અનુયાયીઓ

મંગળવાર, 14 મે, 2013

મયંકકુમાર સોનીની ભાળ મળે તો જાણ કરશોઃ


સૂરતઃ ખટોદરા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૮/૫/૨૦૧૩ના રોજ ભટારના અલથાણ ખાતેના ૧૮, મંગલધામ એપાર્ટમેન્‍ટ રહેતા ૧૯ વર્ષીય મયંકકુમાર જયંતીલાલ સોની કયાંક ચાલ્‍યા ગયા છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ધઉવર્ણી, ડાબા હાથે ચાઇનીઝનું છુંદણું કરાવેલું છે. કાળા રંગનું શર્ટ તથા ક્રિમરંગનું પેન્‍ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.


વલસાડ જિલ્લામાં ગર્ભના જાતિય પરીક્ષણ અંગે પ્રસુતિના આંકડાઓ ઉપર બાજ નજર રખાશે :

પી.સી. એન્‍ડ પી.એન.ડી.ટી. એક્‍ટ-૧૯૯૪ એડવાઇઝરી કમિટિની બેઠકમાં કલેકટર ડૉ.વિક્રાંત પાંડેનું માર્ગદર્શન

સૂરતઃ વલસાડ જિલ્લામાં કાર્યરત હોસ્‍પિટલોમાં ઉપયોગમાં લેવાતા સોનોગ્રાફી મશીનો દ્વારા વિશેષ કરીને ગર્ભ પરીક્ષણ બાદ, જિલ્લામાં થતી પ્રસુતિઓનો કયાશ કાઢી તેનો અદ્યતન ડેટા નિયત સમયે ઉપલબ્‍ધ કરાવવાની હિમાયત વલસાડ કલેકટરશ્રી ડૉ.વિક્રાંત પાંડેએ કરી છે.

વલસાડ જિલ્લાની પી.સી.એન્‍ડ પી.એન.ડી.ટી. એક્‍ટ-૧૯૯૪ની તાજેતરમાં મળેલી એક એડવાઇઝરી કમિટિની બેઠકમાં કલેકટર શ્રી પાંડેએ વધુમાં સંસ્‍થાકિય પ્રસુતિ તરફ લક્ષ કેન્‍દ્રિત કરી, પ્રજાજનોમાં સરકારી સંસ્‍થાઓમાં મળતી પ્રસુતિની સારવાર તથા માતા અને બાળકો માટેની યોજનાકિય સહાય અંગે વ્‍યાપક જાગૃતિ કેળવાઇ, તે દિશામાં પ્રયાસો હાથ ધરવા પણ આરોગ્‍ય વિભાગને જણાવ્‍યું હતું.

વલસાડ જિલ્લાના પ્રજાજનો માટે પ્રજાભિમુખ વહીવટની નેમ વ્‍યક્‍ત કરી, કલેકટર શ્રી પાંડેએ જિલ્લામાં અમલી આરોગ્‍ય સેવાઓની વિગતો મેળવી, જિલ્લામાં આરોગ્‍યલક્ષી સેવાઓને વધુ અસરકારક બનાવવા પર ભાર મુક્‍યો હતો.

બેઠકમાં વલસાડના મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અજયકુમાર સંઘવીએ બેઠકના એજન્‍ડાવાર ચર્ચા હાથ ધરી હતી. નાડકર્ણી હોસ્‍પિટલ-પારડીના ડૉ.પૂર્ણિમા નાડકર્ણીએ ઉપયોગી સૂચનો રજુ કર્યા હતા. જ્‍યારે તાલુકા હેલ્‍થ ઓફિસરો અને અન્‍ય સંબંધિત કમિટિ મેમ્‍બરોએ પણ ઉપસ્‍થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો. દરમિયાન ગત બેઠકની કાર્યવાહી નોંધનું વાંચન અને કરેલી કાર્યવાહીનો રીપોર્ટ રજુ કરાયો હતો. જ્‍યારે નવી મળેલી અરજીઓની ચકાસણી, રજીસ્‍ટર્ડ થયેલી સંસ્‍થાઓમાં સોનોગ્રાફી મશીન ઉપર સોનોલોજીસ્‍ટ, રેડીયોલોજીસ્‍ટ તરીકે નવા નામ ઉમેરવા તેમજ નામમાં ફેરફાર કરવા, સરકારી પરિપત્રો, ઠરાવોનું વાંચન જેવા મુદ્દે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

નાડકર્ણી હોસ્‍પિટલ-પારડી ખાતે ઉપલબ્‍ધ સવલતોનો વિનામૂલ્‍યે લાભ મળશે :

તા.ર૬મી મે, ર૦૧૩થી પુરા એક સપ્તાહ સુધી વિનામૂલ્‍યે તપાસ કરાશે

સૂરતઃ વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલી વિખ્‍યાત નાડકર્ણી હોસ્‍પિટલ અને ટેસ્‍ટ ટયૂબ બેબી સેન્‍ટર ખાતે ઉપલબ્‍ધ વિશ્વ સ્‍તરીય આરોગ્‍ય સેવાનો લાભ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે મળવા જઇ રહ્યો છે.

અદ્યતન સુવિધાઓથી સજ્જ નાડકર્ણી હોસ્‍પિટલના નવિનિકરણ અને વિસ્‍તરણ સાથે પ્રજાજનોને ઉત્‍કૃષ્‍ટ આરોગ્‍યલક્ષી સવલત મળી રહે તે માટે કટીબદ્ધ નાડકર્ણી ગૃપ ઑફ હોસ્‍પિટલ્‍સ દ્વારા તા.ર૬/પ/ર૦૧૩નાં રોજ સવારે ૧૦ થી ર વાવ્‍યા દરમિયાન એક કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. ત્‍યાર બાદ પુરા એક અઠવાડિયા સુધી હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ અત્‍યાધુનિક સુવિધાનો લાભ જરૂરિયાતમંદોને વિનામૂલ્‍યે મળી શકશે. એમ, ડૉ.પૂર્ણિમા નાડકર્ણીએ એક મુલાકાતમાં જણાવ્‍યું છે.

સપ્તાહ દરમિયાન દર્દીઓને જરૂરી તપાસ માટે સો ટકા ડીસ્‍કાઉન્‍ટ એટલે કે વિનામૂલ્‍યે તપાસ કરાશે. આ માટે દર્દીઓએ એડવાન્‍સમાં તેમનું નામ નોંધાવવું જરૂરી છે. જ્‍યારે આગળની વધુ સારવારમાં પણ પ૦ ટકા જેટલુ ડીસ્‍કાઉન્‍ટ આપી, આરોગ્‍યલક્ષી સેવા કરાશે એમ ડૉ.નાડકર્ણીએ વધુમાં ઉમેર્યું છે.

વાપીના ૨૫ વર્ષિય પ્રેગનન્ટ યુવતિ સોનુ સોલંકી ગુમ થઇ

સૂરતઃ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાપી ખાતે રહેતી ૨૫ વર્ષિય યુવતિ નામે સોનુ મગનભાઇ સોલંકી ગત તા.૨૧મી માર્ચ, ર૦૧૩નાં રોજથી ગુમ થયા છે. જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર સોનુ સોલંકી તા.૨૧/૩/ર૦૧૩નાં રોજ તેમના ઓળખીતા ભરતભાઇ તથા શોભનાબેનને ત્‍યાં રાત્રી રોકાણ કર્યા બાદ, કયાંક ચાલી જતા ગુમ થઇ છે તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર શરીરે મજબુત બાંધાની, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ ૫ ફૂટ, મોઢુ ગોળ છે. તેણી પ્રેગનન્‍ટ છે. ગુમ થનારે  પંજાબી ડ્રેસ પહેરેલ હતો. ગુમ થનાર મહિલા ગુજરાતી, મરાઠી તથા હિન્‍દી ભાષા જાણે છે. આ વર્ણનવાળી યુવતિની ભાળ કે પત્તો મળે તો વાપી જી.આઇ.ડી.સી. પોલીસ સ્‍ટેશનનો ફોન નંબર : ૦૨૬૦-૨૪૦૧૨૦૧ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

ટિપ્પણીઓ નથી: