અનુયાયીઓ

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015

નવમાં દિવસે વૃદ્ધનું ઉપવાસ આંદોલન સમેટાયું





૭૦ દિવસમાં વાયુ પ્રદુષણ બંધ કરવાની તંત્રએ ખાતરી આપતા

નવમાં દિવસે વૃદ્ધનું ઉપવાસ આંદોલન સમેટાયું

ગુજ.પોલ્યુશન કંટ્રોલ કચેરી, ડાઈંગ એશોશીયેશન, અને મામલતદારે ઉપવાસીને પારણા કરાવ્યા !

 

જેતપુર તા.૩૦ (કશ્યપ જે. જોશી દ્વારા) 

જેતપુર શહેરમાં ધોરાજી રોડ પરના લગભગ ૧૫ જેટલા વિસ્તારોને કારખાનાઓની ચીમનીમાંથી નીકળીને ઉડતી કાળી ભુક્કીની સમસ્યાને હલ કરવા નવ નવ દિવસ થયા અનશન ઉપવાસ આંદોલન છેડનાર શહેરના વૃદ્ધને આજે શહેરના મોભી ઉદ્યોગપતિઓ, પ્રદુષણ નિવારણ તંત્ર અને મામલતદાર એમ સૌએ મળીને ધોરાજી રોડ પરની આ સમસ્યા આગામી ૬૦-૭૦ દિવસમાં નાબુદ કરી દેવાની ખાતરી આપતા, નવાગઢ સ્વામીનારાયણ મંદિરના બે સંતો મહંતોએ ઉપવાસીને પારણા કરાવતા આંદોલન સમેટાઈ ગયું છે.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પરના ૧૫ જેટલા વિસ્તારોની પ્રજાને આ વિસ્તારના અમુક કારખાનાઓની ચીમનીમાંથી ધુમાડાવાટે ઉડાડતી કાળી ભુક્કીની સમસ્યા વર્ષો થયા હેરાન પરેશાન કરતી હોય, અગાઉ જતીન દેગડા નામના યુવાને લાગતા વળગતા સત્તાધીસોને લેખિત ફરિયાદ કરી હતી કે, જેતપુરના ધોરાજી રોડની હજારો પ્રજા પર થઇ રહેલ પ્રદુષિત હવાઈ હુમલાને નહિ અટકાવાય તો આ વિસ્તારોની પ્રજાને હિજરત કરવી પડશે.

પણ આ રજુઆતને કોઈએ દાદ ના આપતા ફરિયાદી યુવાન નાશીપાસ થયો હતો. પણ ધોરાજી રોડ પર ના રહેતા હોવા છતાં આ પ્રશ્નને એટલેકે કાળી ભુક્કીના ત્રાસમાંથી ૧૫ વિસ્તારોની પ્રજાને છોડાવવા શહેરના ટાકુંડીપરા વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ હીરાભાઈ આંબલીયાએ અનશન ઉપવાસ આંદોલન છેડીને સંબંધિતોને જાગતા કરી દીધા હતા.

 

છેલ્લા નવ નવ દિવસ સુધી ઉપવાસી છાવણીમાજ સુતા રહીને પોતાના ઉપવાસ આંદોલન પરત્વે અડગ રહેનાર વલ્લભભાઈએ આજે રામબાણ સમું આત્મવિલોપનનું શસ્ત્ર ઉગામી લાગતા વળગતા તમામને લિખિતમાં જણાવ્યું હતું કે આ પ્રશ્ન ના હલ કરાઈ તો તેઓ આગામી ગાંધી જયંતીના દિવસે બીજી ઓક્ટોબરે જેતપુર તાલુકા સેવા સદનની ૪ માળની બિલ્ડીંગ પરથી પડતું મૂકી, કુદકો મારી આત્મવિલોપન કરશે, જેની જવાબદારી રાજ્ય સરકાર, રાજકોટ જીલ્લા અધિકારી અને જેતપુરના મામલતદારની રહેશે !

 

બસ ઉપવાસી વૃદ્ધ બાપાની આવી ચીમકીથી શહેરભરમાં ગરમાવો આવ્યો હોય તેમ પ્રથમ તો પોલીસે ઉપવાસીની ૧૫૧ હેઠળ અટકાયત કરતા ઉપવાસી મામલતદાર કચેરી પર છૂટ્યા હોવાનું જેતપુર પોલીસના પીએસઓ ડાયાભાઇ પારધીએ જણાવ્યું હતું.

 

બીજીબાજુ ઉપવાસી પોતાના આંદોલન બંધ કરવાની વાતમાં ટસ સે મસ ના થતા શહેરભરના ઉદ્યોગપતિઓએ ઉપવાસીની કમજોર કડી શોધી કાઢી સ્વામીનારાયણ મંદિર નવાગઢના સંતો મહંતોને મેદાનમાં ઉતારતા ગુરુઓની આજ્ઞાઓનું પાલન કરી ઉપવાસી વલ્લભભાઈએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું. આ તકે નવાગઢના સ્વામીજીઓ ધર્મસ્વરૂપદાસજી સ્વામી, હરીપ્રસાદદાસજી સ્વામી, જેતપુર ડાઈંગ એશો.ના રાજુભાઈ પટેલ, જેન્તીભાઈ રામોલીયા, ધીરુભાઈ રાણપરીયા, દીપુભાઈ જોગી, પ્રદુષણ નિયંત્રણ કચેરી જેતપુરના એમ.એલ.શુક્લા, મામલતદાર ભોરણીયા, મહેશ ડોબરિયા, વિગેરેએ ઉપવાસી વલ્લભભાઈને પહેલા લીંબુ પાણી પીવડાવી, પારના કરાવી અને પછી લાડવા અને પેંડા ખવડાવી  મો મીઠું કરાવી આંદોલન સમેટાવ્યું હતું.

 

બોક્સ: ખાતરીમાં કઈ ચાર બાબતો સમાવાઈ ?

જેતપુર : શહેરના ઉદ્યોગપતિઓ અને પ્રદુષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓ તેમજ મામલતદાર વિગેરેની સહીઓ દ્વારા ઉપવાસીને લેખિતમાં અપાયેલી ખાતરીમાં જણાવ્યું હતું કે, જે જે કારખાનાઓમાં હવા પ્રદુષણ ફેલાવતા સાધનો નહિ હોય તેઓની સામે કાયદેશરની કાર્યવાહી હાથ ધરાશે. સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડીયાએ જણાવ્યા મુજબ શહેરમાં વહેલી તકે ગેસ આધારિત યોજના અમલમાં મુકનાર હોય, કોઈ કારખાનામાં આવી સમસ્યા નહિ રહે, ૬૦ થી ૭૦ દિવસમાં શહેરના પ્રત્યેક કારખાનાઓમાં હવા પ્રદુષણ નિયંત્રણ સાધનો લગાવાશે. તેમજ સમગ્ર જેતપુરના પ્રજાના હિતમાં આંદોલન સમાપ્ત કરાયું છે.

 

બોક્સ: અમારો મોરચો ચાલુ રહેશે, આજે ઢોલ વગાડાશે !

જેતપુર તા.૩૦

જેતપુરની આ સમસ્યાના પ્રથમ ફરિયાદી એવા જતીન દેગળાએ આજે કોરા કાગળમાં મળેલી ખાતરીનો વિરોધ કરી, જણાવેલ કે આ યોગ્ય વાત છે, તેઓ આવતીકાલ તા.૧ ના રોજ ધોરાજી રોડ પરના વિસ્તારોમાં સાંજે ઢોલ વગાડી કાળી ભુક્કીની સમસ્યામાં કોણ જોડવા તૈયાર છે ? તેનો તાગ મેળવી આંદોલન ચાલુ રાખશે તેવું જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

 


ટિપ્પણીઓ નથી: