જેતલસરના સોની પરિવાનો માળો વિખાયો
પુત્રની માંદગીના આઘાતમાં પિતાની વિદાય,
ત્રીજા દિવસે પુત્રએ પણ ફાની દુનિયા છોડી
...............
ત્રણ દિવસમાં પિતા-પુત્રના અવસાનથી જેતલસર-પોરબંદર સોની સમાજમાં શોક
..........
(કુલદીપ જોશી દ્વારા)
મૂળ જેતલસર અને હાલ પોરબંદર ખાતે રહેતા સોની પરિવારના પિતા-પુત્રના ત્રણ દિવસના સમયગાળામાં જ અવસાન થતા આ સોની પરિવારનો માળો વિખાઈ ગયાનો સમસ્ત સોની સમાજમાં શોક છવાયો છે.
જેતલસરમાં વર્ષો સુધી પોતાની કર્મ અને વ્યવસાય ભૂમિ બનાવનાર સોની જમનાદાસ મોહનભાઇ ચરાડવા છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર સ્થાયી થયા હતા. જયારે તેમના ભાઈ શાંતિલાલ રાજકોટ સ્થાયી થયા છે. જમનભાઈના 5 સંતાનોમાં મહેન્દ્રભાઈ(પોરબંદર), રેખાબેન(જૂનાગઢ), જ્યોતિબેન(ધોરાજી), લત્તાબેન(રાણાવાવ) અને મયુરભાઈ(પોરબંદર)નો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા મહેન્દ્રભાઇને કોરોનની અસર થઇ જતા તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી.
83 વર્ષની જૈફ વયે પહોંચેલા જમનભાઈને પુત્ર મહેન્દ્ર(ઉ.54)ની બીમારીનો ભારે આઘાત લાગ્યો હતો. હોસ્પિટલમાં દાખલ પુત્ર સાથે તેઓ અવારનવાર મોબાઈલથી વિડીયોકોલથી વાત કરતા હતા.
પુત્રની માંદગીનો આઘાત જાણે પિતા જીરવી શક્યા ના હોય તેમ જમનભાઈ(ઉ.83)નું ગત તા.26.1ના રોજ અવસાન થયું હતું. પિતાની અવસાનનો અણસાર પુત્ર મહેન્દ્રભાઈને આવવા દેવાયો નહોતો, છતાં ઘરના મોભીના અવસાનની વાત છતી ના રહે તેમ, મહેન્દ્રભાઇને પિતાના અવસાનની ખબર પડી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે 29ની સવારે તેમને પણ પિતાના પગલે શ્રીજીના ચરણો તરફ પ્રયાણ કરતા વાણિયા સોની જ્ઞાતિજનો પર વજ્રઘાત થયો છે.
પિતાના આકસ્મિક અવસાનથી બે પુત્રીઓ મધુબેન અને પિયૂબેન તેમજ પુત્ર રાજ પરથી પિતાની છત્રછાયા ઉઠી જતા ચરાડવા પરિવારમાં શોકમાં ગરક બન્યો છે. પરિવારમાં કોણ ? કોને ? છાનું રાખે ? તેવી કરુણાંતિકા આ પરિવારમાં સર્જાઈ છે.
ફોટો અને સમાચાર :
-------------------

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો