અનુયાયીઓ

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2018

ધ્રોલમાં ટેકાના ભાવે મગફળી થતી ખરીદીમાં રખાતા ભેદભાવ સામે કોંગી આગેવાનો ખફા મામલતદારને મગફળીના સેમ્પલ બતાવી ઉગ્ર રજુઆતો કરી


   
    ધ્રોલમાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદીમાં ભેદભાવની નીતી રખાતી હોવાની ખેડૂતોની ફરિયાદ પરથી ધારાસભ્ય અને કોંગી આગેવાનોએ ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતેનાં ખરીદીનાં સેન્ટર પર જઇ જાત તપાસ કરવા પહોંચી ગયા હતાં. સારી કવોલીટીની રીજેકટ મગફળીનાં સેમ્પલ લઇ મામલતદાર પાસે પહોંચ્યા અને યોગ્ય કરવાની માંગ કરી હતી.
   
ધ્રોલમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળીની ખરીદી ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે થાય છે. આ ખરીદીમાં સારી ગુણવતાની મગફળીને રીજેકટ કરવામાં આવે છે. તેમજ તેનાંથી હલકી ગુણવતાની મગફળીની ખરીદી થાય છે. તેવા આરોપો ખેડૂતો લગાવી રહયા હતાં. આ બાબતે ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયાને ખેડૂતોએ રજુઆતો કરતાં ધારાસભ્ય તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીજુભા જાડેજા, કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત આગેવાન રઘુભાઇ મુંગરા તથા કોંગ્રેસનાં આગેવાનો ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતેનાં મગફળીની ટેકાનાં ભાવે મગફળીનાં સેન્ટરે પહોંચી ગયા હતાં..
    ત્યાં ખેડૂતોની મગફળી રીજેકટ થવાનાં કારણો જાણ્યા હતાં. તેમાં ખેડૂતોની ટેકાનાં ભાવે ખરીદાયેલી મગફળી કરતાં પણ સારી ગુણવતા વાળી મગફળી રીજેકટ થયાનું માલુમ પડયું હતું. આથી ધારાસભ્ય સહીત કોંગી આગેવાનો મામલતદારને રીજેકટ મગફળીનાં સેમ્પલ સાથે રજુઆત કરવા દોડી ગયા હતાં. આ બાબતે મામલતદારને ઉગ્ર રજુઆતો કરી મગફળીની ખરીદીમાં ભેદભાવની નીતિ રખાયાનો આક્ષેપ કર્યો હતો. ખરીદાયેલી મગફળી કરતાં પણ ઉચ્ચ ગુણવતાવાળી રીજેકટ થયેલ મગફળી મામલતદાર સમક્ષ રજુ કરી હતી.

    ધ્રોલ મામલતદાર  જણાવ્યું હતું કે યોગ્ય ગુણવતા વાળી મગફળીની ખરીદી થાય છે. તેમજ ખેડુતોને અન્યાય ન થાય તે બાબતોનું પણ ધ્યાન રખાય છે. ધારાસભ્ય તેમજ આગેવાનોની રજુઆત મુજબ આ બાબતે યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી કોઇ ખેડૂતને અન્યાય ન થાય તેનું ધ્યાન રખાશે.


ટિપ્પણીઓ નથી: