાળા તેના પતિને જાણ કરતા હોવાથી તેના પતિ સતત ચિંતામાં રહેતા હતા.

આ રીતે નિલેશ અને તેના મળતીયાઓએ તેના પતિને મરવું પડે તેવા સંજોગો ઉભા કરતા તેના પતિ તેમને વારંવાર આજીજી કરતા હતા. પરંતુ આ બધા લોકો એમ કહેતા હતા કે હવે તમે મને જવાબદાર ગણી નહીં શકો, કારણ કે બધી લોન અમારી પેઢીના નામે નહીં તમારી પેઢીના નામે લીધી છે. લોનમાં તમારી મિલ્કતો મોર્ગેજ છે. એટલે લોન અને તેના હપ્તા તમારે ભરવાના છે. જેથી નિલેશને કહ્યું કે તમે અને તમારા પત્ની, તમારા માણસો મારી પાસેથી લોનની રકમ લઈ ગયા છો. જે તમારે જ ભરવાના છે. જે બાબત રેકોર્ડ ઉપર છે. આમ છતાં નિલેશ થાય તે કરી લેવા ધમકી આપતો હતો.


અંતે તેના પતિએ નિલેશ અને તેની સાથે રહેલા તમામને ગઈ તા. ૯-૩-૨૦૧૮ના રોજ નોટીસ આપી હતી. જેનો આઘાતજનક જવાબ મળતા તેના પતિ સતત ટેન્શનમાં અને પરિવારની ચિંતા કરતા હતા. એટલું જ નહીં પરિવારના સભ્ય સાથે બહુ વાત કરતા નહીં. ગઈ તા. ૨૦ના રોજ રાત્રે પરિવારના સભ્યોએ તેના પતિને કંઈક રસ્તો નિકળી જશે તેમ કહી હિંમત અને આશ્વાસન આપ્યા હતા. પરંતુ તેના પતિએ કહ્યું કે હવે બધું જતું રહ્યું છે. નિલેશ અને તેના મળતીયાઓએ તેની સાથે છેતરપીંડી કરી છે અને તેને ફસાવી દીધો છે. હવે આ બધી તકલીફોમાંથી છૂટકારા માટે તેની પાસે કોઈ વિકલ્પ નથી તેમ કહી રડવા લાગ્યા હતા અને કહ્યું કે આ બધાને છોડતા નહીં.

ત્યારબાદ ગઈ તા. ૨૧મીએ તેના પતિ બપોરે ઘરેથી જમ્યા વગર નિકળી ગયા હતા અને મોબાઈલ પણ ઘરે મુકી ગયા હતા. પછી તેમને દવા પી લીધાનું જાણવા મળતા હોસ્પિટલ દોડી ગયા હતા. ત્યાં તેના પતિએ યુનિવર્સિટી પોલીસને એક ચિઠ્ઠી (સ્યુસાઈડ નોટ) આપી હતી. જેમાં તમામ આરોપીઓના નામો હતા અને તેના પતિએ જણાવ્યું હતું કે આ બધાના ત્રાસથી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.

આખરે ગઈકાલે તેના પતિએ સિવીલમાં દમ તોડી દીધો હતો. બી ડિવિઝનના પીઆઈ ઠાકર, પીએસઆઈ ડામોરે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે.

ટિપ્પણીઓ નથી: