બાળ મજુરી પ્રથા નાબુદી અભિયાન અંગે બેઠકઃ
સૂરતઃ
બાળ મજુરી નાબુદી
પ્રથા અભિયાન હેઠળ ટાસ્ક ફોર્સ અને નેશનલ ચાઈલ્ડ લેબર પ્રોજેક્ટ સોસાયટી સૂરત
તથા બાળ મજુર પુનઃવસન અને કલ્યાણનિધી સંચાલક સમિતિ, સૂરત જિલ્લાના સભ્યોની બેઠક તા. ૨૯મીના રોજ સાંજે ૫:૦૦
વાગ્યે કલેક્ટરશ્રી એ.જે.શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં
યોજવામાં આવી છે.
લોકોના જાન માલની સલામતી માટે પોલીસ કમિશનરનુ જાહેરનામું:
જાહેર સ્થળે સીસીટીવી કેમેરા ગોઠવવા ફરજીયાતઃ
સૂરતઃ
ભૂતકાળમાં બનેલા
સમાજ વિરોધી બનાવોને ધ્યાનમાં લઇ શહેર પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાનાએ લોકોની
સલામતી સાચવવા તેમજ જાન માલને થતું નુક્શાન અટકાવવાના ઉદ્ેશ્યથી એક જાહેરનામું
બહાર પાડયું છે. જે મુજબ સૂરત શહેરના સમગ્ર પોલીસ કમિશનર વિસ્તારમાં આવેલી તમામ
બેંકો, તમામ એટીએમ સેન્ટરો,
સોના- ચાંદી તથા હીરાના કિંમતી ઝવેરાત વેચનારી દુકાનો, શો રૂમ તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્સ થિયેટર,
શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ
બોડીંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ જ્યાં બહારના માણસોને રહેવાની સુવિધા પુરી પડાતી હોય તેવા સ્થળો
તથા બહુમાળી બિલ્ડીંગો, મોટા ઓદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલીકો/ ઉપભોક્તાઓ/વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોએ
પ્રવેશ દ્વાર ઉપર પુરતા પ્રમાણમાં તાલીમ પામેલા માણસોને સીક્યુરીટી માટે મેટલ
ડીટેક્ટર સાથે ફરજ ઉપર નિયુક્ત કરવાના રહેશે. પ્રવેશ દ્વાર ઉપર તથા બહાર નિકળવાના
દ્વાર, રિસેપ્શન કાઉન્ટર, લોબી,
બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યા તથા જાહેર
પ્રચાર માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં
સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. સીસીટીવી કેમેરા સારી ગુણવત્તાવાળા,
વધુ રેન્જના નાઈટ વિઝનવાળા વીથ રેકોર્ડીંગ સીસ્ટમ સાથેના (માણસોના
ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. આ
સીસીટીવીના રેકોર્ડીંગ ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે. આ
સીસીટીવી કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો/ઉપભોક્તાઓ/વહીવટકર્તાઓની
રહેશે. સીસીટીવી કેમેરા લગાવવા તથા સીક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ
એકમો પર ઉભી કરવાની રહેશે. જ્યારે નવા શરૂ થતા એકમો પર વ્યવસ્થા કર્યા બાદ જ
મકાનનો ઉપયોગ શરૂ કરવાનો રહેશે. આ હુકમનો અમલ ૦૧/૦૬/૧૨ સુધી રહેશે. આ હુકમનો ભંગ
કરનાર શિક્ષાને પાત્ર થશે.
ભટાર ખાતે માતા પિતાના ઘરે રહેતી પરિણિતા ગુમઃ
સૂરતઃ
ખટોદરા પોલીસના
જણાવ્યા પ્રમાણે ભટાર, નિલકંઠનગર
ઉમાભવનની ગલીમાં રહેતા પ્રકાશભાઇ રેલીવાલાએ એવી ફરીયાદ નોંધાવી છે કે, તેમની પરિણિત ૩૬ વર્ષીય પુત્રી નયૈનાબેનના તેના પતિ સાથે અણબનાવને કારણે
છેલ્લા બે વર્ષથી માતા-પિતાની સાથે જ રહે
છે. ગઇ તા. ૨૯મીના રોજ પ્રકાશભાઇ અને તેમની પત્ની શાક લેવા ગયા ત્યારે તેમની
પુત્રી નયૈના ઘરે હતી. પરંતુ જ્યારે પરત ફર્યા ત્યારે તે ઘરે ન હોવાથી તેમણે
આસપાસ તપાસ કરતા તેની કોઇ ભાળ મળી ન હતી. રંગે ગોરી, મધ્યમબાંધાની
૫ ફૂટ ઊંચાઇ ધરાવતી નયૈનાએ કેસરી રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. તે ગુજરાતી,
હિન્દી, અંગ્રેજી અને માછીભાષા જાણે છે. આ
યુવતી અંગે માહિતી મળે તો નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા જણાવાયું છે.
રાજ્યના પછાત વર્ગોની યોજનાઓના સહાયના દરો અને આવક મર્યાદામાં
વધારોઃ
સૂરતઃ
રાજ્યમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, બક્ષીપંચ તેમજ નિરાધાર વિકલાંગો માટેની ૪૨ જેટલી યોજનાઓમાં અપાતી સહાયના
દરોમાં અને આવક મર્યાદા વધારીને ગ્રામ્ય વિસ્તારો માટે રૂા. ૨૭,૦૦૦ અને શહેરી લાભાર્થીઓ માટે રૂા. ૩૬,૦૦૦ કરવાનો
નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેથી પછાત વર્ગોના લાભાર્થીઓ સરકારી યોજનાઓના
લાભોથી વંચિત રહી ન જાય. અગાઉ આ આવક મર્યાદા કેટલીક યોજનાઓમાં રૂા. ૧૧ થી ૧૫ હજાર
હતી જ્યારે ઘણી યોજનાઓમાં બી.પી.એલ.ની હતી. રાજ્યમાં ધોરણ ૧૧-૧૨થી અનુસ્નાતક
સુધી અભ્યાસ કરતી પછાત વર્ગની કન્યાઓ શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે આવી કન્યાઓને
રાજ્ય સરકારના ફંડમાંથી માસિક રૂા. ૨૩૦થી રૂા. ૧૨૦૦ સુધીની શિષ્યવૃત્તિ આપવાનો
મહત્વનો નિર્ણય સરકારે કર્યો છે. જેનાથી ૧૦,૦૦૦ દલિત કન્યાઓને
તેનો લાભ મળશે.
બક્ષીપંચના
અતિપછાત વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર સંસ્થાઓમાં ઉચ્ચશિક્ષણ
લેવા શિક્ષણ ફી, ટયુશન
ફીના ખર્ચ માટે રૂા. ૫૦,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ ચુકવવાનો
ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. બક્ષીપંચની જાતિઓના યુવાનોને કોમર્શિયલ પાયલોટની
તાલીમ માટે અપાતી રૂા. ૧૫ લાખની લોન સહાય વધારીને રૂા. ૨૦ લાખની કરવાનો નિર્ણય
રાજ્ય સરકારે કર્યો છે.
ખટોદરાની ૨૨વર્ષીય સુમિત્રા ઘરેથી ગુમ થઇઃ
સૂરતઃ
ખટોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે ઉધના -મગદલ્લા
રોડ ખાતે અંબાનગર, મંદીરવાળી
શેરીમાં રહેતા ભારતીબેન શંકરભાઇ પટેલે એવી ફરિયાદ નોંધાવી છે કે,ગઇ તા. ૨૧મીએ સવારે તેઓ મજૂરી કામે ગયા હતા ત્યારે તેમની ૨૨ વર્ષીય
પુત્રી સુમીત્રા અને પુત્ર વીધી ઘરે હતાં. સાંજે પરત ફર્યા ત્યારે તેમની પુત્રી
ઘરે ન હોવાથી તેમણે અડોશ પડોશમાં શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી. રંગે શ્યામ
વર્ણ સુમીત્રાની ઊંચાઇ ૫ ફૂટ છે અને તેણે મરૂણ રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. તે
હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે. આ યુવતી અંગે માહિતી મળે તો નજીકના પોલીસ
મથકમાં જાણ કરવા જણાવાયું છે.
પનાસગામનો વિશાલ ઘરેથી કોઇને કહ્યાં વગર ક્યાંક ચાલ્યો ગયો છેઃ
સૂરતઃ
ખટોદરા પોલીસના
જણાવ્યા પ્રમાણે ગણેશ દયા સોસાયટી પનાસગામ ખાતે રહેતા માણીકભાઇ પ્રહલાદભાઇ આઢવનો
૨૩ વર્ષીય પુત્ર વિશાલ ગઇ તા. ૨૨મીએ સાંજે પોતાના ઘરેથી કોઇને કહ્યાં વગર ક્યાંક
ચાલ્યો ગયો છે. શરીરે ઘઉંવર્ણ, ૫.૮ ફૂટ ઊંચાઇ ધરાવતા આ યુવાનને ભૂરા રંગનું ટી શર્ટ અને બ્યુ રંગનું
જીન્સ પહેર્યું છે. તે હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષા
જાણે છે. આ યુવાન અંગે માહિતી મળે તો નજીક પોલીસ મથકમાં જાણ કરવા જણાવાયું છે.
જોગાણી માતાના મંદિર પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોઃ
સૂરતઃ
ખટોદરા પોલીસના
જણાવ્યા પ્રમાણે ગઇ તા. ૨૫મીએ ઉધના મગદલ્લા રોડ જોગાણી માતાના મંદિર પાસે એક
અજાણ્યા ૩૦ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. શરીરે મધ્યમ બાંધાના રંગે શ્યામ
વર્ણના આ યુવાનની ઊંચાઇ ૫.૫ ફૂટ છે. આ યુવાને શરીરે સફેદ રંગનું લાંબી બાયનું શર્ટ
તથા ડીઝાઇન વાળુ પેન્ટ પહેર્યું છે. આ યુવાનના વાલી વારસોને ખટોદરા પોલીસનો સંપર્ક
સાધવા જણાવવામાં આવ્યું છે.
ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓનો પ્રોત્સાહક ઈનામ વિતરણ કાર્યક્રમ
યોજાશે.
ભરૂચઃ
ઉન્નતિ વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ-૨૦૧૧-૧૨ દરમિયાન દર માસમાં યોજાયેલ વિવિધ સહ-અભ્યાસ
પ્રવૃત્તિઓ/હરિફાઇઓમાં ક્રમાંકિત થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક
ઇનામ વિતરણ કાર્યક્રમ તા.૩૦/૩/૨૦૧૨ શુક્રવારનાં રોજ બપોરે ૩:૩૦ કલાકે શાળાનાં
સભાખંડમાં યોજાશે તેમ ઉન્નતિ વિદ્યાલયના આચાર્યશ્રી ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું
છે.
આધાર નામનો મેગા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ
પટેલ
ભરૂચઃ
રોટરી કલબ ઓફ ભરૂચ દ્રારા ‘ આધાર
' નામનો મેગા-પરમેનન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ ધારાસભ્યશ્રી
દુષ્યંતભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટની
વિસ્તૃત માહિતી આપતાં રોટરી કલબના પ્રમુખશ્રી બ્રિજેશભાઇ પરીખે જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિના ઘરે અકસ્માત
તથા બિમારીના સમયે વ્હીલચેર, વોકર, બગલઘોડી,
વોટરબેડ, કમોડ, યુરીનપોટ,
પલંગ વગેરે જેવા સાધનોને છુટા વસાવવા પડે છે. આ સાધનો અત્યંત મોંઘા
હોવા ઉપરાંત ઉપયોગ ર્ક્યા બાદ ઘરમાં તેને સાચવવા તકલીફદાયક હોય છે. આજના
મોંઘવારીના સમયમાં આવા ખર્ચાળ સાધનો ઉચ્ચ, મધ્યમ કે ગરીબ
કોઇપણ વર્ગને પોસાય તેમ નથી. આ પ્રકારની મુશ્કેલીને ધ્યાનમાં લઇ રોટરી કલબ ઓફ
ભરૂચ દ્રારા ‘ આધાર ' નામના પ્રોજેક્ટની
સ્થાપના કરવામાં આવી છે. કોઇપણ વ્યક્તિ આ પ્રકારના સાધનો દૈનિક રૂા.૧ થી વધુમાં
રૂા.૨૦ ના નજીવા ભાડાથી આ સાધનો પી.ડી.શ્રોફ રોટરી ડાયોગ્નેસ્ટીક સેન્ટર
સેવાશ્રમ કંમ્પાઉન્ડ, પાંચબત્તી-ભરૂચ ખાતેથી મેળવી શકશે.
શરૂઆતમાં સાધનની ડિપોઝીટ લેવામાં આવશે. સાધન પરત ર્ક્યાથી ડિપોઝીટ પરત આપવામાં
આવશે.
આ સેવાની વધુ
માહિતી રોટરી કલબ ઓફ ભરૂચના પ્રમુખશ્રી બ્રિજેશભાઇ પરીખ મો.૯૯૯૮૦૧૪૦૦૮, મંત્રીશ્રી સી.ડી. ભાનુશાલી પરીખ
મો.૯૪૨૭૪૭૭૪૪૬ તથા કોમ્યુનીટી ડાયરેક્ટર શ્રી અનિષભાઇ પરીખ મો.૯૯૯૮૦૧૪૦૦૬ પાસેથી
મળશે.
આ પ્રોજેક્ટ
માટે બેંક ઓફ બરોડા, મણીબા
ચેરીટેબલ ટ્રસ્ટ, મુનશી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટ તથા અન્ય
અસંખ્ય દાતાઓ દ્રારા દાન મળ્યું છે. જે બદલ આભાર માન્યો હતો.
ગુજકેટ પરીક્ષા સંદર્ભે કેટલાંક નિયંત્રણો મૂકાયા.
ભરૂચઃ
ગુજરાત રાજયમાં તા.૫/૪/૨૦૧૨ ના રોજ ગુજકેટની
પરીક્ષા શરૂ થનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે
નુકશાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા
પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર અધિક
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ તા.૫/૪/૧૨ના દિવસે સવારના ૬.૦૦ વાગ્યાથી
રાત્રીના ૨૪.૦૦ કલાક સુધી ભરૂચ જિલ્લાના મુખ્ય મથકની જી.એન.એફ.સી.હાઇસ્કૂલ, નર્મદા નગર ભરૂચ, એમીટી હાઇસ્કૂલ, દહેજ બાયપાસ રોડ ભરૂચ, શ્રવણ વિધાધામ લીંકરોડ ભરૂચ, સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ,
એમ.જી.રોડ ભરૂચ, પ્રાર્થના વિદ્યાલય, સુરભી એન્ડ શિખર બંગ્લોઝ, ભોલાવ-ભરૂચ, હોલી એન્જલ્સ હાઇસ્કૂલ, એમ.જી.રોડ ભરૂચ, રૂકમણીદેવી રૂંગટા વિધાલય, એસ.ટી.ડેપો સામે ભરૂચ,
રૂંગટા વિધાભવન, એસ.ટી.ડેપો સામે, ભરૂચ તથા પ્રોગ્રેસીવ હાઇસ્કૂલ નંદેવાર રોડ, આશ્રય
સોસાયટી, નારાયણ વિદ્યાવિહાર-ભરૂચ, નારાયણ
વિદ્યાલય, લક્ષ્મીનારાયણ નગર-ભરૂચ, મહારાજ
કે.જી.એમ.હાઇસ્કુલ ઝાડેશ્વર-ભરૂચ, સ્વામિ નારાયણ વિદ્યાલય,
નારાયણ કુંજ વિહાર, ભોલાવ ભરૂચમાં ગુજકેટ
પરીક્ષાના તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ
નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઇપણ વ્યકિત કે વ્યકિતઓના સમુહને પ્રવેશ પર
પ્રતિબંધ ફરમાવ્યો છે
આ હુકમ
પરીક્ષાની કામગીરી સાથે કોઇપણ રીતે સંકળાયેલા તમામ ફરજ પરના
અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, પરીક્ષા
ખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્યકિતઓને, ફરજ
પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહરક્ષકદળની વ્યકિતઓને, આકસ્મિક
તપાસણીમાં આવતી અધિકૃત તપાસ ટુકડીઓને લાગુ પડશે નહિ. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
ભરૂચે એક જાહેરનામા ઘ્વારા જણાવ્યું છે.
ગુજકેટ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા
અનુરોધ કરાયો.
ભરૂચઃ
આગામી તા.૫/૪/૨૦૧૨ ના રોજ ગુજકેટની પરીક્ષા
ભરૂચ શહેરના વિવિધ સ્થળોએ યોજાશે. જેમાં જી.એન.એફ.સી.હાઇસ્કૂલ, નર્મદા નગર, ભરૂચ,
એમીટી હાઇસ્કૂલ, દહેજ બાયપાસ રોડ, ભરૂચ, શ્રવણ વિધાધામ લીંકરોડ, ભરૂચ,
સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ, એમ.જી.રોડ,
ભરૂચ, પ્રાર્થના વિદ્યાલય, સુરભી એન્ડ શિખર બંગ્લોઝ, ભોલાવ-ભરૂચ, હોલી એન્જલ્સ હાઇસ્કૂલ એમ.જી.રોડ, ભરૂચ, રૂકમણીદેવી રૂંગટા વિધાલય, એસ.ટી.ડેપો સામે, ભરૂચ, રૂંગટા વિધાભવન એસ.ટી.ડેપો સામે ભરૂચ, તથા પ્રોગેસીવ હાઇસ્કૂલ નંદેવાર રોડ આશ્રય સોસાયટી ભરૂચ, નારાયણ વિદ્યાવિહાર-ભરૂચ, નારાયણ વિદ્યાલય, લક્ષ્મીનારાયણ નગર-ભરૂચ, મહારાજ કે.જી.એમ.હાઇસ્કુલ
ઝાડેશ્વર-ભરૂચ,સ્વામિ નારાયણ વિદ્યાલય, નારાયણ કુંજ વિહાર, ભોલાવ મુકામે લેવાનાર છે.
આ પરીક્ષા કેન્દ્રોની નજીક આવેલ ઝેરોક્ષના વિક્રેતાઓ વધુ હોવાના કારણે
વિધાર્થીઓ સદર ઝેરોક્ષ સેન્ટર પરથી કાપલીઓ તથા અન્ય સાહિત્યની ઝેરોક્ષ નકલોની ઉપયોગ
કરે અને કરાવે તેવા પરિણામે ગેરરીતિઓ થવાનો સંભવ રહે છે. જેથી ભરૂચ શહેરમાં ઉપરોકત
પરીક્ષા કેન્દ્રની ૫૦૦ મીટરની હદમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરોના સંચાલકશ્રીઓ
ઉકત પરીક્ષાના સમય દરમ્યાન સવારના ૧૦.૦૦ થી ૧૬.૦૦ કલાક સુધી ઝેરોક્ષ સેન્ટરો સ્વેચ્છાએ
નાગરિક ધર્મ સમજી બંધ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચે અનુરોધ કર્યો છે.
પરીક્ષા દરમ્યાન લાઉડ સ્પીકર
વગાડવા ઉપર પ્રતિબંધ.
ભરૂચઃ
ગુજરાત
રાજ્યમાં તા.૫/૪/૨૦૧૨ ગુજકેટની પરીક્ષા શરૂ થનાર છે. આ પરીક્ષા ભરૂચ જિલ્લાના
જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે. જેથી મોટા અવાજે લાઉડ સ્પીકર
વગાડવાના કારણે પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં ખલેલ પહોંચે તેમ છે. અભ્યાસ
કરતા વિધાર્થીઓ પર આની ખૂબજ પ્રતિકૂળ અસર પડે તેમ છે. અને વિધાર્થીઓનો અભ્યાસ
બગડે તેમ છે. તેમજ ધ્વની પ્રદૂષણ પણ થાય છે. જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
આર.એસ.નિનામાએ એક જાહેરનામા ઘ્વારા તા.૩/૪/૨૦૧૨ થી તા.૫/૪/૨૦૧૨ નાં રોજ સુધી
સવારના ૮:૦૦ વાગ્યાથી ૨૨:૦૦ કલાક સુધી
લાઉડ સ્પીકર બેફામ, મનસ્વી
રીતે તથા મોટા અવાજે વગાડવું નહી, તેમજ લાઉડ સ્પીકરનો અવાજ
મકાનની બહાર જાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ
કરનાર કે ઉલ્લંઘન કરનારને મુંબઇ પોલીસ અધિનિયમ સજાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા
મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામા એ એક જાહેરનામા ઘ્વારા જણાવાયું છે.
વલસાડ
જિલ્લામાં કુપોષણ સામે છેડાયેલા જંગમાં ટીમ હમને
માનવીય સંવેદના સાથે ચિંતન, મંથન કરવાનો જિલ્લા વિકાસ અધિકારીનો અનુરોધ
:
મિશન ડાયરેક્ટર સહિતના ટીમ મેમ્બરનુ થયેલુ ગઠન :
આગામી દિવસોમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું ઘડાયેલુ આયોજન
વલસાડ જિલ્લામાંથી કુપોષણને દેશવટો
આપવાના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારથીના મહાયજ્ઞ સમાન કાર્યક્રમને સરકારી
નહીં, અસરકારી બનાવવા માટેનો જંગ છેડવા અને ટીમ હમનું ગઠન,
ચિંતન અને મનોમંથન કરવાના હેતુસર એક અગત્યની બેઠકમાં ટીમ હમના સભ્યોને
માનવીય સંવેદના સાથે સરકારી ફરજના ભાગરૂપે નહીં, પરંતુ આત્મસંતોષ
માટેના આ કાર્યમાં બહેતર યોગદાન આપવાની હૃદયસ્પર્શી અપીલ જિલ્લા વિકાસ અધિકારી
કરી છે.
મહાસત્તા
બનવા તરફ અગ્રેસર ભારતનું ભાવિ તંદુરસ્ત નાગરીકોના હાથમાં સોંપી શકાય, અને આપણે ઊભી કરેલી સુખ સુવિધાઓનો
ઉપયોગ તંદુરસ્ત સમાજના નાગરિકોને સુપ્રત કરી શકાય તેવા આશય અને તંદુરસ્ત સમાજ
નિર્માણના સંકલ્પ સાથે શરૂ થયેલા આ અભિયાનને જનજન સુધી પહોંચાડવાનું આહ્વાન
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારથીએ આ વેળા કર્યું હતું.
પ્રોજેક્ટ
હમ અંતર્ગત તબક્કાવાર કાર્યક્રમો દ્વારા આ મહાજંગ સામે જીત મેળવવાની હિમાયત કરતા
શ્રીમતી પી.ભારથીએ આ કાર્યક્રમના મિશન ડાયરેક્ટર તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી
શ્રી અશોક કલસરીયાની નિયુક્તિ કરી છે. તેમની સાથે ટીમ મેમ્બર તરીકે આરોગ્ય
વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગ,
શિક્ષણ વિભાગ, માહિતી વિભાગ, યુનિસેફ, ન્યુટ્રિશન એક્સપર્ટ, હેલ્થ એક્સપર્ટ સહિતના હકારાત્મક અભિગમ ધરાવતા અને તંદુરસ્ત સમાજ
નિર્માણમાં યોગદાન આપવાની અદમ્ય ઇચ્છાશક્તિ ધરાવતા લોકોની ટીમનું ગઠન કરાયું
છે.
પ્રોજેક્ટ હમ અંતર્ગત પાંચેય તાલુકા મથકોએ આયોજિત કાર્યક્રમો દરમિયાન સ્વામિ
વિવેકાનંદ કુપોષણમુક્ત ગામ અભિયાનનાં કાર્યક્રમો ઝુંબેશરૂપ હાથ ધરવામાં આવ્યા
છે. માનવ વિકાસ તરફ અગ્રેસર આ કાર્યક્રમમાં વ્યાપક જન આંદોલન જગવવા પણ જિલ્લા
વિકાસ અધિકારીએ અપીલ કરી હતી. વલસાડ જિલ્લા પંચાયતના ભોંયતળિયે શરૂ કરાયેલા હમ
સેલમાં યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા શ્રેણીબધ્ધ કાર્યક્રમોને પણ
આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
વાપી ડેપો દ્વારા મહાલક્ષ્મીના મેળા માટે
વધારાની બસો દોડાવાશે
મહારાષ્ટ્રના દહાણુ નજીક આવેલા સુપ્રસિદ્ધ
તીર્થસ્થાન મહાલક્ષ્મી ખાતે ચૈત્રી સુદ પુનમ થી માતાની આઠમ સુધી મેળો ભરાશે. આ
નિમિત્તે આગામી તા.૫/૪/૨૦૧૨ થી તા.૧૫/૪/૨૦૧૨ દરમિયાન દર્શનાર્થીઓની સુવિધા અર્થે
વાપી ડેપો દ્વારા વધારાની એકસ્પ્રેસ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિભાગીય
નિયામક એસ.ટી, વલસાડ વિભાગ તરફથી મળતી
વિગતો અનુસાર વાપી-મહાલક્ષ્મી, કોલક- મહાલક્ષ્મી, ઉમરસાડી માછીવાડ- મહાલક્ષ્મી, દમણ-મહાલક્ષ્મી,
નારગોલ બંદર-મહાલક્ષ્મી, ઉમરગામ
ટાઉન-મહાલક્ષ્મી અને સેલવાસ-મહાલક્ષ્મીની વધારાની
યાત્રા સ્પેશ્યલ બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત આજ દિવસો દરમિયાન ઉનાઇ
ખાતે યોજાનાર મેળામાં પણ બીલીમોરા ડેપો દ્વારા વધારા વધારાની બસો દોડાવાશે જેનો
જાહેર જનતાને લાભ લેવા આર.એ.પંડયા, વિભાગીય નિયામક, એસ.ટી. ડેપો વલસાડ તરફથી જણાવાયું છે.
.. ..
ધરમપુરની ગ્રામીણ મહિલાઓનો રણટંકાર.. ..હમભી કિસીસે કમ નહીં
ધનિકોના દિવાનખંડમાં ઝૂલતા ઝુલા, શો પીસની બનાવટ સહિત
પશુપાલન અને હવે અથાણાં, પાપડના વેપાર તરફ ભેંસદરાની મહિલાઓ
આગળ વધી રહી છે
એક જમાનામાં ઘરનો ઊંબરો ઓળંગીને બહાર ન જઇ શકનારી
ભારતીય નારી અને તેમાંયે ખાસ કરીને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારની ગ્રામીણ નારી
આજે તેમની પ્રવૃત્તિઓને કારણે વિદેશી પર્યટકોનાં અભ્યાસનું કારણ બની શકતી હોય એમ
કોઇ કહે તો તે કદાચ માનવામાં નહીં આવે,
પરંતુ ધરમપુર તાલુકાની આ ગ્રામીણ નારીઓ માટે આ ગૌરવશાળી ઘટના હવે
રોજીંદો ક્રમ બની ગઇ છે.
ગ્રામ્યસ્ત્રી એટલે માત્ર ઘરકામ, સંતાનો અને ઘરડા મા-બાપની દેખભાળ,
પશુપાલન, છાણ-વાસીદુ, ખેતીકામ
અને બસ..! પરંતુ જો કોઇ એમ કહે કે ગ્રામીણ નારીઓ તેમની આ મૂળભુત ફરજો ઉપરાંત
મહિનેદાડે પાંચેક હજાર રૂપિયા કે તેથી વધુ આર્થિક ઉપાર્જન કરતી થઇ ગઇ છે, તો કદાચ કોઇ માને કે ન માને પણ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા
ગામની ગ્રામ્ય મહિલાઓએ આ કરી દેખાડયું છે.
ઘરકામ અને રોજીંદી જવાબદારીઓ ઉપરાંત દરરોજ ફક્ત
બે-ત્રણ કલાક અહીંની ૬૦ જેટલી મહિલાઓ એક જ જગ્યાએ, નિયત સમયે એકઠી થઇને ધનિકોના દિવાનખંડમાં કે ઓસરીમાં
ઝૂલતા ઝુલા, બારીબારણાના તોરણ, નેપકીન
સ્ટેન્ડ, લેટર બોક્ષ, મોબાઇલ કવર,
શો પીસ જેવી કલાકૃતિઓ-ચીજવસ્તુઓ બનાવીને સમયનો સદ્ઉપયોગ કરી
આર્થિક ઉપાર્જન કરતી થઇ ગઇ છે.
હાં વાત છે ભેંસદરા ગામના મહિલા સ્વસહાય જૂથની આ
કર્મશીલ મહિલાઓની કે જેઓ સંગઠીત થઇને,
સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ લઇને, તેમનું
પ્રદાન અર્પીને બે પાંદડે થઇ છે.
આજથી છ વર્ષ અગાઉ અમે પણ મહિનેદાડે પાંચ સાત હજાર
રૂપિયા ઘરબેઠા પેદા કરી શકીએ છીએ તેવું સ્વપ્નેય વિચાર્યું ન હતું એમ જણાવી જય
અંબે મહિલા મંડળના પ્રમુખ જમનાબેન ગવળીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ધોરણ-૧૦ કે ૧ર
સુધીનો અભ્યાસ જ કરી શકેલી લાલિયાભગત ફળિયાની અમારી બહેનો આજે અમારા સ્વસહાય
જૂથમાં જોડાઇને પૂરક આવક મેળવતી થઇ છે, જેનો અમને ખૂબ જ આનંદ
અને સંતોષ છે.
શિવશક્તિ મહિલા મંડળના સંગીતા પટેલે વાતમાં સૂર
પુરાવતાં જણાવ્યું હતું કે, ગામડાગામમાં ઘર-કુટુંબની જવાબદારી, ખેતી-પશુપાલનની
સાથે સાથે જો આટલી આવક મળી શકતી હોય તો તે બાબત અમારા માટે તો આશિર્વાદ સમાન જ છે.
રાધેકૃષ્ણ મહિલા મંડળના પ્રમુખ ઇલાબેન પટેલે સ્વસહાય
જૂથના સંગઠિત પરિશ્રમના પરિપાકરૂપે આજે તેઓ અબળા મટીને સબળા બની હોવાનું જણાવ્યું
હતું., તો આદર્શ મહિલા મંડળના
પ્રમુખ સરીતા ભોયાએ હવે અમે કોઇના ઓશિયાળા રહ્યા નથી એવો રણટંકાર વ્યક્ત કર્યો
હતો.
રેશમની દોરીઓમાંથી કૌશલ્યબધ્ધ રીતે આ ગ્રામીણ
મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા જુદા જુદા આર્ટીકલ્સ, કલાકૃતિઓની માંગ ખાસ કરીને શહેરોનાં બજારોમાં રહે છે એમ
જણાવી જય અંબે મહિલા મંડળના જમનોબન ગવળીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રોજના બે-ત્રણ કલાકના હિસાબે ત્રણ દિવસમાં ગૃપની મહિલાઓ એક
ઝુલો તૈયાર કરે છે. જે ૩ થી ૪ હજાર રૂપિયામાં વેચાઇ છે. ઑર્ડર મુજબ પણ તેઓ આવા શો
પીસ વગેરે બનાવી આપે છે. તો જેઓને જાણકારી છે તેવા ગ્રાહકો ઘરબેઠા પણ આવીને ખરીદી
કરી જાય છે. આ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નવ દિવસીય સરસ મેળા કે જિલ્લા
વિકાસ અધિકારીશ્રીની પ્રેરણાથી યોજાતા એક દિવસીય હમ હાટ જેવા બજારોમા પણ
પ્રદર્શન-કમ-વેચાણ સ્ટોલ લગાવીને આવા ઘરેલૂ ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે.
ભેંસદરાના આ મહેનતકશ અને પ્રગતિશીલ ગૃપની ચર્ચા
પાડોશી નવસારી જિલ્લાની બહેનોને થતાં તેઓ પણ અહીં પ્રેરણા પ્રવાસ કરી ગયા છે, તો ભારતીય ગ્રામીણ નારીનાં આર્થિક
ઉપાર્જનના અભ્યાસ અર્થે અમેરીકાનું એક મંડળ પણ અહીં આંટોફેરો કરી ગયું છે એમ
જમનાબેન ગવળીએ જણાવ્યું હતું.
એ ગ્રેડ ધરાવતા આ ગૃપની આર્થિક ઉપાર્જનની સાથે બચત
પ્રવૃત્તિ પણ ધમધોકાર ચાલે છે. પ્રતિમાસ રૂપિયા સોની બચત, ગૃપની બધી મહિલાઓ કરે છે, અને જરૂરિયાતના સમયે બે ટકાના દરે ધિરાણ પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.
જેનાથી આ સભ્યોના ઘર પરિવારની નાની મોટી જરૂરિયાત કે પ્રસંગો પણ સચવાઇ રહે છે.
છ વર્ષથી સ્વસહાય જૂથ સાથે સંકળાયેલા આ મંડળો
પૈકીના જય અંબે મહિલા મંડળ તથા શિવશક્તિ મહિલા મંડળે ગત વર્ષો દરમિયાન પશુપાલનની
પ્રવૃત્તિ માટે પણ યોજનાકીય લાભ લીધો હતો. રૂા.૪.પ૦ લાખની સહાય સામે રૂા.ર.રપ
લાખની સબસીડી તેમના ગૃપને પ્રાપ્ત થઇ હતી. આજે પણ પશુપાલનની આ યોજનામાં મળેલી
ગાય-ભેંસના દૂધની નિયમિત આવક આ ગૃપની મહિલાઓને મળી રહી છે.
આગામી દિવસોમાં આ ગ્રામીણ મહિલાઓ, અથાણાં-પાપડ બનાવવાની તાલીમ લેવા
જઇ રહી છે. આમ, એક પછી એક નાના વેપાર-ધંધામાં સફળતાના શીખરો
સર કરીને ભેંસદરાની આ મહિલાઓએ હમભી કિસીસે કમ નહીં એમ સ્વમાનભેર સૌને કહી રહી છે.
ધરમપુર તાલુકામાં એક-બે નહીં હજ્જારો આવા કર્મશીલ
જૂથો મારફત આર્થિક રીતે ગ્રામ્ય મહિલાઓને પગભર બનાવવાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં
આવી છે, એમ ઍનાર્ડે ફાઉન્ડેશન
(મહિલા વીંગ)ના શ્રીમતી સુમિત્રાબેન ચૌધરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. જ્યારે
જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી ચેતન ઠાકોરે મહિલા કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓનો વ્યાપ છેક
છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે એજન્સી કટીબધ્ધ હોવાનું ઉમેર્યું હતું.
સાચે જ પાઇ પા
માટે પોતાના પતિ પર નિર્ભર રહેવું હવે આ મહિલાઓને કબૂલ મંજુર નથી. ઇશ્વરે હૈયામાં
હામ આપી છે, સરકારની સ્વસહાય જુથ
રચવાની યોજના, બચતના સંસ્કાર બીજનું ગ્રામીણ મહિલાઓમાં વાવેતર,
સંગઠીત જુથની તાકાતનો પરિચય અને કઠોર પરિશ્રમની ફળશ્રૃતિ અહીં જોવા
મળે છે. એકલ દોકલ મહિલાઓને સંગઠનના તાંતણે બાંધીને, તેમને
કેળવણી, આર્થિક સહાય, માર્ગદર્શન અને
જરૂરતના સમયે તેમની પડખે ઊભા રહેનારી અમલીકરણ સંસ્થા ઍનાર્ડે ફાઉન્ડેશનની ગ્રામ્ય
નારીઓને અબળામાંથી સબળા બનાવવાની મહેનત અહીં સાચે જ રંગ લાવી રહી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો