વલસાડઃ વલસાડ શહેરના રેલ્વે યાર્ડ, રૂમ નંબર-૫૧૯, ઇસ્ટ ખાતે રહેતો અને મૂળ તમીલનાડુનો ૪૫ વર્ષિય યુવક નામે ઓમપ્રકાશ હરીશંકર પાલીવાલ ગત તા.૨૭મી એપ્રિલ, ર૦૧૩નાં રોજથી ગુમ થયો છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશન તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ઓમપ્રકાશ પાલીવાલ તા.૨૭/૪/ર૦૧૩નાં રોજ બપોરના ૧:૧પ વાગ્યાના સુમારે, વિનય મેડીકલ સ્ટોર્સની બાજુની ગલીમાં, કયાંક ચાલી જતા ગુમ થયો છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે પાતળા બાંધાનો, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ ૫ ફૂટ-૬ ઇંચ, મોઢુ લંબગોળ, જમણા પગની જાંઘમાં કાળા તલનું નિશાન છે. ગુમ થનાર યુવક અસ્થિર મગજનો છે. તે હિન્દી તથા તાલીમનાડુની પ્રાદેશિક ભાષા જાણે છે. આ વર્ણનવાળા યુવકની ભાળ કે પત્તો મળે તો વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયુ છે.
તા. ૧૯મી મેના રોજ વલસાડ ખાતે કારકીર્દી માર્ગદર્શન શિબિર યોજાશે
વલસાડઃ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાંની સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ હવે પછી શું?ની વિમાસણમાં મુકાઇ જતા હોય છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની આ વિમાસણનો ઉકેલ લાવવા માટે આગામી તા. ૧૯/૦૫/૨૦૧૩ના રોજ નવચેતન ધોડિયા સમાજ,વલસાડ દ્વારા સવારે ૦૯:૩૦ કલાકે કારકીર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન સમસ્ત ધોડિયા સમાજ સંચાલિત શ્રીમતી ગજરાબેન છગનલાલ પટેલ સાંસ્કૃતિક ભવન અટક પારડી, વલસાડ ખાતે કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ધો.૧૦ પછી શું? અને ધો.૧૨ પછી શું? વિષય પર માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર હાજર રહેવા શ્રી ભરતભાઇ પટેલ, પ્રમુખ નવચેતન ધોડિયા સમાજ, વલસાડ તરફથી જણાવાયું છે.
આઇ.ટી.આઇમાં પ્રવેશ ઇચ્છુકો ધ્યાન આપે
વલસાડઃ વલસાડ જિલ્લામાં કાર્યરત તમામ આઇ.ટી.આઇ અને કૌશલ્ય વર્ધન કેન્દ્રો ખાતે એમ્પાવર યોજના અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્રોનો સંપર્ક કરી પ્રવેશ ફોર્મ મેળવી લેવું. વધુ વિગતો માટે નજીકની આઇ.ટી.આઇનો સંપર્ક કરવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પારડી તરફથી જણાવાયું છે.
વનરાજ કોલેજ ધરમપુર ખાતે આઇ.એ.એસ તાલીમ પ્રવેશ પરીક્ષા યોજાશે
વલસાડઃ ડૉ.સૌરભ જે.દેસાઇ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ખાતે ચલાવવામાં આવતા આઇ.એ.એસ તાલીમ વર્ગમાં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષા તા. ૧૯/૦૫/૨૦૧૩ના રવિવારના દિને સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે દરમિયાન યોજાશે. આ પરિક્ષા બેસવા માટે કોલેજમાં નામ નોંધાવ્યા છે તેવા તમામ પરીક્ષાર્થીઓ તથા નામ ન નોંધાવ્યા હોય તેવા અન્ય કોઇપણ કોલેજ કે યુનિવર્સીટીના વિદ્યાર્થી ભાઇ-બહેનો પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહી શકશે. આ પૂર્વે જેમણે પરિક્ષા આપી છે તેવા તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનો ફરીથી પરિક્ષા આપી શકશે. પરિક્ષા આપવા માંગતા તમામ પરિક્ષાર્થીઓને વનરાજ કોલેજ ધરમપુર ખાતે સમયસર ઉપસ્થિત રહેવા કોલેજ અને પરિક્ષાના આયોજકો તરફથી અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે મો.નં- ૯૯૯૮૨૫૯૪૨૩ અથવા મો. નં-૯૯૯૮૨૧૯૩૨૩ પર સંપર્ક કરવા શ્રી યોગેશભાઇ ભટ્ટ, આચાર્યશ્રી વનરાજ કોલેજ ધરમપુર તરફથી જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો