રૂ|.૩૦૭.૫૪ લાખના ખર્ચની ૧૬૦૯૨ લાભાર્થીઓને યોજનાકિય કિટસનું થનારૂં વિતરણ : ૮૦ હજાર પશુધનનું રસીકરણ અને ૮૦૦ પશુઓને કૃત્રિમ બિજદાન
જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના માર્ગદર્શન હેઠળ કૃષિ મહોત્સવ- ૨૦૧૩ ની ઉજવણીનું સુચારૂ આયોજન
રાજપીપળા, પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવ- ૨૦૧૩ ની થઇ રહેલી રાજ્ય વ્યાપી ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ આ ઉજવણી અસરકારક અને પરિણામદાયક બની રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા વહિવટીતંત્રએ ઘડી કાઢેલા સુચારા આયોજનની તૈયારીઓને આખરી ઓપ અપાયા બાદ તા.૧૪ મી મે, ૨૦૧૩ થી આ ઉજવણીનો ધારીખેડા ખાતેથી, તિલકવાડા તાલુકામાં ભાદરવા ખાતેથી, ડેડીયાપાડા તાલુકામાં કુંડીઆંબા ખાતેથી અને સાગબારા તાલુકામાં અમીયાર ખાતેથી પ્રારંભ થશે અને ત્યાંથી કૃષિરથનું પ્રસ્થાન કરાવાશે.
નર્મદા જિલ્લામાં તા.૩૧ મી સુધી થનારી કૃષિ મહોત્સવની આ ઉજવણી દરમિયાન નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતની ૧૮-૧૮ બેઠકો અને ડેડીયાપાડા અને સાગબારાની ૧૭-૧૭ બેઠકોમાં સમાવિષ્ટ ૭૦ જેટલા ક્લ્સટર ગામોમાં આ કૃષિરથ ગામેગામ ફરીને કૃષિ વૈજ્ઞાનિકો અને સંબધિત અધિકારીઓ દ્વારા જે તે તાલુકાની થીમ આધારીત તૈયાર થયેલા કૃષિરથ મુજબ વૈજ્ઞાનિક ખેતપધ્ધતિ અંગેનું ખેડૂત ભાઇ-બહેનોને માર્ગદર્શન પુરૂ પડાશે. જિલ્લામાં સારૂ ઉત્પાદન મેળવવા માટેના મુખ્યત્વે કપાસ, કેળ, શેરડી, તુવેર, ડાંગર, શાકભાજી, સોયાબીન, મકાઇ અને જુવાર જેવા પાકોની પસંદગી કરવામાં આવી છે.
જિલ્લામાં આ કૃષિ મહોત્સવ દરમિયાન રૂ|.૩૦૭.૫૪ લાખના ખર્ચે ૧૬૦૯૨ લાભાર્થીઓને કૃષિલક્ષી વિવિધ યોજનાકીય કિટસ સહિતનાં લાભોનું વિતરણ કરાશે. તેની સાથોસાથ ૮૦ હજાર પશુધનને રસીકરણ અને ૮૦૦ પશુઓને કૃત્રિમ બિજદાન હેઠળ આવરી લેવાશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ ઉજવણી દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં શ્રેષ્ઠ કૃષિ ઉત્પાદન મેળવવા માટે નક્કી કરાયેલ થીમ આધારીત ખેતઉત્પાદન વધારવા અને લક્ષ્યાંકસિધ્ધિની પ્રાપ્તિ માટે જિલ્લામાં તમામ ખેતી પાકોમાં ૭૫ થી ૯૦ ટકા સુધીની બીજ માવજત હેઠળ આવરી લેવા સહિતના જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિવિધ પાસાઓને આવરી લેતું જરૂરી આયોજન પણ ઘઢી કઢાયુ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.એમ.પટેલે જણાવ્યું હતું.
જિલ્લામાં નક્કી થયેલા રૂટ મુજબ નિર્ધારીત ગામોમાં થનારી આ ઉજવણી બે વિભાગમાં વહેંચાઇ છે. જેમાં પ્રથમ વિભાગમાં પશુ આરોગ્ય કેમ્પ અને બીજા વિભાગમાં જળ સંપત્તિ, જી.જી.આર.સી., જી.એલ.ડી.સી., ડી.આર.ડી.એ. દ્વારા જળ સંચય, કેનાલ સફાઇ, માઇક્રો ઇરીગેશન વગેરે જેવા વિષયો ઉપર પરિસંવાદ અને કામગીરીના આયોજનની ચર્ચા તથા સિંચાઇના કાયદા અંગે માહિતી/વ્યક્તવ્ય ઉપરાંત સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો તેમના અનુભવોનું અદાનપ્રદાન કરશે. મુખ્યમંત્રીશ્રીનું વિડીયો લિંકેજ દ્વારા ગ્રામજનોને સંબોધન તેમજ કૃષિ યુનિવર્સીટી અને માહિતી વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે કૃષિલક્ષી સી.ડી.નું નિદર્શન પણ કરાશે.
આ ઉજવણી દરમિયાન નર્મદા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જે તે ગામોમાં પરંપરાગત પ્રચાર માધ્યમ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ હેઠળ પ્રચારલક્ષી લોકડાયરા, નાટક, પપેટ-શો વગેરે જેવા કાર્યક્રમો યોજીને કૃષિલક્ષી બાબતોની જાણકારી પહોંચાડવાના પ્રયાસો પણ હાથ ધરાયાં છે. આ તમામ કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં લાભ લેવા ખેડૂત ભાઇ-બહેનો-ગ્રામજનોને જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો