રાજ્યના ચારેય મહાનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રી કરફ્યુનો ચુસ્તપણે અમલ થશે
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદી દીધો છે. અને ગઈકાલથી રાજકોટ, સુરત અને વડોદરામાં પણ દરરોજ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. ત્યારે આજે સાંજે સરકારની કોર કમિટીની બેઠક મળી હતી.
બેઠક બાદ સાંજે 6:30 કલાક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોશ્યલ મીડિયા મારફત ગુજરાતવાસીઓને સંબોધિત કરી મહત્વની જાહેરાત કરી હતી. જે મુજબ અમદાવાદમાં આવતીકાલથી દિવસ દરમિયાન કરફ્યુ લાગુ નહીં રહે. પણ રાજ્યના ચારેય મહાનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, અને સુરતમાં રાત્રી 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુનો ચુસ્તપણે અમલ થશે. લોકોને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ વગેરે નિયમોનું પાલન કરવા સીએમએ અપીલ કરી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધિત કરતા સૌ પ્રથમ તેઓએ અમદાવાદની જનતાનો આભાર માન્યો હતો તેઓએ કહ્યું હતું કે, અમદાવાદની જનતાને રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. બે દિવસના વિકેન્ડ કરફ્યુમાં અમદાવાદની જનતાએ પૂરતો સહકાર આપ્યો છે. કરફ્યુને સફળ બનાવ્યો છે. સરકારને ન છૂટકે કરફ્યુની અમલવારી કરાવવી પડી છે. કારણ કે, તહેવારોના દિવસો પછી સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધ્યા છે. એવા સમયે સરકારે તાત્કાલિક નિર્ણયો કરવા પડે અને તેના ભાગરૂપે અમદાવાદમાં બે દિવસના કરફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સાથે સાથે આવતીકાલથી રાત્રી કરફ્યુનો અમલ શરૂ થાય છે. ગઈકાલ રાતથી ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યુનો અમલ શરૂ થયો. આવતીકાલથી અમદાવાદ સહિત ચારેય શહેરોમાં રાત્રી કરફ્યુનો અમલ થશે. તો જનતાને હું અપીલ કરું છું કે, સાંજ પછી ચા ની લારીઓ, પાનના ગલ્લા હોય, રેસ્ટોરન્ટ હોય, લોકોની ભીડ થતી હોય છે. એના કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાવાની શકયતા વધી જતી હોય છે.
વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, હું ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું. કે તમે તો સશક્ત હશો, સાજા પણ ઝડપથી થઈ જશો. પણ જો તમે કોરોના લઈ ઘરે ગયા તો આપણા ઘરમાં રહેલા વડીલોને ખૂબ મુશ્કેલી પડશે. અને તેની ગંભીરતા સમજીને યુવાનો પણ સાંજ પછી બિન જરૂરી બહાર નીકળવાનું ટાળે. રાત્રી કરફ્યુનો ચુસ્તપણે ચારેય શહેરોમાં અમલ થાય. એ સિવાય રાજ્યના બાકીના શહેરોના નાગરિકોને હું અપીલ કરું છું કે, આપના ગામમાં સંક્રમણ ન વધે તે માટે સાંજ પછી બધા ઘરમાં રહે. નિયમોનું પાલન કરે. અને લોકો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝરથી હાથ સાફ કરે, આ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. નિયમોનું ચુસ્તતાથી પાલન થાય. માસ્ક વગર ફરતા લોકોને પો
લીસ રૂ.1000નો દંડ ફટકારશે. કરફ્યુનો ચુસ્તપણે અમલ થશે. એમા પણ બધા સહકાર આપે.
મુખ્યમંત્રીએ લોકોને કહ્યું કે, ગભરાવવાની જરૂર નથી. ડોકટરોની સંખ્યા વધારી છે, બેડ પણ વધારી દેવામાં આવ્યા છે. તુરંત સારવાર સહિતની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો