લોકસભા પેટા ચૂંટણી-૨૦૧૩ અન્વયે બનાસકાંઠા જીલ્લા માટે ભારતના ચૂંટણીપંચ તરફથી કામગીરીની દેખરેખ માટે ચૂંટણી નિરીક્ષકશ્રીઓ (ઓબ્ઝર્વરશ્રીઓ)ની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ૧૦-દાંતા, ૧૨-પાલનપુર, અને ૧૩-ડીસા વિધાનસભા મતદાર વિભાગના નિરીક્ષક(ઓબ્ઝર્વર) તરીકે શ્રી હરેન્દ્રવીરસિંહની નિમણુંક કરવામાં આવી છે. તેઓશ્રીનું પાલનપુરમાં આગમન થઇ ગયું છે. તેમના સંપર્ક માટેનો નંબર-૦૨૭૪૨-૨૫૩૩૮૬ છે અને મોબાઇલ નં. ૮૧૪૧૦ ૯૯૫૬૫ છે. તેઓશ્રી પાલનપુર સરકીટ હાઉસ ખાતે સવારના ૯ થી ૧૦ કલાક સુધી મુલાકાતીઓને મળી શકશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બનાસકાંઠા ધ્વારા જણાવાયું છે.
ચૂંટણીને અનુલક્ષી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા હથિયાર પરવાનેદારો માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું.
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની છે. આ ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જરૂરી પ્રબંધ કરવો આવશ્યક જણાય છે. જે ધ્યાને લેતા બનાસકાંઠા જિલ્લાના હથિયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં કેટલાંક પ્રતિબંધ મૂકવાનું આવશ્યક જણાય છે.
શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.)જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ થી મળેલ સત્તાની રૂએ હુકમ ફરમાવાવમાં આવે છે. કે (૧) બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ વ્યકિતને શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઇપણ શસ્ત્ર ધારણ કરી ફરવુ નહિ. તેમજ હથિયાર પોતાના રહેઠાણના સ્થળે સેફ કસ્ટડીમાં રાખવા. (૨) નીચે દર્શાવ્યા મુજબના વ્યકિતઓએ ધારણ કરેલ હથિયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્યકિતગત અને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથિયાર જે તે પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠાને અધિકૃત કરવામાં આવે છે.(અ). જામીન ઉપર છોડેલી વ્યકિતઓ (બ). ફોજદારી ગુનાઓ કર્યાની ભૂમિકાવાળી વ્યકિતઓ (ક). હુલ્લડના ગુનામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્યાન સંડોવાયેલ વ્યકિતઓ (ઙ) ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ વ્યકિતઓ (ઇ). મેળા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બાધકરૂપ થાય તેમ હોય તેવા ઇસમો. સમય મર્યાદામાં નોટીસ બજાવી શકાય તેમ ન હોય અને સુનાવણી આપવાનું શક્ય ન હોઇ ઉપર પેરામાં જણાવેલ હુકમમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જાહેર કરવામાં આવે છે. આ આદેશ કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રીઓ, સુરક્ષા કર્મચારીઓને લાગુ પડશે નહિ. આ આદેશનો ભંગ કનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૭/૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
ચૂંટણી દરમ્યાન ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું.
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની છે. આ ચૂંટણી દરમ્યાન ઉમેદવારો તથા તેમના કાર્યકરો દ્વારા પ્રચાર ઝુંબેશ માટે સભા,સરઘસ વિ.નીકળવાની શક્યતા હોવાથી બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી-સરઘસની મનાઇ કરવાનું જણાય છે.
શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના બનાસકાંઠા જિલ્લાના સમગ્ર મતદાર વિસ્તારમાં તા. ૬/૫/૨૦૧૩ થી તા.૭/૬/૨૦૧૩ સુધી (બન્ને દિવસો સહિત) ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળીને સભા ભરવા કે બોલાવવા તેમજ સરઘસ માટે મનાઇ ફરમાવવામાં આવે છે. આ હુકમ સરકારની નોકરીમાં તથા રોજગારમાં હોય તે વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓને, કોઇ લગ્નના વરઘોડાને, કોઇપણ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
ચૂંટણી દરમ્યાન પોષડોડા પરવાનેદારોએ પોષડોડાનું વેચાણ બંધ રાખવું."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા.૭/૬/૨૦૧૩ સુધી પૂર્ણ કરવાની થાય છે. બનાસકાંઠા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નજર સમક્ષ લેતાં જાહેર સુલેહ શાંતિ તેમજ જાહેર સુરક્ષા જાળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ પોષડોડા પરવાનેદાર દ્વારા થતા પોષડોડાનું વેચાણ ચૂંટણી થતા સુધી બંધ રાખવું જરૂરી જણાય છે.
આ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિના ભાગરૂપે કેફી પદાર્થોનું વેચાણ બંધ રહે તે હેતુસર ગુજરાત પ્રોહીબેશન અધિનિયમ-૧૯૪૯ ની કલમ-૧૪૨ ની જોવાઇઓ અનુસાર બનાસકાંઠા જિલ્લાના તમામ પોષડોડા પરવાનેદારો દ્વારા તા. ૨૦/૦૫/૨૦૧૩ થી તા. ૫/૦૬/૨૦૧૩ સુધી (બંને દિવસો સહિત) પોષડોડાનું વેચાણ બંધ રાખવા ફરમાવવામાં આવે છે.
ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ત્રણથી વધુ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો તથા વાહનો સાથે આવતા હોય છે.જેના કારણે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં તેમજ કમ્પાઉન્ડમાં અવ્યવસ્થા ઉભી થાય છે. આવી પરિસ્થિતી નિવારવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આ અંગે કરેલ અધતન સુચના મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.
શ્રી જે.જી. હિંગરાજીયા(આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે ઉમેદવારી પત્રો ભરવા આવનાર ઉમેદવાર, ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે રાખી પ્રવેશી શકશે. ઉમેદવારીપત્ર ભરતી વખતે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં વધુમાં વધુ પાંચ વ્યકિતઓ (ઉમેદવાર સહિત) પ્રવેશી શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
ચૂંટણીને અનુલક્ષી કામચલાઉ ઝુંબેશ કચેરીઓ ઉપર કેટલાક પ્રતિબંધો મુકાયા."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ન રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે.તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે.
ચૂંટણી દરમિયાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર વિવિધ રાજકીય પક્ષો કે અન્ય વ્યકિતઓ દ્વારા સ્થાનિક ઝુંબેશના હેતુસર ઉભી કરવામાં આવતી કામચલાઉ ઝુંબેશ કચેરીઓ ઉપર ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.
શ્રી જે.જી.હિંગરાજીયા(આઇ.એ.એસ.)જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવે છે કે, લોકસભા પેટા ચૂંટણી દરમ્યાન વિવિધ રાજકીય પક્ષો કે અન્ય વ્યકિતઓ દ્વારા સ્થાનિક ઝુંબેશના હેતુસર નીચે દર્શાવેલ શરતોને આધીન રહીને જ કામચલાઉ ઝુંબેશ કચેરી ઉભી કરવાની અને ચલાવવાની મંજૂરી સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવશે.
(૧) આવી કચેરી કોઇ જાહેર કે ખાનગી મિલકત ઉપર દબાણ કરીને ખોલી શકાશે નહીં. (૨) આવી કોઇ પણ કચેરી કોઇ ધાર્મિક સ્થળોએ અથવા તેના પ્રાગણમાં ઉભી કરી શકાશે નહીં. (૩) આવી કોઇ પણ કચેરી કોઇ શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલની બાજુમાં ઉભી કરી શકાશે નહીં. (૪) આવી કોઇ પણ કચેરી કોઇ મતદાન મથકના ૨૦૦ મીટરની અંદર ઉભી કરી શકાશે નહીં. (૫) આવી કચેરીઓ પક્ષના પ્રતીક/ફોટાગ્રાફ સહિત ફકત એકજ પક્ષનો ધ્વજ અને બેનર પ્રદર્શિત કરી શકશે. (૬) આવી કચેરીઓમાં ઉપયોગમાં લેવામાં આવેલા બેનર્સનું કદ ૪x૮ થી વધુ ન હોવું જોઇએ અને સ્થાનિક કાયદા હેઠળ બેનર/હોર્ડિગ્સ વગેરે માટે આનાથી ઓછું કદ નિર્દિષ્ટ કરવામાં આવ્યું હોય તો બેનરનું કદ તેનાથી વધુ ન હોવું જોઇએ. ઉપરોકત હુકમનો ભંગ કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાશે નહી."
ભારતના ચૂંટણી આયોગ ધ્વારા લોકસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ તારીખ ૩/૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૨/૦૬/૨૦૧૩ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા. ૦૫/૦૬/૨૦૧૩ ના રોજ હાથ ધરાનાર છે તેમજ આ ચુંટણીની તમામ પ્રક્રિયા તા. ૭/૬/૨૦૧૩ ના રોજ પુરી થનાર છે. તે અનુસાર ભારતના નિર્વાચન આયોગે બંધારણની કલમ-૩૨૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા મળેલ સુચનાઓ મુજબ ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચારના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જાહેર જીવનને સમસ્યાઓ ઉભી થવા સંભવ છે. ચૂંટણીઓ મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચુંટણીતંત્ર પ્રયત્નશીલ છે. જેથી ધાર્મિક સ્થળોનો ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે માટે નિયંત્રણો મુકવા જરૂરી છે.
શ્રી જે. જી. હિંગરાજીયા (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવે છે કે, ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિસ્તારમાં આવેલ કોઇપણ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇપણ ધાર્મિક પ્રાર્થના સ્થળોનો ચૂંટણીલક્ષી ભાષણો કે ચૂંટણીના કોઇપણ પ્રકારના હેતુ માટે તા. ૬/૫/૨૦૧૩ થી તા. ૨/૬/૨૦૧૩ સુધીના સમયગાળા દરમિયાન ઉપયોગ કરી શકાશે નહિ. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો