વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય કરી પરત ફરતા પડધરીના ચારણ-ગઢવી પરિવારને નડેલો અકસ્માત
રાજકોટ તા.૧૦
ગત રાત્રીના ખંભાળા-ઈશ્વરીયા વચ્ચે એક ટ્રેક્ટર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્ત ૭ લોકોને નાની મોટી ઈજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ જામનગર રોડ પર રેડિયો સ્ટેશન પાસે, બાઘીના પાટિયા પાસે પડધરી રહેતા ચારણ-ગઢવી પરિવારના ૮ સભ્યો ગઈકાલે વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય પતાવી, છકડો રીક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા.
ત્યારે રાત્રીના આઠેક વાગ્યે એક ટ્રેક્ટર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા બાળકો સહિતના ૮ ચારણ-ગઢવી પરિવારના સભ્યોને નાની મોટી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જ્યાં ખીમીબેન ભોળાભાઈ વાલા-ચારણ-ગઢવી (ઉ.વ.૨૨) નું સારવાર દરમિયાન રાત્રીના બારેક વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. જ્યારે નારણ રાયદે વાલા(ઉ.વ.૧૪), મુલું હરદાસ વાલા(ઉ.વ.૧૪), બુદ્ધિબેન ખીમાભાઈ વાલા(ઉ.વ.૮), દેવાભાઈ ભોળાભાઈ વાલા(ઉ.વ.૦૨), દેવીબેન હરદાસભાઈ માલાણી(ઉ.વ.૧૬), ભીખાભાઈ રાયદેભાઈ વાલા(ઉ.વ.૧૫) તથા રાજશીભાઇ ગોવિંદભાઈ વાલા(ઉ.વ.૨૫) એમ તમામને ઈજાઓની સારવાર અપાઈ રહી છે.
પોલીસસુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક મહિલાનું પિયરીયું લીલાખા(તા.ગોંડલ) છે. અને તેણી ઈજાગ્રસ્ત કિશોર ભીખાભાઈના ભાભી થાય છે. તેમજ મૃતક ખીમીબેનને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો છે. જે બંને બાળકોએ અચાનક માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
બનાવથી પડધરી અને લીલાખાના ચારણ-ગઢવી પરિવાર-સમાજમાં શોકનું મોજું ફેલાયું છે. સબંધિત પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો