વડગામ ખાતે દેવીપૂજક સમાજ આયોજીત સમસ્ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો : ૭૮ નવ દંપતિઓએ પ્રભૂતામાં પગલાં પાડ્યા
સુરેન્દ્રનગર :- સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ ખાતે આજે વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડના સહ્યોગથી દેવીપૂજક સમાજ આયોજીત સમસ્ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્ન રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ વોરાએ સમૂહલગ્નના કાર્ય બદલ આયોજકોને બિરદાવતાં વધુમાં જણાવ્યું હતુ કે, છેવાડાના માનવીની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા સરકારે અંતરિયાળ વિસ્તાર સુધી અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો તેના સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ – પછાતવર્ગના લોકોને આર્થિક રીતે પગભર બનાવવાનું કાર્ય કરી તેની ખેવના કરી છે.
મંત્રીશ્રી વોરાએ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દેવીપૂજક સમાજના લોકોને કન્યા દાનની સાથે તેમની દિકરીઓને વિદ્યારૂપી દાન આપવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, કન્યાદાનની સાથે વિદ્યાદાનનું પણ આજના યુગમાં એટલું જ મહત્વ છે. આ માટે દિકરા – દીકરી વચ્ચે ભેદભાવ ન રાખતા બન્નેને સમાન શિક્ષણની તક પૂરી પાડવી જોઈશે. તેમણે આ તકે દેવીપૂજક સમાજના લોકોને વ્યસનોને તિલાંજલી આપી શિક્ષિત બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદશ્રી નટુજીભાઈ ઠાકોર, મુંદ્રાના ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, પાટડીના ધારાસભ્યશ્રી શંભૂપ્રસાદ ટુંડીયા, સમીના ધારાસભ્યશ્રી ભાવસંગજી રાઠોડ, માજી સાંસદ શ્રીમતી ભાવનાબેન દવે તથા મત્સ્ય ઉદ્યોગ કમિશનરશ્રી પી. બી. પટણીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં લગ્નગ્રંથીથી જોડાયેલા તમામ નવદંપતિઓને ભાવિ જીવનની શુભેચ્છાઓ પાઠવી દેવીપૂજક સમાજના લોકોને શિક્ષિત બની, સંગઠીત થઈ અન્ય સમાજની સાથે વિકાસની દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે અંતમાં આભારવિધિ ખેંગારભાઈ ડોડીયાએ કરી હતી.
આ સમસ્ત દેવીપૂજક સમાજના સમૂહ લગ્નોત્સવમાં સમાજના ૭૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેને મંત્રીશ્રી – મહાનુભાવો તથા સંતો – મહંતોએ આર્શિવાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી બિપીનભાઇ દવે, પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દર્શનાબેન પટેલ સહિત અધિકારી – પદાધિકારીશ્રીઓ, સમાજના આગેવાનો, સંતો – મહંતો તથા મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો