જેતપુરના ગોંદરા વિસ્તારમાં પાલિકા સંચાલિત શાળા નં.3 દરવાજા પાસે જ
ગટરકામ અધૂરું છોડીને ગયેલું પાલિકા તંત્ર 15 દિવસ
થયા ફરક્યું ના હોય શાળાના બાળકો હેરાન પરેશાન
વાલીઓ કહે છે ગટરકામ જલ્દી પતાવો અન્યથા માખીથી મોટા મચ્છરો ફોલી ખાશે ! ને બાળકો રોગનો ભોગ બનશે એ લટકાનું !!
જેતપુર તા. 17
જેતપુર નગર પાલિકા તંત્રએ શહેરના ગોંદરા વિસ્તારમાં એક શાળાની સામે શરુ કરેલ ગટરકામ અધૂરું છોડીને મુક્યા પછી પંદર પંદર દિવસ થયા પણ આ કામગીરી આગળ ધપી ના હોય, શાળામાં ભણતા બાળકોના વાલીઓ અને આસપાસના રહીશોમાં તંત્ર પ્રત્યે રોષ સાથે અસંતોષ ફેલાયો છે.
આ બાબતે લોકોને સાથે રાખી ફરિયાદ કરતા પાલિકા સદસ્ય રમાબેન રામજીભાઈ મકવાણાએ જણાવેલ કે શહેરના ગોંદરા વિસ્તારમાં નગર પાલિકા સંચાલિત શાળા નંબર 3 સામેજ ગટરકામ શરુ કરનાર સંબંધિતો આ કામ અધૂરું છોડીને ચાલ્યા વાતને 15 દિવસના વહાણા વીતી ગયા પછી પણ પાછા ફરક્યા નાં હોય, શાળાએ જવા આવવામાં નાના ભૂલકાઓ ભયાવહ સ્થિતિમાં ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે.
સૌથી વધુ દુઃખની અને જોખમની એ વાત જોવા મળી કે આ પહોળી ગટર ટપીને આવવું જવું ભૂલકાઓ માટે ભારે મુશ્કેલ થઇ રહ્યું છે. ગટરનું કામ જે વિસ્તારમાં ચાલી રહ્યું છે તે ગોંદરા વિસ્તારના અનેક લોકોએ જણાવેલ કે આ કામ પૂરું કરવા પાલિકા કચેરીને અનેક વખત ટેલીફોનીક અને રૂબરૂ જઈને કહેવાયું હોવા છતાં સંબંધિતો અગાઉના પાલિકા પ્રમુખ સામે જાણે વેરની વસુલાત જેવું વર્તન દાખવી રહ્યા હોવાના પ્રજામાં આક્ષેપો થતા સાંભળવા મળ્યા હતા. ત્યારે ઉપરોક વિસ્તારમાં ગંધાતા પાણી સાથે વહેતી અને અધૂરું કામ છોડી દેવાયેલ ગટરનું કામ તાકીદે પૂરું કરાવી પાલિકા તંત્ર લત્તાવાસીઓ ઉપરાંત શાળાના બાળકોના આરોગ્ય પર જોખમાતા રોગચાળાના ભયને દુર કરે તે જરૂરી છે.
બોક્સ: અમારા બાળકોને મચ્છરો ફોલી ખાય છે, બાપ !!
જેતપુર : ગોંદરા વિસ્તારની શાળા નંબર 3 માં ભણતા પોતાના કુમળી વયના બાળકો બાબતે ઘેરી ચિતા વ્યક્ત કરતા વાલીઓ મકવાણાભાઈ અને શાંતાબેન બગડાએ ઉગ્ર રોષભેર જણાવેલ કે 15-20 દિવસ થયા અધૂરા ગટરકામથી તેઓ તો કંટાળ્યા છે પણ તેઓના કુમળી વયના ફૂલ સમાન બાન બાળકોને શાળામાં માખી માખી જેવડા મચ્છરો ફોલી ખાતા હોય બાળકોના હાથે, પગે ઢીમચાં થઇ ગયા છે..એટલુજ નહિ જો આ ગટર કામ તાત્કાલિક નહિ આટોપાય તો ભયંકર મચ્છરો ડેન્ગ્યું જેવા રોગચાળાને જન્મ આપી બાળકોને અજગર ભરડો લઇ લેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.
ફોટો અને સમાચાર :કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો