ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
આ ચૂંટણી દરમિયાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા ચૂંટણી મુકત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર તા. ૨/૦૬/૨૦૧૩ ના રોજ મતદાનના દિવસે મતદાન મથક નજીક ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી મથક ઉભુ કરવા ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.
શ્રી જે. જી. હિંગરાજીયા, (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે, ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી દરમ્યાન ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા તા. ૨/૬/૧૩ ના રોજ મતદાનના દિવસે કોઇ શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલમાં કે તેને અડીને આવી હોય તેવી જગ્યામાં/કોઇપણ મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર કોઇ ટેબલ કે ખુરશીઓ કે કોઇ મંડપ કે તાડપત્રીના ટુકડા કે છત્રીની વ્યવસ્થા કરી ચૂંટણી મથક ઉભુ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
મતદાન મથકથી ૨૦૦ મીટરનું અંતર છોડીને સંબંધિત સ્થાનિક સત્તામંડળની લેખિત પરવાનગી મેળવીને ચૂંટણી મથક ઉભુ કરી શકાશે અને તેમાં બે વ્યકિતઓ બેસી શકશે. આવા મથક ખાતે ઉમેદવારનું નામ પક્ષ/ચૂંટણી પ્રતિક દર્શાવવા માટે એક બેનર (૩x૪ ૧/૨) મૂકી શકશે આ સ્થળે ટોળુ ભેગું થઇ શકશે નહિ. ઉપરોકત હુકમનો ભંગ કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું તા. ૧/૦૬/૨૦૧૩ થી તા. ૨/૬/૨૦૧૩ સુધી બંને દિવસો સહિત ૨ બનાસકાંઠા સંસદીય મતવિસ્તારમાં સમગ્ર વિસ્તારને લાગુ પડશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો