અનુયાયીઓ

રવિવાર, 23 ઑગસ્ટ, 2015

1442 લાભાર્થીઓને રૂ.70.76 લાખની સહાય અર્પણ

જેતપુરમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યમંત્રી જયેશ રાદડીયાના હસ્તે
1442 લાભાર્થીઓને રૂ.70.76 લાખની સહાય અર્પણ 
સરકારની 21 યોજનાઓની સાધન સહાય અર્પણ કરાઈ, ગરીબ લાભાર્થીઓ ખુશખુશાલ...
જેતપુર તા.23
જેતપુરની માર્કેટ યાર્ડમાં આજે જેતપુર-ગોંડલ પ્રાંત કક્ષાના યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના હસ્તે 1442 લાભાર્થીઓને રૂપિયા 70 લાખ 76 હજારની વિવિધ સાધન સહાય અર્પણ કરાતા ગરીબ લાભાર્થીઓ ખુશખુશાલ દેખાતા હતા.

રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદીપ વાળા(ગુજરાત રાજ્ય પછાત વર્ગ વિકાસ નિગમ), ડો.વલ્લભભાઈ કથીરિયા, જીલ્લા પંચાયત પ્રમુખ કંચનબેન બગડા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, યાર્ડ ચેમેન દિનેશ ભુવા, ગોંડલ પાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભી, જેતપુર ડાઈંગ એશોશીયેશનના પ્રમુખ રાજુભાઈ પટેલ વિગેરે અગ્રણી આગેવાનોની હાજરીમાં પ્રસંગોચિત બોલતા જયેશ રાદડીયાએ જણાવેલ કે, રાજ્યના છેવાડાના માનવી-લાભાર્થીઓ સુધી હાથો હાથ સરકારી સહાયો પહોચે તે માટે, ગરીબો સરકારની નાની મોટી સહાયોથી આર્થિક પગભર બને, અને આર્થિક સ્થિતિ સુધારે તે માટે ગુજરાત સરકારે શરુ કરેલા ગરીબ કલ્યાણ મેળાના આયોજનો સાચેજ ગરીબો માટે કલ્યાણકારી નીવડી રહ્યા છે.

સરકારની વિવિધ 21 યોજનાઓના 1442 લાભાર્થીઓને રૂપિયા 70.76 લાખની સાધન સહાય અર્પણ કરાઈ ત્યારે ગરીબ પરિવારજનોમાં ખુશાલી સાથે હર્ષાશ્રુ પણ જોવા મળ્યા હતા.  આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ માહિતી ખાતા દ્વારા લોક સાહિત્ય ડાયરાનો કાર્યક્રમ રજુ કરાયો હતો. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ગરીબો માટે ગરીબ કલ્યાણ મેલા આશીર્વાદરૂપ બની રહ્યા હોવાના આનંદ વ્યક્ત કરતા વક્તવ્યો આપ્યા હતા. જ્યારે ઉપસ્થિત અધિકારીગણ સહિતના મહેમાનોને ગોંડલના ડેપ્યુટી કલેકટર જાડેજાએ સૌને આવકાર્યા હતા. તો જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ આભારવિધિ કરી હતી.

બોક્સ: સ્વર્ગીય ખાતેદાર ખેડૂતોના પરિવારજનોને પણ સહાય 
જેતપુર : ગરીબ કલ્યાણ મેળા દરમિયાન ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ, માર્કેટિંગ યાર્ડ જેતપુર દ્વારા ગ્રુપ પર્શનલ વીમા યોજના હેઠળ અકાળે સ્વર્ગીય બનેલા ખાતેદાર ખેડૂતોના જેતપુર તાલુકાના થોરાળા, રૂપાવટી, અકાળા, સમઢીયાળા, નવી સાંકળી અને પાંચ પીપળા ગામોમાં વસતા પરિવારજનોને રૂપિયા 2-2 લાખના ચેક જેતપુરના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાના હસ્તે અર્પણ કરાયા હતા.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

શુક્રવાર, 21 ઑગસ્ટ, 2015

જેતપુરમાં આવતીકાલે ગરીબ કલ્યાણ મેળો

જેતપુરમાં આવતીકાલે ગરીબ કલ્યાણ મેળો 
જેતપુર તા.21
જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ માર્કેટ યાર્ડ ખાતે આવતીકાલ તા.23 ના રોજ જેતપુર અને ગોંડલના લાભાર્થીઓ સરકારનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. સવારના 9-30 કલાકથી શરુ થનાર આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, ગુજરાત ગૌ વિકાસ નિગમના ચેરમેન વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ કંચનબેન બગડા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ગોડલ પાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભી, ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખ સુમિતાબેન ડોબરિયા, માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ વિગેરેની હાજરીમાં ગુજરાત સરકારની વિવિધલક્ષી કલ્યાણ યોજનાઓના લાભો છેવાડાના લાભાર્થીઓને હાથોહાથ અપાશે, વિતરણ કરાશે તેવું જેતપુર અને ગોંડલ વહીવટ તંત્ર જણાવે છે.


જેતપુરમાં પોલીસની કડક સુચના પછી પણ 
મટનની દુકાનો ચાલુ હોવાની રાવ 
જેતપુર તા.21
શહેરના તમામ હિંદુ સંગઠનોએ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માંસ, મટનની દુકાનો બંધ રાખવાનું પોલીસ સહીત તમામ સત્તાધીશોને થોડા દિવસો પહેલા આવેદનો આપ્યા હતા.
પરિણામે સ્થાનિક પોલીસે આવા ધંધાર્થીઓની જગ્યાઓ પર રૂબરૂ જઈને અને પોલીસ થાણે પણ બોલાવીને કડક સૂચનાઓ આપી હતી કે કોઈ સમાજની ધાર્મિક લાગણી દુભાવાનો પ્રશ્ન ઉભો થાય ત્યારે સહકારની ભાવના વ્યક્ત કરી પોતપોતાના માંસ મટનના ધંધા રોજગારો બંધ રાખવા.

આવી સુચના પછી અનેક મુસ્લિમ ધંધાર્થી ભાઈઓ કે જેઓ આવા ધંધા સાથે સંકળાયેલા છે તેઓએ સહ્કારાત્મક વલણ અપનાવી પોતાના ધંધા હાલ બંધ કરી દીધાની વિગતો મળી રહી છે. કારણ આ તમામ મુસ્લિમ બિરાદરો જેતપુરમાં વર્ષો થયા હિંદુ-મુસ્લિમ વચ્ચેનો ભાઈચારો ટકાવવા માંગે છે. 
પણ કહેવાય છે કે હાથની પાંચેય આંગળીઓ સરખી ના હોય ! 

તેમ અહીના તાલુકા પંચાયત કચેરી નજીક આવેલ વોરા વોંકળી કાંઠે રહેતા અને કરિયાણાની દુકાનોની આડશ પાછળ અમુક વેપારીઓ દુકાનોના બે શટરોમાનું એક શટર બંધ કરી મુરઘી મટનનો ધોમધોકાર વેપલો કરતા હોય, ખુદ આવા ધંધા સાથે સંકળાયેલ અમુક વેપારીઓએ આજે સ્થાનિક પત્રકારોને વિગતો આપી જણાવ્યું હતું કે, અમે જો ધંધો બંધ કરી હિંદુ સમાજની લાગણી-માંગણી સમજી સહકાર આપતા હોય તો બીજા કેમ નહિ ? 
ત્યારે પોલીસ તંત્રએ ઉપરોક્ત સ્થળે અને વિસ્તારમાં સુચના પછી પણ માંસ મટનની દુકાનો ચાલુ  રાખતા વેપારીઓ સામે શિક્ષાત્મક લાલ આંખ કરવી જરૂરી હોવાની માંગ ઉઠી છે.


જેતપુરમાં વીર ચાંપરાજવાળા પ્રતિમા અનાવરણ તિથી નિમિત્તે 
26મીએ ભવ્ય લોકડાયરાનું આયોજન
જેતપુર તા.21
જેતપુરમાં વીર ચાંપરાજવાળા પ્રતિમા અનાવરણ તિથી નિમિતે તા.26 મી ઓગસ્ટે, અહીના વીર ચાપરાજવાળા યુવક મંડળ અને શહેર તેમજ તાલુકા વિસ્તારના કાઠી ક્ષત્રીય સમાજના  નાના મોટા આગેવાનો દ્વારા અહીના જીમખાના મેદાનમાં  રાત્રીના 9 વાગ્યે લોકડાયરાનું આયોજન કરાયું છે.
આ દિવસે બપોરે વીર ચાપરાજવાળા બાપુની બારીયેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં જોડવા સમાજના તમામ કાર્યકરો, આગેવાનોને અનુરોધ  કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


રૂપાવટી ગામે ચાલતા ભવ્ય ભક્તિ મનોરથમાં એક મહિનો ભક્તિના રંગે રંગાશે હજારો ભક્તો !

શ્રી લાલજી ધૂન કીર્તન મંડળ દ્વારા જેતલસર પંથકના 
રૂપાવટી ગામે ચાલતા ભવ્ય ભક્તિ મનોરથમાં 
એક મહિનો ભક્તિના રંગે રંગાશે હજારો ભક્તો !
તા.15-8 થી તા.13-9 એમ આખો શ્રાવણ માસ દરમિયાન ચાલનાર ભક્તિ મનોરથનો લાભ લેવા  ધર્મપ્રેમી જનતાને અનુરોધ 

જેતલસર તા. 21
જેતલસર પંથકના રૂપાવટી ગામે છેલ્લાં 20 વર્ષ થયા કાર્યરત શ્રી લાલજી ધૂન કીર્તન મંડળ દ્વારા ગામના ગોપાલભાઈ બાલધાના  નિવાસસ્થાને આખો શ્રાવણ માસ દરમિયાન ચાલનારા અને શરુ થયેલ ભક્તિ મનોરથમાં રોજ રાત્રીના બહોળી સંખ્યામાં ભક્તજનો ભક્તિના રંગે રંગાતા હોવાની વિગતો મળી રહી છે.
આ બાબતે વિગતો આપતા આયોજક ગણના ગોપાલભાઈ, ભાવેશભાઈ તથા ચિરાગભાઈએ જણાવેલ કે તેઓના રૂપાવટી ગામમાં છેલ્લાં 19 વર્ષથી ચાલતા શ્રી લાલજી ધૂન કીર્તન મંડળના 20 માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આ વાતને ધાર્મિક કાર્યક્રમોથી વધાવવા માટે આખો શ્રાવણ મહિનો ભક્તિ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.

ગામના કનૈયા ગ્રુપ, ગજાનંદ ગ્રુપ, જય સરદાર ગ્રુપ, સ્વાધ્યાય યુવા ગ્રુપ, ગોપી મંડળ, પ્રેમવતી મહિલા મંડળ, જય ખોડલ લેઉવા પટેલ સમાજ, કામધેનું ગૌ રક્ષક ગ્રુપ અને જય ભગીરથ યુવક મંડળ એમ તમામ ધાર્મિક મંડળોના સાથ સહકાર વચ્ચે તા.15.8 થી તા.13.9 સુધી ચાલનારા આ ભક્તિ મનોરથ કાર્યક્રમમાં જેતલસર, ચાંપરાજપુર, વાંકુંના ખારચિયા, ખજૂરી ગુંદાળા, બોરડી સમઢીયાળા, જેતપુર, દેવકીગાલોલ, બામણગઢ, ખીરસરા, ફરેણી અને રાજકોટ વિગેરે શહેરો અને ગામોના ભક્તિ કીર્તન મંડળો પધારી પોતાના કાર્યક્રમો રજુ કરશે, તો નવા રણુંજાથી પુ. કરશનદાસ બાપુ, જેતપુર, નવાગઢ, ફરેણી અને અમરેલીના સંતો મહંતો રૂપાવટી ગામે પધારી પોત પોતાની અમૃતવાણી અને દર્શનનો લાભ આપનાર હોય, ધર્મપ્રેમી જનતાએ આ ભવ્ય ભક્તિ મનોરથનો લાભ લેવા ગોપાલભાઈ બાલધા સહિતના આયોજક ભક્તગણે અનુરોધ કર્યો  છે.

કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર) 9974262812

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015

જેતપુરમાં રૂ.117.50 લાખના ખર્ચે તાલુકા પંચાયત ભવન બનશે..

જેતપુરમાં રૂ.117.50 લાખના ખર્ચે તાલુકા પંચાયત ભવન બનશે..
રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના હસ્તે તા.પં.ભવનનું ખાતમુહુર્ત કરાયું, શહેરમાં ચાલતા 
નબળા ભૂગર્ભ ગટર કામને બ્રેક મરાવી બીજી એજન્સીને કામ સોંપાવતા રાજ્ય મંત્રી..

જેતપુર તા.20
જેતપુર તાલુકા પંચાયત ભવનની જર્જરિત અવસ્થાને ધ્યાને લઇ, સ્થાનિક આગેવાનોની અવારનવારની રજુઆતોને પ્રાધાન્ય અપાવી સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાએ આજે પોતાની અંગત જહેમત વચ્ચે મંજુર થયેલ 117.50 લાખના ખર્ચે બનનાર જેતપુર તાલુકા પંચાયત ભવનનું આજે સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં ખાતમુહુર્ત કર્યું હતું.

મળતી વિગતો મુજબ જેતપુર શહેર અને તાલુકા ભરના આગેવાનોની હાજરીમાં ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાએ તાલુકા પંચાયત ભવનનું શાસ્ત્રોક વિધિથી ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત કર્યું હતું. આ તાલુકા પંચાયત ભવન સરકારની 100 ટકા ગ્રાન્ટમાંથી બનશે જે સુવિધા જેતપુર તાલુકાના તમામ ગામોના નાગરિકોને મળતી થશે.

માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ, પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પી.જી.કયાડા સહિતના ભાજપના આગેવાનોની હાજરીમાં રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ અન્ય વિગતો આપતા જણાવેલ કે તેમના પિતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની રૂપિયા 3 કરોડની ગ્રાન્ટમાંથી જેતપુર, જામકંડોરણા તાલુકામાં વિકાસના કામો વેગવંતા બનાવાયા છે.

જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા શહેરોમાં પાણીની કાયમી સમસ્યા હલ થાય તે માટે રૂપિયા 600 કરોડની નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનાને રાજ્ય સરકારે મંજુર કરતા આ યોજના સાકાર કરવા ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તો જેતપુર અને જામકંડોરણાને પાઈપલાઈન વાટે ગેસ મળતો થાય તેનું કામ યુધ્ધના ધોરણે હાથ ધરાયું છે. આ તકે ઉપસ્થિત સૌ આગેવાનોએ પ્રસંગોચિત વક્તવ્યો આપી શહેરમાં નિર્માણાધીન તાલુકા પંચાયત ભવનની સેવા પરત્વે હરખ વ્યક્ત કર્યો હતો.

બોક્સ: ભૂગર્ભ ગટરના નબળા કામને રોકાવતા રાજ્ય મંત્રી રાદડિયા 
જેતપુર : જેતપુર શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની નબળી  કામગીરીની વ્યાપક ફરિયાદો બાદ ગિન્નાયેલા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ વર્તમાન કંપનીનો કોન્ટ્રાકટ રોકાવી અન્ય સંસ્થાને શહેરની ભૂગર્ભ ગટરની કામગીરી સોંપી હોવાનું જાણવા મળ્યું હતું, જયેશભાઈએ પોતાના વક્તવ્યમાં એવો પણ ધ્રુજારો વ્યક્ત કર્યો હતો કે વિકાસના કામો હાથ ધરાવવામાં કોઈ કચાસ નહિ રખાય, પણ વિકાસના કામોમાં લાલિયા વાડી કે લોટ, પાણી અને લાકડા જેવી કોઈની નીતિ પ્રત્યે બેધ્યાનપણું નહિ દાખવીએ, સમજીને વિકાસના કામો કરવા !

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી - જેતપુર - જેતલસર 

બુધવાર, 19 ઑગસ્ટ, 2015

ચકડોળ પરથી ગબડેલા બિહારી યુવાનનું જેતપુરમાં સારવાર દરમીયાન મોત

સુલતાનપુરમાં ચાલતા દશામાના મેળામાં ચાલતા ટ્રાયલ દરમિયાન 
ચકડોળ પરથી ગબડેલા બિહારી યુવાનનું જેતપુરમાં સારવાર દરમીયાન મોત 
15 ફૂટ ઉંચેથી ચકડોળ પરથી ગયા રવિવારે ગબડ્યો હતો, ચાર દિવસની સારવાર દરમિયાન જીંદગી ખલ્લાસ થઇ ગઈ !!
જેતપુર તા.19
આજથી ચાર દિવસ પહેલા ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ચાલતા મનોરંજક મેળામાં ચકડોળ પરથી ગબડેલા એક બિહારી યુવાનનું આજે જેતપુરની ખાનગી હોસ્પીટલમાં સારવાર દરીમીયાન મોત થતા શહેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જે પોષતું તે મારતું તેવી કહાવત જાણે અક્ષરશઃ સાબીત થઇ હોઈ તેમ સૌરાષ્ટ્ર ગુજરાતના જુદા જુદા લોકમેળાઓમાં ચકડોળ સંચાલકો સાથે મજુરી કામે રહી પોતાના પરીવાનના ગુજરાનમાં મદદ કરતા અને ગોંડલના સુલ્તાનપુર ગામે રહેતા મૂળ બિહારના આકાશ કુમાર રવિદાસ ચમાર ઉ.વ.20 નામનો યુવાન ચાર દિવસ પહેલા સુલતાનપુર ગામે દશામાના શરુ થયેલ મેળામાં એક ચકડોળના ટ્રાયલ દરીમીયાન ગયા રવિવારે 15 ફૂટ ઉંચેથી નીચે ગબડતા તેમને હાથે અને માથામાં ગંભીર ઈજાઓ સાથે ગંભીર હાલતમાં સારવાર માટે જેતપુરની એક ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.
જ્યાં આજે ચાર દિવસની સારવાર દરમિયાન આકાશનું મોત થતા તેમની ડેડબોડી પીએમ માટે અહીના સરકારી દવાખાને લવાઈ હોવાની હોસ્પિટલ સુત્રોની જાણ પરથી જેતપુર શહેર પોલીસ હોસ્પીટલે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ તપાસ જેતપુર સીટી પોલીસના એએસઆઈ નલીનભાઈ સોલંકીએ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

પ્રદુષણ નિયંત્રણ તંત્રએ રૂ.1.50 લાખની 600 ધોલાઈ થયેલી સાડીઓ સાથેનો ટેમ્પો પકડ્યો !

5 ગામના ખેડૂતોની ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ 
પ્રદુષણ નિયંત્રણ તંત્રએ રૂ.1.50 લાખની 600 
ધોલાઈ થયેલી સાડીઓ સાથેનો ટેમ્પો પકડ્યો !
જો કે ફરિયાદ મુજબના કોઈ ધોલાઈઘાટો તંત્રના ધ્યાને આવ્યા નથી !!

જેતપુર તા.19
જેતપુર પંથકના ખેડૂતોની ગેરકાયદે ચાલતા સાડી ધોલાઈઘાટોની ફરિયાદો બાદ સ્થાનિક પ્રદુષણ નિયંત્રણ કચેરીના સત્તાધીસોએ તપાસના અંતે આજે એક કારખાનેદારના ટેમ્પોને ધોયેલી 600 સાડીઓ સાથે પકડી લઇ વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું ટી.સી. બારમેડા નામના અધિકારીએ જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ આજે જેતપુર તાલુકાના મેવાસા સહિતના 5 ગામોના ખેડૂતો તેઓના ગામોની સીમ વિસ્તારમાં અને છાપરવાડી ડેમ-નદી વિસ્તારમાં ગેરકાયદે સાડી ધોલાઈઘાટો ચલાવી બેફામ પ્રદુષણ ફેલાવી ખેત જમીનોને બંજર બનાવી, નદી-નાળાના પાણી પ્રદુષિત કરતા હોવાની ફરિયાદ માટે જેતપુર દોડી આવી, મામલતદાર અને પાણી પ્રદુષણ નિયંત્રણ કચેરી જેતપુરના સત્તાધીશોને આવેદન આપ્યા હતા.

ખેડૂતોની આવી ફરિયાદ બાદ પાણી પ્રદુષણ નિયંત્રણ કચેરીના પ્રાદેશિક અધિકારી શુક્લા, વૈજ્ઞાનિક અધિકારી બારમેડા તથા નાયબ પર્યાવરણ ઈજનેર કટેરિયા સહિતના સ્ટાફે મારતે ઘોડે મેવાસા વિસ્તારમાં તપાસ કરી હતી પણ કોઈ સાડીધોલાઈ ઘાટ ચાલતા નજરે પડ્યા નહોતા. પરંતુ આ જ અધિકારીઓ શિકારની શોધમાં હોય અને શિકાર મળ્યો હોય તેમ અહીના મેવાસા ચોકડી પાસેથી જીજે 3 વાય 6754 નંબરનો એક મેટાડોર રોકી તલાશી લેવાતા તેમાંથી  રૂપિયા 1.50 લાખની 600  ધોયેલી સાડીઓ મળી આવી હતી.

જીપીસીબી જેતપુરના અધિકારીઓની  તપાસમાં બહાર   આવેલ વિગતોમાં આ ટેમ્પો જેતપુરના જય ટેક્ષટાઈલ પ્રોસેસ(ખાનદાન નગર) નામના કારખાનેદારનો હતો. અને સાડી જ્યાં ધોવાઈ તે સોફર પ્લાન્ટ વાળી જમીન, વાડી હરીપરના કાશ્મીરાબેન અલ્પેશભાઈ પારેખની હોવાનું જાણવા મળ્યું હતું.

આ તકે જીપીસીબીના અધીકારીઓએ જણાવેલ કે ઉપરોક્ત કારખાનેદારનો સોફરવાળા પ્લાન્ટની  કન્સાઈન પૂરી થઇ ગઈ છે અને આ સોફર પ્લાન્ટને ક્લોઝર આપ્યું હતું, આમ છતાં ગેરકાયદેસર રીતે સોફર પ્લાન્ટ ચલાવતા હોવાનું માલુમ પડ્યું હતું, જ્યારે બીજી બાજુ આ ઘાટ માલિકે પ્રદુષણ નિયંત્રણ કચેરી જેતપુરના કાર્યવાહકોને એવો જવાબ આપ્યો હતો કે અત્યાર સુધીમાં તેઓને કોઈ ક્લોઝર નોટીસ મળી ના હોય, ઘાટ ચલાવતો હતો. જયારે જાણકારોમાં એક એવી ચર્ચાઓ થતા સાંભળવા મળી હતી કે જીપીસીબી એ આ ઘાટ માલિકને ક્લોઝરનો હુકમ આપ્યો તેને 15 દિવસ વીત્યા છતાં વીજ કંપનીએ કે આ ઘાટ સંચાલકનું વીજ કનેક્શન નાં કાપ્યું ? ઈ તપાસનો વિષય છે.

જ્યારે અન્ય એક જગ્યાએ ચાલતા સોફર પ્લાન્ટની તપાસ કરાતા વાડી માલિક લાખાભાઈ સરવૈયાના સોફર પ્લાન્ટની કાન્સાઈન પૂરી થઇ ગઈ હોવા છતાં સોફર પ્લાન્ટ ચાલુ હોય, તેમને પણ લેખિતમાં નોટીસ ફટકારીને તેમને ભાટગામ સ્થિત સાડીધોલાઈના સામુહિક ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જોડાઈ જવા જણાવાયું છે. આમ આજની ખેડૂતોની ફરિયાદ પરથી આજે જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ તપાસ અને કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટો ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812



ગુરુવાર, 13 ઑગસ્ટ, 2015

અવસાન નોંધ :

અવસાન નોંધ :                                                      13-8-2015
જેતપુર : ખજૂરીગુંદાળા નિવાસી હાલારી વાણંદ સ્વ.પરસોત્તમભાઈ ભાણજીભાઈ ભટ્ટીના પત્ની સાકરબેન(ઉ.વ.90) તે અમૃતભાઈ, જીવનભાઈના માતા, સાગર, પંકજ, હેતલબેન, ધીરુભાઈ, નટુભાઈ અને રસિકભાઈના મોટાબા તા.13 ના રોજ અવસાન પામેલ છે.
                          કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
 

જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન-યજ્ઞોપવિતનું આયોજન

જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન-યજ્ઞોપવિતનું આયોજન 
જેતપુર તા.13
આગામી 16 મી ડીસેમ્બર-2015 ના રોજ જેતપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન અને સમૂહ યાગ્નોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બંને કાર્યક્રમોમાં જોડવા ઈચ્છતા બ્રહ્મ સમાજના વાલીઓએ તા.6-11-15 સુધીમાં લગ્ન ફોર્મ ભરીને વિજય ઝેરોક્ષ(તીનબત્તી ચોક), જૂની નવજીવન હોટેલ(સ્ટેન્ડચોક) તથા સુભાષ જોશી(જય માતાજી-નવાગઢ) પહોચતા કરવા અને વધુ માહિતી માટે પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણભાઈ વ્યાસ(9879683835), બ્રહ્મ સમાજ પ્રમુખ જેન્તીભાઈ જોશી, મંત્રી હિતેશ રાવલ, ઉપેન્દ્ર વ્યાસ, મહિલા મંડળના પ્રમુખ નીતાબેન મહેતા, યુવા બ્રહ્મ સમાજના પ્રમુખ અલ્પેશ વ્યાસ વિગેરેનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

જેતપુરની એ કેનાલ નજીકના ખુલ્લા 
ફાટક ઉપર નાનો પુલ બનાવવા માંગ
જેતપુર તા.13
જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર મુખ્ય માર્ગને સેન્ટફ્રાન્સીસ સ્કુલ તરફ નેશનલ હાઈવે નજીકની કેનાલ રોડ પર એક રેલ્વેનું ખુલ્લું ફાટક આવેલું છે. આ રેલ્વે ફાટક ઉપર નાનો  પુલ બનાવાય તો કેનાલની બંને બાજુની માનવ વસાહત અને સ્કુલમાં આવતા જતા વિદ્યાર્થી બાળકોની સલામતી જોખમમાં મુકાતી અટકે તેમ હોવાનું અમિત ભીમની અને રાજુભાઈ વાળા સહિતના જાગૃત નાગરિકોએ માર્ગ અને મકાન તંત્ર ઉપરાંત સ્થાનિક મામલતદારને આવેદન આપી લેખિત રજુઆતો કરાઈ હતી તે તસ્વીરમાં દેખાય છે.( ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી 99742 62812)

જેતપુરમાં આજે આરએસએસ દ્વારા સર્વેક્ષણ-વ્યાખ્યાનનું આયોજન
જેતપુર તા.13
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જેતપુર દ્વારા આજે અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે  તા.14.8. ના રોજ રાત્રીના 9-30 કલાકે લોહાણા મહાજન વાડી ખાતે સર્વેક્ષણ અને અખંડ ભારતની સ્મૃતિ જન માનસપટ પર તાજી કરવાના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિવૃત આર્મી ઓફિસર કેપ્ટન જયદેવભાઈ જોશી ખાસ હાજર રહી પોતાના ભક્તિના વિચારો રજુ કરનાર હોય શહેરીજનો ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજર રહેવા આરઆરએસના દીપક ત્રિવેદીએ અનુરોધ કર્યો છે. 

જેતપુરના સેવાભાવીએ જન્મદિન નિમિતે 
આફ્રિકા ખાતે અનાથ આશ્રમને કરી મદદ 
જેતપુર તા.13
તાજેતરમાં જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને સેવાભાવી રવિ આંબલિયાએ  પોતાના જન્મદિન નિમિત્તે જેતપુરમાં રક્તદાન અને સરકારી હોસ્પીટલમાં ફ્રુટ વિતરણ કરેલ તેમજ આફ્રિકાના એક અનાથ આશ્રમને ભોજનનો સરસામાન પહોચાડી અદકેરી સેવા કરી હતી. પ્રસ્તુત તસવીરોમાં આફ્રિકાના જરૂરીયાતમંદોને સહાય કરતા રવિભાઈના સમર્થકો દેખાય છે.
( ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી 99742 62812)


કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812


 

: દ્વારકા ખાતે જિલ્લા કક્ષાના સ્વાંતત્ર્ય પર્વની ઉજવણીમાં શ્રી જયેશ રાદડીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.

દ્વારકા ખાતે જિલ્લા કક્ષાના સ્વાંતત્ર્ય પર્વની ઉજવણીમાં

શ્રી જયેશ રાદડીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.

 

૬૯માં સ્વાતંત્ર્ય દિનની રાજયકક્ષાની ઉજવણી પૂર્વે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મહિસાગર જિલ્લાના ખાનાપુર તાલુકાના અંદાજે રૂા. ૮૩ લાખના કુલ- ૧૪ કામોનું રાજયકક્ષાના પાણી પૂરવઠા અને પ્રવાસન મંત્રી શ્રી જયેશ રાદડીયાના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર દિનની  ઉજવણીનો કાર્યક્રમ પી.ડબલ્યુ.ડી. ગ્રાઉન્ડ, સરકીટ હાઉસ પાછળ, દ્વારકા ખાતે  ૧૫મી ઓગષ્ટ-૨૦૧૫, શનિવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે યોજાનાર છે. જેમાં માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી - પ્રવાસન અને પાણી પૂરવઠા, શ્રી જયેશ રાદડીયાના વરદ્હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત વિવિધ સાંસ્કૃત્તિકઅકાર્યક્રમોમાં માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી - પ્રવાસન અને પાણી પૂરવઠા ઉપસ્થિત રહેશે.

કશ્યપ જે. જોશી જેતલસર (જેતપુર) 9974262812



This is find it 


બુધવાર, 12 ઑગસ્ટ, 2015

મમ્મી-પપ્પા મારી પત્ની શીતલનું ધ્યાન રાખજો હું મારી મરજીથી ઈશ્વરશરણે જઉં છું !!


રામોદના આશાસ્પદ યુવાનનો જુનાગઢના વિલિંગડન ડેમમાં ઝંપલાવી આપઘાત !
મમ્મી-પપ્પા મારી પત્ની શીતલનું ધ્યાન રાખજો
હું મારી મરજીથી ઈશ્વરશરણે જઉં  છું !!
7 દિવસ થયા ગુમસુધ્ધા સુધીરની લાશ જુનાગઢના ડેમમાંથી મળતા પટેલ પરિવાર શોકમાં ગરક !

જેતપુર તા.12
જેતપુર શહેરમાંથી ભેદી સંજોગોમાં ગુમ થયેલ રામોદના આશાસ્પદ પટેલ યુવાનની લાશ આજે જુનાગઢના વિલિંગડન ડેમમાંથી મળી આવતા યુવાનના પરિવારજનો અને જેતપુરના મિત્રોમાં શોકનો માહોલ છવાયો છે.

આ બાબતે મળતી વિગતો મુજબ મૂળ ગોંડલ તાલુકાના રામોદના વતની હંસરાજભાઈ ગોવિંદભાઈ  રામાણીના પુત્ર સુધીર હંસરાજભાઈ રામાણી(ઉવ.28) એ જેતપુરના કણકિયા પ્લોટમાં ભક્તિ મેડીકલ સ્ટોરથી વ્યવસાય શરુ કર્યો હતો.
છેલ્લા સાતેક વર્ષ થયા જેતપુરમાં રહી, મેડીકલ સ્ટોરના વ્યવસાય સાથે સંકળાયેલ સુધીર શુશીલ સંસ્કારો અને એકપણ જાતનું વ્યસન ધરાવતો નહોતો.. 

એકદમ સીધી લીટીનું જીવન વિતાવતા, હસમુખો સ્વભાવ ધરાવતો અને ત્રણેક વર્ષ પહેલાજ લગ્નગ્રંથીથી જોડાયેલ સુધીર ગઈ તારીખ 5-8-2015 ના રોજ ભેદી સંજોગોમાં પોતાના બજાજ ડિસ્કવર બાઈક નંબર જીજે-3, ડીએસ 5633 સાથે ગુમ થતા તેમના સ્વજનોએ વહાલસોયા સુધીરને શોધવા સૌરાષ્ટ્ર અને સોરઠ પંથકને ખુંદી નાખ્યો હતો, પણ સુધીરન ક્યાય ભાળ નાં મળતા અંતે જેતપુર શહેર પોલીસમાં તેમની ગુમ થયાની જાણ કરાઈ હતી.
બીજીબાજુ સુધીરને શોધવા તેમના જેતપુરના મિત્ર વર્તુળે પણ અથાગ પ્રયત્નો કર્યા હતા.. આમછતાં સુધીરનો ક્યાય પત્તો લાગ્યો નહોતો.

બીજીબાજુ ગઈકાલે જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ વિલિંગડન ડેમ વિસ્તારમાં સુધીરનું ઉપરોક્ત બાઈક મળી આવતા ભવનાથ પોલીસ ચોકીના જમાદાર ડાભીએ આરટીઓની તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ કોટડાસાંગાણી પોલીસને જાણ કરી હતી. કોટડા સાંગાણી પોલીસે રામોદ ખાતે ગુમ થયેલ સુધીરના મોટા બાપુજી ગોરધનભાઈ હંસરાજભાઈ રામાણીને જાણ કરી બોલાવ્યા હતા.

દરમિયાન ગઈકાલે સાંજે  જુનાગઢ ભવનાથ પોલીસની ગુમ સુધીરની જાણ થઇ હતી કે સુધીરનું બાઇક  વિલિંગડન ડેમ પાસેથી મળી છે. પુત્રનું બાઈક મળ્યાના સમાચાર સાથેજ તેમનામોટા બાપુજી ગોરધનભાઈ સહિતના સ્વજનો અને મિત્રો તેમજ સ્થાનિક ફોરેસ્ટ તંત્ર જુનાગઢ ખાતે  ડેમની આજુબાજુ તપાસ આદરતા ડેમના એક છેડે એક યુવાનની ફૂલી ગયેલી અને જળચરોનો શિકાર થઇ ગયેલી લાશ મળી આવી હતી.

આવા સમયે પોલીસ તંત્રે લાશની અંગજડતી કરતા મૃતક યુવાનના ખિસ્સામાંથી એક મોબાઈલ, બાઈકની ચાવી અને રૂપિયા 200 રોકડા મળી આવ્યા હતા. દરમિયાન મૃતક યુવાનના સ્વજનો અને મિત્રોએ આ લાશના કપડા પરથી સુધીર રામાણીની જ હોવાનું જણાવતા 7 દિવસ થયા ભેદી સંજોગોમાં ગુમ સુધીરની લાશ સાથે મિત્રો અને પરિવારજનોનો ભેટો થતા ત્યાં ઉપસ્થિત સૌ ભાંગી પડ્યા હતા. સુધીરની લાશને પ્રથમ જૂનાગઢની સરકારી હોસ્પીટલે ખસેડી હતી. પણ લાશની કોહ્વ્વાઈ ગયેલી હાલતને જોઇને ફરજ પરના તબીબે વિશેષ પીએમ માટે જામનગર ખસેડી હતી.


બોક્સ: મમ્મી-પપ્પા મને લાડ લડાવ્યા, હવે પત્ની શીતલને સાચવજો !
જેતપુર: જેતપુરમાં પોતે જ્યાં બેસીને ભક્તિ મેડીકલના ટેબલના ખાનામાંથી સુધીરે લખેલી એક સ્યુસાઇડ નોટ પરિવારજનોને મળી હતી. જેમાં સુધીરે લખ્યું હતું કે ''હું મારી મરજીથી જઉં છું, હું જે પગલું ભરવા જઈ રહ્યો છું તેનો પણ હું એકમાત્ર જવાબદાર છું, મમ્મી-પપ્પા તમે મને ઘણા લાડ લડાવ્યા ! હવે મારી પત્ની શીતલને સાચવજો, ધ્યાન રાખજો''!

બોક્સ: મનગમતું આનંદનું સ્થળ જ મોત નું સ્થળ બન્યું !!
જેતપુર : સુધીરના મોતના અવસાન સાંભળી ભાંગી પડેલા જેતપુરના અમુક મિત્રે જણાવેલ કે જયારે પણ સુધીરને ફુરસદ મળતી ત્યારે માઈન્ડ ફ્રેસ કરવા અને આનંદ કરવા અવાર નવાર જુનાગઢના વિલિંગડન ડેમના રમણીય વાતાવરણમાં પહોચી જતો, જ્યારે આજે મનગમતા આનંદના સ્થળ એવા તે જ ડેમ માંથી તેમનો મૃતદેહ મળી આવતા મિત્રવર્તુળમાં શોક છવ્વી ગયો છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812


અવસાન નોંધ :
જેતપુર: સોરઠીયા દરજી ફીટવેલ ટેઈલરવાળા ગોહેલ દિનેશભાઈ હરગોવિંદભાઈ (ઉ.વ.61) તે તુષારભાઈ અને કેયુરભાઈના પિતા તા.12 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.15 ને શનિવારે, સાંજે 4-00 વાગ્યે, સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી, ખોડપરા, જેતપુર ખાતે રાખેલ છે.
                             
​કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812



મંગળવાર, 11 ઑગસ્ટ, 2015

જેતપુરમાં આજે અનામતની માંગ સાથે પાટીદાર 
સમાજ અને બ્રહ્મસમાજ આપશે આવેદનો 
જેતપુર તા.11
જેતપુર શહેરમાં આજે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ સહિતના 5000 લોકો અને બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રેલી યોજી અહીના મામલતદારને આવેદનો આપશે..
મળતી વિગતો મુજબ જેતપુર શહેરમાં આજે તા.12 ના રોજ લેઉવા પટેલ સમાજ ગ્રુપ દ્વારા અનામત માટે અનામત ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સરદાર ચોકથી તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, કણકિયા પ્લોટ બસસ્ટેન્ડ રોડ વિગેરે રાજમાર્ગો પર ફરીને મામલતદાર કચરીએ પહોચી મામલતદારને આવેદન આપશે.
તેવીજ રીતે અહીના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પણ બે દિવસ પહેલા અહીની બ્રહ્મ સમાજની વાડી ખાતે તાકીદની એક બેઠક બોલાવી બ્રહ્મ સમાજને પણ અનામતનો લાભ મળે તે બાબતની ચર્ચા વિચારણા કરી આજે તા.12 ના રોજ મામલતદારને આવેદન પત્ર પાઠવવાનું નક્કી કરાયું હોય, શહેર તેમજ તાલુકાના 52 ગામના ભૂદેવોએ બને તેટલી મોટી સંખ્યામાં આ અનામત માંગ રેલી અને આવેદન પત્રના કાર્યક્રમમાં હાજર રહેવા બ્રહ્મસમાજના મોભી વી.આઈ.પંડયા, એસબીએસ પ્રમુખ કાળુભાઈ, હિતેશ રાવલ, પ્રવીણભાઈ વ્યાસ, કમલેશભાઈ પંડયા, કશ્યપ જોશી, ઉપેન્દ્ર વ્યાસ, અલ્પેશ વ્યાસ, અશોકભાઈ જોશી, આશિષ પંડયા વિગેરે એ અનુરોધ કર્યો છે.

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

અવસાન નોંધ :

અવસાન નોંધ : 
જેતપુર: સોરઠ વિશા  શ્રીમાળી જૈન હેમંતલાલ ધારશીભાઇ દોશી(ઉ.વ.80) તે મુકેશભાઈ(વીમા એજન્ટ), હિતેશભાઈ, સંદીપભાઈ(હાલોલ), સ્વ.હીનાબેન(જામનગર), દિપ્તીબેન(જુનાગઢ) ના પિતાશ્રી તેમજ સ્વ.દલીચંદ ભગવાનજીભાઈ પટેલ(ધોરાજીવાળા ) ના જમાઈ તા.11-8-15 ના રોજ અરીહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા 15-8 ને શનિવારે, સવારે 10-30 કલાકે, વણિક જ્ઞાતિની વાડી, કણકિયા પ્લોટ, જેતપુર ખાતે રાખેલ છે.

જેતપુરની પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત 
જેતપુર તા.11
જેતપુરની એક પટેલ  પરિણીતાએ કોઈ અગમ્યો કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધાની ઘટના જેતપુર શહેર પોલીસ દફતરે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ પર ચંદ્રેશભાઈ જયસ્વાલના પત્ની સોનલબેન(ઉ.વ.32) એ કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે ઘઉંમાં ભેળવવાની ઝેરી દવા ખાઈ લેતા સારવાર માટે અહીની ખાનગી હોસ્પીટલે ખસેડેલ, જ્યાં સોનલબેનનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.

જેતપુરના યુવાને ફીનાઈલ પી લેતા દવાખાને 
જેતપુર તા.11
જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં અંબર સિનેમા પાછળના વાલ્મીકી વાસમાં રહેતા જીતેન્દ્ર ગોરધન વાઘેલા નામના યુવાને કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ફિનાઈલ પી લેતા વધુ સારવાર માટે તેમને જુનાગઢ રીફર કરાયો હોવાનું પોલીસ જણાવે છે.

જેતપુર-ખીરસરાના બે યુવાનો વિલાયતી શરાબની 10 બોટલ સાથે ઝડપાયા 
જેતપુર તા.11
જેતપુર શહેરના સરદાર ચોક પાસે રહેતા ગઢવી યુવાન પુંજા વેજાનંદ કાથડના રહેણાક મકાનમાં બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પોલીસને વિલાયતી શરાબની રૂ.1800 ની કિમતની 6 બોટલ મળી આવતા પોલીસે પુંજાની અટક કરી હતી.
જયારે જેતપુર તાલુકા ફોજદાર ગોહિલ અને સ્ટાફના દિવ્યેશ આહિરે તાલુકાના ખીરસરા ગામ નજીકથી પસાર થયેલ ડબલ સવારી બાઈકને રોકી તલાશી લેતા કપિલ દયારામ નિમાવત(જેતપુર) પાસેથી કી.રૂ.1200 ની 7 બોટલ વિદેશી શરાબની મળી આવી હતી.પોલીસે કપિલની મોટરસાઈકલ સાથે અટક કરી નાશી છુટેલા શૈલેશ રવજી કોળી(જેતપુર)ની શોધખોળ આદરી છે.

શાપર વેરાવળના કારખાનામાં આરઆર સેલ ત્રાટકી 
6 શખ્શો જુગાર રમતા રોકડ 57800 સાથે ઝડપાયા 
જેતપુર તા.11
જેતપુરમાં જુગાર દરોડો પાડી 7 જણાને સવાલાખના મુદ્દામાલ સાથે ઝડપી લેનાર રાજકોટની આરઆર સેલ આજે શાપર વેરાવળના એક કારખાના પર ત્રાટકી કારખાનેદાર સહીત 6 શખ્શોને જુગાર રમતા રોકડ રૂપિયા 57800 સાથે પકડી પાડી વધુ કાર્યવાહી માટે કોટડા સાંગાણી પોલીસને સોપ્યા હોવાનું ફરિયાદી ગીરીરાજસિંહ જાડેજા જણાવે છે.
મળતી વિગતો મુજબ શાપર વેરાવળ મેઈન રોડ પર, પાંચ પીપળી જવાના રસ્તા પર આવેલ એક સ્ટમ્પીંગના કારખાનામાં જુગાર ચાલતો હોવાની આરઆર સેલના ગીરીરાજસિંહ જાડેજાને બાતમી બળતા આજે સાંજે તેઓએ આરઆર સેલના પીએસઆઈ  એમ.બી.જાની અને સ્ટાફના માંડણભાઈ આહીર, મહેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ સવાની, મહાવીરસિંહ ઝાલા, જયસુખભાઈ પટેલ વિગેરે બાતમીવાળા કારખાના પર જુગાર દરોડો પાડતા કારખાનેદાર નીતિન કાન્તિલાલ કાથરોટિયા(મોવિયા), મુકેશ ઉર્ફે વિજય પોપટ વાછાણી(શાપર), હનીફ વળી ટાંક(મૂળ જેતપુર, હાલ શાપર), જયેશ દામજી નકુમ(વેરાવળ શાપર), દિનેશ છગન વણપરીયા(રાજકોટ મવડી) કિશન જેન્તી સોરઠીયા(મોવિયા) એમ 6 શખ્શો જુગાર રમતા રોકડ રકમ અને 5 મોબાઈલ સહીત કુલ રૂપિયા 57800 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. 
આ તકે આરઆર સેલના પીએસઆઈ  જાનીએ દરોડાની વધુ કાર્યવાહી માટે કોટડાસાંગાણી પોલીસને કાગળો સુપ્રત કર્યા હોવાનું માંડણભાઈ આહીરે જણાવ્યું હતું..

કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર 9974262812


સોમવાર, 10 ઑગસ્ટ, 2015

જેતપુરમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી આરઆર સેલનો જુગાર દરોડો જેતલસર રેલવેના સ્ટેશન માસ્તર સહીત 7 શખ્શો પત્તા ટીંચતા ઝડપાયા

સાંજના 5 વાગ્યાના જુગાર દરોડાનો રાત્રીના 9-30 સુધી ગુનો ના નોંધાયો હોવાનું પોલીસનું રટણ સંતાકુકડી જેવું !!
જેતપુરમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી આરઆર સેલનો જુગાર દરોડો 
જેતલસર રેલવેના સ્ટેશન માસ્તર સહીત 7 શખ્શો  પત્તા ટીંચતા ઝડપાયા 
રોકડ રૂપિયા 34500 સહીત કુલ રૂ.1.13 લાખનો મુદામાલ કબજે કરતી પોલીસ 
જેતપુર તા.10
જેતપુર શહેરમાં આજે એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર રાજકોટની આરઆર સેલે ત્રાટકી જેતલસર જંકશનના સ્ટેશન માસ્તર સહીત 7 શખ્શોને કુલ રૂપિયા 1.13 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના ખોડપરા જીન પ્લોટ હકા બાપુની શેરીમાં રહેતા હાસમ મુસા મુસાણી નામનો શખ્શ પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની રાજકોટ આરઆર સેલના ગીરીરાજસિંહ જાડેજાને બાતમી મળતા આજે તેઓ ફોજદાર એમ.બી.જાની અને સ્ટાફના માંડણભાઈ આહીર, મહેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ સવાની, મહાવીરસિંહ ઝાલા, જયસુખભાઈ પટેલ વિગેરે સાથે જેતપુર આવી બાતમી વાળી જગ્યાએ જુગાર દરોડો પાડતા ત્યાં જુગાર રમતા મકાન માલિક હાસમભાઈ સહીત જેતલસર જંકશનના સ્ટેશન માસ્તર મહેશ હનુમંત રાજસ્થાની જૈન, ભરત ચંદુ રાજદેવ(ગોંડલ), પ્રભાતભારથી ગોસ્વામી(જેતલસર જંકશન), મુકેશ ઘેલા(ગોંડલ), બ્રીજલ નાથા ગણાત્રા(જેતપુર) તથા ઈસ્માઈલ લાખાની(જેતપુર) એમ 7 શખ્શો રોકડ રકમ રૂપિયા 34500, 5 મોબાઈલ, 3 મોટરસાઈકલ મળી કુલ રૂપિયા 113000 ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. અત્રે એ નોંધનીય છે આ જુગાર દરોડો સાંજના 5 વાગ્યે આરઆર સેલે પાડ્યો હોય, રાત્રીના 9-30 વાગ્યા સુધી જેતપુર શહેર પોલીસના પીએસઓએ આ બનાવને ઢાંકવા, અને શહેર પોલીસની રહીસહી આબરૂ બચાવવા તનતોડ પ્રયાસ કર્યા હતા. પણ આરઆરસેલે સ્થાનિક પત્રકારોને ટેલીફોનીક વિગતો આપી જેતપુર શહેર પોલીસનું નાક બટ્કાવી  નાખ્યું હતું.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

શનિવાર, 8 ઑગસ્ટ, 2015

12મીએ યોજવાની રેલી અનુસંધાને કાલે રાત્રીના બેઠક એસપીજી-એલપીએસ ગ્રુપ દ્વારા જેતપુરમાં ભવ્ય પાટીદાર અનામત રેલીનું આયોજન

12મીએ યોજવાની રેલી અનુસંધાને કાલે રાત્રીના બેઠક 

એસપીજી-એલપીએસ ગ્રુપ દ્વારા જેતપુરમાં 

ભવ્ય પાટીદાર અનામત રેલીનું આયોજન

 (કશ્યપ જોશી દ્વારા)                  જેતલસર(જેતપુર) તા.8

જેતપુર શહેરમાં પણ પાટીદાર અનામત રેલી માટે ખાંડા ખખડાવવા એસપીજી અને એલપીએસ ગ્રુપના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ હોવાનું જાણવા મળે છે.

આ બાબતે મળતી વિગતો મુજબ વર્તમાન સમયમાં અનામત માંગવાની લડાઈમાં જેતપુર પાટીદાર સમાજે પણ ઝુંકાવીને આગામી 12.8.ના રોજ ભવ્ય રેલી કાઢી મામલતદારને આવેદન આપવાનું આયોજન કર્યું છે. 

શહેરના એસપીજી અને એલપીએસ ગ્રુપના યુવાન આગેવાનો સુરેશ ખાચરીયા, રોહિત વડાલીયા, શૈલેશ રામાણી, હરેશ ખાચરીયા, કૌશિક બરવાડીયા, કલ્પેશ રાંક, ચેતન નંદાણીયા, નીલેશ રીબડીયા, હરેશ રીબડીયા, રાજેશ વેકરીયા, જેનીશ રાંક, કૌશિક બાલધા, જનક સુવાગીયા, નેમીશ ભુવા, મુકેશ સીધ્ધપરા, મનીષ ઠુંમર, રાજેશ બાવીશા, રાજેશ રાબડીયા, વિગેરે યુવાનોએ જણાવેલ કે પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગ સાથે જેતપુરમાં જુનાગઢ રોડ પર આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સવારે 9-30 કલાકે હારતોરા કરી  ભવ્ય રેલીનું આયોજન કરાયું છે. 

તા.12 ના રોજ નીકળનારી આ રેલીમાં સમસ્ત લેઉંવા તેમજ કડવા પટેલ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાશે, રેલી સરદાર ચોકથી, તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, બસસ્ટેન્ડ  રોડ, કણકિયા પ્લોટ, થઈને પુનઃ સરદાર ચોક તરફ જશે. આ પહેલા જુનાગઢ રોડ પર આવેલ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદન અપાશે. અહી પાટીદાર સમાજના આગેવાનો તેઓના હક્ક સમાન અનામતની માંગ દોહરાવી મામલતદારને રજૂઆત કરશે કે તેઓની માંગ ઉપલી કક્ષા સુધી પહોચાડાય.

ટૂંકમાં જેતપુર શહેર અને તાલુકાના પાટીદાર સમાજે હવે અનામત મેળવવા ખાંડા ખખડાવી પટેલ સમાજનો પરચો બતાવી દેવાની તમામ તૈયારીઓ આરંભી દીધી છે. તા.12 મી ઓગસ્ટના દિવસે જેતપુરમાં યોજાનાર આ અનામત રેલીને પાટીદાર ક્રાંતિ રેલી બનાવવા આયોજક ગ્રુપના આગેવાનો, કાર્યકરોએ સમસ્ત પટેલ સમાજને અનુરોધ કર્યો છે.

 

અનામત રેલી બાબતે કાલે જેતપુરમાં બેઠક...

જેતપુર: 12 મી ઓગસ્ટના દિવસે અનામત રેલીની ભવ્ય સફળતા માટે આવતીકાલ તા.10 ના રોજ રાત્રીના 9-00 કલાકે જુનાગઢ રોડ પર, સરદાર ચોક નજીક આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે રાત્રીના 9-00 એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક પટેલ સમાજના લોકોએ અનામતની માંગ માટે નૈતિક ભાગીદારી સમજી બહોળી સંખ્યામાં હાજર રહેવા સુરેશ ખાચરીયા સહિતના આગેવાનો દ્વારા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812

 

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2015

જેતપુરની પરિણીતાએ એસીડ પીતા ગંભીર

જેતપુરની પરિણીતાએ એસીડ પીતા ગંભીર 
જેતપુર તા.7
જેતપુરની એક કુંભાર મહિલાએ અગ્મ્યો કારણોસર એસીડ પી લેતા તેણીને ગંભીર હાલતમાં જેતપુર થી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે.
મળતી વિગતો મુજબ અહીના ધોરાજી રોડ પર નકલંક આશ્રમ પાસે રહેતી ઉષાબેન વિપુલભાઈ લાડવા જાતે કુંભાર નામની 24 વર્ષની પરિણીતાએ કોઈ અગ્મ્યો કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે. તપાસનીસ ફોજદાર એસ.બી.જાડેજાએ જણાવેલ કે ઉષાબેનને એક ચાર વર્ષનો પુત્ર છે. તેમણે  શા માટે આવું પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

મિત્રએ આપેલ ચોરાઉ બાઈક સાથે યુવાન પકડાયો 
જેતપુર તા.7
ગોંડલનો એક યુવાન ચોરાઉ બાઈક સાથે નીકળનાર હોવાની બાતમી પરથી રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચે ગોંડલના એક યુવાનને પકડી પાડી ધોરણસરની વિધિ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે બપોરે લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર ઉનડકટ, સ્ટાફના ભુરાભાઈ માલીવાડ, નારણ પંપાણિયા, કાળુભાઈ ડાંગર, નીલેશ ગોહિલ વેગેરેએ બાતમીના આધારે ગોમટા ચોકડી પર વોચ રાખી બેઠા હતા ત્યારે નંબર પ્લેટ વગરના એક બાઈક સાથે નીકળેલ યુવાનને રોકી તેની આકરી પૂછપરછ કરતા યુવાન પોતે અંકિત દિનેશભાઈ નાગલા રહેવાસી ગોંડલનો હોવાનું તેમજ તેમની પાસેનું બાઈક મિત્ર મૃદુરાજ્સિંહ ઉર્ફે રાજા ઘનશ્યામસિંહ ચુડાસમા રહે. ગોંડલવાળાએ આપ્યું હોવાનું કબુલતા એલસીબીના ભુરાભાઈ વિગેરી અંકિતને પકડી પાડી પૂછપરછ્નો દૌર શરુ કર્યો છે.

પ્રેમગઢની ભીલ પરિણીતા ગુમ થયાની પોલીસમાં રાવ
જેતપુર તા.7
મૂળ મધ્યપ્રદેશ, હાલ જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના રવજીભાઈ મનજીભાઈ મકાનમાં રહેતા કુસુમભાઈ કાગુભાઈ વાસુમીયા-ભીલ ના પત્ની રમાબેન ગઈ તા.29-7-2015 ના રોજ ઘરેથી શંકાસ્પદ હાલતમાં ગુમ થયાની વીરપુર પોલીસમાં ફરિયાદ કરાતા એએસઆઈ ઝાલાએ તપાસ હાથ ધરી છે. 
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા

 

જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં

પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા

(કશ્યપ જોશી દ્વારા ) જેતલસર (જેતપુર ) તા.7

સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિવૃષ્ટિ થતાં જેતપુર તાલુકાની ભાદર નદીના વિસ્તારમાં ઘોડાપૂર આવતા જેતપુર તાલુકાના અમરનગર ગામના સ્વ. બાબુભાઇ મોરબીયા તથા જેતપુર ગામના સ્વ.મનસુખભાઇ રોકડનું દુઃખદ અવસાન થયેલ. જેમના આત્મજનો હંસાબેન બાબુભાઇ મોરબીયા (રહે. અમરનગર)ને રૂા. ૪.૦૦ લાખ તથા નિમુબેન મનસુખભાઇ રોકડ (રહે. જેતપુર) રૂા.૪.૦૦ લાખ મળીને કુલ રૂા.૮,૦૦,૦૦૦/- (આઠ લાખ)ના સહાયના ચેકનું આજરોજ માન.રાજયકક્ષા મંત્રીશ્રી જયેશ રાદડીયા (પ્રવાસન અને પાણી પૂરવઠા) ના હસ્તે મામલતદાર કચેરી, જેતપુર  ખાતે અર્પણ કરવામાં આવેલ.

પ્રસંગે  જયેશ રાદડીયા, માન.રાજકયક્ષા મંત્રી(પ્રવાસન અને પાણી પુરવઠા), રમાબેન  મકવાણા પ્રમુખ, નગરપાલિકા જેતપુર, નિતાબેન ગુંદારીયાપ્રમુખ, પ્રમોદ  ત્રાડાસદસ્ય,  જેતપુર નગરપાલિકા, દિનકરભાઇ ગુંદારીયા,  જે. એમ. ભોરણીયામામલતદાર, જેતપુર,  બી. એમ. વ્યાસ-ચીફ ઓફીસર, જેતપુર,ડી. વી. ધેડાટી.ડી.., જેતપુર,  નિખિલ મહેતાસર્કલ ઓફીસર, જેતપુર વિગેરે હાજર રહી સરકારની સરાહના કરી હતી ઉપસ્થિત રહેલ હતાં

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુરનો આશાસ્પદ યુવાન બાઈક સાથે ભેદી સંજોગોમાં ગુમ

જેતપુરનો આશાસ્પદ યુવાન બાઈક સાથે ભેદી સંજોગોમાં ગુમ
જેતપુર તા.7
જેતપુરના કણકિયા પ્લોટમાં મેડીકલ ધરાવતો એક આશાસ્પદ પટેલ યુવાન છેલ્લા 3 દિવસ થયા ભેદી સંજોગોમાં ગુમ થયાની શહેર પોલીસ દફતરે જાણ કરાઈ છે. 
મળતી વિગતો મુજબ મૂળ ગોંડલ તાલુકાના રામોદ ગામનો અને હાલ મેડીકલ સ્ટોરના વ્યવસાયથી જેતપુર સ્થાયી થયેલ સુધીર હંસરાજભાઈ રામાણી (ઉ.વ.28) ગઈ તા.5-8-2015 થી કોઈને કહ્યા વગર જેતપુરથી ભેદી સંજોગોમાં લાપત્તા બન્યાની શહેર પોલીસ દફતરે જાણ કરાતા પોલીસ જમાદાર નવીનભાઈએ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયેલ વિગતોમાં સુધીરના પિતા હંસરાજભાઈ ગોવિંદભાઈ રામાણી તથા કાકા ગોરધનભાઈ રામાણીએ જણાવ્યું છે કે  સુધીર પોતાના બજાજ ડીસ્કવર GJ  03 5633 સાથે ગુમ થયો છે, ખીલતો ઉજળો વાન અને સિંગલ બોડી ધરાવે છે. જે કોઈને ભાળ મળે તો જેતપુર શહેર પોલીસ સ્ટેશનનો 02823-220033 અથવા ગુમસુધ્ધા યુવાન સુધીરના પિતા હંસરાજભાઈ ગોવિંદભાઈ રામાણીનો મો.9879996656 ઉપર સંપર્ક સાધવા પોલિસનો અનુરોધ છે.
(આ સાથે સુધીરનો ફોટો પણ મોકલેલ છે)


જેતપુરના મોટા ગુંદાળા ગામે જુગાર દરોડો 
રોકડ 18 હજાર સાથે 5 ઇસમો પકડાયા
જેતપુર તા.7
બાતમીના આધારે જેતપુર તાલુકા પોલીસના ફોજદાર ગોહિલ અને જમાદાર મજનુંભાઈએ ગત રાત્રીના મોટા ગુંદાળા ગામે જુગાર દરોડો પાડતા 5 શખ્શો જુગાર રમતા રોકડ રૂપિયા 18440/- સાથે ઝડપાઈ ગયા હતા. પકડાયેલામાં 3 ગુંદાલાના કાનજી હમીર ડાભી, હરસુખ જીવણ કાચા, તથા ભીમા જેઠા, મુસ્તાક ઇકબાલ (જેતલસર જંકશન) તથા આરીફ ગફાર(જેતપુર)નો સમાવેશ થતો હોવાનું પોલીસ જણાવે છે. 

અકસ્માતે દાઝેલી નવાગઢની યુવતીનું મોત
જેતપુર તા.7
ગઈકાલે  જેતપુરના નવાગઢ વિસ્તારમાં અકસ્માતે દાઝી ગયેલી એક વણકર પરણીતાનું આજે સારવાર દરમિયાન મોત થયાનું જેતપુર શહેર પોલીસમાં જાહેર કરાયું છે.
મળતી વિગતો મુજબ અહીના નવાગઢ વિસ્તારના વણકર વાસમાં રહેતી જયાબેન અશ્વિનભાઈ બગડા (ઉ.વ.22) ગઈકાલે પ્રાઈમસ પર ચા બનાવતી વખતે અકસ્માતે દાઝી જતા પ્રાથમિક સારવાર સરકારી હોસ્પીટલમાં આપીને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ હતી. જ્યાં સારવાર દમિયાન જયાબેનનું મોત થયું હોવાનું પોલીસ જણાવે છે. છ માસનો લગ્ન ગાળો ધરાવતી જયાબેન મગજ સંતુલન અવારનવાર ગુમાવી દેતી હોય, દાઝી જવાનો બનાવ બન્યો હોવાનું પાઈ વી.એમ.ગોહિલે જણાવ્યું હતું.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812






કશ્યપ જોશી જેતલસર જેતપુર 



ગુરુવાર, 6 ઑગસ્ટ, 2015

: અવસાન નોંધ


​અવસાન નોંધ 
જેતપુર : ધોબી રણછોડભાઈ ભીખાભાઈ સોલંકી (ઉ.વ.79) તે કૈલાશભાઈ(રોયલ પાવર લોન્ડ્રી), શૈલેશભાઈ, હિતેશભાઈ અને ભાવેશભાઈના પિતા તા.4 ના રોજ અવસાન પામ્યા છે.બેસણું તા.8 ને શનિવારે, સાંજે, 4 થી 6, ખોડપરા, દરજી જ્ઞાતિની વાડી, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812