અનુયાયીઓ

રવિવાર, 4 ઑક્ટોબર, 2015

જેતપુરમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરનાર યુવાનના પિતાનો ઝેરી દવા પી આપઘાત.....

જેતલસર જંકશનની સીમમાં આવેલી પોતાની વાડીમાં

જેતપુરમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરનાર

યુવાનના પિતાનો ઝેરી દવા પી આપઘાત.....

જેતપુર તા.૪ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના ચકચારી ઉદ્યોગપતિ પુત્ર દેવના અપહરણની ઘટનામાં સંડોવાયેલ અશ્વિનના પિતા કાળુભાઈ હીરાભાઈ વાગડીયાએ ઝેરી દવા પી જીવનનો અંત આણી દીધાની ઘટનાથી અત્રે ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ જેતપુર શહેરની બાપુની વાડી વિસ્તારમાં રહેતા અને શહેરની વિવેકાનંદ શાળામાં નોકરી કરતા કાળુભાઈ હીરાભાઈ વાગડિયા (ઉ.વ.૫૦) એ આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ પોતાની જેતલસર જંકશનની સીમમાં આવેલી વાડીમાં ઉભેલા કપાસના પાકમાં જઈને ઝેરી દવા પી લેતા તેમને બેહોશ હાલતમાં સારવાર માટે અહીની એક ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. પણ કાતિલ દવાએ  કાળુભાઈના આખા શરીરમાં આંટો મારી લીધો હોય તેમ તબીબો તેમને બચાવી શક્યા નહોતા.

દરમિયાન કાળુભાઈનો મૃતદેહ પીએમ માટે અહીના સરકારી દવાખાને લવાયાની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના ફોજદાર રઘુભાઈ કરમટીયાની સુચનાથી જમાદાર મજનુંભાઈ મનાતે ઘટના સ્થળે દોડી જઈ જીણવટભરી તપાસ હાથ ધરી હતી પણ પોલીસના હાથે સ્યુસાઈડ નોટ કે કઈ હાથમાં આવ્યું નહોતું.

અત્રે એ નોંધનીય છે કે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી દેનાર કાળુભાઈ વાગડીયાનો એકનો એક પુત્ર અશ્વિન તાજેતરમાજ અહીના અગ્રણી ઉદ્યોગપતિ અશ્વિનભાઈ વાઘાણીના પુત્ર દેવના અપહરણની ઘટનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. અને પુત્ર અશ્વિનના આવા કરતુતથી લાગી આવતા કાળુંભાઈએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવી, હાલ પોલીસે અગમ્યો કારણોસર ઝેરી દવા પીવાથી કાળુંભાઈનું મોત થયાનું નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરની વિવેકાનંદ શાળા સાથે સંકળાયેલ કાળુભાઈના આવા આકસ્મિક પગલાની જાણ થતાજ શહેરના ઘણા શાળા સંચાલકો શોકાવાસ્થામાં હોસ્પિટલ ખાતે દોડી જઈને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ટિપ્પણીઓ નથી: