જેતપુરની મુખ્ય પોસ્ટઓફિસમાં સ્ટેમ્પપેપર્સ-રેવન્યુ સ્ટેમ્પ ખલાસ
થઇ જતા પ્રજાને હેરાનગતિ
જેતપુર તા.2
જેતપુર શહેરની એમજી રોડ પર આવેલી મુખ્ય પોસ્ટઓફિસમાં છેલ્લા એક મહિના થયા જુદા જુદા દરના સ્ટેમ્પ પેપર્સ તથા રેવન્યુ સ્ટેમ્પ ખલાસ થઇ જતા પ્રજાને પારવાર હાડમારી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે.
આ બાબતે સરકારી કચેરીઓ તેમજ કોર્ટ કામગીરી સાથે સંકળાયેલા અરજદારો જણાવે છે કે જેતપુરના એમજી રોડ પર આવેલ મુખ્ય પોસ્ટઓફિસમાં છેલ્લા એક મહિના થયા રૂ.10, 20, 50, 100 ના દરના નોન જ્યુડીશીયલ સ્ટેમ્પપેપર્સ તેમજ રેવન્યુ સ્ટેમ્પ બિલકુલ ખલાસ થઇ ગયા હોય, જમીન લે વેંચના ધંધાર્થીઓ, નોટરી તેમજ સોગંદનામાં કરવા ઈચ્છતા અરજદારો તેમ વકીલ મિત્રો ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે.
આ બાબતે પોસ્ટ ઓફિસમાં પૂછપરછ કરાતા એવું જાણવા મળ્યું છે કે અહીની પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ પેપર્સ અને રેવન્યુ સ્ટેમ્પ મોકલવાની જેઓની જવાબદારી થાય છે તેવી ગોંડલ સ્થિત હેડ પોસ્ટ ઓફિસની ટ્રેઝરી શાખામાં લાયસન્સ રીન્યુ થયા ના હોય આ કચેરી તેમની હેઠળની પોસ્ટ ઓફિસોમાં સ્ટેમ્પ પેપર્સ તથા રેવન્યુ ટીકીટ મોકલી શકતી નથી. લાગતા વળગતા સતાધીશો તાકીદે જેતપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ પેપર્સ તેમજ રેવન્યુની અછતને દુર કરે તેવી પ્રજામાં માંગણી થઇ રહી છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુરના લેખકનું રાજકોટમાં સન્માન
જેતપુર : જેતપુરની સેવાભાવી સંસ્થાના પ્રમુખ, જાણીતા વાર્તાકાર અને લેખક હરીશભાઈ મણિયારનું તાજેતરમાં રાજકોટ ખાતે બજરંગ મિત્ર મંડળ આયોજિત સર્વરોગ નિદાન દરમિયાન મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરાયું હતું.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુરમાં તા.7 થી 13.5 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન
જેતપુર: શ્રી સાંઈનાથ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા સરદાર ગ્રુપ(દેસાઈ વાડી) જેતપુર દ્વારા, શામનાથ મહાદેવ મંદિર નજીકના અવેડા ચોક ખાતે, ગૌસેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. રમેશભાઈ શામળજીભાઈ જોશી ના વ્યાસાસને ચાલનારી આ કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવવાના હોય, ધર્મપ્રેમી જનતાએ કથા શ્રાવણનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
આજથી 5 વર્ષ પહેલા જેતપુર નજીકના અકસ્માતનો કેઈસ
મારુતિ ચાલકને હડફેટે લઇ ઈજા કરનાર બોલેરો ચાલકને
1 વર્ષની સાદી કેદની સજા કરતી જેતપુરની કોર્ટ
જેતપુર તા.2
આજથી પાંચ વર્ષ પહેલા જેતપુર નજીકના એક અકસ્માતમાં બોલેરો કાર ચાલકને કસુરવાર માની જેતપુરની કોર્ટે 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 1600 ફટકાર્યો હોવાનું એપીપી પંચાલે જણાવ્યું હતું.
આ અંગે મળેલી વિગતો મુજબ આજથી 5 વર્ષ પહેલા એટલેકે તા.10.3.2010 ના રોજ જેતપુર નજીક નેશનલ હાઈવે ઉપર ટોલનાકા નજીક જીજે 17 સી - 4735 નંબરની બોલેરો કાર ચાલક રીકુંજ બટુક ઠેસિયા રહે. ધોરાજી એ જીજે 5એ 287 નંબરની મારુતિ કારને પાછળથી ભટકાડી મારુતિ ચાલક ધીરુભાઈ પોપટભાઈને ફ્રેકચર જેવી ઈજાઓ કરતા ગુ.ર.નં.499/10 થી પોલીસમાં રીકુંજ સામે ઈપીકોક 279, 337, 338, તથા એમવી એક્ટ 177, 184, 134 મુજબ ગુનો નોંધાયો હતો.
જે ગુનાનો કેઈસ જેતપુરની કોર્ટમાં ચાલતા ફરિયાદ પક્ષના એપીપી ડી.બી.પંચાલ અને બચાવ પક્ષના વકીલ બી.પી.ત્રિવેદીની દલીલો વચ્ચે જજ જોય સ્નેહલકુમાર મહેતાએ બોલેરો ચાલક રીકુંજ ઠેસીયાને કલમ 279 ના ગુનો સાબિત માની 6 માસની સાદી કેદની સજા અને રૂ.500 દંડ, અને દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદ, કલમ 338 માં 1 વર્ષની સાદી કેદ તથા રૂ.1000 દંડ, અને દંડ ના ભારે તો વધુ 2 માસની સાદી કેદની સજા ફટકારી હતી.
જયારે મોટર વ્હીકલ એક્ટની કલમ 134 સાથે વાંચતા કલમ 177 ના ગુનામાં પણ રીકુંજને તકસીરવાન ઠેરવી રૂ.100 નો દંડ અને જો દંડ ના ભરે તો દિવસ-2 ની સાદી કેદની સજા કરી હતી. સરકારી વકીલ પંચાલે આ તકે જણાવેલ કે બેફિકરાઈભરી રીતે વાહનો ચલાવી બીજાની જીંદગી જોખમમાં મુકનાર કસુરવાર વાહન ચાલકો માટે આ ઘડારૂપ ચુકાદો છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
કોલેજનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ
જેતપુર: તાજેતરમાં ઓમ એન્જી.કોલેજના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ એલઈ-કોલેજ મોરબી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ઇવેન્ટ આઈએમઈસી-2015 માં બીલ્ડ બેમિશાલ બ્રીજ મોડેલ સાથે સ્પર્ધામાં ભાગ લેતા 6 વિદ્યાર્થીઓ બીજો-ત્રીજો રેન્ક મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું, જેમાં બીજો રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓમાં પુનીત અગ્રાવત(જેતલસર), પરાગ ઠુંમર તથા વાઢેર ઉદય તેમજ ત્રીજો રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓમાં જય ચનીયારા, જયદેવ ગુંજન તથા ભૌતિક કોલડીયાનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.
કશ્યપ જોશી જેતપુર 99742 62812