જેતલસર પંથકનું એક ગામ, નવી સાંકળી જ્યાં...
ચાની એક પણ દુકાન નથી ! ગુટખા વેંચાણ પર પ્રતિબંધ !
ગામમાં દરેક શેરી-રોડ સીસીથી પાકા, ઘરે ઘરે કબૂતરના માળા, ટ્યુબ લેવલથી પાણી વિતરણ ગામની ખાસિયત !
(કશ્યપ જોશી) જેતલસર તા.17
જેતલસર પંથકના 12 ગામો પૈકીના એક નવી સાંકળી ગામના લોકોની રહેણી-કેહણી, જીવનશૈલી અને ખાસિયતો જાણવા જેવી છે.
આજથી આશરે 150 વર્ષ પહેલા થાણાદેવળી(અમરનગર) સ્ટેટના રાજાશાહીનો દબદબો હતો ત્યારે આ સ્ટેટના ગણાતાં જૂની સાંકળીના દરબાર પરિવારોના ભાઈઓમાં ભાયુંભાગ પડતા નવી સાંકળી અસ્તિત્વમાં આવ્યું હતું.
આવા સમયે ગણ્યાંગાંઠ્યા જ ખેડૂતો હોય, તેમજ તમામ સુખી સંપન્ન, ઢોર- ઢાંખર ધરાવતા હોય, બધા દૂધ, છાસ, દહીં, માખણ અને ધી નો છૂટથી ખાવાપીવામાં ઉપયોગ કરતા. મોટાભાગના બધા નિર્વ્યસની હતા. અમુક બીડીના બંધાણી હતા, પણ દુધની વ્યાપક ઉપજથી કોઈને ચાના પીણાનું વ્યસન નહોતું, એટલે ચાની દુકાન કરવી પડે તે વાતને કોઈ સ્થાન અપાયું નહોતું..
આટલી વાતો પછી ગામની ખાસિયતો અને સુવિધાઓ પર પ્રકાશ ફેંકતા 96 વર્ષની જૈફ વય ધરાવતા જેરામભાઈ જેઠાભાઈ ઠુંમર નામના ખેડૂત આતાએ જણાવેલ કે ભાઈ ગામમાં કોઈ એક કિલો ફરસાણ બનાવે તોય ખાધા વગર બગડી જતું !
માત્ર વીશેક ખાતેદાર ખેડૂતોથી વસેલો નવી સાંકળી ગામનો ટીંબો અત્યારે 740 જનસંખ્યા, 6 વોર્ડમાં વસેલું અને 521 મતદારોનું ગામ બની ગયું છે. આજે અહી 150 જેટલા ખાતેદાર ખેડૂતો ખેતીકામ કે નાના મોટા ધંધા, રોજગાર અને વ્યવસાયો સાથે સંકળાયેલા છે. ગામના વયોવૃધ્ધો ધર્મપરાયણતામાં રચ્યા પચ્યા રહે તે માટે અહી શ્રી રામજી મંદિર, શિવ મંદિર અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો પણ બંધાયેલા છે.
બોક્સ: ગામમાં ગુટખા વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ !
જેતલસર: ગામના સેવાભાવી યુવાન મુકેશભાઈ લશ્કરી સહિતના યુવાનોએ જણાવેલ કે નવી સાંકળીમાં અત્યારે પાંચેક પાન-સોડાની દુકાનો છે, પણ ગુટખા વેંચાણ પર સ્વયં દુકાનદારોએ પ્રતિબંધ લાદયો હોય ગામની એક આ ખાસિયત ગણાવાય છે.
બોક્સ: ઘરે ઘરે કબુતર-પક્ષીઓના માળા !
જેતલસર: વર્તમાન હાઈટેક યુગમાં દયા-પ્રેમની લાગણીઓનું અધઃપતન થતું જોવા મળે છે ત્યારે નવી સાંકળીના પ્રજાજનોનો પક્ષીપ્રેમ છાપરે ચડીને પોકારતો હોય તેમ અહી ઘરે ઘરે કબૂતરના-પક્ષીઓના માળા જોવા મળ્યા હતા. આવા માળાઓ ઘરે ઘરે લટકાવાની સેવામાં ગામના પ્રભુદાસભાઈ ગીરધરભાઈ રૂપાપરા ઉર્ફે દાસભાઈની ઉઘાડા પગે કરાતી સેવાની સૌમાં સરાહના થતી સાંભળવા મળી હતી. દાસભાઈ ગામની જય અંબે ગરબી મંડળમાં પણ પોતાની સેવાનું મહત્તમ યોગદાન આપતા હોવાનું જાણવા મળ્યું હતું..
બોક્સ: ટ્યુબ લેવલથી પાણી વિતરણ, અન્ય ગામોએ ધડો લેવા જેવું !!
જેતલસર: ગામના પ્રભુદાસભાઈ ઉર્ફે દાસભાઈએ પોતાની માસ્ટરી દ્વારા નવી સાંકલીમા રહેણાંક મકાનના ડેલે ડેલે ટ્યુબ લેવલથી પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં પહેલા ગામનું પાણી વિતરણ ટાંકીમાંથી પાણી છોડાય ત્યારે પાણી સૌ પ્રથમ મકાનોના ડેલા બહાર ઉભા કરાયેલ નળમાંથી નીચેના પાઈપમાં પાણી છોડાય છે જે પાઈપ વાટે પાણી ઘરમાં આવે છે. આવી વ્યવસ્થાથી કોઈ દિવસ કોઈને પાણી ખેંચવા ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવો પડતો નથી. આજુબાજુના કે જેતપુર તાલુકા બહારના ગામડાઓના પંચાયતસુત્રોએ નવી સાંકળી પહોચી દાસભાઈએ અમલી બનાવેલ ટ્યુબ લેવલથી પાણી વિતરણનો ધડો લેવો જોઈએ..
બોક્સ: છેલ્લા 30 વરસથી સમરસ થતા
નવી સાંકળીમાં અત્યારે 9 માં સરપંચનું રાજ !
જેતલસર: નવી સાંકળીના વયોવૃદ્ધ જેરામબાપા સહિતના લોકોના કહેવા અનુસાર આ ગામમાં અત્યાર સુધીમાં એટલેકે જ્યારથી નવી સાંકળી પંચાયત બની ત્યારથી 9 સરપંચોના પંચાયતમાં રાજ ચાલ્યા. તેમાં સૌ પ્રથમ ડાયાલાલ પોપટલાલ પંડયા, હરિભાઈ રણછોડભાઈ રૂપાપરા, કરમશીભાઈ નાથાભાઈ ઠુંમર, વેલજીભાઈ પોપટભાઈ રૂપાપરા, વજુભાઈ વસ્તાભાઈ વાલાણી, રમેશભાઈ નારણભાઈ રૂપાપરા, નીતાબેન લખુભાઈ વાલાણી, કુમનભાઈ છગનભાઈ ઠુંમર તથા વર્તમાનમાં કાંતાબેન ભગવાનજીભાઈ રૂપાપરા સરપંચ તરીકે સેવા આપે છે. મુકેશ લશ્કરી સહિતના યુવાનોએ જણાવેલ કે 1985 થી નવી સાંકળી ગામની પંચાયત સમરસ થતી આવે છે. હાલ આ ગામમાં સૌથી મોટી ઉમરના ગોબરભાઈ ભાણાભાઈ માંગરોલીયા હયાત છે.
સમાચાર અને ફોટો કશ્યપ જોષી- જેતલસર(જેતપુર) 9974262812
ફોટો ની વિગત :
1..સિમેન્ટના રસ્તાઓની સુવિધાવાળું નવી સાંકળી ગામ, ઇન્સેટમાં જેરામબાપા વિગતો આપતા દેખાય છે.
2..ગામલોકોનો પક્ષીપ્રેમ, ઘરે ઘરે કબૂતરના માળા દેખાયા..
3..પાન માવાની દુકાનો પણ ગુટખા વેંચાણ પર સદંતર પ્રતિબંધ..
4..ટ્યુબ લેવલ પાણી વિતરણના જન્મદાતા દાસભાઈ આ સુવિધા બતાવતા દેખાય છે.







ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો