રાજકોટ : રાજકોટ જીલ્લાના વીંછીયા તાલુકાના સનાળી ગામે અને આસલપુર ગામે પ્રત્યેક રૂા.૨૦ લાખ મુજબ કુલ અંદાજે. રૂા. ૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પેટાઆરોગ્ય કેન્દ્રોનું પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ડોકટર એકઝામીનેશન રૂમ, લેબરરૂમ, તથા રહેણાંક માટે સ્ટાફ કવાર્ટર સહિતની આધુનિક સુવિધા સભર પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યાન્વિત થતાં હવે ગામને ઘરઆાંગણે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે. આ કેન્દ્રો ખાતે પ્રાથમિક સારવાર સાથે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પણ શરૂ થતાં ડાયાબીટીઝ, બલ્ડ પ્રેશર, જેવી બીમારીઓ તથા લોહીની તપાસ સાથે મહિલાઓને પ્રસૂતિસહિતની વિશેષ સારવાર પણ મેડીકલ ઓફિસર દ્વારા મળી રહેશે. પર્યાપ્ત આરોગ્ય સ્ટાફ સાથે શરૂ કરાયેલ આ પેટા આરોગ્ય કેન્દ્રો થકી આ ગ્રામ્ય વિસ્તારના લોકોની આરોગ્યની સુરક્ષા સઘન બનશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વર્ષ ૨૦૨૨ સુધીમાં “નલ સે જલ” અંતર્ગત આ વિસ્તારના તમામ ગામોમાંઘરે-ઘર નળ દ્વારા પાણી વિતરણની યોજનાને પરિપૂર્ણ કરવા સતત કાર્યરત છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોને આસપાસના શહેરો સાથે આંતરિક રસ્તાઓની કનેકટીવિટી, સીમશાળા અને નવી હાઇસ્કુલની મંજુરી સહિતના તમામ માળખાકીય વિકાસના કામો સતત ચાલી રહયા છે. આ વિસ્તાર પણ સામાજિક અને શૈક્ષણિક સાથે આર્થિક ઉન્નતિ સાધે તે માટે રાજય સરકાર હરહંમેશ પ્રતિબધ્ધ છે. આ તકે તેઓએ રાજય સરકાર દ્વારા સામુદાયિક વિકાસ માટે કરેલા ભવનોના નિર્માણ બાદ તેની જાળવણીએ નાગરિકોની નૈતિક જવાબદારી છે તેમ જણાવી આ તમામ માળખાકિય સુવિધાની જાળવણી રાખવા અનુરોધ કર્યો હતો.
આ સાથે મંત્રીશ્રી બાવળીયાએ ભંડારીયા–ગઢડીયા રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત થનારા રી-સરફેસીંગ સહિતના વિકાસકામોનું ખાતમૂહુર્ત પણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યશ્રી કાળુભાઇ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી અશ્વીનભાઇ સાંકળીયા, મામલતદારશ્રી ડાંગી, તાલુકા વિકાસ અધિકારીશ્રી રાબા સહિત અગ્રણી સી.કે.ભડાણીયા અને સરપંચશ્રી ભગીરથસિંહ ડોડીયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો