અનુયાયીઓ

મંગળવાર, 9 એપ્રિલ, 2013

પોલીસ વડાશ્રી પ્રેમવીર સિંહે યુવાનોને માર્ગદર્શન આપ્‍યું

સંરક્ષણ સેવાની ભરતી અંગેનો એક માસનો તાલીમ વર્ગનો શુભારંભ

પોલીસ વડાશ્રી પ્રેમવીર સિંહે યુવાનોને માર્ગદર્શન આપ્‍યું

રાજકોટ

રાજકોટ જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંહે સંરક્ષણ સેવામાં જોડાવા ઇચ્‍છુક ઉમેદવારોને જણાવ્‍યું હતું કે દેશની આંતરિક સુરક્ષા સામેના પડકારોથી ગુજરાતના યુવાનો વાકેફ થાય અને તેને પહોંચી વળવા માટે સંરક્ષણ સેવામાં જોડાય, એ ગુજરાતના દરેક યુવાનની નૈતિક ફરજ છે.

રોજગાર કચેરી-રાજકોટ અને રક્ષાશકિત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા સંયુકતપણે એક માસનો નિવાસી તાલીમ વર્ગ યોજાઇ રહયો છે, જેનો રાજકોટ મવડી ગ્રામ્‍ય પોલીસ, સ્‍ટેશન ખાતે શુભારંભ કરાવતાં શ્રી પ્રેમવીરસિંહે જણાવ્‍યું હતું કે ગુજરાતની રક્ષાશકિત યુનિવર્સિટી એ દેશની એક માત્ર યુનિવર્સિટી છે, જે આંતરિક સુરક્ષા અંગેનું શિક્ષણ પૂરૂં પાડે છે. વસ્‍તીના ધોરણે ફાળવવામાં આવતી પોલીસ ખાતાની જગ્‍યાઓમાં ગુજરાતના યુવાનોની સંખ્‍યા ખૂબ જ ઓછી હોય છે. એ વાતની ટકોર કરતાં શ્રી પ્રેમવીર સિહે યુવાનોને અનુરોધ કર્યો હતો કે રાજય સરકાર દ્વારા આપવામાં આવતી આ તાલીમ અન્‍ય ભરતી માટે પણ સહાયક પુરવાર થનારી હોય છે. સામાન્‍ય યુવાનોને નજરમાં રાખીને લાગુ કરાયેલા શારીરિક માપદંડોમાં ઉત્તીર્ણ થવા માટે વધુ ને વધુ શારીરિક મહેનત કરવા તેમણે ઉમેદવારોને શીખ આપી હતી.

આમંત્રિતોના હસ્‍તે દિપપ્રાગટયથી આ તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાયા બાદ રાજકોટ જિલ્‍લા કો-ઓર્ડીનેટરશ્રી બી.સી. પુરોહિતે શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતું. પ્રાદેશિક રોજગાર કચેરી-રાજકોટના નાયબ નિયામકશ્રી બી.વી.મોડીયાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે રક્ષાશકિત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા એક માસની નિવાસી તાલીમ સંરક્ષણ સેવા નોકરી ઇચ્‍છુક ઉમેદવાર માટે આયોજિત કરવામાં આવી છે. તેનો ઉમેદવારોએ વધુમાં વધુ લાભ લેવો જોઇએ.

રાજકોટના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે. જે. નિનામા, જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી એમ.જે. નાટડા, રોજગાર કચેરીના શ્રીકૈલાભાઇ અને શ્રીકગથરાભાઇ તથા સંરક્ષણ સેવામાં જોડાવા ઇચ્‍છતા યુવકો મોટી સંખ્‍યામાં આ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન શ્રી પી.વી. હીંડોચાએ કર્યુ હતું.  .

 

ટિપ્પણીઓ નથી: