- આખી રાત દોડતા રહ્યા ફાયરબ્રિગેડના દોઢસો જવાનો
- પોલીસનું સ્તુત્ય પગલુ, આગમાં ખાખ ઝુપડાંના રહેવાસીઓને અપાવી ઘરવખરી,ખાવાની વસ્તુ- જીથરીયા પીર પાસે ૬ ક્વાર્ટર્સ આગની લપેટમાં, અનેક વંડા, કારખાનામાં આગ,વાહનો પણ ઝપટે
ધનતેરસથી બેસતાવર્ષ સુધી તહેવારોની ઉજવણી ફટાકડા ફોડીને કરાતી હોય દર વર્ષની જેમ ફાયરબ્રિગેડની રજા આ દિવસોમાં રદ કરીને ફાયર સ્ટેશનો પર સ્ટાફને સ્ટેન્ડ ટુ રખાયો હતો. આગની શરુઆત ધનતેરસના બપોરના ત્રણ વાગ્યાથી જ થઈ ગઈ હતી અને વંડા, ગોડાઉન વીજ વાયર સાથે કાળી ચૌદશની રાત્રિના દોઢ સુધીમાં જ ૨૨ સ્થળે આગ લાગી હતી.
દિવાળીની પરોઢ થાય તે પહેલા જ સદર વિસ્તારમાં છકડોરિક્ષા, મોટરસાઈકલ સહિતના વાહનોમાં આગ ભભુક્યા બાદ, દિવાળીના દિવસ રાતમાં જ આગના આશરે સોએક બનાવો નોંધાયા છે.
દેવપરાથી જંગલેશ્વર તરફ જતા રસ્તે ઝપપડપટ્ટીમાં, રામનાથપરામાં લાકડાના ડેલામાં, દૂધસાગર રોડ પર કારખાનુ, રણછોડનગરમાં વાહન, અનેક સ્થળે ઠેરઠેર વંડાઓમાં, ચૌધરી હાઈસ્કૂલ પાસે ઝાડમાં, જંક્શન પ્લોટમાં અનાજનું ગોડાઉન તો યુનિ.રોડ, કેનાલરોડ, જાગનાથ પ્લોટ ,પવનપુત્ર ચોક, કેવડાવાડી સહિતના સ્થળે રહેણાંક મકાનોમાં, લાતી પ્લોટના ભંગારના ડેલામાં તો થોરાળામાં ભંગારની દુકાન, એંસી ફૂટ રોડ પર કોલસાનો ડેલો, મીલપરા રોડ પર મકાન, માલવિયા ચોકી પાસે અને મવડી રોડ પર શાકભાજીની રેંકડીઓમાં પણ આગ ભભુકી ઉઠી હતી.
ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર દિવાળીની રાત્રે ઉપરોક્ત જંગલેશ્વરમાં ૭ ઝુપડાં સળગીને ખાખ થયા ઉપરાંત જામનગર રોડ પર જીથરીયા પીરની દરગાહ પાછળ ઘંટેશ્વર ક્વાર્ટર્સના ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક થેલીઓમાં આગ ભભુકતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણકરતા આજુબાજુના છ મકાનો (ક્વાર્ટર્સ) આગની લપેટમાં આવી ગયા હતા જેને ફાયરબ્રિગેડે સ્થળ પર જઈ બુઝાવી હતી. આગ ફટાકડાથી લાગ્યાનું જણાવાયું હતું. ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર બેસતાવર્ષની સવાર સુધી ફટાકડાથી આગ લાગવાના કોલ આવતા રહ્યા હતા.
જંગલેશ્વરમાં ઝુપડાંમાં આગ લાગી ત્યારે એક મહિલાને ડીલીવરી આવી હતી પણ સદ્ભાગ્યે રહેવાસીઓ બચી ગયા હતા. ૧૫ બકરાંના મૃત્યુ નીપજ્યાનું લોકોએ જણાવ્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસતંત્રને જાણ થતા પોલીસે માનવતાભર્યું પગલુ ભરીને બોલબાલા ટ્રસ્ટ મારફત આ તમામ પરિવારજનોને તાત્કાલિક જમાડીને જરૂરિયાતના વાસણ,પહેરવા કપડાં,કરિયાણુ વગેરે પૂરું પાડયું હતું અને આજે પણ આ ગરીબ બાળકોને નવડાવીને નવા વસ્ત્રો પહેરાવ્યા હતા.
સિવિલના બર્ન્સ વોર્ડમાં પ્રાથમિક સારવાર લીધી
દિવાળીએ ફટાકડાના કારણે ૩૫ જેટલા લોકો દાઝી ગયા
નારાયણનગરમાં ફટાકડો બારીમાંથી ઘરમાં આવી જતા કપડા સળગતા યુવતી દાઝી,
ત્રણ બાળકો પણ દાઝતા સારવારમાં
દર વર્ષની માફક આ વર્ષે પણ લોકોએ ફટાકડાના ધુમધડાકા સાથે હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી હતી. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આગોતરા આયોજન રૂપે તબીબોની રજાઓ રદ કરી બર્ન્સ વોર્ડમાં પુરતા સ્ટાફને તૈનાત કરાયો હતો. દરમિયાન દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. જેમાં જંકશન પ્લોટમાં રહેતા હર્ષ (ઉ.વ. ૧૦) ઘર પાસે ફટાકડા ફોડતી વખતે દાઝી જતા સિવિલમાં ખસેડાયો હતો.
આ ઉપરાંત રેલનગરમાં રહેતો ધૃવ ગોપાલભાઈ ચાવડા (ઉ.વ. ૧૩) ઘર પાસે ફટાકડા ફોડતો હતો ત્યારે મોઢામાં ફટાકડો ઉડતા દાઝી ગયો હતો. જ્યારે ઢેબર કોલોની ફાટક નજીક નારાયણનગરમાં રહેતા તેજલબેન શંકરભાઈ (ઉ.વ. ૩૫) ઘરે સુતા હતા ત્યારે બારીમાંથી ફટાકડો અંદર આવી જતા કપડાને અડતા સળગતા દાઝી ગયા હતા. જેને સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ ઉપરાંત જસ્મીન વલ્લભભાઈ
મકવાણા (૧૯, રહે. દોલતપરા,
જૂનાગઢ) ઘર પાસે ફટાકડા ફોડતી વખતે પડી જતા ઈજા
તથા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે કોઠારીયા સોલવન્ટમાં હાઉસિંગ બોર્ડના
ક્વાર્ટરમાં પણ ૧૦ વર્ષનો બાળક ફટાકડા ફોડતી વખતે દાઝી જતા સિવિલમાં ખસેડાયો હતો.
જ્યારે ફટાકડાના કારણે દાઝી જવાના કેસમાં કુલ ૩૫ જેટલા લોકોએ સિવિલમાં સારવાર
લીધી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો