LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 25 માર્ચ, 2012
વલસાડની કેરી હવે દુનિયાના ખૂણેખૂણામાં પહોંચશે : વલસાડી હાફૂસની સોડમ વિશ્વ સમસ્તના કેરી પ્રેમીઓનું મન મોહી રહી છે વલસાડની કેરી તથા શાકભાજીના નિકાસકારો સાથે યોજાઇ જિલ્લા પ્રશાસનની ઉપયોગી બેઠક :
વિશ્વ સમસ્તમાં જેની સોડમ ફેલાઇ ચૂકી છે તે વલસાડી હાફૂસ કેરીનો સ્વાદ દુનિયાના દરેક કેરી પ્રેમીઓને મળી શકે, અને વલસાડના કેરી પકવતા ધરતીપુત્રોને તેનું વૈશ્વિક બજાર ઉપલબ્ધ થઇ શકે તેવા આશય સાથે વલસાડ જિલ્લા પ્રશાસન અને વિદેશોમાં કેરીની નિકાસ કરતા નિકાસકારોની એક અગત્યની બેઠક તાજેતરમાં વલસાડ ખાતે યોજાઇ ગઇ.
વલસાડ જિલ્લામાં મબલખ પ્રમાણમાં પાકતી હાફૂસ, કેસર અને તોતાપુરી કેરી તથા કારેલા, દૂધી, પરવળ જેવા વેલાવાળા શાકભાજીની માંગ દેશના સીમાડા ઓળંગીને હવે દરિયાપારના દેશોમાં વધવા પામી છે. આ માંગને પહોંચી વળવા, તથા વલસાડની કેરી અને શાકભાજીને વૈશ્વિક ઓળખ મળે તથા ખેડૂતોને તેના પોષણક્ષમ ભાવો પ્રાપ્ત થાય અને વપરાશકારોને ગુણવત્તાયુક્ત ફળ તથા શાકભાજી નિયમિત અને સમયસર મળી રહે તેવું શિસ્તબધ્ધ આયોજન ઘડી કાઢવા વલસાડ કલેકટર શ્રી એલ.સી.પટેલે આ બેઠકમાં માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું.
બી.એન.કે.એગ્રી એન્ડ એક્સપોર્ટ પ્રા.લી. સૂરત, સાચી એક્સપોર્ટ ઇન્ડિયા પ્રા.લી. ધરમપુર તથા ભારતીય વૉલમાર્ટ જેવી નિકાસકાર કંપનીઓના પ્રતિનિધિઓ, ઘરેલું બજાર તથા વિશ્વ બજારમાં કાર્યરત એજન્સીઓ, શાકભાજીના ઉત્પાદનમાં અમૂલ્ય યોગદાન અને માર્ગદર્શન આપનારી ધરમપુરની ઍનાર્ડે જેવી સંસ્થા, જિલ્લાનું બાગાયત તંત્ર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપૂલભાઇ જાદવ સહિત રસ ધરાવતા મહાનુભાવોની સાથે જિલ્લા પ્રશાસનની યોજાયેલી આ બેઠકમાં કલેકટર શ્રી પટેલે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
વલસાડ બ્રાંડ કેરીની નિકાસ અંગે જરૂરી પરામર્શ અને વિચાર વિનિમય માટે યોજાયેલી આ બેઠકની ફળશ્રૃતિ કેરીની આગામી મોસમમાં જોવા મળશે, તેવો આશાવાદ જિલ્લાના બાગાયત અધિકારી શ્રી ચૌધરીએ બેઠકમાં વ્યક્ત કર્યો હતો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો