


જીલ્લા ફેર બદલીની વાતમાં સરકારનો ના.મામલતદારોને ગોળ અને શિક્ષકોને ખોળ !!રાજ્યભરના શિક્ષકો-શિક્ષણ સહાયકોને જીલ્લાફેર બદલીઓમાં
નોકરીના 5 વર્ષની મર્યાદા નક્કી કરાતા માસ્તર આલમમાં રોષ
શિક્ષકો કહે છે કે રાજ્યના નાયબ મામલતદારોને 3 વર્ષની નોકરી બાદ જીલ્લા ફેર બદલીઓ તક આપનાર સરકાર શિક્ષકોની નોકરીઓના 5 વર્ષ પછીજ જીલ્લાફેર બદલીમાં સમાવવાનો શા માટે આગ્રહ રાખે છે ? અમારો વાંક શું, ગુનો શું ? ઈ તો કહો !!
(કશ્યપ જોશી ) જેતપુર તા.1
રાજ્યના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને શિક્ષણ સહાયકોની જીલ્લાફેર બદલીઓના કેમ્પ આગામી ટૂંક દિવસોમાં યોજાનાર છે. પણ આ વાતમાં જે શિક્ષકો-શિક્ષણ સહાયકોએ પોતાની જગ્યાએ 5 વર્ષ નોકરી કરી હોય તેઓને જ આ બદલી કેમ્પોમાં સમાવવાના સરકારના પરિપત્રોનો જેતપુર સહીત રાજ્યબહારની માસ્તર આલમે રીતસરનો વિરોધ નોંધાવી, નાયબ મામલતદારોની જેમ 3 વર્ષની નોકરી પૂરી થઇ ગઈ હોય તેવા ગુરુજીઓને પણ જિલ્લાફેર બદલી કેમ્પોમાં સમાવવા માંગ દોહરાવી છે.
આ બાબતે વિગતો આપતા જેતપુરના સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધમિક શાળાના શિક્ષકો અને શિક્ષણ સહાયકો જણાવે છે કે સરકાર દ્વારા મે-2015 મહિના દરમિયાન 10.5. ના રોજ તમામ જિલ્લાઓના આંતરિક બદલી કેમ્પ, તથા 30.5. ના રોજ આંતર જીલ્લા બદલી કેમ્પ(રાજ્ય કક્ષા) યોજાનાર છે. આ માહિતી નાયબ નિયામક(મહેકમ), કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા તા.18.4.2015 ના 49/મકમ/બદલી/2015/1581-161 નંબરના પરિપત્રથી જાહેર કરાયું હતું.
સરકારની આવી જાહેરાતથી નોકરીએ લાગ્યા ત્યારથી એટલેકે નોકરીએ ચડ્યા તે વાતને પાંચ વર્ષ પુરા કરવામાં માત્ર 3-4 મહીનાજ છેટા રહેનાર શિક્ષકો, શિક્ષણ સહાયકો ગેલમાં આવી ગયા હતા. કેમ કે અનેક માસ્તર સાહેબો પોત પોતાના વતનથી દુર કે અન્ય જિલ્લાઓમાં નોકરીએ લાગ્યા હોય, હવે રોજ ઘરે આવીને પરિવારના બાળ, બચ્ચા, પત્ની, પતિ કે માતા-પિતાને મળી શકાશે તેવી આશામાં ખુશીના માર્યા ઝૂમતા હતા.
પરંતુ સરકારની ઉપરોકત કચેરી પરથીજ તા.24.4.2015 ના 49/મકમ/બદલી/2015/1814-47 નંબરના વછૂટેલા પરીપત્રથી હજારો ગુરુજીઓની આશાઓ પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ, આ પરિપત્રમાં પેરા નં.(3) માં...જીલ્લાફેર બદલી કરાવવા માંગતા શિક્ષકો કે શિક્ષણ સહાયકોએ જે તે જીલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી કેમ્પની તારીખે પૂર્ણ કરેલી હશે તેઓનેજ આ બદલી કેમ્પમાં સમાવાશે તેવી સ્પષ્ટતા કરતા માસ્તર આલમ મૂંગા મોએ , રોષભેર, સમસમી ન્યાય માટે આમથી તેમ ભટકી રહ્યા છે.
તા.18.4. ના અને રાજ્યભરના જીલ્લા શિક્ષણાધીકારીઓને ઉદેશીને લખાયેલા પરિપત્રમાં નોકરીની કોઈ મર્યાદા નક્કી જાહેર કરાઈ નહોતી ત્યારે માત્ર 6 દિવસમાં સરકારને માસ્તરોની નોકરીના 5 વર્ષ નક્કી કરવામાં ક્યાં સમીકરણો ભાગ ભજવી ગયા કે માસ્તરોને ભોગવવું પડ્યું ? તેવો સવાલ જેતપુર સહીત રાજ્યભરના અને જિલ્લાફેર બદલીઓ ઈચ્છાતા શિક્ષકો-શિક્ષણ સહાયકોમાં ઉઠી રહ્યો છે.
બોક્સ: સરકારી કામોના બધા ઢરડા અમ શિરે, હવે કો..ક સહાનુભુતિ દાખવો, બાપ !!
જેતપુર: નામો જાહેર કરીએ તો ભાઈ જિંદગીભર બદલીઓ નાં થાય ! આવી વાતથી સરકારી તંત્રોથી ધ્રુજતા જેતપુર સહીત રાજ્યના માસ્તરો કહે છે કે સરકારની નાની મોટી કોઈપણ કામગીરીઓ હોય, શિક્ષકોને ઢરડાઓ કરાવવામાં કઈ બાકી રખાતું નથી ! હવે જ્યારે શિક્ષકો કે જેઓ વતનથી જોજનો દુર ફરજો બજાવવામાં, શારીરિક, આર્થિક અને કૌટુંબિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સહાનુભુતિ દાખવી તેઓની તરફેણમાં જિલ્લાફેર બદલીઓ કરવામાં આવે તેવી ગુરુજીઓની અપીલ ધ્યાને લેવા માંગ દોહરાવાઈ છે.
બોક્સ: ના.મામલતદારોને ગોળ, અમોને ખોળ ?! શિક્ષકોનો વસવસો
જેતપુર : જેતપુરના સરકારી શિક્ષકોએ એક વાતનો ફોડ પાડતા જણાવેલ કે, માર્ચ-2015 દરમિયાન રાજ્યના મહેસુલ વિભાગે તમામ કલેકટર કચેરીઓ પર એક પરિપત્ર મોકલાવી વર્ષ-2012 માં સીધી ભરતીથી નિમણુંકો પામેલ ફિક્સ પગારના કરાર આધારિત નાયબ મામલતદારોને જિલ્લાફેર બદલી કેમ્પમાં સમાવવા ફરમાન કરાયું હતું. મતલબ કે નાયબ મામલતદારોએ જે તે જીલ્લામાં 3 વર્ષ નોકરી કરી હોય તોય તેઓને બદલીનો લાભ(ગોળ) અને અમોને(શિક્ષકોને) 5 વર્ષની નોકરી પૂરી હોય તો જ તક ?(ખોળ )!! શું નાયબ મામલતદારોને જ આર્થિક, સામાજિક, યાતનાઓ ભોગવવી પડે છે ? શિક્ષકોને નહિ ?
આ પ્રશ્ન ધ્યાને લઇ ઉપરોક્ત બદલી કેમ્પમાં શિક્ષકો માટે જાહેર કરાયેલ 5 વર્ષની નોકરીને બદલે તેનાથી ઓછી નોકરી કરી ચુક્યા હોય તો પણ સમાવવા માંગ કરાઈ છે.
સમાચાર : કશ્યપ જોશી જેતપુર 9974262812