ગામડાને સમૃધ્ધ બનાવવા સત્તાના સુત્રો તાલુકા સુધી પહોંચાડવા ને સોંપવા યજ્ઞ આરંભ્યો છે.- નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા
છેવાડાના ગામડાને સુવિધાસભર બનાવવા રાજય સરકાર કટીબધ્ધ છે- રાજ્યમંત્રી શ્રી કનુભાઇ ભાલાળા
રાજકોટ ગુજરાતની વિકાસયાત્રા ગતિશીલ બનાવવા સહુના સહીયારા પુરૂષાર્થથી ગામડાને સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા વિકાસ અને સત્તા એમ બે પ્રકારે સમૃધ્ધ બનાવવા રાજય સરકારે ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમો દ્વારા ગામડાના ઉત્કર્ષનો યજ્ઞ આરંભ્યો છે એમ નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યુ હતું.
જસદણ ખાતે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા અને રાજકોટ જિલ્લાના સહપ્રભારી અને કૃષિ, જળસંપતિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળાની ઉપસ્થિતિમાં ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રીશ્રી વાળાએ આ તકે વધુમાં જણાવ્યુ હતુ કે રાજય સરકારે ગામડાના ઉત્કર્ષ માટે પ્રતિબધ્ધતા બતાવી છે ત્યારે તાલુકાના વહિવટી તંત્ર અને પદાધિકારીઓની ટીમે ‘‘મે નહિ હમ’’ની વિભાવના સાર્થક કરવા આગળ આવવું પડશે. તેમણે ઉમેર્યુ હતુ કે મુખ્યમંત્રીશ્રીએ આપેલા ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ મંત્રના સથવારે ગામડાઓમાં માળખાકીય સુવિધાઓનો વધારો થાય ગામડાની જરૂરીયાત મુજબના જ વિકાસ કામોને અગ્રતા અપાય અને ગ્રામ્યકક્ષાના લોકો વિકાસની તમામ બાબતોમાં શહેર સમોવડીયા બને તેવો અભિગમ રાજય સરકારે અપનાવ્યો છે આથી આ વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવીએ અને સહભાગી બનીએ તે ખુબજ જરૂરી છે.
મંત્રીશ્રી વજુભાઇ વાળાએ વધુમાં જણાવ્યુ કે હવે સમય બદલાયો છે પહેલાની સરખામણીમાં ગામડા ઉતરોતર સમૃધ્ધ બનતા થયા છે મુખ્યમંત્રીશ્રીની આગવી દષ્ટિના કારણે રાજયમાં કન્યા કેળવણીનો વ્યાપ ખુબજ વધ્યો છે. તેમણે આજે મેઘાણીના જન્મદિવસનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે શ્રી મેઘાણીની અનેક રચનાઓમાં પણ નારીને બિરદાવી છે. આ નારીના શિક્ષણ, વિકાસ માટે પણ રાજય સરકાર સતત તત્પર રહે છે તેમ તેમણે ઉમેર્યુ હતું. રાજય સરકારે પીવાના પાણી માટે ઉમદા વ્યવસ્થા કરી છે મહિલાઓને બેડા લઇને પાણી ભરવા જવામાંથી મુકિત મળી છે. ગામડા વધુ સ્વચ્છ બને તે માટે વ્યકતિગત શૌચાલય, ગટર વ્યવસ્થા સહિતની બાબતોમાં ઉદારતા દાખવીને ફંડ ફાળવામાં આવતુ હોવાનું મંત્રીશ્રી વાળાએ જણાવ્યુ હતું.
મંત્રીશ્રી વાળાએ ઉપસ્થિત ગ્રામ્યકક્ષાના પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓને ગામડાને મળતી સુવિધાની યોજનાઓ વધુને વધુ મળે તેવા આયોજન સાથે આગળ આવવા અનુરોધ કર્યો હતો.
કૃષિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળાએ જણાવ્યુ હતુ કે રાજય સરકાર વિકાસલક્ષી યોજનાઓ દ્વારા ગામડાઓના વિકાસ માટે તત્પર છે લોકો તેમા સહયોગી બની સાચા અર્થમાં ગામના વિકાસને સાર્થક કરે. ચલો તાલુકે કાર્યક્રમ થકી સ્થાનિક પદાધિકારીઓ અને સરપંચોને ગામડાની વિકાસની જાણકારી આપવાની સરકારની નેમ છે. સરપંચો અને પદાધિકારીઓના માધ્યમથી છેવાડાના માનવીને સ્થાનિક વિકાસમાં સાંકળવાનો ઉદ્રેશ હોવાનું જણાવી તેમણે ઉમેર્યુ કે રાજય સરકારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી પ્રાંત અધિકારીઓની જગ્યામાં વધારો કર્યો છે. ગામડાઓમાં સુવિધા, રોજગારી વધે તે માટે જયોતિગ્રામ યોજના ર૪ કલાક થ્રી ફેઝ વીજળી આપી છે. જેનાથી ગ્રામ્ય જીવન સ્તર ઉચું આવ્યુ છે. તેમ જણાવી ખેડુતો વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેત ઉત્પાદન મેળવતા થાય તે જરૂરી છે તેમ જણાવ્યુ હતું.
વાહન વ્યવહાર કમિશ્નરશ્રી જે.પી.ગુપ્તાએ જણાવ્યુ હતુ કે આજે ગુજરાતમાં સર્વાગી વિકાસના પરિવર્તનનો પવન ફુકાયો છે. આ પરિવર્તન સાથે ગામે ગામના લોકો જોડાઇ પોતાના ગામોમાં આધુનિક સુવિધાના કામો થાય તેના પ્રયાસો કરવા જરૂરી છે. આજે ગુજરાતની સરકારી કચેરીઓમાં લોકાભિમુખ અને પારદર્શક વહિવટી તરફ સુધારા થઇ રહ્યા છે. તેમણે આર.ટી.ઓ.માં અનેકબારી પધ્ધતિથી લોકોને પડતી મુશ્કેલી નિવારવા એક બારી પધ્ધતિ તથા લાયસન્સ આપવામાં નવી લાયસન્સ પધ્ધતિ તથા ઓનલાઇનથી શહેરો અને પછી ઇ-ગામોને જોડવાની કામગીરી અમલી બનવા જઇ રહી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમારે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરી જિલ્લામાં છેલ્લા ૧૦ થી ર૦ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની માહિતી પાવર પ્રેઝન્ટેશન દ્વારા આપી પ્રત્યેક ગામનો આગવો વિકાસ થાય અને છેવાડાના ગામમા વસતા લોકો સુખી અને સમૃધ્ધ બને તે માટેના રાજય સરકારના સ્વપ્નને સાકાર કરવા તાલુકા ટીમને તેમણે અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્યાયે આ પ્રસંગે જિલ્લામાં વિવિધ લોકકલ્યાણની યોજનાઓ થકી થયેલા વિકાસ કાર્યોની માહિતી પાવર પ્રેઝન્ટેશન દ્વારા આપી જણાવ્યુ હતુ કે ગામડાઓના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર કાર્યરત છે. ગામડાઓના લોકોને ગ્રામયકક્ષાએ શહેરી વિસ્તાર જેવી સુવિધા સાથે રોજગારી પણ મળતી થાય તે માટેના પ્રયાસ છે ત્યારે સ્થાનિક લોકો આ વિકાસ કાર્યમાં સરકાર સાથે જોડાઇ જાય તે જરુરી છે તેમ તેમણે જણાવ્યુ હતું.
કાર્યક્રમમાં વિકાસની પરિભાષાની સીડીનું પ્રેઝન્ટેશન કરાયું હતું.
પ્રાંત અધિકારીશ્રી આર.એચ.ગઢવીએ જસદણ તાલુકામાં સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ થયેલ વિકાસનું પાવર પ્રેઝન્ટેશન દ્વારા ચિત્ર રજુ કર્યુ હતું.પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર અને કલસ્ટર ઇન્ચાર્જ શ્રી ડી.વી.માંકડીયાએ પોતાના કલસ્ટરનું પ્રેઝન્ટેશન કર્યુ હતું.
કાર્યક્રમમાં મંત્રીશ્રી વાળા તથા રાજયમંત્રીશ્રી ભાલાળાના હસ્તે દાતાઓ તરફથી આંગણવાડીના બાળકો માટે પ્રાપ્ત થયેલ ફળોનું વિતરણ આંગણવાડીની બહેનોને કરવામાં આવ્યુ હતું.
‘ચલો તાલુકે’ કાર્યક્રમ બાદ જિલ્લા સહ પ્રભારી મંત્રીશ્રી અને કૃષિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળાની ઉપસ્થિતિમાં જસદણ વિસ્તારના પ્રબુધ્ધ નાગરિકો સાથે ગોષ્ઠી યોજાઇ હતી.
કાર્યક્રમના અંતમાં તાલુકા મામલતદારશ્રી એ.એમ.મોરીએ આભારદર્શન તથા કાર્યક્રમનું સંચાલન જુનાગઢ જિલ્લા પંચાયતના એકાઉન્ટ ઓફીસરશ્રી શૈલેષ સગપરીયાએ સંભાળ્યું હતું.
કાર્યક્રમમાં ગૌસેવા આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા, પ્રવાસન નિગમનાશ્રી અનંત દવે, ધારાસભ્યોશ્રી ભરતભાઇ બોધરા, શ્રીમતિ જશુબેન કોરાટ, શ્રી ગોવીંદભાઇ પટેલ, શ્રી વલ્લભભાઇ કાકડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારેધી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા, ગોપાલક મંડળના ઉપાધ્યક્ષશ્રી દિનેશભાઇ ટોળીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવિરસિંહ, નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.ગોર, જિલ્લા પંચાયત સદસ્યશ્રી દેવશીભાઇ ટાઢાણી, જસદણ નગરપાલીકા અધ્યક્ષાશ્રી ઇન્દુબેન માઢક, શહેરી સત્તામંડળના અધ્યક્ષશ્રી સોમપુરા તથા જિલ્લાની જુદી જુદી કચેરીઓના જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, તાલુકાના ગામોના સરપંચશ્રીઓ, ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહદેવસિંહ ગોહિલ તથા તાલુકાની કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જસદણ ખાતે યોજાયેલ ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓએ ગામડાના વિકાસ વિષે પ્રતિભાવ પ્રગટ કર્યા હતા.
સાંણથલી ગામના સરપંચે ગામની સુવિધા વિષે પ્રતિભાવ રજુ કર્યા હતા.
રાજકોટ સાંણથલી ગામના સરપંચશ્રી ધનજીભાઇ ભુવાએ તેમના ગામમા વિકાસની વાત કરતા જણાવ્યુ હતુ કે આ ગામના રૂ. બે લાખના ખર્ચે આંબેડકર ભવન, પાણી પૂરવઠા ઓવરહેડ ટેન્ક, સીમમાં જવાના રસ્તાઓમાં ચોમાસા દરમિયાન ખેડૂતો સરળતાથી આવી જઇ શકે તે માટે કોઝવે કમ ચેકડેમ બનાવવામાં આવ્યા છે. ગામમાં આંગણવાડી, પંચાયત ઘર, અને ગામમાં સી.સી. રોડનું કામ કરવામાં આવેલ છે આ રીતે લગભગ ૩૦ જેટલા વિકાસ કામો તાજેતરમાં કરવામાં આવ્યા છે.
ગામને સમરસ બનાવવાના અમારા પ્રયત્નો રહ્યા છે. ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામની સગવડતાથી ખેડુતોને ઘણી સરળતાથી ખેતીની નોંધો મળી શકે છે. અમારૂ ગામ સ્વચ્છ અને નિર્મળ બને તે માટે ગટર, શૌચાલય સહિત સ્વચ્છતાના પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે.
શ્રી નાથાભાઇ વસાણીએ અમરાપુર ગામના અવિરત વિકાસની બાબતો વર્ણવી હતી.
જસદણ તાલુકાના અમરાપુરના સરપંચશ્રી નાથાભાઇ વાસાણીએ તેમના ગામમાં થયેલા વિકાસ કામો વર્ણવતા જણાવ્યુ કે અમારા ગામમાં લાઇબ્રેરી, પ્રાથમિક શાળાના રૂમો, પીવાના પાણીનો ટાંકો, સી.સી. રોડ સહિતના કામો રૂ. ૨૨ લાખના ખર્ચે કરવામાં આવ્યા છે.
મારૂ ગામ સમગ્ર તાલુકામાં મોડલ ગામ બને તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ, ગામમાં જયોતિગ્રામ વિજળી કરણ પછીથી અવિરત વિકાસ થઇ રહ્યો છે. અમારૂ ગામ શહેર સમોવડયું બને તેવા પણ અમારા પ્રયત્નો રહ્યા છે. ગામમાં સ્વચ્છતા, શાંતિ અને સુમેળનું વાતાવરણ સતત રહે તેવા પ્રયાસો અમારી ગ્રામ પંચાયતની ટીમ દ્વારા કરવામાં આવે છે. રાજય સરકારની વિવીધ યોજનાઓનો વધુને વધુ લાભ મળે તેવા અમારા સતત પ્રયાસો રહ્યા છે.
ઝુંડાળા ગામના સરપંચશ્રી લિંબાભાઇએ તેમના ગામના વિકાસ કામોની વિસ્તૃત છણાવટ કરી હતી
ઝુંડાળા ગામના સરપંચશ્રી લીંબાભાઇ પદમાણીએ તેમના ગામમાં થયેલા વિકાસ કામો બાબતે જણાવ્યું કે રાજય સરકારની પ્રતિબધ્ધતા છે તે પ્રમાણે શહેરમાં મળતી તમામ સુવિધાઓ અમારા ગામને મળે તેવા પ્રયાસો થયા છે. ગામમાં જયોતિગ્રામ યોજના આવ્યા પછી નાના વ્યવસાયને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. નાના ધંધાદારીઓને શહેરમાં જવુ પડતું નથી ગામડે બેઠા જ ધંધો રોજગાર ચલાવી શકે છે. આ જયોતિગ્રામ યોજના આવતા અમારા ગામમાં ઇ-ગ્રામ કનેકટીવીટી દ્વારા ખેડુતોને ખેતીની તમામ વિગતો ગામડે બેઠા મળતી થઇ છે. જેના કારણે તાલુકા સુધી જવાની જરૂરી રહેતી નથી અમો અમારુ ગામ સતત વિકાસ કરતું રહે તેવા પ્રયાસો કરીએ છીએ.
જીવાપર ગામના સરપંચશ્રી રેખાબેન બોદરે તેમના ગામના વિકાસની છણાવટ કરી હતી
જીવાપરના સરપંચશ્રી રેખાબેન બોદરે તેમના ગામના વિકાસ વિષે બોલતા જણાવ્યુ કે વર્ષ ર૦૦૧ થી ર૦૧૦ ના સમયગાળા દરમિયાન અમારા ગામમાં ચેકડેમો, આંગણવાડી, પીવાના પાણીની ઓવરહેડ ટેંક, રસ્તાઓ સહિતના કામો થયા છે. અમારા ગામ નજીક ૬૬ કે.વી. વિજ સબ સ્ટેશન આવી જતા વીજળી પુરા દબાણથી મળી રહે છે. જયોતિગ્રામ યોજના આવતા અમારા ગામમાં વિકાસની પ્રક્રિયા ઝડપી બની છે.
જીવાપર ગ્રામ પંચાયત કચેરીના તમામ સદસ્યશ્રીઓ સૌના સહિયારા પૂરુષાર્થ દ્વારા ગામને વિકસાવવા કટીબધ્ધ છે.
આ તકે કોટડાના સરપંચશ્રી રાઘવજીભાઇ રાજપરા, કાળાસરના સરપંચશ્રી ગોવીંદભાઇ દુમાદીયા તેમજ આસલપુરના સરપંચશ્રી ધીરૂભાઇ ડોડીયાએ તેમના ગામોના વિકાસની બાબતો વર્ણવી હતી.
ગામડાઓના વિકાસને ઉજાગર કરવા નવો ગ્રામોધ્ધારલક્ષી કાર્યક્રમ શરૂ કર્યો છે.
પ્રભારી મંત્રી શ્રીમતિ વુસબેન ત્રિવેદી
સાવરકુંડલા ખાતે ચલો તાલુકે કાર્યક્રમ
અમરેલી ગામડાના વિકાસના કામો ગાંધીનગર કે, જિલ્લા કક્ષાએથી નહીં પરતું ગ્રામજનોના સૂચન મુજબ અને માંગણી મુજબ તાલુકા કક્ષાએથી જ આયોજન થઇ મંજૂર થાય તેવો નૂતન અભિગમ રાજય સરકારે અમલમાં મૂકયો છે. સરકાર દ્રારા લોકોના પ્રશ્નોના ઉકેલની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય કરાયું છે.હજુ પણ ગામડાઓમાં કયાંય પણ વિકાસમાં ખૂટતી બાબત ઉમેરવાની હોય તો તે માટે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમ હેઠળ ગાંધીજીના ગ્રામ સ્વરાજની પરિકલ્પના મુજબના ગામડાઓના વિકાસને ઉજાગર કરવા નવો ગ્રામોધ્ધારલક્ષી કાર્યક્રમ શરૂ કર્યો છે. તેમજ ગામડાના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ કરી ગુજરાતના સ્વર્ણિમ યુગના મંડાણ કર્યા છે.તેમ પ્રભારી અને ઉચ્ચ ટેકનીકલ ,મહિલા અને બાળ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વસુબેન ત્રિવેદીએ સરપંચો તેમજ સ્વરાજય સંસ્થાઓના પ્રતિનિધિઓને સાવરકુંડલા ખાતે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમમાં સંબોધતા જણાવ્યું હતું.
વિકાસની પરિભાષાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રસ્તો બનાવવો તે કામ છે અને રસ્તાની આસપાસ વૃક્ષો ઉછેરવામાં આવે તે વિકાસ છે. આજ રીતે શાળાના મકાનો બને તે કામ છે પણ તેમાં બાળકો શિક્ષણ લેવા પ્રેરાય તથા સુદઢ શિક્ષણ મેળવે તે વિકાસ છે.સમયની માંગ સાથે ભૌતિક સુવિધાઓ ઉભી કરવી એ સરકારનું કામ છે. પણ ભૌતિક સુવિધાઓની સાથે માળખાગત વ્યવસ્થા, સુચારૂ સંચાલન અને છેવાડાના માનવીને સંતોષ થાય તેવી વ્યવસ્થા-ગતિશીલ તંત્ર અને લોકસહયોગથી ઉભી થાય તો જ ફળદાયી પરિણામો આપણે સૌને મળશે તેવો આશાવાદ સેવ્યો હતો.
આ પ્રસંગે મહેસુલ વિભાગના અગ્ર સચિવ(અપીલ) સી.એ ભટ્ટાચાર્યએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગને લગતા કાયદાઓ સરળ બનાવી ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવ્યા છે. ઈ-ધરાના માધ્યમથી મહેસુલી પક્રિયા ઘણીજ સરળ અને હકકદાવાની પતાવટ ઝડપી બની છે.હવે હકકદાવાની અપીલો પણ ઓછી થઇ છે. તેમ જણાવતાં ખાતેદારોને ઈ-ધરાની મુલકાત લઇ હકકદાવાની ચકાસણી કરાવી લેવા અપીલ કરી હતી.
અગ્ર સચિવશ્રીએ પીવાના પાણીની પરિસ્થિતિ અને જળસંચયની કામગીરી બાબતે ગુજરાતે દેશને દિશાસૂચન કરી શકે તેવું સંદર કામ થયું હવાનું જણાવ્યું હતું
જિલ્લા કલેકટરશ્રી ડી.એ. સત્યાએ કાર્યક્રમના ઉદેશની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે,ગ્રામ્ય તાલુકા કક્ષાએ વધુ સત્તાઓ આપી પરિણામલક્ષી માનવ સૂચાંક આંકનું ધોરણ ઉંચું લાવવાનો છે ત્યારે આ વિકાસના કામો વ્યાપક જનસમૂહને લાભકર્તા હોય તેવા અને લોકોની અગ્રિમ જરૂરીયાતને ધ્યાને રાખીને તેનું આયોજન થાય તો વિકાસ આપો આપ થશે. એમ તેમણે ઉમેર્યુ હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી આલોક પાંડેએ જિલ્લાના વિકાસ ગાથા તથા ખૂટતી કડીઓના આયોજનો ચિતાર રજુ કરીને ’’સૌનો સાથ-સૌનો વિકાસ’’ મંત્રને આત્મસાત કરવા સરપંચોને તથા પદાધિકારીઓને જણાવ્યું હતું.,
આ તકે મંત્રીશ્રીના હસ્તે આંગણવાડી બાળકોને લોક ભાગીદારીથી નાના નાના બાળકોને ફળ અને મીઠાઇનું વિતરણ કરી સમાજના નબળા અને કુપોષિત બાળકોને પૌષટિક આહાર આપવા સૌને જનભાગીદારીના અભિગમ અંગે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન સાવરકુંડલા તાલુકાના પ્રાંત અધિકારીશ્રી એ. જે પટેલે કર્યુ હતું તેમજ તાલુકા વિકાસનો ચિતાર ,ભાવિ અયોજન તથા એન.એસ.સાવલીયાએ કલ્સટરનો વિકાસ તેમજ ખૂટતી કડીઓ પ્રેઝન્ટેશન દ્રારા રજુ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા,ધારાસભ્ય સર્વશ્રી કાળુભાઇ વીરાણી,મનસુખભાઇ ભુવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત માયાણી,કારોબારી ચેરમેન શરદ લાખાણી જિલ્લા તથા તાલુકા પંચાયતના અને નગર પાલિકાના પ્રમુખશ્રીઓ,પદાધિકારીઓ,સરપંચો ઉપસરપંચો અધિકારી,કર્મચારી ગણ ઉપસ્થિત રહયા હતા.
આગામી ૪૮ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમરેલી હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૪૮ કલાક દરમ્યાન સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોય અમરેલી જિલ્લામાં કન્ટીજન્સી એકશન પ્લાન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓએ જિલ્લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવવા તેમજ અધિકારીઓને હેડકવાર્ટરમાં હાજર રહેવા અને તાલુકા કંટ્રોલરૂમમાંથી ફરજ કર્મચારીએ દર બે કલાકે વરસાદના આંકડા જિલ્લા કંટ્રોલરૂમને લખાવવા કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો