જેતપુરના દેરડી રોડ પરના સરકારી આવાસો ફાળવી દીધા બાદ
પાલિકા તંત્રએ તપાસનું 'ડીંડક' ચાલુ કરી
ગરીબોને હેરાન કરવાનું ચાલુ કરતા રોષ !
પાલિકાના માજી પ્રમુખ રમાબેન મકવાણા જણાવે છે કે પાલિકાની નવી બોડીએ વિકાસના કામ હાથ ધરવાને બદલે આવી ખોટી કામગીરી શરુ કરી ગરીબોને હેરાન કરવાનું શરુ કર્યું તે ગેરવાજબી
જેતપુર તા.૭ (કશ્યપ જોશી દ્વારા )
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા સરકારી યોજના અન્વયે અહીના દેરડી રોડ પર બનાવેલા સરકારી આવાસો ફાળવાઈ ગયા પછી પાલિકાની નવી બોડીએ તપાસના નામે ચાલુ કરેલા 'ડીંડક'નો ઉગ્રાવેશે વિરોધ વ્યક્ત કરી પાલિકાના માજી પ્રમુખ રમાબેન મકવાણાને લાગતા વળગતા તમામને રજુઆતો કરી છે. તો પાલિકાના સત્તાધીશો કહે છે કે આ વાતમાં કૈક રંધાઈ ગયાની ફરિયાદો બાદ નિયમોનુસાર ક્વાર્ટરમાં રહેનારની તપાસ કરાઈ રહી છે, બીજું કઈ નથી !
આ અંગે મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ તરીકે જયારે રમાબેન રામજીભાઈ મકવાણા સત્તા ઉપર હતા ત્યારે સરકારની આઈએચએસડીપી યોજના અંતર્ગત અહીના દેરડી રોડ પર ૧૧૮૭ જેટલા સરકારી આવાસો બનાવ્યા હતા. તે પૈકીના ૯૬૭ ગરીબોને પોત પોતાના મકાનની સનદો આપી મકાનોની ફાળવણી કરી દેવાઈ હતી.
સમય જતા રમાબેન મકવાણાનો પ્રમુખ તરીકેનો સત્તાકાળ પૂરો થતા જેતપુર નગરપાલિકામાં નવા પ્રમુખ આવ્યા હતા. આ નવા પ્રમુખ જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી તેઓની એટલેકે રમાબેનની પાછળ પડ્યા હોય તેવો આક્ષેપ કરતા રમાબેન મકવાણા જણાવે છે કે તેઓના સત્તાકાળ દરમિયાન ઉપરોક્ત સરકારી આવાસો ફાળવી દીધા હોવા છતાં વર્તમાન નગર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે માત્રને માત્ર તપાસનું ડીંડક ઉભું કરી નગર પાલિકાના અન્ય સ્ટાફને સરકારી આવાસોના ચેકિંગમાં જોતરી દઈને સરકારી આવાસમાં ખરેખર અરજદાર લાભાર્થી જ રહે છે કે કેમ ? તેવી તપાસ ચાલુ કરતા સરકારી આવાસો મેળવનાર ગરીબો ભયાવહ સ્થિતિમાં આવી જઈ તપાસ કરતા સત્તાધીશોના ત્રાસથી કંટાળી ગયા હોવાનો રમાંબેનનો આક્ષેપ છે. રમાબેન એવું પણ જણાવે છે કે એકવાર સરકારી આવાસોની ફાળવણી કરી દીધા પછી આવી ખોટી તપાસ હાથ ધરીને જેતપુર પાલિકાના વર્તમાન સુત્રો સમય, શક્તિ અને પૈસાનો વેડફાટ કરી રહ્યા હોય નગર પાલિકાના પ્રાદેશિક નિયામકે તપાસ કરવી જરૂરી છે.
બોક્સ: સરકારી આવાસમાં લાભાર્થીઓને બદલે બીજા રહે છે ??
બીજીબાજુ જેતપુર નગરપાલિકાના સુત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે સરકારી આવાસો ફાળવાયા તે પાલિકા અને ગરીબો માટે આનંદની વાત છે પણ જેઓને સરકારી આવાસો ફાળવાયા હોય તે લાભાર્થીઓ હાલ આવાસમાં ના રહેતા હોય, બંધ હોય, અન્યોને ભાડે આપી કે વેંચી દીધા હોવાની વ્યાપક ફરિયાદો બાદ ખરેખર લાભાર્થીઓ જ સરકારી આવાસમાં રહે છે તે અંગે તપાસ કરાઈ રહી છે અને જે લાભાર્થીઓ હાલ હજુ રહેવા આવ્યા નથી તેઓને ૨૧ દિવસની મહેતલની નોટીસો અપાઈ છે. જો લાભાર્થી આ નોટીસના સમય દરમિયાન સરકારી આવાસમાં રહેતા માલુમ નહિ પડે કે રહેવાની તૈયારી નહિ બતાવે તો જેતપુર નવાગઢ નગર પાલિકાના ચીફ ઓફિસર સહિતના કાર્યવાહકો સરકારી આવાસ પુનઃ પાલિકા હસ્તક લઇ લેવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
બોક્સ: મકાનની સનદ ૧૦૦ વર્ષ સુધી ટ્રાન્સફર નાં થઇ શકે એટલે કોઈને વેંચી નાં શકાય...
જેતપુર : જેતપુર મામલતદાર કચેરી, અમુક પંચાયત કચેરીઓના તલાટી મંત્રીઓ પાસેથી એવી વિગતો મળી રહી છે સરકારે જે મકાનો કે દુકાનો ગરીબોને સરકારી યોજનાઓ અંતર્ગત ફાળવ્યા હોય તેવા અરજદારોનો અપાયેલી મકાન કે દુકાનની સનદમાં એ વાતનો ઉલ્લેખ કરાયો હોય છે કે આગામી ૧૦૦ વર્ષ સુધી સરકારી આવાસની સનદ કોઈને વેંચી ના શકાય કે ટ્રાન્સફરના કરી શકાય. ત્યારે આ વાત સામે ફરિયાદી કહે છે કે આ બધું સાચું ? પણ આવી ખોટી તપાસનો કોઈ પરીપત્ર હોય તો આપો !
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર
જેતપુર પાલિકાના નવા વો.વ.કમિટીના ચેરમેને સાબિત કર્યું ! પહેલો ઘા રાણાનો !!
તૂટેલી લાઈનના પાણી ચોતરફ ફરી વળ્યા, પણ 'બાપુ'એ ગણતરીની કલાકોમાંજ પાઈપલાઈન રીપેર કરાવતા લત્તાવાસીઓમાં રાજીપો !!
અગાઉની વોટરવર્કસ કમિટીને લીકેજીંગ પણ નથી મળતા અને નવા ચેરમેને ગણતરીની કલાકોમાજ પાઈપલાઈન સમારકામ કરીને કામગીરીનો ધડો બેસાડતા પ્રજામાં ફેલાયો આનંદ !
જેતપુર તા. ૭ (કશ્યપ જોશી દ્વારા)
''જેતપુર નગર પાલિકામાં કોઈ કામ કરના હો તો હમસે શીખે'' શાયદ આવી ઉક્તિ સાબિત કરીને જેતપુર નવાગઢ નગર પાલિકાના નવા વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહજી જાડેજાએ મંગળવારની રાત્રીના એક તૂટેલી પાણીની પાઈપલાઈન ગણતરીની કલાકમાં રીપેર કરાવી પોતાની કામગીરીનો ધડો બીજા સુધરાઈ સભ્યોને ચીંધ્યો હોય તેવી ઘટના બની ગઈ હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર જનતાનગર ચોકડી(ચાર રસ્તા) પર એક પાણીની મુખ્ય લાઈન તૂટી જતા કહેવાય છે કે તૂટેલી લાઈનનું પાણી આજુબાનુંના લત્તામાં, શેરીઓમાં અને અમુક રહેણાંક મકાનોમાં ફરી વળ્યું હતું.
આ વાતની જાણ થતાજ જેતપુર પાલિકાના વોટરવર્કસ ચેરમેન અજીતસિંહજી જાડેજાએ ઘટના સ્થળે દોડી જઈ મજુરોને બોલાવી ગણતરીની કલાકોમાજ પાણીની લાઈન રીપેર કરાવી પૂર્વવત કરાવતા ઉપસ્થિત લત્તાવાસીઓમાં ચેરમેન જાડેજા સરાહનાપાત્ર બન્યા હતા. આ તકે જાડેજાએ પોતાની કામગીરી દ્વારા એક એવો સંદેશ વહેતો કર્યો હતો કે પ્રજાના મતોથી ચૂંટાયા હોય તો પ્રજાની ફરિયાદો હલ કરવામાં રાત-દિવસ સામું ના જોવાનું હોય ! આ તકે એક એવી પણ વાત સંભાળવા મળી હતી કે પાઇપલાઈન તૂટવાથી હજારો ગેલન પાણી તો વહી ગયું હતું. પણ જો સમયસર સમારકામ હાથ ના ધરાયું હોત તો શહેરીજનોને પાણીકાપ ની નોબત સહન કરવી પડત.
અત્રે એ પણ નોંધનીય છે કે હજુ પણ અમુક સુધરાઈ સભ્યો અમુક પત્રકારોને એવી માહિતી આપી રહ્યા છે કે ફલાણી જગ્યાએ લીકેજીંગ છે, ઢીકળી જગ્યાએ લીકેજીંગ છે, પણ અત્યાર સુધી આવા લીકેજીંગ રીપેર કરવા જૂની વોટરવર્કસ કમિટીના ચેરમેન કે સભ્યો કેમ ના જાગ્યા ? નવા ચેરમેનની અદેખાઈ થઇ છે કે તેઓને હેરાન કરવાના પ્રયાશો થાય છે ? તે રામજાને !
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર



































