અનુયાયીઓ

શનિવાર, 31 માર્ચ, 2012


આ વર્ષે ૧૨૦૦૦ નવા નંદઘર બનાવવા બજેટમાં રૂા. ૪૦૦ કરોડની જોગવાઇ કરાઇ છેઃ રાજ્‍યમંત્રી પરબતભાઇ પટેલ
મહિલાઓને પુરૂષ સમોવડી બનાવવા માટે રાજ્‍ય સરકારે સતત પ્રયત્‍નરત છેઃ
સૂરત જિલ્લામાં માતા યશોદા એવોર્ડ, કન્‍યા કેળવણી નિધી અને મહિલા ખેલાડીઓને ૨૭ લાખથી વધુના ચેક અર્પણઃ
જિલ્લા ૧૦૦ આગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ, ૧૫૧ કન્‍યાઓને મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નિધી અને ૭૪ જેટલી મહિલાઓ ખેલાડીઓને એવોર્ડથી નવાજવામાં આવ્‍યાઃ
સૂરતઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્‍યભરમાં એક સાથે યોજાયેલા માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમના ભાગરૂપે સૂરતના ઇનડોર સ્‍ટેડિયમ ખાતે જિલ્લામાં શ્રેષ્‍ઠ કામગીરી કરનારી ૧૦૦ આંગણવાડીની બહેનોને માતા યશોદા એવોર્ડ, ૧૩૩ કન્‍યાઓને કન્‍યા કેળવણી નિધી પુરસ્‍કાર અને રમતગમતમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનારી ૭૪ જેટલી મહિલા ખેલાડીઓને મળી કુલ ૨૭ લાખથી વધુના ચેક રાજ્‍યના પાણી પુરવઠા, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના રાજ્‍યમંત્રીશ્રી પરબતભાઇ પટેલના હસ્‍તે અર્પણ કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે રાજ્‍યમંત્રીશ્રી પટેલે વિશાળ સંખ્‍યમાં ઉપસ્‍થિત જનમેદનીને સંબોધતા જણાવ્‍યું કે, નોધારાના આધાર, ગરીબોના બેલી સમા રાજ્‍ય મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આંગણવાડીની બહેનોને માતા યશોદાની ઉપમા આપી તેમને ચૈત્ર નવરાત્રીના આ શુભ દિને માતા યશોદા એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. રાજ્‍યની મહિલાઓ માટે આ એક યાદગાર દિન બની રહેશે. મુખ્‍યમંત્રીએ ૨૦૦૧ના વર્ષમાં મહિલા શસક્‍તિકરણના ભાગરૂપે મહિલા -બાળ વિકાસ વિભાગની શરૂઆત કરી જેના પરિણામે રાજ્‍યની મહિલાઓની સ્‍થિતિમાં થયેલા પરિવર્તનને આપણે જોઇ શકીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્‍યું કે, રાજ્‍ય સરકારે આંગણવાડીનું મહત્‍વ સમજી આંગણવાડીની બહેનોને વિશેષ સ્‍થાન આપ્‍યું છે. રાજ્‍ય સરકારે  આ વર્ષે ૧૨૦૦૦ જેટલા નવા નંદ ઘર બનાવવાનું આયોજન કર્યું છે. જેના માટે બજેટમાં ૪૦૦ કરોડની જોગવાઇ કરી છે. મહિલાઓને નોકરીઓમાં ૩૦ ટકા અનામતની સાથે વિધાસભામાં ૫૦ ટકા અનામતનો ઠરાવ રાજ્‍ય સરકારે પસાર કર્યો છે. મુખ્‍યમંત્રીએ દેશના ભવિષ્‍ય એવા નાના ભૂલકાઓની ચિંતા કરી તેમને કુપોષણથી બચાવવા બાળભોગ યોજના શરૂ કરી છે.
મહિલાઓને મિલકતમાં ભાગીદાર બનાવા ઉપરાંત મહિલાઓના નામે મિલકત થયા તે માટે આયોજન કર્યા છે. મિલ્‍કતની નોંધણી ફી માંથી મહિલાઓને મુક્‍તી આપવામાં આવી છે. આ ઉપરાંત નારી અદાલતો દ્વારા મહિલાઓને તેમના હક્કો અંગે જાગરૂક કરવામાં આવ્‍યા છે. કુંવરબાઇનું મામેરૂ અંતર્ગત મળતી મદદને ૫૦૦૦થી વધારી ૧૦,૦૦૦ કરી દેવામાં આવી છે. મુખ્‍યમંત્રીએ કન્‍યાઓને ભણાવવા માટે પોતાને મળતી ભેટ સોગાતોની નિલામી કરવાની શરૂઆત કરી. શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી કાર્યક્રમના ભાગરૂપે રાજ્‍યમાં ૧૦૦ ટકા નાંમાકન થયું છે સાથે ડ્રોપ આઉટ રેશિયો ઘટીને ૨ ટકા પર પહોંચી ગયો છે.
આજ રોજ યોજાયેલા કાર્યક્રમની સાથે મુખ્‍યમંત્રીએ જીવંત પ્રસારણ દ્વારા આંગવાડીની બહેનોને માર્ગદર્શન અને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.
આ પ્રસંગે આંગણવાડીની ૧૦૦ બેહેનોને ૧૬,૮૬,૦૦૦ના ચેક, કન્‍યા કેળવણી નિધીમાંથી ધોરણ ૧૦-૧૨માં ઉત્‍કૃષ્‍ઠ દેખાવ કરનારી ૧૫૧ કન્‍યાઓને ૭,૭૦,૦૦૦ના ચેક અને રમતગમત ક્ષેત્ર શ્રેષ્‍ઠ દેખાવ કરનારી ૭૪ મહિલા ખેલાડીઓને ૨ લાખથી વધુના ચેક અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે સાંસદ સર્વશ્રી સી.આર.પાટીલ, દર્શનબેન જરદોશ, ધારાસભ્‍ય શ્રી કિશોર વાંકાવાલા, ડેપ્‍યુટી મેયર શ્રીમતી વર્ષાબેન રાણા, શાસકપક્ષના નેતા શ્રી દયા શંકર સિંઘ, સૂરત મહાનગર પાલિકા કમિશનર શ્રી એમ.કે.દાસ, કલેકટર શ્રી એ.જે.શાહ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી રેમ્‍યા મોહન સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, આંગણવાડીની બહેનો, વિદ્યાર્થિનીઓ સહિત મોટી સંખ્‍યમાં જનમેદનની ઉપસ્‍થિત રહી હતી.

રાજ્‍ય સરકારે રાજ્‍યના સર્વાંગી વિકાસની સાથે અબોલ પશુઓના આરોગ્‍યનું પણ વિશેષ આયોજન કર્યુઁ છેઃ ગણપતભાઇ વસાવા  
વિધાનસભના અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં ચીમીપાતલ ગામે પશુ સારવાર મહાયજ્ઞ યોજાયોઃ
સૂરત જિલ્લાના ૪૦૬ જેટલા પશુઓને વિનામૂલ્‍યે  વિવિધ સારવાર અપાઇઃ
સૂરતઃ- 
વિધાનસભાના અધ્‍યક્ષશ્રી ગણપતભાઇ વસાવએ ચીમીપાતલ ગામ ખાતે યોજાયેલા પશુ સારવાર મહાયજ્ઞમાં જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રાજયના સર્વાંગી વિકાસ માટે અબોલ પશુધનના આરોગ્‍ય વિશે પણ એટલી જ ચિંતા કરી છે. જેનાભાગરૂપે જિલ્લાઓમાં આવા પશુ આરોગ્‍ય મેળાઓનું આયોજન થાય છે. ફળ સ્‍વરૂપે આજે આદિવાસી વિસ્‍તારના ઉંડાણના ગામડામાં ૪૦૬ જેટલા પશુઓની તબીબી તપાસ કરી સારવાર આપવામાં આવી છે. આ અવસરે પશુ સારવાર કેન્‍દ્રને પણ અધ્‍યક્ષશ્રીએ ખૂલ્લુ મૂક્‍યું હતું.
વિધાનસભાના અધ્‍યક્ષશ્રીએ ગણપતભાઇ વસવાએ ઉમરપાડા ખાતે તાજેતરમાં શહીદ થયેલા દિગ્‍વિજયસિંહ વસાવાના નિવાસ સ્‍થાને જઇ તેમના પરિવાર જનોને મળી દિલાસો પાઠવી  મૃતકની આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. 
શિબિરને સંબોધતાશ્રી વસાવાએ વધુમાં જણાવ્‍યું હતું કે, પહેલા ગામડાઓમાં અંધશ્રધ્‍ધાને કારણે કેટલાય પશુધનને  ગુમવવા પડયાં હતાં પરંતુ આજે ખેડૂતોમાં આવેલી જાગૃતિ અને રાજય સરકાર પ્રત્‍યેના વિશ્વાસને કારણે પશુપાલકો પોતાના પશુધનને દુરદુરથી સારવાર અપાવવાં માટે આ શિબિરમા આવ્‍યા છે.
આ શિબિરમાં નિષ્‍ણાંત વેટરનરી દ્વારા વિના મૂલ્‍યે મેડીકલ કેસ- ૧૧૦, જાતીય આરોગ્‍ય-૧૧૪, કુમિનાશક-૧૩૫, શસ્‍ત્રકિયા-૨૫ અને ૨૨ પશુઓને રસી આપવામાં  હતી. આ પ્રસંગે પશુપાલકોને વિવિધ કિટસનું તેમજ સહિત્‍ય વિતરણ કરવામાં આવ્‍યું હતું.
સૂમુલડેરીના ડિરેકટરશ્રી રમણભાઇએ દૂધની ગુણવત્તામાં ઉત્‍પાદકતામાં વધારો થાય તેમજ પશુપાલકોને આ વિષયના નિષ્‍ણાંતો દ્વારા પશુ પાલન અંગે આપવામાં આવેલી સમજ અને માર્ગદર્શનનો રોજીંદા જીવન વ્‍યવહારમાં ઉપયોગ કરીને, આદર્શ પશુપાલન કરવાની હિમાયત કરી હતી.
ર્ડા. ડી.બી. ગોરાણીએ પશુપાલકોને રાજય સરકારની જુદી જુદી કલ્‍યાણલક્ષી યોજનાઓનો લાભ લઇને  પશુપાલન દ્વારા પૂરક આવક મેળવવા અનુરોધ કર્યો હતો.
 આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગંભીરભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સદસ્‍યશ્રી શ્રીમતી મણીબેન વસાવા, માંગરોળના પશુ ચિકિત્‍સા અધિકારી શ્રી ર્ડા. એન.એમ. પટેલ, પશુ ચિકિત્‍સા અધિકારીશ્રી ર્ડા. જે.એમ.જીલેદડા, સુમુલ ડેરીના ર્ડા. અંબાલાલ પટેલ, સરપંચશ્રી  શામસીંગભાઇ વસાવા, દૂધ મંડળીના પ્રમુખશ્રી ગમનભાઇ વસાવા,તેમજ મંત્રીશ્રી કાંતિલાલ વસાવા, ચીમીપાતલ સહિત ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાં હતા.

માં શક્‍તિની આરાધનાની સાથે સાથે ગુજરાત સરકારેરાજ્‍યની મહિલા શક્‍તિને પણ અનોખુ માહાત્‍ય આપ્‍યુ છે- રાજ્‍યમંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલા
આંગણવાડીની મહિલા કર્મયોગીઓને અપાયા માતા યશોદા ઍવોર્ડ, મહિલા ખેલાડીઓને પુરસ્‍કારો તથા કન્‍યા કેળવણી નિધીની લાભાર્થી વિદ્યાર્થીનીઓને પુરસ્‍કૃત કરાઇ :
વલસાડ ખાતે યોજાયુ વિરાટ મહિલા સંમેલન :
(વલસાડ 
રાજ્‍ય સરકાર દ્વારા માનવીય અભિગમ સાથે શરૂ કરાયેલા માતા યશોદાની ભાવનાને ચરિતાર્થ કરતા પહેલ વહેલી માતાના દૂધ માટેની બેંક શરૂ કરી છે તેમ જણાવી રાજ્‍યમંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલાએ વલસાડ ખાતેના મહિલા સંમેલનમાં ખાસ કરીને મહિલા ખેલાડીઓને ખેલદિલીની ભાવનાથી રમાતી રમત સ્‍પર્ધાઓથી સમાજમાં એકતા, અને સંવાદિતા કેળવાય છે તેમ જણાવ્‍યું હતું.
રાજ્‍યની મહિલાઓ, વિદ્યાર્થીનીઓ વગેરે માટે અમલી બનાવાયેલી રાજ્‍ય સરકારની જુદી જુદી કલ્‍યાણલક્ષી યોજનાઓની માહિતી આપી, રાજ્‍ય સરકારના પ્રયાસોમાં સૌને સહયોગ આપવાની અપીલ કરી હતી. શિક્ષણનો મહિમા વર્ણવતા રાજ્‍ય કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી રણજીતભાઇએ ઉપસ્‍થિત માતા, વાલીઓને દિકરીના ઉચ્‍ચ શિક્ષણ માટે હૃદયપૂર્વક અપીલ કરી હતી.
વલસાડના શાંતિનગરના વિશાળ મેદાનમાં યોજાયેલા મહિલા સંમેલનમાં આજે માતા યશોદા ઍવોર્ડ એનાયત થયા હતા. કુલ રૂપિયા ૧૩ લાખ, ૪૪ હજારની કિંમતના ૮૪ ઍવોર્ડ આજે જિલ્લાકક્ષાએ ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરનારી આંગણવાડીની ત્રણ કાર્યકર બહેનો અને ત્રણ તેડાગર બહેનોને અપાયા હતા. તો સાથે સાથે ઘટક કે તાલુકા કક્ષાએ પણ સેવાનો ભેખ ધરનારી ૩૯ આંગણવાડી કાર્યકર અને ૩૯ તેડાગર બહેનોને પણ માતા યશોદા ઍવોર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા. આ ઍવોર્ડ જિલ્લાની અન્‍ય આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનોને પ્રોત્‍સાહન પુરૂ પાડશે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એટલે કે સને ર૦૦૮/૦૯, ર૦૦૯/૧૦ અને સને ર૦૧૦/૧૧નાં વર્ષ દરમિયાનના અપાનારા આ માતા યશોદા ઍવોર્ડ આંગણવાડીના મહિલા કર્મચારીઓમાં ઉત્‍સાહનો નવો સંચાર કરશે તેમ મંત્રીશ્રીએ તેમના ઉદ્‌બોધનમાં જણાવ્‍યું હતું.
આ ઉપરાંત જિલ્લાના શહેરી વિસ્‍તારોમાં, એટલે કે નગરપાલિકા વિસ્‍તારોમાં કામ કરતી બહેનોને પણ અહીં માતા યશોદા ઍવોર્ડ અર્પણ કરાયા હતા. જેમાં જિલ્લાકક્ષાના છ ઍવોર્ડ અને તાલુકા/ઘટક કક્ષાના ૭૮ ઍવોર્ડનો સમાવેશ થયો છે. મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભમાં અગણિત રેકોર્ડસ નોંધાવા પામ્‍યા છે. આ ખેલ મહાકુંભમાં રાજ્‍યના અન્‍ય વિસ્‍તારોની જેમ વલસાડ જિલ્‍લામાંથી પણ મહિલાઓ, કિશોરીઓ અને બાળકીઓએ અદમ્‍ય સાહસ અને પ્રતિભાના આપણને દર્શન કરાવ્‍યા છે. એમ જણાવી મંત્રી શ્રી ગીલીટવાલાએ વલસાડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન આવી જ મહિલા ખેલપ્રતિભાઓને રૂા.ર લાખ, પ૦ હજારની કિંમતના ૪૬ પુરસ્‍કારો પણ એનાયત કર્યા હતા. જુદી જુદી કેટેગરીના ઍવોર્ડ, પુરસ્‍કાર જિલ્લાની અન્‍ય મહિલા ખેલાડીઓને પ્રોત્‍સાહન પુરૂ પાડશે. એમ પણ તેમણે વક્‍તવ્‍ય દરમિયાન જણાવ્‍યું હતું.
આ જિલ્લા કક્ષાના મહિલા સંમેલનમાં જિલ્લાની તેજસ્‍વી વિદ્યાર્થીનીઓને પણ પુરસ્‍કૃત કરવામાં આવી હતી. આપણે બધા જાણીએ જ છીએ તેમ આપણા મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તેમને મળતી ભેટસોગાદોની જાહેર હરાજી કરીને એક રાશિ, ફંડ ઊભુ કર્યું છે. કન્‍યા કેળવણી નિધી તરીકે ઓળખાતા આ ફંડમાંથી આજે જિલ્લાની પ૯ તેજસ્‍વી કન્‍યાઓને પુરસ્‍કૃત કરવામાં આવી છે, એમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. આ પુરસ્‍કારો અન્‍ય વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણારૂપ બાબત બની રહેશે એવો આશાવાદ પણ તેમણે આ વેળા વ્‍યક્‍ત કર્યો હતો.
વલસાડ જિલ્લામાંથી કુપોષણને દેશવટો આપવા માટે આરંભાયેલા પ્રોજેક્‍ટ હમ અંતર્ગત આંગણવાડીના બાળકોને મંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલા તથા મહાનુભાવોના હસ્‍તે પોષણ કીટનું પણ આ વેળા વિતરણ કરાયુ હતું. દરમિયાન ઉમરગામ તાલુકાના મોહનગામની આંગણવાડીના વર્કર સ્‍મિતા ગોહિલે નારીનો મહિમા વર્ણવતું એકપાત્રિય અભિનય રજુ કરી, નારીશક્‍તિનો મહિમા વર્ણવ્‍યો હતો.
વર્તમાન રાજ્‍ય સરકાર દ્વારા મહિલાઓને અનોખી રીતે સન્‍માનિત કરવામાં આવી છે, એમ જણાવી ગુજરાત વિધાનસભાના ઉપદંડક-વ-પારડીના ધારાસભ્‍ય શ્રીમતી ઉષાબેન પટેલે મહિલા સંમેલનમાં જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર દ્વારા મહિલાઓની મહિમા કરતા અલાયદો મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ બનાવીને, મહિલાઓ અને બાળકોના વિકાસની ચિંતા કરી છે, ત્‍યારે ઘર, કુટુંબ, ગામ, રાજ્‍ય અને દેશના તંદુરસ્‍ત વિકાસ માટે મહિલાઓએ ખૂદ જાગૃત થવુ ખુબ જ જરૂરી છે. આંગણવાડીઓની બહેનોને અનોખી ઓળખ અને જવાબદારી તથા સંગઠીત બનાવવાના આશય સાથે રાજ્‍ય સરકારે અનોખો ડ્રેસ આપીને તેમને નવી ઓળખ આપી છે એમ તેમણે આ વેળા જણાવ્‍યું હતું. તંદુરસ્‍ત સમાજ નિર્માણ માટે રાજ્‍ય સરકાર અને જિલ્લા પ્રશાસન જ્‍યારે ચિંતા કરી રહી હોય, ત્‍યારે આપણા ગામના બાળકોમાંથી કુપોષણને દૂર કરવા માટે સૌએ જાગૃત થઇને તેમાં સહયોગ આપવો જોઇએ, તેવો અનુરોધ તેમણે આ વેળા કર્યો હતો. જિલ્લાના કુપોષણથી પીડાતા બાળકોના વાલીઓ, માતાપિતાને જાગૃત કરવા માટે શ્રીમતી પટેલે આ વેળા આંગણવાડીના કર્મયોગીઓને અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉમરગામના ધારાસભ્‍ય શ્રી રમણભાઇ પાટકરે મહિલા શક્‍તિને બિરદાવીને રાજ્‍ય સરકારે સમાજના તમામ નાગરીકોને માતૃશક્‍તિ, નારીશક્‍તિનો અનોખો સંદેશ આપ્‍યો છે ત્‍યારે સમાજના દરેક નાગરીકની ફરજ થઇ પડે છે કે, મહિલાઓ, બાળકીઓ, કિશોરીઓને માન સન્‍માન આપીને દિકરા-દિકરી વચ્‍ચેનો ભેદભાવ દૂર કરવો જોઇએ. તંદુરસ્‍ત સમાજ નિર્માણ માટે રાજ્‍ય સરકાર અને જિલ્લા પ્રશાસન દ્વારા આરંભાયેલા કુપોષણ સામેના જંગ-પ્રોજેક્‍ટ હમમાં માનવીય લાગણીઓ સાથે જોડાવા પણ તેમણે આ વેળા અનુરોધ કર્યો હતો. શ્રી પાટકરે રાજ્‍ય સરકારની જુદી જુદી કલ્‍યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સૌને આ વેળા અપીલ કરી હતી.
કાર્યક્રમ વેળા વલસાડ કલેકટર શ્રી એલ.સી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારથી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડી.બી.વાઘેલા સહિત જિલ્લાના ઉચ્‍ચ વરિષ્‍ઠ અધિકારીઓએ ઉપસ્‍થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. મહિલા સંમેલનમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતોના પદાધિકારીઓ, નગરપાલિકાઓના પદાધિકારીઓ, મહિલા સરપંચો, આંગણવાડીના કાર્યકરો, મહિલા ખેલ પ્રતિભાઓ, કન્‍યા કેળવણી નિધીના લાભાર્થીઓ, પત્રકારો વગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધી વલસાડના પ્રોગ્રામ ઓફિસરે આટોપી હતી. કાર્યક્રમ વેળા રાજ્‍યકક્ષાએથી મુખ્‍યમંત્રીશ્રીની અધ્‍યક્ષતામાં યોજાયેલા રાજ્‍ય સ્‍તરીય મહિલા સંમેલનનું જીવંત પ્રસારણ પણ ઉપસ્‍થિત મંત્રીશ્રી, મહાનુભાવો તથા પ્રેક્ષકોએ માણ્‍યુ હતું.

વાસ્‍મો પાણી યોજના.
ભરૂચ જિલ્લામાં ૩૩ કરોડના ખર્ચે ૨૭૨ પાણી યોજના મંજુર પૈકી ૧૭૭ પૂર્ણ.
વધુ ૨૨ યોજનાઓ રૂા.૨૬૫ લાખની મંજુરી.
ભરૂચઃ 
 ભરૂચ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પીવાનું સ્‍વચ્‍છ પાણી પુરૂ પાડવા સ્‍વજલધારા કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્‍ય પાણી સમિતિઓ ધ્‍વારા રજૂ થયેલ યોજના અન્‍વયે લોકભાગીદારીથી અત્‍યાર સુધીમાં સ્‍વજલધારા સી.એ.ડી.પી. કાર્યક્રમ હેઠળ કુલ ૨૭૨ પાણી પુરવઠા યોજના રૂા.૩૩૧૫ લાખના ખર્ચે જિલ્લા કલેક્‍ટરશ્રી રૂપવંતસિંહે સમિતિ વતી મંજુરી આપી હતી. તે પૈકી ૧૭૭ જેટલી યોજના પૂર્ણ થયેલ છે અને ૯૫ યોજના પ્રગતિમાં છે.
જિલ્લા જળ અને સ્‍વચ્‍છતા સમિતિની જિલ્લા કલેક્‍ટરશ્રી રૂપવંતસિંહે, પ્રાયોજના વહીવટદારશ્રી બી.જી.પ્રજાપતિ, ગ્રામવિકાસ નિયામકશ્રી કોયા, કાર્યપાલક ઇજનેરશ્રી વસાવા, નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્‍યાય સહિત વરિષ્‍ઠ અધિકારીશ્રીઓની ઉપસ્‍થિતિમાં અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, વાગરા, વાલીયા, ઝઘડીયા, તાલુકાની ગ્રામ્‍ય પાણી સમિતિઓ ધ્‍વારા રજુ થયેલ ૨૨ જેટલી યોજનાઓને રૂા.૨૬૫.૭૬ લાખના ખર્ચે સાકાર કરવાની વિચારણાના અંતે મંજુરી આપી હતી. આ યોજના અંતર્ગતે ૧૦ ટકા લોકફાળો ગ્રામ્‍ય પાણી સમિતિના માધ્‍યમથી ભરવામાં આવે તો ૯૦ ટકા અર્ચ સમિતિ વતી મંજુર કરી પાણી પુરવઠા યોજનાને મંજુર કરવામાં આવે છે.

ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યું છે.રોજગારી ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.
યુવક-યુવતિઓ શશક્‍ત હશે તો જ રાજ્‍ય અને દેશ બળવત્તર બનશે.
રાજ્‍યની આર.ટી.ઓ. કચેરીઓને કમ્‍પ્‍યુટરાઇઝ કરી પ્રજાજનોને સરળ અને પારદર્શક સેવા પુરી પાડવા રાજ્‍ય સરકારે પ્રયત્‍નો આદર્યા છે. -: મંત્રીશ્રી વજુભાઇ વાળા
વડદલા ખાતે નવનિર્માણ પામનાર આઇ.ટી.આઇ. અને આર.ટી.ઓ. સંકુલમાં ભૂમિપૂજન કરતા મંત્રીશ્રી વજુભાઇ વાળા 
ભરૂચઃ 
 ભરૂચ જિલ્લાના વડદલા ખાતે રૂા.૪.૩૦ કરોડ ખર્ચે નવનિર્માણ પામનાર ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા અને રૂા.૪ કરોડ ઉપરાંત ખર્ચે બંધાનાર પ્રાદેશિક વાહનવ્‍યવહાર કચેરી ભરૂચના ભૂમિપૂજન કરતાં રાજ્‍યના નાણાં, શ્રમ અને રોજગાર તથા વાહન વ્‍યવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્‍યું હતું કે, ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યું છે. એટલું જ નહી રોજગારી ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે.
આ અવસરે મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યની આર.ટી.ઓ. કચેરીઓને કમ્‍પ્‍યુટરાઇઝ કરી પ્રજાજનોને કેવી રીતે સરળ અને પારદર્શક સેવાઓ તથા વહીવટની સેવાઓ પાડી શકાય તે માટે રાજ્‍ય સરકારે અથાગ પ્રયત્‍નો આદર્યો છે. વધુમાં ઉમેર્યુ હતું કે, સીંગલ વીન્‍ડો સીસ્‍ટમ ધ્‍વારા આર.ટી.ઓ. કામગીરી માટે અરજદાર કાઉન્‍ટર પર ઉભા નહી રહે પરંતુ સીંગલ વીન્‍ડો ઉપર સેવાઓ મેળવશે. આના કારણે પ્રજાજનોની મુશ્‍કેલીમાંદ ઘટાડો થશે. હાલ તમામ સત્તાવીસ આર.ટી.ઓ. એ આર.ટી.ઓ. કચેરીઓમાં સીંગલ વિન્‍ડો ધ્‍વારા લાયસન્‍સ આપવાની પધ્‍ધતિ શરૂ કરાઇ છે. ઉપરાંત આવનાર દિવસોમાં ડ્રાઇવીંગ ટેસ્‍ટ ટ્રેક ઉપર લેવામાં આવે તેવું આયોજન કરાયું છે.
જિલ્લાના ભરૂચ અને અંકલેશ્વરમાં મહત્તમ ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે. યુવાનોએ પોતાની જિંદગીનો વિકાસ કરવાનો રૂડો અવસર છે. ત્‍યારે યુવક-યુવતિઓ કૌશલ્‍ય વર્ધક ટ્રેડો લઇ રોજગારી મેળવવા સલાહ આપતાં મંત્રીશ્રીએ રાજ્‍યના ૩૦૦ કૌશલ્‍ય વર્ધક કેન્‍દ્રોમાં ૫૭ ટકા યુવતિઓ અને ૪૩ યુવકો લાભ લઇ રહ્યા છે. ત્‍યારે સૌ યુવા પેઢીએ તાકાતવાન અને જોશીલા બની વિરત્‍વ દેખાડવા શિખ આપી હતી.
યુવક-યુવતિઓ શશક્‍ત હશે. તો જ રાજ્‍ય અને દેશ બળવત્તર બનશે. જેથી પરિશ્રમ ધ્‍વારા આગળ વધવા ભાર મૂકતાં મંત્રીશ્રીએ ગુજરાતમાં અનેક ઉદ્યોગો આવી રહ્યા છે. ત્‍યારે યુવક-યુવતિઓ આઇ.ટી.આઇ.ના ટ્રેડો લઇ સ્‍વનિર્ભર બનવા જણાવ્‍યું હતું. તેમણે સ્‍વામી વિવેકાનંદની ૧૫૦ મી જયંતી ઉજવી રહ્યા છે. ત્‍યારે યુવાનોએ તેમના સ્‍મરણોને વાગોળી ધ્‍યેય પ્રાપ્ત કરવા અભિલાષા વ્‍યક્‍ત કરી હતી.
રાજ્‍યસભાના સાંસદશ્રી ભારતસિંહ પરમારે છેલ્લા દસ વર્ષમાં રાજ્‍ય સરકારે પ્રગતિના સોપાનો સર ર્ક્‍યા છે. યુવાનોએ ગુજરાતના વિકાસમાં સહભાગી બનવા સંકલ્‍પ લેવા આહવાન ર્ક્‍યુ હતું. રોજગારી ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ત્‍યારે દુેશના યુવાનો ગુજરાત તરફ મીટ માંડી રહ્યા છે.
ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ભરૂચ જિલ્લો આદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. ત્‍યારે ભરૂચમાં આઇ.ટી.આઇ.નું નિર્માણ થવાથી હજ્‍જારો યુવાનોને રોજગારી મળશે.
વાહનવ્‍યવહાર કમિશનરશ્રી જે.પી.ગુપ્તાએ સૌ ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત ર્ક્‍યુ હતું.
આ અવસરે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન સીતાબહેન નાયક, રાજ્‍યસભાના સાંસશ્રી ભારતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, વડદલાના સરપંચશ્રી ઇશ્વરભાઇ
પરમાર, જિલ્લા કલેક્‍ટરશ્રી રૂપવંતસિંહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ આદ્રા અગ્રવાલે અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.      

ભરૂચના જિલ્લાના અગરીયાઓ નોંધે
ભરૂચઃ 
 મીઠાના અગરીયાઓ માટેની મોડીફાઇડ નમક મજદુર આવાસ યોજના ભારત સરકાર અને ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ ધ્‍વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં અગરીયાઓ માટે મહત્તમ રૂા.૧ લાખ મર્યાદામાં ૨૨૦ ચો.ફુટનું એક આવાસ બાંધવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં કેન્‍દ્ર સરકાર રૂા.૪૦,૦૦૦/- અને રાજ્‍ય સરકાર રૂા.૪૦,૦૦૦/- કુલ રૂા.૮૦,૦૦૦/- ની સહાય આપાશે. બાકીના રૂા.૨૦,૦૦૦/- પૈકી રૂા.૫૦૦૦/- લાભાર્થી અગરીયાઓનો ફાળો રહેશે. બાકીની રકમ લાભાર્થી અગરીયાએ પોતાના થકી નાણાકીય સંસ્‍થા પાસેથી લોન મેળવીને અથવા રાજ્‍ય સરકાર અથવા સોલ્‍ટ વર્કસ ધ્‍વારા મેળવવાનો રહે છે. આ યોજનાના લાભાર્થીઓની પસંદગીની કામગીરી કેન્‍દ્ર સરકારની સોલ્‍ટ ઇન્‍સપેકટરની કચેરી કરનાર છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા લાભાર્થી અગરીયાઓની/સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ/સ્‍ટેક હોલ્‍ડર/મીઠાના એકમોએ આવાસ ઇચ્‍છુક લાભાર્થી અગરીયાઓની યાદી કેન્‍દ્રના સોલ્‍ટ કમિશનરને મોકલી આપવાની રહે છે. આ માટે તેઓને કેન્‍દ્ર સરકારની સોલ્‍ટ ઇન્‍સપેકટરની કચેરી અથવા જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, ભરૂચની કચેરીનો સંપર્ક કરવા મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર ભરૂચની એક યાદીમાં જણાવ્‍યું છે.





ટિપ્પણીઓ નથી: