લોહાણા મહાજન દ્વારા રવિવારે જેતપુરમાં થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન
જેતપુર તા.15
આગામી તા.17.5. ને વિશ્વ થેલેસેમિયા દિન નિમિત્તે જેતપુરમાં લોહાણા મહાજન દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાઈટી અને લોહાણા મહા પરિષદના આર્થિક સહયોગ વચ્ચે થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીના ફૂલવાડી રોડ પર આવેલ જૂની લોહાણા મહાજન વાડી ખાતે સવારના 10 થી 1 વાગ્યા દરમિયાન યોજાનાર આ કેમ્પનો માત્ર લોહાણા જ્ઞાતિના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો, 35 વર્ષથી નાના પરણિત-અપરણિત ભાઈ-બહેનો, તેમજ સગર્ભા બહેનો લાભ લઇ શકશે. કેમ્પનો લોહાણા જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં લાભ લ્યે તેવો જેતપુર લોહાણા મહાજનના મંત્રી સૂર્યકાંતભાઈ મગેચા અને લોહાણા જ્ઞાતિ અગ્રણી શાંતિલાલ માધવાણીએ અનુરોધ કર્યો છે.
રાજકોટ જીલ્લા તાલુકા પંચાયત કન્વીનર નિમાયા
જેતપુર તા.15
તાજેતરમાં રાજકોટ જીલ્લા કર્મચારી સંઘની બેઠક મળી હતી. જેમાં સંઘના પ્રમુખ નલીનભાઈ ડઢાણીયાએ જેતપુર તાલુકા પંચાયતના સીનીયર ક્લાર્ક જે.બી.અગ્રાવતને રાજકોટ જીલ્લા તાલુકા પંચાયતના કન્વીનર તરીકે નિયુક્ત કરતા, જેતપુર ત.ક.મંત્રી મંડળના એ.વી. સાકરિયા, અશોકભાઈ પંડયા, તાલુકા પંચાયતના તમામ સ્ટાફ, આઈ.આર.ડી.તેમજ આઈ.સી.ડી.એસ.ના તમામ કર્મીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
આખું ગામ આ દરવાજામાંથી પસાર થતું હોય..
જેતપુરના અમરનગર ગામના મુખ્ય
પ્રવેશદ્વારની જર્જરિત હાલત સુધારવા માંગ
જેતપુર તા.15
જેતપુર તાલુકાના અમરનગર ગામમાં પ્રવેશવાના અને માધમેડી તરીકે ઓળખાતા મુખ્ય પ્રવેદ્વારની હાલત જર્જરિત બની હોય, તાકીદે મરામત કરાવવા સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર ગામમાં જવાના, રાજા રજવાડાઓએ બનાવેલ મુખ્યપ્રવેશદ્વાર(માધમેડી) ની હાલત વર્તમાન દીવસોમા ભયજનક બની છે. આ પ્રવેશદ્વારમાંથી રોજ આખું ગામ પસાર થાય છે. જર્જરિત પ્રવેશદ્વાર કોઈ દિવસ અકસ્માત સર્જી, કોઈના સેન્થાનો સિંદુર ભૂંસી નાખે કે કોઈના ભરથાર, બાળ, બચ્ચાઓનો ભોગ લ્યે તે પહેલા સંબંધિત સરકારી તંત્રે તાકીદે આ પ્રવેશદ્વારનું મરામતકાર્ય હાથ ધરવું જોઈએ તેવું ભીખુભાઈ જયસ્વાલ સહિતના રહીશોની માંગ છે.
જેતપુરના વાળાડુંગરા ગામે આગામી તા.21 થી 23.5 દરમિયાન
શ્રી જાગૃત હનુમાનજી મંદિરના ત્રિદિવસિય
પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન
જેતપુર તા.15
જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે શ્રી જાગૃત હનુમાનજીના મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું દબદબાભેર આયોજન કરાયું છે.
આ બાબતે વિગતો આપતા વાળાડુંગરના સરપંચ ભૂપતભાઈ સોલંકીએ જણાવેલ કે આગામી તા.21.5. થી 23.5. દરમિયાન શ્રી જાગૃત હનુમાનજી મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આચાર્યો તરીકે લલીતભાઈ ઠાકર, અનિલભાઈ ઠાકર ઉપસ્થિત રહી, વૈદિક, શાસ્ત્રોક વિધિ વચ્ચે તા.21.ના રોજ હોમ-હવન સાથે સવારના 8 કલાકથી દેહશુદ્ધિ, ગણપતિ પૂજા સંપન્ન કરાવશે. તા.22.5. નારોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે સવારના 9 થી 12 વાગ્યા દરમિયાન રોટરી કલબ જેતપુર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાશે.
જેતલસર, ઉમરાળી, હરીપર વી.ગામોના સંતો મહંતો તેમજ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજ્યમંત્રી જયેશ રાદડિયા, રાજુભાઈ હિરપરા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોટેરિયનમિત્રો તેમજ મેવાસા, ઉમરાળી, જેપુર, જાંબુડી, રબારીકા, સેલુકા, થોરાળા, વીરપુર અને ખીરસરા વી.ગામોના સરપંચોની હાજરી-સહયોગ વચ્ચે તા.23.5 ના રોજ મારુતિ હનુમાન યજ્ઞ, મૂર્તિ ન્યાસ, મૂર્તિ પ્રતિષ્ઠા, પુર્ણાહુતી-મહાઆરતી બાદ રાતીના 11 વાગ્યે મંદિર સ્થળે ધીરુભાઈ સરવૈયાના હાસ્યનો કાર્યક્રમ રાખેલ છે.
બોક્સ: તા.23 ના રોજ નિવૃત કર્મીઓને વિદાયમાન
જેતપુર: વાળાડુંગરા ગામના તલાટી અશોકભાઈ પંડયા(જેતલસર)એ જણાવેલ કે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે, તા.23.5. નારોજ રાત્રીના 9 વાગ્યે, ગામની શાળાના આચાર્ય તેજાભાઈ ગજેરા, મેવાસની વિદ્યાલયના ક્લાર્ક પાંચાભાઈ ચાવડા, જેતપુરની કમરીબાઇ શાળાના શિક્ષક ભીખુભાઈ ગુજરાતી તથા તલાટી મંત્રીઓ વાય મર્યાદાના કારણે નિવૃત થતા હોય તમામને ભાવભેર વિદાયમાન અપાશે. આમ ઉક્ત ત્રણેય દિવસ દરમિયાન ધર્મપ્રેમી જનતાએ પ્રતિષ્ઠા, રક્તદાન, ડાયરો તેમજ વિદાયમાન કાર્યક્રમમાં જોડવા સરપંચ ભુપતભાઈ સોલંકીનો અનુરોધ છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
તાક: વાળાડુંગરાના સમાચાર મંદિરના ફોટો સાથે લેવા વિનંતી છે.