અનુયાયીઓ

બુધવાર, 25 નવેમ્બર, 2020

લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે" - આશાવર્કર સરોજબેન શીશાંગિયા

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર

૦૦૦૦૦૦

"લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે" 

- આશાવર્કર સરોજબેન શીશાંગિયા

૦૦૦૦૦૦

સતત આઠ મહિનાથી રાજકોટના હોટસ્પોટ ગણાતાં વિસ્તારોમાં પ્રતિદિન ૧૫૦-૨૦૦ જેટલા ઘરોમાં ડોર ટુ ડોર સર્વેની નિરંતર સેવા

૦૦૦૦૦૦



"મે અધિક માસ અને અગિયારસ રાજકોટના હોટસ્પોટ ગણાતા વિસ્તારોમાં ફરજ દરમિયાન પુરા કર્યા છે. મારા માટે તો લોકોને કોરોના સંક્રમણથી બચાવવા એ જ મારી અગિયારસ છે." આ શબ્દો છે આશાવર્કર સરોજબેન શીશાંગિયાના.., પ્રવર્તમાન સમયમાં જ્યારે આખો દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આશાવર્કર બહેનો દ્વારા જિલ્લાને કોરોનામુક્ત બનાવવા સઘન અને સકારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. આજે આપણે એવા જ એક ફરજનિષ્ઠ કર્મયોગી સરોજબેન અંગે વાત કરવી છે. 

સરોજબેન રામનાથપરા આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર તરીકે કાર્યરત છે,  સતત આઠ મહિનાથી આજ સુધી પ્રતિદિન તેમણે રાજકોટ શહેરના હોટસ્પોટ ગણાતાં વિસ્તારોમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે. શરૂઆતમાં તેમણે મહાનગરપાલિકા સંચાલિત ધન્વંતરિ રથમાં ડોકટર્સ સાથે રહીને લોકોને આયુર્વેદિક ઉકાળા, દવાનું વિતરણ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી ત્યાર બાદ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા સરોજબેન ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. પોતાના કાર્યાનુભવ વિશે વાત કરતા સરોજબેન જણાવે છે કે,"અમે દરરોજ ૧૫૦-૨૦૦ ઘરોના સર્વે કરીએ છીએ, ખાસ તો અમે લોકોના મનમાંથી કોરોનાનાં ભયને દૂર કરવાનું કામ કરીએ છીએ અને લોકોને ટેસ્ટ કરવા પ્રેરિત કરીએ છીએ, પહેલાં લોકો અમારી વાત માનતા નહીં, તેમને સમજાવવા જતા ઘણી વાર અમારે ઘણુ જ ખરૂ-ખોટું સાંભળવું પડતુ, છતાં અમે તેમને ટેસ્ટ કરાવવા માટે સમજાવતા. ઘણા પોઝિટિવ દર્દીઓ અમને આમ જ મળ્યા. ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા અને જ્યારે તંદુરસ્ત થઈને તેઓ ઘરે પાછા આવે ત્યારે તેઓ ખુશ થઈને અમારો દિલથી આભાર માનતા, અમને આશીર્વાદ આપતાં. આશાવર્કરની સાથે એક માનવ તરીકે અમારૂં એક માત્ર ધ્યેય છે કે અમે વધુ થી વધુ લોકોને આ વૈશ્વિક મહામારીથી મુક્ત રાખીએ"

અત્રે ઉલ્લેખનીય છે કે સરોજબેનના એક સ્વજનનું અવસાન થયું એ સમયે તેઓ ફરજ પર હતા. જ્યારે તેમને આ વાતની ખબર પડી ત્યારે તેમણે હૈયે હામ રાખી, મનને મક્કમ કરીને લોકોને કોરોનામુક્ત કરવા ખડે પગે હાજર રહ્યા હતા. તેમનો આ નિર્ણય સરાહનીય છે, સરોજબેને પોતાના અગિયારસ અને અધિક માસના ઉપવાસને પણ લોકોને કોરોનાનાં સંક્રમણથી બચાવવા માટે સમર્પિત કર્યા છે. 

          આમ, સરોજબહેન તેમની નૈતિક ફરજની સુવાસ થકી અન્ય આશાવર્કર બહેનો માટે પ્રેરણારૂપ બન્યા છે.

શુભમ અંબાણી

રવિવાર, 22 નવેમ્બર, 2020

વેરાવળ-ત્રિવેન્દ્રમ વચ્ચે 10 ડિસેમ્બરથી વિશેષ ટ્રેન દોડશે

રાજકોટ : મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળથી ત્રિવેન્દ્રમ વચ્ચે 10 ડિસેમ્બર ર0ર0થી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 06333-06334 વેરાવળ-ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન વેરાવળ સ્ટેશનથી દર ગુરૂવારે 10 ડિસેમ્બર, ર0ર0થી આગામી આદેશ સુધી દોડશે. ટ્રેન નંબર 06333-06334 વેરાવળ-ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન ટ્રેન નંબર 06333 વેરાવળ-ત્રિવેન્દ્રમ વિશેષ ટ્રેન વેરાવળથી 10 ડિસેમ્બર ર0ર0 (ગુરૂવારે)ને 6.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 4 વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે. 


તેવી જ રીતે ટ્રેન નંબર 06334 ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન 07 ડિસેમ્બર ર0ર0 (સોમવાર)ના રોજ 1પ.40 વાગ્યે ત્રિવેન્દ્રમથી ઉપડશે અને ત્રીજા દિવસે 1પ.45 વાગ્યે વેરાવળ પહોંચશે. ટ્રેન નંબર 06334 (ત્રિવેન્દ્રમ-વેરાવળ સ્પેશ્યલ) મણિનગર અને માવેલીકારા સ્ટેશનો પર પણ રોકાશે અને ટ્રેન નંબર 06333 (વેરાવળ-ત્રિવેન્દ્રમ સ્પેશ્યલ) પચ્યન્નૂર, કન્નાપુરમ, વડકરા, કાયિલાંડી, ફેરોક, પરપ્પનંગાડિ અને તિરૂવનંતપુરમ પેટ્ટા સ્ટેશનો પર પણ રોકાશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે. 

 આ ટ્રેનનું બુકીંગ ર3 નવેમ્બર ર0ર0 (સોમવાર)થી શરૂ થશે. મુસાફરોને મુસાફરી દરમિયાન ભારત સરકારની કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરે અને ગાડી ઉપડવાના સમયથી 1.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચવા વિનંતી છે.

પારડીમાં લાઇટ ડેકોરેશનનાં ધંધાર્થીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા : રૂા.76,700ની મતા ઉસેડી ગયા




રાજકોટ : શાપર-વેરાવળનાં પારડી ગામે જયોતી પાર્કમાં રહેતા લાઇટ ડેકોરેશનનાં ધંધાર્થીના મકાનમાંથી દાગીના અને રોકડ સહિત રૂા.76 હજારની તસ્કરી થયાની શાપર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પારડી ગામે જયોતી પાર્ક-1માં રહેતા હિતેશભાઇ મગનભાઇ કીડીયા (કોળી) (ઉ.વ.40) નામના યુવાનના મકાનમાંથી સોનાના બે ઓમકાર, એક-દોઢ તોલાનો ચેઇન પટ્ટી આકારનો પંદર ગ્રામ, સોનાની બે વીંટી, સાત ગ્રામની ચાંદીની ઝાંઝરી, ચાંદીની સાંકળી તીજોરીમાં રાખેલા રૂા.17 હજાર રોકડા અને પુત્રના ગલ્લામાં રાખેલા રૂા.10 હજાર મળી કુલ રૂા.76,700ની મતા ચોરી ગયા હતાં. આ અંગે શાપર-વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસઆઇ વી.બી.બરબસીયાએ વધુ તપાસ આદરી છે.


પારડી ગામનાં હિતેશભાઇ કીડીયા કે જેઓ લાઇટ ડેકોરેશનનું કામ કરે છે. પોલીસે નજીકનાં સીસીટીવી ફૂટેજ જોયા હતાં. પરંતુ કોઇ કાગળ મળ્યા ન હતાં.







મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વની જાહેરાત, અમદાવાદમાં આવતીકાલથી દિવસ દરમિયાન કરફ્યુ નહીં

 રાજ્યના ચારેય મહાનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રી કરફ્યુનો ચુસ્તપણે અમલ થશે

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદી દીધો છે. અને ગઈકાલથી રાજકોટ, સુરત અને વડોદરામાં પણ દરરોજ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. ત્યારે આજે સાંજે સરકારની કોર કમિટીની બેઠક મળી હતી.
બેઠક બાદ સાંજે 6:30 કલાક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોશ્યલ મીડિયા મારફત ગુજરાતવાસીઓને સંબોધિત કરી મહત્વની જાહેરાત કરી હતી. જે મુજબ અમદાવાદમાં આવતીકાલથી દિવસ દરમિયાન કરફ્યુ લાગુ નહીં રહે. પણ રાજ્યના ચારેય મહાનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, અને સુરતમાં રાત્રી 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુનો ચુસ્તપણે અમલ થશે. લોકોને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ વગેરે નિયમોનું પાલન કરવા સીએમએ અપીલ કરી.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધિત કરતા સૌ પ્રથમ તેઓએ અમદાવાદની જનતાનો આભાર માન્યો હતો તેઓએ કહ્યું હતું કે, અમદાવાદની જનતાને રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. બે દિવસના વિકેન્ડ કરફ્યુમાં અમદાવાદની જનતાએ પૂરતો સહકાર આપ્યો છે. કરફ્યુને સફળ બનાવ્યો છે. સરકારને ન છૂટકે કરફ્યુની અમલવારી કરાવવી પડી છે. કારણ કે, તહેવારોના દિવસો પછી સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધ્યા છે. એવા સમયે સરકારે તાત્કાલિક નિર્ણયો કરવા પડે અને તેના ભાગરૂપે અમદાવાદમાં બે દિવસના કરફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સાથે સાથે આવતીકાલથી રાત્રી કરફ્યુનો અમલ શરૂ થાય છે. ગઈકાલ રાતથી ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યુનો અમલ શરૂ થયો. આવતીકાલથી અમદાવાદ સહિત ચારેય શહેરોમાં રાત્રી કરફ્યુનો અમલ થશે. તો જનતાને હું અપીલ કરું છું કે, સાંજ પછી ચા ની લારીઓ, પાનના ગલ્લા હોય, રેસ્ટોરન્ટ હોય, લોકોની ભીડ થતી હોય છે. એના કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાવાની શકયતા વધી જતી હોય છે.

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, હું ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું. કે તમે તો સશક્ત હશો, સાજા પણ ઝડપથી થઈ જશો. પણ જો તમે કોરોના લઈ ઘરે ગયા તો આપણા ઘરમાં રહેલા વડીલોને ખૂબ મુશ્કેલી પડશે. અને તેની ગંભીરતા સમજીને યુવાનો પણ સાંજ પછી બિન જરૂરી બહાર નીકળવાનું ટાળે. રાત્રી કરફ્યુનો ચુસ્તપણે ચારેય શહેરોમાં અમલ થાય. એ સિવાય રાજ્યના બાકીના શહેરોના નાગરિકોને હું અપીલ કરું છું કે, આપના ગામમાં સંક્રમણ ન વધે તે માટે સાંજ પછી બધા ઘરમાં રહે. નિયમોનું પાલન કરે. અને લોકો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝરથી હાથ સાફ કરે, આ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. નિયમોનું ચુસ્તતાથી પાલન થાય. માસ્ક વગર ફરતા લોકોને પો


લીસ રૂ.1000નો દંડ ફટકારશે. કરફ્યુનો ચુસ્તપણે અમલ થશે. એમા પણ બધા સહકાર આપે.

મુખ્યમંત્રીએ લોકોને કહ્યું કે, ગભરાવવાની જરૂર નથી. ડોકટરોની સંખ્યા વધારી છે, બેડ પણ વધારી દેવામાં આવ્યા છે. તુરંત સારવાર સહિતની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે.





રાજકોટના જૈફ વયના નવીનચંદ્ર પંડયાએ કોરોનાને આપી મ્હાત

 રાજકોટ: આ કોરોનાની મહામારી દરમિયાન ઘણા લોકોએ પોતાની જિંદગી દાવ પર લગાડી દીધેલ છે. આવા કપરા સંજોગોમાં પણ 78 વર્ષની જૈફ ઉંમરે નવીનચંદ્ર દામોદરભાઇ પંડયાને પણ કોરોના પોઝિટીવ આવેલ. જેના કારણે તેઓ 10/11/ર0ર0 થી લઇને 18/11/ર0ર0 સુધી તેઓ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં આઠેક દિવસ એડમિટ રહયા હતા. 


 

સરકારી હોસ્પિટલ રાજકોટમાં ડોકટર અને સ્ટાફે બહુ સારી ટ્રીટમેન્ટ તો આપી જ પરંતુ તેની સાથે નવીનચંદ્ર ભાઇનું પોતાનું આત્મબળ તથા રોગ સામે લડવાની તાકાતથી તેઓ કોરોનાને પણ હરાવી હેમખેમ ઘરે પરત આવેલ છે.

રાજકોટમાં રણછોડદાસબાપુ આશ્રમે તા. 30 સુધી દર્શન બંધ




રાજકોટ  : કોરોના કોવીડ-19 વાઇરસનાં કારણે કેસો વધી રહયા હોય પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટ દ્વારા સર્વજનના હીત માટે તથા સર્વજનના સુખ માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે નીજ મંદિરનાં દર્શન (મંદિર પ્રવેશ) આજરોજ તા. ર1/11/ર0ર0, શનિવારથી તા. 30/11/ર0ર0 સોમવાર સુધી બંધ રહેશે.ઉપરોકત સમસ્ત ગુરૂભાઇ-બહેનોને તથા ધર્મપ્રેમીભાઇ-બહેનોને નમ્ર અનુરોધ છે કે કોરોના કોવીડ-19 વાયરસનાં કારણે કેસો વધી રહયા કોવિડ-19નાં દિશા નિર્દશો તથા આદેશોનું પાલન કરે. સાથો સાથ બધાને અપીલ કરવામાં આવે છે કે પ.પૂ. સદગુુરુુદેવ ભગવાન રણછોડદાસજીબાપુને વિશ્ર્વ માનસ ઉપર  આવી પડેલ આ આપદાને દુર કરવા હેતુ પ્રાર્થના કરે તેવો અનુરોધ કરાયો છે.

રાજકોટમાં અન્ય જિલ્લામાંથી 6 ફોજદાર બદલી પામીને આવ્યા : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI ધાંધલ્યાની પોરબંદર બદલી



રાજકોટ : રાજય પોલીસ વડા દ્વારા રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા પીએસઆઇની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. રાજકોટના છ સહિત રાજ્યના 130 પીએસઆઇ બદલીઓ કરવામાં આવી છે. રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એચ.બી.ધાંધલ્યાની પોરબંદર બદલી કરાઇ છે. જ્યારે અન્ય જિલ્લાઓમાંથી રાજકોટમાં છ પીએસઆઇ મુકવામાં આવ્યા છે.
રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયાએ ગઇકાલે રાજયના અલગ અલગ સ્થળો પર ફરજ બજાવતા 130 પીએસઆઇની બદલીના હુકમો કર્યા છે. જે મુજબ રાજકોટમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.એલ.ઝાલાની જામનગર, આર.એસ.પટેલની સુરત, ક્રાઇમ બ્રાન્ચના એચ.બી.ધાંધલ્યાની પોરબંદર,પી.ડી. જાદવની પોરબંદર, એ.વી.પિપરોતરની અમદાવાદ તેમજ એસ.સી.નાયરની અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય સ્થળોએથી છ પીએસઆઇની રાજકોટ શહેરમાં બદલીના હુકમ કરવામાં આવ્યા છે જેમાં છોટા ઉદેપુરથી એચ.એન.જામંગ, દેવભૂમિ દ્વારકાથી પી.ડી.રોહડીયા, વડોદરાથી પી.એચ.બુટાણી, જુનાગઢથી કે.સી.રાણા, સુરેન્દ્રનગરથી સી.પી.રાઠોડ અને રાજકોટ ગ્રામ્યમાંથી એચ.પી.ગઢવીની રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે.


રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની ખેડૂતોલક્ષી યોજનાની જાહેરાત કરતા કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા


રાજકોટ, તા.22
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આજે ખેડૂતો માટે 6 યોજના જાહેર કરતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. યોજના બાબતે માહિતી આપતા તેઓએ કહ્યું કે,
રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના,  ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરાઈ, મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને 1 ટકા વ્યાજ રાહતની જાહેરાત, જિલ્લામાં ખેડૂતોને અંદાજીત વ્યાજ રાહત 12 કરોડ,


 ખેતીવિષયક મંડળીઓના કર્મચારીઓ માટે રૂ. 1 લાખની નવી રોકડ શાખા યોજના અમલમાં મૂકી છે.,રાજકોટ અને મોરબી જિલ્લાની ખેતીવિષયક મંડળીઓને આર્થિક મજબૂત કરવા 2500 કરોડના કે.સી.સી ધીરણમાં માર્જિન 1 ટકા થી વધારી 1.25 ટકા કરવાની જાહેરાત, અંદાજીત 12.50 કરોડનો મંડળીઓને લાભ અપાશે તેમજ  વિઠ્ઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજના કરાઈ જાહેર, સભાસદોને કિડની, કેન્સર, પત્થરી,પેરાલીસીસ,પ્રોસ્ટેજ,હાર્ટ એટેક તથા બ્રેઇન હેમરેજની સારવાર માટે 12 હજાર મેડિકલ સહાય અપાશે
ખેડૂતોલક્ષી આવી જાહેરાતથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે અને કેબિનેટ પ્રધાન જયેશ રાંદડિયાનો ખેડૂતોએ આભાર માન્યો છે.


કોરોનાના કોપથી માનવજાતને મુક્ત કરાવવા જૈનાચાર્ય ૧૮૦ ઉપવાસની ઉગ્ર સાધના કરી રહ્યા છે

 



જગતમાં જ્યારે જ્યારે કુદરતી આપત્તિ આવે છે ત્યારે યોગી પુરૂષો સૂક્ષ્મની શક્તિનું જાગરણ કરીને માનવજાતને તેમાંથી મુક્ત કરવાનો પુરૂષાર્થ કરે છે. મુંબઈનાં ઉપનગર કાંદિવલીમાં બિરાજમાન ૫૪ વર્ષના જૈનાચાર્ય પરમ પૂજ્ય વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા છેલ્લા ૧૫૦ દિવસથી ઉપવાસની કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. કુલ ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરવા પાછળ તેમનો સંકલ્પ સમગ્ર જગતના જીવોને કોરોનાની અને લોકડાઉનની પીડામાંથી મુક્ત કરવાનો છે. કોરોનાને કારણે ધર્મસ્થાનો પણ લોકડાઉનની ઝપટમાં આવી ગયાં તેને કારણે લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચી છે. આ ધાર્મિક ભાવના ફરીથી પ્રબળ બને તેવી શુભ ભાવના સાથે જૈનાચાર્ય ૧૮૦ ઉપવાસની સાધના કરી રહ્યા છે. આવતી તા.૨૦ ડિસેમ્બરે આચાર્ય ભગવંત ૧૮૦ ઉપવાસનું પારણું કરશે ત્યારે ચોથી વખત ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરનારા તેઓ જગતના પ્રથમ તપસ્વી બનશે.

માત્ર ૧૩ વર્ષની કુમળી વયે દીક્ષા અંગીકાર કરીને જૈન સાધુ બનનારા આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી માટે ઉગ્ર તપશ્ચર્યા કરવાની કોઈ નવાઈ નથી. તેમના ગુરુ આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પણ ઉગ્ર તપસ્વી હતા. તેમણે પોતાના જીવનમાં શ્રી વર્દ્ધમાન તપની ૧૦૮ ઓળીની ઉગ્ર સાધના પૂર્ણ કરી હતી. વર્ષો અગાઉ ૧૪ વર્ષના બાળમુનિ રૂપાતીતવિજયજી મહારાજના ૩૦ દિવસના ઉપવાસ જોઈને તેમને માસક્ષમણ કરવાની પ્રેરણા થઈ હતી. આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા અગાઉ પણ ૮,૧૬, ૩૦, ૬૮, ૭૭, ૯૧, ૯૫, ૧૦૮, ૧૨૨, ૧૨૩ અને ત્રણ વખત ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરી ચૂક્યા છે. લોકડાઉન દરમિયાન તેઓશ્રી સુપ્રસિદ્ધ પદ્મભૂષણ જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ભાયખલા ખાતે જૈન ઉપાશ્રયમાં બિરાજમાન હતા. ત્યાં તેમણે ૯૫ ઉપવાસની કઠોર તપશ્ચર્યા કરી હતી. ૯૫ ઉપવાસનું પારણું કરતી વખતે જ તેમણે ૧૮૦ ઉપવાસ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. 

વર્તમાન ચાતુર્માસ દરમિયાન સ્વ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા બોરીવલીમાં મંડપેશ્વર રોડ ખાતે બિરાજમાન છે તો આચાર્યશ્રી વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા બોરીવલી ગીતાંજલિ નગર ખાતે બિરાજમાન છે. વર્દ્ધમાન તપોનિધિ આચાર્યશ્રી વિજયવરબોધિસૂરીશ્વરજી મહારાજા બોરીવલીના રોયલ કોમ્પલેક્સમાં બિરાજમાન છે તો આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા કાંદિવલીમાં બિરાજમાન છે. આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા દર ૧૬ દિવસે પગપાળા વિહાર કરીને આ ત્રણેય વડીલ આચાર્ય ભગવંતો પાસે જાય છે અને તેમની પાસે બીજા ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ ગ્રહણ કરે છે. દરેક વખતે પચ્ચક્ખાણ ગ્રહણ કર્યા પછી તેઓ વડીલ આચાર્ય ભગવંતોને અને શ્રમણ-શ્રમણી ભગવંતોને ત્રણ પ્રદક્ષિણા આપીને તેમનું ઋણ માથે ચડાવે છે.

જૈન ધર્મના ઉપવાસમાં દિવસ દરમિયાન માત્ર ઉકાળેલાં પાણી સિવાય કોઈ પણ પ્રકારનો આહાર કે પ્રવાહી ખોરાક લઈ શકાતો નથી. આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજા ૧૮૦ ઉપવાસનો ઉગ્ર તપ કરવાની સાથે રોજના આશરે ૧૨ કલાક ટટ્ટાર બેસીને સૂરિમંત્રની ત્રીજી પીઠિકાનો જાપ પણ કરે છે. જૈન સાધુ જીવનની દરેક ક્રિયાઓ તેઓ અપ્રમત્ત ભાવે કરે છે. રાત્રિના સમયે તેઓ માંડ ત્રણથી ચાર કલાકની નિદ્રા લે છે. તપસ્વી સમ્રાટ આચાર્યશ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજાના ૧૮૦ ઉપવાસનું પારણું જૈન શાસનની ઉત્કૃષ્ટ પ્રભાવના થાય તે રીતે કરાવવાની જોરદાર તૈયારીઓ મુંબઈના જૈન સંઘો દ્વારા ચાલી રહી છે.

શનિવાર, 21 નવેમ્બર, 2020

કોડીનારના કોબ્રા કમાન્ડોના ભેદી મૃત્યુનો આક્રોશ : રેલી યોજી વિરોધ



યોગ્ય તપાસ ન થાય તો આંદોલનની ચીમકી

કોડીનાર, 

કોડીનારના સ્વ. અજીતસિંહ પરમારના મધ્યપ્રદેશમાં રહેયમય મૃત્યુ અને રેલવે પોલીસ દ્વારા કોઈપણ જાતની તપાસ વગર દંફનવીધીને લઈ શહેરીજનોએ રોષ વ્યકત કરી, રેલી યોજીઆ મામલે સી.બી.આઈ.તપાસની માંગ સાથે કોડીનાર મામલતદારને આવેદન આપ્યું હતું.

સીઆરપીએફના કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારનો મધ્યપ્રદેશમાંથી અગમ્ય કારણોસર મૃતદેહ મળી આવતા પરિવાર સહિત સમગ્ર કોડીનાર શહેરમાં આક્રોશ છવાયો છે. અત્રે એ નોંધીનીય છે કે કોબ્રા કમાન્ડોની 10 હજાર આર્મી જવાનોમાંથી માત્ર 5 જવાનોની જ પસંદગી થતી હોય છે. ત્યારે કોડીનારનાં એકમાત્ર કોબ્રા કમાન્ડોનાં મૃત્યુનાં રહસ્યની  સીબીઆઈ દ્વારા તપાસ થાય અને ન્યાય આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી અપાઈ છે.
મૂળ ગીર સોમનાથનાં કોડીનારનાં વતની અને બિહાર સીઆરપીએફ ની 205 રેજીમેન્ટમાં ફરજ બજાવતા કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમાર દિવાળીની રજાઓમાં દિલ્હીથી રાજધાની એકસપ્રેસ ટ્રેન મારફતે વડોદરા આવી રહ્યા હતા. ટેન મુંબઈ પહોંચી ત્યારે રાજધાની એક્સપ્રેસ નાં એ.સી.કોચ માંથી માત્ર તેઓનો સામાન મળ્યો..!! અજીતસિંહ ગુમ હતા.કોડીનાર સ્થિત પરિવારે તપાસ કરતા મુંબઈ પોલીસનો સંપર્ક થયો.માત્ર સામાન જ મળ્યો તે જાણી પરિવાર ચિંતિત બન્યો. અજીતસિંહ વડોદરા પણ ઉતર્યા ન હતા.

બીજે દિવસે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનાં આલોટ નજીકના રેલવેટેક પાસેથી તેઓની ડેડબોડી મળી આવી.રેલવે પોલીસ દ્વારા અજિતસિંહની ડેડબોડી કોઈપણ જાતની તપાસ કર્યા સિવાઈ દફનાવી દેવામાં આવી. પરિવાર જનોને જાણ થતાં તેઓ એમ.પી. પહોંરયા.રેલવે પોલીસને પુરાવા, આપી ડેડબોડીની માંગણી કરી.રેલવે પોલીસ દ્વારા આનાકાની અને બહાનાં બાજી બાદ આખરે અજિતસિંહની ડેડબોડી જમીનમાંથી કાઢી પીએમ કરીને મૃતદેહ માદરે વતન પહોંચાડાયો હતો.

"બા"નું ઘર નિરાધાર મહિલા વૃધાશ્રમે 18 વર્ષથી ચાલતી સેવાની સરાહના


દિવાળીના દિવસોમાં પણ સેવા નિરંતર ચાલુ રખાઈ
રાજકોટ:
સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ ગુજરાત સંચાલિત "બા"નું ઘર નિરાધાર મહિલા વૃદ્ધાશ્રમના સંચાલકો અને સેવાભાવીઓએ દીપોત્સવી પર્વ દરમિયાન પણ સેવા ચાલુ રખાતાં આ વાતની જાણકારોમાં સરાહના થઇ રહી છે.
કોરોના કાળમાં કફોડી હાલતમાં મુકાઈ ગયેલા લોકો સારી રીતે દિવાળી ઉજવી શકે તે માટે જરૂરિયાતમંદોને ઘેર ઘેર જઈને સેવાભાવીઓએ તેલ, ગોળ, લોટ, કઠોળ, ચોખા, ખીચડી, સાબુ, શેમ્પુ મળીને 13 કિલોની કીટ બનાવીને વિતરણ કરાઈ હતી. આ સત્કર્મમાં સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગિએતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન મેરજા અને સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સૌથી ઉત્તમ સેવાની એ વાત જોવા મળી કે આ સંસ્થાના સભ્યોએ દિવાળીના દિવસે ફટાકડા ન ફોડીને , જન્મદિન કે મગ્ન વર્ષગાંઠ ન ઉજવીને બચત કરેલી રકમમાંથી સેવા કરી રહ્યા છે.
આગામી 27મી નવેમ્બરે આ સંસ્થા બાવાજી પરિવારની જરૂરિયાતમંદ દીકરીને, કરિયાવર સાથે સ્વમાનભેર પરણાવીને સાસરિયે મોકલશે. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવાના આશયથી કોઈ નાનું મુતુ દાન આપવા માંગતું હોય તેવા દાતાઓએ મો.94267 37273, 94291 66766નો સંપર્ક કરી વિશેઃ જાણકારી મેળવી શકે છે.

 

દર્દી અને દાતાઓવચ્ચે સેતુ બનતું રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપ

00000

રાજકોટ, જામનગરઅને જૂનાગઢમાં કાર્યરત રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપના
૩૦૦ થી વધુ સભ્યો

00000

કોરોનાના ગંભીર દર્દીઓને પ્લાઝ્માની જરૂરિયાત અંગે ૯૯૯૮૪૬૪૭૩૧,, ૯૨૨૮૩૦૭૬૬૦ અથવા ૭૫૭૫૦૭૫૭૫૯ વોટ્સએપ ગ્રુપમાં સંપર્ક કરવા સૂચના

હેલ્લો, અમને પ્લાઝમાની જરૂર છે, કોઈ મદદ કરશો ? આ પ્રકારે દર્દીઓના સગા સંબંધીના ફોન કે મેસેજ મળ્યે અમારા ગ્રુપમાં અમે ડોનર્સને મેસેજ મોકલી દઈએ છીએ, અમારા ગ્રુપમાં ૩૦૦ થી વધુ મેમ્બર્સ છે, પ્લાઝ્મા ડોનેટ કરવા ઇચ્છુક સભ્ય સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે પ્લાઝમા આપવા.  અત્યાર સુધીમાં અમે ૮૦ થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝ્માની વ્યવસ્થા કરી આપ્યાનું  રાજકોટ પ્લાઝ્મા ડોનર ગ્રુપના મનોજભાઈ રાણપરા જણાવે છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝ્મા દાન કરવાનું એકદમ સલામત અને સ્ટાફ તરફથી ૨૪ કલાક તમામ સહકાર મળતો હોવાનું  મનોજભાઈ જણાવે છે. અમારું ગ્રુપ સ્વૈચ્છિક ધોરણે કામ કરે છે. અમારું એક ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે. અહીં અમે પ્લાઝ્મા આપવા ઇચ્છુક લોકોને સભ્ય બનાવીએ છીએ. જયારે પણ પ્લાઝ્માની જરૂરિયાત અમને મળે એટલે અમે અમારા સભ્યને ફોન કે ગ્રુપ દ્વારા જાણ કરીએ છીએ. અમે જરૂરિયાતમંદ લોકો પાસેથી એક પણ પૈસો લીધા વગર તેમને પ્લાઝ્માની વ્યવસ્થા કરી આપીએ છીએ.       



 

આ ગ્રુપના અન્ય સભ્ય હિરેનભાઈ પારેખ ગ્રુપની કામગીરી વિષે જણાવે છે કે, આશરે બે મહિના પહેલા અમે આ ગ્રુપની સ્થાપના કરી,આ ગ્રુપની પ્રેરણા પુરી પાડી છે જીજ્ઞાબેન તન્નાએ, જેમાં અન્ય સભ્યો વિશાલભાઈ માંડલિયા, મિલાપભાઈ શેઠ, ડોક્ટર મનીષ વિડજા  તેમજ અન્ય સંસ્થાઓનો સક્રિય સહયોગ મળ્યો છે.ફેસ બુક પર જાગૃતિ અર્થે પેજ બનાવ્યું તેમજ અમારા હાલ ત્રણ વોટ્સએપ ગ્રુપ છે. કોરોના સંક્રમિત દર્દીને અમે એક ડિજિટલ ફોર્મની લિંક મોકલીએ છીએ,. જેમાં તેમનું બ્લડ ગ્રુપ, કોન્ટેક્ટ ડીટેઇલ તેમજ તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માંગે છે કે નહિ તેની વિગત મેળવીએ છીએ. ત્યારબાદ અમે આ માહિતી અમારા ડેટાબેઝમાં રાખીએ છીએ. જયારે પણ પ્લાઝ્માની જરૂરિયાત ઉભી થાય ત્યારે અમે તેમને રોટેશન વાઈઝ કોલ તેમજ મેસેજ કરીએ છીએ. જે સભ્ય તૈયાર હોય તેમને સિવિલ ખાતે બોલાવી પ્લાઝ્મા લેવડાવી જરૂરિયાતમંદ વ્યક્તિને અહીથીજ પ્લાઝ્મા અપાવી દઈએ છીએ.કોરોનાના ગંભીર દર્દીઓને પ્લાઝ્માની જરૂરિયાત હોય તો ૯૯૯૮૪૬૪૭૩૧,૯૨૨૮૩૦૭૬૬૦ અથવા ૭૫૭૫૦૭૫૭૫૯ વોટ્સએપ ગ્રુપમાં સંપર્ક કરવા હિરેનભાઈએ જણાવ્યું છે.

આ પૂર્વે લોકડાઉન સમયે અન્નપૂર્ણા ગ્રુપ દ્વારા વિવિધ જગ્યાએથી રોટલીઓનું કલેક્શન તેમજ શાક બનાવી જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યાનું  હિરેનભાઈ જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક લોકોએ પ્લાઝ્મા દાન કરેલ છે. અહીંથી જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક પ્લાઝ્મા પૂરું પાડવામાં આવે છે. આજરોજ સિવિલ ખાતે પ્લાઝ્મા ડોનેટ કરનાર કલ્પેશભાઈ કોટકજણાવે છે કે, મને કોરોનાનું સંક્રમણ થતાં મેં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ પ્લાઝ્મા આપવા હું ખાનગી લેબને નહિ પરંતુ સિવિલને પ્રાથમિકતા આપું છું, અહીંનું સેટઅપ સરસ છે, અને સ્ટાફનો ખુબ સરાહનીય સહકાર મળે છે.

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાના સનાળી તથા આસલપુર ગામે રૂા. ૪૦ લાખના ખર્ચે નિર્મિત પેટાઆરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

 

  રાજકોટ :  રાજકોટ જીલ્લાના વીંછીયા તાલુકાના સનાળી ગામે અને આસલપુર ગામે પ્રત્યેક રૂા.૨૦ લાખ મુજબ કુલ અંદાજે. રૂા. ૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પેટાઆરોગ્ય કેન્દ્રોનું પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

        મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ડોકટર એકઝામીનેશન રૂમ, લેબરરૂમ, તથા રહેણાંક માટે સ્ટાફ કવાર્ટર સહિતની આધુનિક સુવિધા સભર પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યાન્વિત થતાં હવે ગામને ઘરઆાંગણે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે. આ કેન્દ્રો ખાતે પ્રાથમિક સારવાર સાથે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પણ શરૂ થતાં ડાયાબીટીઝ, બલ્ડ પ્રેશર, જેવી બીમારીઓ તથા લોહીની તપાસ સાથે મહિલાઓને પ્રસૂતિસહિતની વિશેષ સારવાર પણ મેડીકલ ઓફિસર દ્વારા મળી રહેશે. પર્યાપ્ત આરોગ્ય સ્ટાફ સાથે શરૂ કરાયેલ આ પેટા આરોગ્ય કેન્દ્રો થકી આ ગ્રામ્ય વિસ્તારના લોકોની આરોગ્યની સુરક્ષા સઘન બનશે. 








 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વર્ષ ૨૦૨૨ સુધીમાં નલ સે જલ અંતર્ગત આ વિસ્તારના તમામ ગામોમાંઘરે-ઘર નળ દ્વારા પાણી વિતરણની યોજનાને પરિપૂર્ણ કરવા સતત કાર્યરત છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોને આસપાસના શહેરો સાથે આંતરિક રસ્તાઓની કનેકટીવિટી, સીમશાળા અને નવી હાઇસ્કુલની મંજુરી સહિતના તમામ માળખાકીય વિકાસના કામો સતત  ચાલી રહયા છે. આ વિસ્તાર પણ સામાજિક અને શૈક્ષણિક સાથે આર્થિક ઉન્નતિ સાધે તે માટે રાજય સરકાર હરહંમેશ પ્રતિબધ્ધ છે. આ તકે તેઓએ રાજય સરકાર દ્વારા સામુદાયિક વિકાસ માટે કરેલા ભવનોના નિર્માણ બાદ તેની જાળવણીએ નાગરિકોની નૈતિક જવાબદારી છે તેમ જણાવી આ તમામ માળખાકિય સુવિધાની જાળવણી રાખવા અનુરોધ કર્યો હતો.

આ સાથે મંત્રીશ્રી બાવળીયાએ ભંડારીયા–ગઢડીયા રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત થનારા રી-સરફેસીંગ સહિતના વિકાસકામોનું ખાતમૂહુર્ત પણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યશ્રી કાળુભાઇ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી અશ્વીનભાઇ સાંકળીયા, મામલતદારશ્રી ડાંગી, તાલુકા વિકાસ અધિકારીશ્રી રાબા સહિત અગ્રણી સી.કે.ભડાણીયા અને સરપંચશ્રી ભગીરથસિંહ  ડોડીયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.

વૈશ્વીક સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ, ભારતનાં જાણીતા ઉદ્યોગપતિ પ્રવિણભાઇ કોટકનો આજે જન્મદિવસ

 


 સમગ્ર વિશ્વના ૩૦ લાખ જેટલા રઘુવંશીઓની પ્રતિનીધીત્વ કરતી ૧ર૦ વર્ષ જુની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ અધ્યક્ષ, ભારતના જાણીતા બિલ્ડર, ઇસ્કોન ગુ્રપના ચેરમેન શ્રી પ્રવિણભાઇ કોટકનો આજે જન્મદિવસ છે. પ્રવિણભાઈ કોટકનો નું જીવન અને કવન સુગંધીમય રહયું છે. વ્યવસાયની સફળતા સાથે તેઓ સામાજીક, સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય રહયાં છે. જ્ઞાતિએ સોંપેલું કામ હોય કે સરકારે સોંપેલી ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તરીકેની જવાબદારી હોય, તેમણે પોતાની કર્મઠતા, મહેનત,જવાબદારી, સંપકો અને સંબંધોથી શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા છે. 
 

રાષ્ટ્ર/વિશ્વના એક અંગ તરીકે રાષ્ટ્ર/વિશ્વની એકતા, પ્રગતિ અને સમૃધ્ધિને સુસંગત રહી, લોહાણા જ્ઞાતિની સમાજિક, આર્થિક, નૈતિક, આધ્યાત્મિક, ઓૈધોગીક, શારીરિક, માનસિક, કેળવણી, વિષયક તેમજ સર્વ ઉદેશીય પ્રગતિ સાધવાના ઉપાયો યોજવાનો અને તેને અમલમાં મૂકવા શકય તેટલા પ્રયત્નો કરવાનો, જ્ઞાતિ ઉત્કર્ષ અને અભ્યુદય માટેનાં સર્વકાર્યોહાથ ધરવાનો અને જ્ઞાતિમાં એકીકરણ, ભાતૃત્વભાવ, સંપ અને સંગઠનની વૃધ્ધિ કરવા જરૂરી જણાય તે સર્વેપ્રવૃતિઓ હાથ ધરવાનું મુખ્ય ધ્યેય શ્રી લોહાણા મહાપરીષદનું તથા પ્રવિણભાઇ કોટકનું છે. 

પાંચ વર્ષ સુધી સમગ્ર વિશ્વનાં લોહાણા મહાજનો, રઘુવંશીઓની પ્રતિનિધિત્વ કરતી શ્રી લોહાણા મહાપરીષદનુ નેતૃત્વ સંભાળ્યા બાદ પ્રવિણભાઈ કોટકે જ્ઞાતિહિત, સમાજહિતના અનેક સદકાર્યો કર્યા છેેે. સમગ્ર વિશ્વમાંથી થેલેસેમીયા નાબૂદી અભિયાનને વેગવંતો બનાવવામાં તેમણે ખૂબ અદકેરો ફાળો આપ્યો છે. પૂ. મોરારીબાપુ, પૂ. રમેશભાઈ ઓઝા, રામદેવજી મહારાજ, પૂ. રવીશંકરજી સહિતના અનેક સંતશ્રીઓના કૃપાપાત્ર, પ્રિતીપાત્ર પ્રવિણભાઈ અત્યંત પ્રેમાળ, વિવેકી વ્યકિતત્વ ધરાવે છે. 

પ્રવિણભાઇ કોટકને શુભેચ્છા આપવા મોઃ ૯૮૭૯ર ૦૬૬૬૧


શુક્રવાર, 20 નવેમ્બર, 2020

જેતલસરમાં શહીદ જવાનને પુષ્પાંજલિ અપાઈ


કુલદીપ જોશી

















 
જેતલસર, તા.20
આજથી 20 વર્ષ પહેલા સિયાચીન ગ્લેસિયર ખાતે અંદાજે 11 હજાર ફૂટ ઊંચાઈએ ફૌજી તરીકે ફરજ બજાવતા ધનસુખ ધીરુભાઈ ભુવા શહીદ થયા હતા. તેમની યાદ કાયમી રૂપે જેતલસર પંથકમાં જળવાઈ રહે તે માટે શહીદ જવાન ધનસુખ ભુવાનું રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્ક, બસસ્ટેન્ડ પાસે સ્ટેચ્યુ મુકાયું છે.
આજે 20મી પુણ્યતિથિ નિમિતે શહીદ જવાનના માતા-પિતા, બાળકો બંશી અને કિશન સહીત જેતલસરના ગ્રામજનોએ મોટી સંખ્યામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. આ તકે જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન અને ગામના માજી સરપંચ દિનેશ ભુવા, આરડીસી બેન્કના ડિરેક્ટર લાલજીભાઈ રાદડિયા  વિગેરેએ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી શહીદ જવાનના દેશ પ્રત્યેના શૌર્યને વાગોળીને, પરિવારજનોએ દિકરાની ખોટ પૂરવાની અને બાળકોને હિમ્મત આપવાની પ્રભુને પ્રાર્થના કરી હતી.

ફોટો: કુલદીપ જોશી, જેતલસર