અનુયાયીઓ

મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા હાઉસીંગ બોર્ડના આવાસ નિર્માણનું ખાતમુહૂર્ત

આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા હાઉસીંગ બોર્ડના આવાસ નિર્માણનું ખાતમુહૂર્ત
વિવેકાનંદ યુવા પરિષદમાં પ્રવચન અને ગણેશ દર્શન

વડોદરા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ (સોમવાર) રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલ મંગળવાર તા.૨૫/૯/૨૦૧૨ના રોજ શહેરમાં વિવિધ
કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
તદ્‍અનુસાર, મુખ્યમંત્રીશ્રી સાંજના સવા પાંચ વાગ્યે તુલસીધામ ચોક,
તરસાલી ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા શહેરી આવાસ નિર્માણ આયોજનનું
ખાતમુહૂર્ત કરશે. તેઓશ્રી સાંજના પોણા છ વાગ્યે નવલખી મેદાન પર વિવેકાનંદ
યુવા પરિષદના કાર્યક્રમમાં યુવક મંડળોને વિવિધ રમતોની કીટસનું વિતરણ કરશે
અને યુવા સમુદાયને પ્રેરક ઉદ્‍બોધન દ્વારા સંદેશ આપશે.
તેઓશ્રી સાંજના સાડા સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી ગણેશોત્સવ
મંડપોમાં શ્રીજીના દર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે વિવેકાનંદ યુવા પરિષદનું આયોજન રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ
મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજીની વિશેષ
ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. યુવા પરિષદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં
જિલ્લા પ્રભારી અને શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કાયદા
રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા, પ્રવાસન રાજ્યમંત્રીશ્રી
જિતેન્દ્રભાઇ સુખડિયા, સંસદીય સચિવશ્રી યોગેશભાઇ પટેલ, વડોદરા મહાનગર
પાલિકાના મેયર ર્ડા. જ્યોતિબેન પંડયા, વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષા
સુધાબેન પરમાર, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ, મહાનુભાવો
અને અગ્રણીઓ ભાગ લેશે.


સાતમા દિવસના ગણેશ વિસર્જનને અનુલક્ષીને આજે નો પાર્કિંગ- નો એન્ટ્રીનો અમલ
વડોદરા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ (સોમવાર) મંગળવાર તા.૨૫/૯/૨૦૧૨ના રોજ શહેરના
વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન સરધસો નીકળવાના અનુસંધાને શહેર પોલીસ
કમિશનરશ્રીએ એક જાહેરનામા દ્વારા નો પાર્કિંગ, નો એન્ટ્રીનો અમલ બપોરના
બાર વાગ્યાથી વિસર્જનના સમાપન સુધી જાહેર કર્યો છે. તદ્‍અનુસાર, આ દિવસે
સુરસાગર તળાવની ચારેબાજુ આવેલા વિસ્તારો, લહેરીપુરા, માંડવીથી ચાર દરવાજા
વચ્ચેના વિસ્તારોમાં "નો પાર્કિંગ ઝોન' રહેશે. વિવિધ વિસ્તારોમાંથી
ઉપરોક્ત વિસ્તારોમાં વાહનોના પ્રવેશ માટે નો એન્ટ્રી- પ્રવેશબંધી અમલી
રહેશે. વાહનચાલકોએ અવર-જવર માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. આ
ઉપરાંત બરોડા ઓટોમોબાઇલથી જેલ રોડ, રાજમહેલ રોડ, દાંડિયાબજાર ચાર રસ્તા,
માર્કેટ ચાર રસ્તા તેમજ આરાધના સિનેમા તરફ થઇને સલાટવાડા, નાગરવાડા ચાર
રસ્તા અને કોઠી ચાર રસ્તાના રોડ પર ફક્ત ટુ વ્હીલર્સને પ્રવેશ મળશે.
વીટકોસની સિટી બસો, ગ્રામ્ય બસો પણ તેમને માટેના વૈકલ્પિક રસ્તાઓ પર
ફરશે.


પંડયા બ્રિજ નીચેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
વડોદરા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ (સોમવાર) શહેરના પંડયા બ્રિજ નીચે પલક શ્રીનાથ
ટ્રાવેલ્સ સામેની ફૂટપાથ પર એક અજાણ્યા પુરુષ કુદરતી બીમારીને કારણે મૃત
હાલતમાં તા.૨૩/૯/૨૦૧૨ના રોજ મળી આવ્યો છે. આશરે ૩૫ વર્ષની ઉંમરના મૃતકે
આખી બાંયનો સફેદ બનિયન તથા ભૂરા રંગનો ટ્રેકશુટ પહેર્યો છે. શરીરે મજબૂત
બાંધાનો રંગે ધઉંવર્ણનો અને પાંચ ફૂટ ચાર ઈંચ ઊંચાઇ ધરાવે છે. જેના જમણા
હાથના બાવળા પર હનુમાનજી તથા ઓમનું છૂંદણું ગોફાવેલું છે. તથા હિન્દીમાં
જીવન અને અંગ્રેજીમાં જે લખેલો છે જેના વાલીવારસોને સયાજીગંજ પોલીસનો
સંપર્ક કરવા જણાવાયું છે.


અકોટાનો અસ્થિર મગજનો તરુણ ગુમ
વડોદરા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ (સોમવાર) ગોત્રી પોલીસ સ્ટેશનની હદના અકોટા
પોલીસ લાઇન સામે માળી મહોલ્લો વડોદરાના સતીશભાઇ રાજપૂતે તેમનો ૧૪ વર્ષનો
દીકરો રોહિત અસ્થિર મગજને કારણે તા.૧૯/૯/૧૨ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના
સુમારે રમતાંરમતાં ગુમ થયો છે. જેની ભાળ મળ્યે ગોત્રી પોલીસ મથકને જાણ
કરવા જણાવાયું છે.


અજાણ્યા પુરુષનું મરણ
વડોદરા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ (સોમવાર) ફતેગંજ પોલીસ મથક વિસ્તારમાં અંદાજે
૪૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું તા. ૫/૦૯/૧૨ના રોજ બીમારીથી મરણ થયું
છે. મૃતકે શરીર પર લાલ રંગનો શર્ટ અને કોફી કલરનો પેન્ટ પહેર્યાં છે.
તેના વાલીવારસોને સત્વરે ફતેગંજ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.


પિતૃતર્પણ રક્ત સમર્પણ શિબિરમાં જીવનરક્ષા માટે ૪૪૪ સેવાભાવીઓએ કર્યું રક્તદાન
વડોદરા.સોમવાર, તા.૨૪/૦૯/૨૦૧૨. રાજ્યના ગૃહ વિભાગના અગ્રસચિવ ડૉ.
એસ.કે.નંદા તેમના સ્વર્ગવાસી શિક્ષણશાસ્ત્રી પિતાજીની પુણ્યતિથીની ઉજવણી
વિવિધ સેવાભાવી સંગઠનોના સહયોગથી રક્તદાન જાગૃતિ કાર્યક્રમ યોજીને કરે
છે. તદાનુસાર, હાલમાં શહેર-જિલ્લાના વિવિધ સ્થળોએ સુરક્તમ બ્લડ-બેંક તેમજ
વિવિધ સંસ્થાઓના સહયોગથી પિતૃતર્પણ રક્ત સમર્પણ અક્તદાન શિબિરો યોજવામાં
આવી હતી. જેમાં જીવનરક્ષાની કર્તવ્યનિષ્ઠા સાથે  ૪૪૪ સેવાભાવીઓએ રક્તદાન
કર્યું હતું. તેના ભાગરૂપે હાલોલ શિબિરમાં ૪૪, ડભોઇમાં ૫૦, એકદંત યુવક
મંડળ, વાઘોડીયા રોડ ખાતે ૫૧, સંગમ-હરણી રોડ ખાતે ૩૬, અભિલાષા- રાજલક્ષ્મી
ખાતે ૫૦, પ્રતાપનગર પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે ૬૨, માંજલપુર- હનુમંત
મંડલની શિબિરમાં ૩૦, હરીનગર ખાતે ૩૦, કબીર કોમ્પ્લેક્ષ ખાતે ૩૬ અને
મકરપુરા યુવક મંડળ શિબિરમાં ૪૫ બોટલ્સ રક્તદાન થયું હતું. ડૉ. નંદા તેમજ
ડૉ. આર.બી. ભેંસાણીયાએ જીવન રક્ષક રક્તદાન માટે જાગૃતિ દાખવનારા શિબિર
યોજકો, રક્તદાતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં છે.


આજનો એપ્રેન્ટીસશીપ ભરતીમેળો મોકૂફ
વડોદરા.સોમવાર, તા.૨૪/૦૯/૨૦૧૨. એપ્રેન્ટીસશીપ અધિનિયમ-૧૯૬૧ ના કાયદા હેઠળ
વડોદરા જિલ્લામાં ઇન્સ્ટ્રક્ટર તાલીમ કેન્દ્ર, આઇટીઆઇ કેમ્પ્સ, તરસાલી,
વડોદરા સ્થળ ખાતે તા. ૨૫/૦૯/૨૦૧૨૧, મંગળવારે, રાખવામાં આવેલ એપ્રેન્ટીસ
ભરતીમેળો અનિવાર્ય સંજોગોના કારણે  મોકૂફ  રાખવામાં આવેલ છે. જેની તમામ
સંબંધિતોને નોંધ લેવા વિભાગીય એપ્રેન્ટીસશીપ સલાહકાર અને નાયબ નિયામક
(તાલીમ), પ્રાદેશિક કચેરી, વડોદરા  દ્વારા જણાવાયું છે.


આણંદ
ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૧૦૮ અને ૧૧૦ હેઠળના કેસો ચલાવવાના
અધિકારો સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને અપાયા જયારે કલમ ૧૦૯ હેઠળના કેસો
ચલાવવાના અધિકારો એકજીકયુટીવ મેજીસ્ટ્રેટને અપાયા
આણંદ - સોમવાર- ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૧૦૮, ૧૦૯ અને ૧૧૦ હેઠળના
કેસો ચલાવવાની કામગીરી અગાઉ જે તે તાલુકાના મામલતદાર અને એકઝીકયુટીવ
મેજીસ્ટ્રેટ દ્રારા કરવામાં આવતી હતી પરંતુ આણંદ જિલ્લામાં બે નવા પ્રાંત
શરૂ થતાં કુલ ચાર પ્રાંત કચેરીઓ કાર્યરત થયેલ છે.
આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ગુનાખોરી શરૂઆતથી ડામી શકાય તે
માટે અટકાયતી પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે. અટકાયતી પગલાની અસરકારકતામાં
વધારો કરવા માટે ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની કલમ ૧૦૮ અને ૧૧૦ હેઠળના
કેસો ચલાવવાની સધળી જવાબદારી હવેથી જે તે વિભાગના પ્રાંત અધિકારી અને સબ
ડિવિઝનલ મેજિસ્ટ્રેટે નિભાવવાની રહેશે. જયારે ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩
ની કલમ ૧૦૯ હેઠળના કેસો ચલાવવાની સધળી જવાબદારી જે તે તાલુકાના મામલતદાર
અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ દ્રારા કરવાની રહેશે.
જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોએ હવેથી કલમ ૧૦૮, ૧૦૯ અને ૧૧૦ હેઠળના કેસો
ઉપર જણાવ્યા મુજબના સત્તાધિકારીને રજૂ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ-આણંદ
દ્રારા હૂકમ કરવામાં આવ્યા છે.
જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને સૂચના
સેન્ટ્રલ સેકટર મેરીટસની સ્કોલરશીપ મેળવવા અંગે
ધો.૧૨માં ૮૦ ટકાથી વધુ માકર્સ મેળવ્યા હોય તો શિષ્યવૃતિ મેળવવા સંપર્ક કરો

આણંદ - સોમવાર - માર્ચ-૨૦૧૨માં લેવાયેલ ધો-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન
પ્રવાહની પરીક્ષામાં જે વિઘાર્થીઓને ૮૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય
તેવા વિઘાર્થીઓને સેન્ટ્રલ સેકટર મેરીટસ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. આ
સ્કોલરશીપ મેળવવા અંગેની જાહેરાત ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર
સમાચારપત્રોમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર, ગાંધીનગર દ્રારા પ્રસિધ્ધ કરવામાં
આવેલ છે. તે મુજબ આ સ્કોલરશીપ મેળવવા અંગેના ફોર્મ જે તે શાળાના આચાર્યો
દ્રારા વહેલી તકે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, આણંદ
ખાતેથી અધિકારપત્ર આપી મેળવી લેવા તથા વિઘાર્થીઓને અને વાલીઓને આ
સ્કોલરશીપ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન શાળા કક્ષાએથી આપવા જિલ્લા
શિક્ષણાધિકારી-આણંદ દ્રારા એક યાદીમાં જણાવાયું છે.


નડિયાદ
કુદરતી આપતિઓ-સજાગતા અને સુરક્ષાના ઉપાયો અંગેનો સેમિનારો યોજાયા
કુદરતી આપતિઓ નિવારી શકાતી નથી પણ સજાગતાથી નુકશાની ઘટાડી શકાય છે -શ્રી
સોમકુમાર શુકલ

નડિયાદઃ તા.૧૪ સપ્‍ટેમ્‍બર (સોમવાર ) ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને
જી.એસ.ડી.એમ.એ. ગાંધીનગર ધ્‍વારા સમગ્ર રાજયમાં કુદરતી આપતીઓ અંગે
લોકજાગૃતિ લાવવાના ભાગરૂપે વિવિધ સમુદાયને આવરી લઇને જનજાગૃતિ સેમીનારો
યોજવામાં આવ્‍યા છે. તદ્દનુસાર ખેડા જિલ્‍લમાં પણ આવા સેમિનારોનું આયોજન
જિલ્‍લા માહિતી કચેરી નડિયાદ, ગુજરાત પ્રેસ અકાદમી અને જી.એસ.ડી.એમ.એના
સહયોગથી યોજવામાં આવ્‍યા હતા.
સેમિનારના વક્તા અને કુદરતી આપતીઓ સમયે વ્‍યાવસ્‍થાપનનો બહોળો અનુભવ
ધરાવતા શ્રી સોમકુમાર શુકલાએ સેમિનારમાં જણાવ્‍યું હતું કે આપતિઓ મોટા
ભાગે બે પ્રકારની હોય છે. માનવ સર્જીત કુદરતી આપતીઓને નિવારી શકાતી નથી.
કારણ કે તે અચાનક આવતી હોય છે. અને મોટા ભાગે જેતે વિસ્‍તારના મોટા
ક્ષેત્રફળને આવરી લેતી હોય છે. તેમજ જાન-માલને ઘણું નુકશાન પહોચાડતી હોય
છે. તદ્દ ઉપરાંત આવી આપતિઓની તાકાત ખુબ મોટી હોય છે. તેની સામે માનવી
લાચાર બની જાય છે.  આવા સમયે જો આપણે અગમ ચેતીથી અને ગભરાયા વગર સુઝબુઝથી
કામ કરીએ તો ઘણી મોટી જાન-માલની નુકશાનને ઘટાડી શકાય છે.
પુર, ભુકંપ અને આગ જેવી કુદરતી હોનારતો કેવી રીતે ઉદભવે છે તેની માનવ
જીવન ઉપર કેવી અસરો થાય છે અને જો આ સમયે અગમચેતી અને સુઝબુઝથી કામગીરી
કરવામાં આવે તો તે સમયે વધુ નુકશાની કેવી રીતે નિવારી શકાય તે અંગે ઝીણવટ
ભર્યું પ્રવચન આપ્‍યું હતું.
જિલ્‍લા ખાતે કિરણ વિધાલય, હાથજ, પલાણા હાઇસ્‍કુલ, જે.એન્‍ઙ.જે કોલેજ
નડિયાદ, શ્રી જે.એચ.સોનાવાલા હાઇસ્‍કુલ મહેમદાવાદ, ત્રાજ હાઇસ્‍કુલ ખાતે
સેમિનાર યોજવામાં આવ્‍યા હતા.
આ સેમિનારમાં સંસ્‍થાના આચાર્યશ્રીઓ, ચેરમેનશ્રી, શિક્ષકશ્રીઓ,
શિક્ષકવૃંદ, પત્રકારશ્રીઓ તથા બહોળી સંખ્‍યામાં વિધાર્થી મિત્રો ઉપસ્‍થિત
રહ્યા હતા.
ખેડા અને કપડવંજ ખાતે કુદરતી આપતિઓ અંગે સજાગતા અને સુરક્ષા અંગેનો
સેમિનારો યોજાયા
આગોતરા આયોજનથી આપતિઓ સામે મહદ અંશે બચાવ કરી શકાય છે

નડિયાદઃ તા.૧૪ સપ્‍ટેમ્‍બર (સોમવાર ) ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને
જી.એસ.ડી.એમ.એ. ગાંધીનગર અને ખેડા જિલ્‍લા માહિતી કચેરી નડિયાદના સહયોગથી
કુદરતી આપતિઓમાં લોક જાગૃતિ લાવવાના ભાગરૂપે જન-જાગૃતિ સેમિનાર
એચ.એન્‍ઙ.ડી. પારેખ હાઇસ્‍કુલ ખેડા, અને કપડવંજ બી.એઙકોલેજ ખાતે યોજવામાં
આવ્‍યો હતો..
ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટના નિષ્‍ણાંત શ્રી સોમકુમાર શુકલએ આ પ્રસંગે
જણાવ્‍યું હતું કે કોઇ પણ આપતિઓ હંમેશા મોટા પ્રમાણમાં જાનમાલને નુકશાન
પહોચાડે છે. તેમાય આ આપતિ કુદરતી હોય જેવી કે આગ, પુર, ભૂકંપ જેવી
આપતિઓનું નુકશાન ભરપાઇ કરી શકાય તેવું હોતું નથી. પરંતુ આગોતરૂ આયોજન
કરવામાં આવ્‍યું હોય તો આવી આપતિઓ સામે મહદુઅંશે બચાવ કરી શકાય છે. અને
મોટી જાનહાની તથા નુકશાન માંથી બચી શકાય છે.
આ પ્રસંગે રાજય સરકારના આ પ્રકારના સેમિનારની પ્રસંશા કરતા બી.એઙ.કોલેજના
આચાર્યશ્રી ડો.પટેલે જાણાવ્‍યું હતું કે આ કોલેજમાં અભ્‍યાસ કરતા
વિધાર્થીઓ ભવિષ્‍યમાં અનેક શૈક્ષણિક સંસ્‍થાઓમાં જોડાવનાર હોવાથી તેઓને આ
સેમિનારથી ખુબજ લાભ થશે. અને તેઓ ધ્‍વારા અનેક વિધાર્થીઓને આ વિષયનું
જ્ઞાન સરળતાથી આપી શકશે. આ પ્રસંગે ખેડા હાઇસ્‍કુલના આચાર્યશ્રી સેવક,
શૈક્ષણિક સંસ્‍થાઓના શિક્ષકવૃંદ અને પ્રોફેસરશ્રીઓ તથા વિશાળ સંખ્‍યામાં
વિધાર્થીઓએ ભાગ લીધો હતો.


ગોધરા
પછાત વર્ગો માટે રાજય સરકારે રૂા. ૧૮૦ કરોડનો વધારો કરીને ચાલું વર્ષે
રૂા. ૫૫૭ કરોડનું બજેટ મંજુર કર્યુ છે. ----મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા
ગોધરા ખાતે રૂા. એક કરોડના ખર્ચે બંધાનાર ડો. આંબેડકર ભવનનો શિલાન્‍યાસ
વિધિ સમારોહ યોજાયો

ગોધરા,સોમવારઃ — પંચમહાલ જિલ્‍લાના ગોધરા ખાતે રૂા. એક કરોડના ખર્ચે
બંધાનાર ડો. આંબેડકર ભવનના શિલાન્‍યાસવિધિ  કર્યા બાદ સામાજિક ન્‍યાય અને
અધિકારિતા મંત્રીશ્રી તથા જિલ્‍લા પ્રભારી મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાએ
જણાવ્‍યું હતુંકે મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકર મહાન અને સમાજ સુધારક
હતા.તેઓ સમજદાર, સવાલદાર, રૂઆબદાર અને જવાબદાર વિદ્વાન નેતા હતા. દેશની
લોકશાહી ખરા અર્થમાં સામાજિક લોકશાહી બને તેવું તેમનુ મંતવ્‍ય હતું.
મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્‍યું હતુંકે રાજય સરકારે દરેક જિલ્‍લા
મથકે ડો.આંબેડકર ભવન બને તે માટેની યોજના અમલમાં મૂકીને નાણાંકીય જોગવાઇ
કરી છે. ગુજરાતના ૧૪ જિલ્‍લાઓમાં ડો. આંબેડકર ભવનો પૂર્ણ કરી દીધા છે.
જયારે ગોધરા-પંચમહાલ, હિંમતનગર-સાબરકાંઠા, નડીયાદ, રાજપીપળા, ભરૂચ, આણંદ,
આહવા ખાતે ડો. આંબેડકર ભવન બાંધવા નાણાંકીય જોગવાઇ કરી વહીવટી મંજુરીઓ
આપી છે. સામાજિક ન્‍યાય  અને અધિકારીતા વિભાગના બજેટમાં ચાલુ વર્ષે રૂા.
૧૮૦ કરોડનો વધારો કરીને રૂા. ૫૫૭ કરોડનું બજેટ ફાળવેલ છે. આવાસ યોજના
માટે રાજય સરકારે ખાસ ઝૂંબેશ હાથ ધરી છે. જિલ્‍લા મથકોએ ડો. આંબેડકર ભવનો
સારા બને તે માટે મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રૂા. ૪૫ લાખની રકમ
વધારીને રૂા. એક કરોડ કરી છે. તેનો ઉલ્‍લેખ કરી મંત્રીશ્રી ફકીરભાઇ
વાઘેલાએ જણાવ્‍યું હતુંકે ભવનના બાંધકામની સાથોસાથ વિદ્યાર્થીઓ માટે
ઉપયોગી એવા પુસ્‍તકોની લાઇબ્રેરીની સુવિદ્યા પણ કાર્યરત કરી છે.
સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના પુસ્‍તકો પછાત વર્ગોના વિદ્યાર્થીઓને મળી રહે તે
માટે આશ્રમશાળાઓ અને નિવાસી શાળાઓને આપવામાં આવ્‍યા છે.
ગોધરા ખાતે બંધાનાર ડો. આંબેડકર ભવન માટે બે હજાર ચો.મી. જમીન દાનમાં
આપનાર ગુજરાત હરિજન સેવક સંધના શ્રી અજીતભાઇ જાદવનું મંત્રીશ્રીના હસ્‍તે
સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવશ્રી સંજય પ્રસાદે
જણાવ્‍યું હતુંકે ડો.આંબેડકર ભવન સારા બને અને તેનો ઉપયોગ તમામ સમાજના
લોકો કરે તેવી આશા વ્‍યકત કરી હતી. તેમણે સામાજિક ન્‍યાય અને અધિકારીતા
વિભાગ દ્વારા પછાત વર્ગો માટેની કલ્‍યાણકારી યોજનાઓની વિસ્‍તૃત માહિતી
આપી હતી.
પંચમહાલ જિલ્‍લાના સંસદ સભ્‍યશ્રી પ્રભાતસિંહ ચૌહાણે દેશના બંધારણના
ઘડવૈયા અને મહાન વિભૂતિ ડો.બાબા સાહેબ આંબેડકરના જીવન મૂલ્‍યો અંગે
વિસ્‍તૃત માહિતી આપી હતી. જિલ્‍લા કલેકટર શ્રીમતી મનીષા ચંન્‍દ્રાએ
સ્‍વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે નગરપાલિકા ગોધરાના પ્રમુખશ્રી
રાજેશભાઇ ચૌહાણ, જિલ્‍લા પંચાયત, સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેનશ્રી
ગુલાબસિંહ રાઠવા, અનુસૂચિત જાતિ કલ્‍યાણ, ગુજરાત રાજયના નિયામકશ્રી
એમ.એ.નરમાવાલા તથા વિશાળ સંખ્‍યામાં ગોધરા શહેરના નગરજનો ઉપસ્‍થિત રહ્યા
હતાં.
પંચમહાલ જિલ્‍લાના વિવિધ વિસ્‍તારોમાંથી આવેલ આગેવાનો અને પદાધિકારીઓએ
મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાનું સન્‍માન કર્યું હતું. જયારે શ્રી રાજેશભાઇ
ચૌહાણે ડો. આંબેડકર અને ગણેશજીની મૂર્તિ મંત્રીશ્રીને અર્પણ કરીને બહુમાન
કર્યું હતું.

ટિપ્પણીઓ નથી: