૦૦૦૦૦
હાથશાળ, ભરતકામ, વાંસકામ, ઇમીટેશન જવેલરી, લેધરવર્ક સહિત વિવિધ હસ્તકલા કારીગીરીની બેનમુન વસ્તુઓનું પ્રદર્શન સહ વેંચાણ
૦૦૦૦૦
રાજકોટ : ભારતની પરંપરાગત હસ્તકલા અને કારીગીરીએ વિશ્વવિખ્યાત છે. રાજયના અંતરીયાળ ગામોમાં વસતા આવા હસ્ત કલાના કારીગરોની કલાના જતન અને સંવર્ધન સાથે પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા ઇન્ડેક્ષ-સી કાર્યરત છે.
ઇન્ડેક્ષ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ જેનો હેતુ રાજયના અંતરીયાળ વિસ્તારમાં વસતા હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની હસ્તકલાની બેનમુન કૃતિઓનું સર્જન કરતા હસ્ત કલાકારોને તેમની કલાકૃતીઓના નિદર્શન અને વેંચાણ અર્થે સીધુ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનું તેમજ તેમની આવકમાં વધારો કરાવવાનું છે.
હાલની કોવિડ-૧૯ની મહામારીને કારણે રાજયના આવા હસ્તકલાકારોની આજીવિકાને માઠી અસર થયેલ છે. જેને પૂનઃ વેગવાન બનાવવાના ઉદેશથી રાજકોટના રેસકોર્ષ રોડ ગત તા. ૪ જાન્યુઆરીથી તા. ૧૩ જાન્યુઆરી (દિન-૧૦) સુધી ઇન્ડેક્ષ–સી દ્વારા હસ્તકલા પર્વ અને પ્રદર્શન સહ વેંચાણ હાટ યોજવામાં આવેલ છે.
રાજયના ૧૫૦થી વધુ વ્યક્તિગત કારીગરો, સખીમંડળો, સ્વૈચ્છીક સંસ્થાઓ, મંડળીઓ તથા સ્વસહાય જુથના કારીગરો દ્વારા તૈયાર થયેલ ભાતીગળ હાથશાળની, વાંસકામ, પેચવર્ક, લેધરવર્ક, ઇમીટેશન જવેલરી, અકીકની વસ્તુઓ, માટીકામની કલાકૃતીઓ જેવી વિવિધ કલાકૃતિઓના નિદર્શન અને ખરીદી અર્થે આ હસ્તકલા પર્વની મુલાકાત લેવા અને કારીગરોને પ્રોત્સાહિત કરવા રાજકોટની કલાપારખુ જનતાને ઇન્ડેક્ષ-સીના કાર્યવાહક નિયામકશ્રી ડી.એમ.શુકલ અને મેનજેર આર. આર. જાદવ દ્વારા અનુરોધ કરાયો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો