એફઆઈઆર ન નોંધાઈ હોય તો પણ વીમાધારક વળતર મેળવવા હકદાર છે
સુરત, તા. ૨ : વાહનને અકસ્માત થવાની ઘટનામાં એફ.આઈ.આર ન નોંધાઈ હોય તો પણ વીમાધારક વળતર મેળવવા હકદાર છે એવો મહત્ત્વનો ચુકાદો આપી સુરત જિલ્લા ગ્રાહક અદાલતે ફરિયાદીને રૂ. ૯૧ હજારનું વળતર ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે સુરતમાં રહેતા રંજનબેન નરોત્તમભાઈ પટેલે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર કંપનીની સ્કોર્પિયો કાર ખરીદી હતી અને તે માટે આઈસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસે રૂ. ૭.૭૦ લાખનો વીમો લીધો હતો. ગત તા.૨૯-૧૧-૦૬ના રોજ તેમના પુત્ર મિહિર તેમના સાળા રવિનું રેગિંગ થતું હોવાનું જાણવા મળતાં સહારા દરવાજા પાસે સ્મીમેર કોલેજમાં ગયા હતા. તેઓ કાર પાર્ક કરી ફરિયાદ નોંધાવવા ગયા હતા તે દરમિયાન રવિને હેરાન કરતા વિદ્યાર્થીઓનં ટોળું કાર પાસે ધસી આવ્યું હતુ અને કારની તોડફોડ કરી કાર ઊંધી પાડી દીધી હતી. કોલેજના ડીને ફોન કરતાં પોલીસ ત્યાં ધસી આવી હતી અને બન્ને જૂથોને પોલીસ સ્ટેશન પર બોલાવ્યા હતા. વિદ્યાર્થીઓની કરિયર ન બગડે એવા હેતુથી પોલીસે સમાધાન કરાવતાં ફરિયાદ નોંધાઈ નહોતી. દરમિયાન મિહિર પટેલ કારને ટો કરાવી કંપનીના ર્સિવસ સ્ટેશન પર લઈ ગયા હતા. કંપનીના સર્વેયરે નુકસાનીની રકમ રૂ.૪૯,૯૪૭ જ આકારી હતી પરંતુ કંપનીએ બનાવ અંગે એફ.આઈ.આર ન નોંધાઈ હોવાનું કારણ આગળ ધરી કોઈપણ રકમ ચૂકવવાનો ઈનકાર કરતાં કારમાલિક રંજનબેન પટેલે તેમના એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. તેમણે બનાવમાં કોઈ જાન-મિલકતને નુકસાન ન થયું હોઈ અને સમાધાન થવાને કારણે એફઆઈઆર ન નોંધાવી હોવાની દલીલો કરી રિપેરિંગનો ખર્ચ રૂ. ૯૧૨૩૦ થયાના કંપનીના ઓથોરાઈઝડ ર્સિવસ સ્ટેશનના પાકા બિલ-રસીદ રજૂ કર્યા હતા. કંપનીએ નુકસાનની ઓછી રકમ દર્શાવવા સામે પણ તેમણે વિરોધ કર્યો હતો. ગ્રાહક કોર્ટ (એડિશનલ)ના પ્રમુખ ન્યાયાધીશ ડી.સી.શાહ અને સભ્ય પદ્મનાભ શાહે શ્રેયસ દેસાઈની દલીલો સાથે સંમત થઈ ફરિયાદીને ક્લેઈમના રૂ.૯૧૨૩૦ ર્વાિષક ૯ ટકા વ્યાજ સાથે તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ પેટે અલગથી રૂ.૧૦૦૦૦ ચુકવવા આઈસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને હુકમ કર્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો