જેતલસર પાસે વિચિત્ર અકસ્માત, કારને હડફેટે લઇ ડમ્પર કાર ઉપર પલટી જતા
ચોકી સ્થિત SRP ટ્રેનીંગ સેન્ટરના આસિસ્ટન્ટ ડ્રિલ ઈન્સ્ટ્રકટરનું મોત
SRP જવાન પ્રતાપભાઈ ખુમાણ ઘંટેસ્વર ગ્રુપ-13-રાજકોટથી ચોકી ડેપ્યુટેશન પર મુકાયા હતા. માદરે વતન એવા અમરેલી જીલ્લાના લુવારીયા ગામે તેમજ SRP ટ્રેનીંગ સેન્ટરમાં શોકનો માહોલ..ભાઈ-બહેને પિતાની છત્રછાયા ગુમાવી !
(કશ્યપ જોશી) જેતલસર તા.24
આજે સવારે એક ડમ્પર ચાલકે જેતલસર નજીક ચોકી સોરઠના એક એસઆરપી જવાનની કારને હડફેટે લીધા બાદ ડમ્પર કાર ઉપર પલટી જતા એસઆરપી જવાનનું કરુણ મોત થયું હતું.
વિચિત્ર અકસ્માતની મળતી વિગતો મુજબ આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ જેતલસરના જંકશન રોડ પાસે જેતપુર તરફથી પુરપાટ આવતા સિમેન્ટની કાંકરી ભરેલા જીજે 9વાય 6138 નંબરના ડમ્પર ચાલકે જુનાગઢ તરફથી આવતી જીજે 6 એબી 8648 નંબરની મારુતિ ઝેનને હડફેટે લીધા બાદ આ ડમ્પર તે જ કાર ઉપર પલટી જતા કાર માચીસની જેમ ચકદાઈ ગઈ હતી.
આવા સમયે કારમાં બુરી રીતે ઘવાયેલા કાર ચાલકને લોહી લુહાણ હાલતમાં સાંકળીના મુકેશભાઈ લશ્કરી અને જેતલસરના સેવાભાવીઓએ સરકારી એમ્બ્યુલન્સ મારફતે જેતપુર સરકારી હોસ્પીટલે પહોચાડ્યા હતા. પણ કાર ચાલકને ફરજ પરના મહિલા તબીબ નીકીતાબેન પડીયાએ મૃત જાહેર કરેલ..
બીજીબાજુ તાલુકા પોલીસના ફોજદાર આર.એન.કરમતિયા, ગૌત્તમ ત્રિવેદી વી. પોલીસ સ્ટાફે મૃતકની અંગજડતી લેતા, મળી આવેલ આઈકાર્ડ, પાનકાર્ડ પરથી બહાર આવ્યું હતું કે મૃતક ચોકી સોરઠ સ્થિત એસઆરપી ટ્રેનીંગ સેન્ટરના આસીસ્ટંટ ડ્રીલ ઈન્સ્ટ્રકટર ( એડીઆઈ) પ્રતાપભાઈ દડુભાઈ ખુમાણ (ઉ.વ.37) રહે. લુવારીયા ગામ, જીલ્લો અમરેલીના હતા.
દરમિયાન બનાવની જાણ પરથી એસઆરપી ટ્રેનીંગ સેન્ટરના પીઆઈ મકવાણા, પીએસઆઈ રાણા, પીએસાઈ કાથડ, એએસઆઈ જાડેજા સહિતનો કાફલો જેતપુર સરકારી દવાખાને દોડી આવી સહકર્મચારીને મૃત હાલતમાં જોતાજ તમામ ભાંગી પડ્યા હતા.
હોસ્પિટલ ખાતે એસઆરપી અધિકારીઓ તેમજ સહ કર્મચારી ગોહિલ વિગેરે જણાવેલ કે પ્રતાપભાઈ મૂળ રાજકોટ સ્થિત એસઆરપી કેમ્પસના ઘંટેશ્વર ગ્રુપ-13 ના એડીઆઈ હતા. પણ તેઓને ડેપ્યુટેશન ઉપર ચોકીના એસઆરપી ટ્રેનીંગ સેન્ટરમાં નોકરીમાં હતા.
મૃતક ત્રણ ભાઈઓમાના સૌથી નાના ભાઈ હતા, સંતાનમાં એક પુત્ર ત્રીજું ધોરણ ભણે છે, તેમજ એક પુત્રી એચકેજીમાં અભ્યાસ કરે છે. મૃતક એસઆરપી જવાન પાછળ માતા, પિતા, પત્ની અને બે સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે.
બોક્સ: પાંચમાં અકસ્માતમાં પ્રતાપભાઈ કાળનો કોળીયો બની ગયા !!
જેતલસર : જેતપુર હોસ્પીટલે દોડી આવેલ ચોકી એસઆરપીના ગોહિલભાઈ સહિતના સહકર્મીઓએ ભીની આંખે જણાવેલ કે પ્રતાપભાઈ ખુમાણના અત્યાર સુધીમાં જુદા જુદા ચાર વાહનો કે જે તેમના મિત્રો બહાર ફરવા લઇ ગયા હોય અને અકસ્માતો થતા ગાડીના કાગળો માટે દોડધામ કરતા, અગાઉના ચાર અકસ્માતી વાહનો બદલી આ પાંચમી ઝેન કાર લઈને આજે પોતે ચોકીથી જેતપુર જવા નીકળ્યા ત્યારે જેતલસર નજીક કાળમુખા ડમ્પરની ટક્કરે અમારા સહકર્મીની જીંદગી ખલ્લાસ કરી નાંખી !!
સમાચાર અને ફોટો કશ્યપ જોશી જેતલસર જેતપુર 99742 62812









ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો