ખજૂરી હડમતીયા ચોકડી પર અણઉકેલ પ્રશ્નો બાબતે ચક્કાજામ કરનાર
સાંકારોળાના સરપંચ સહીત ૧૫ ની અટકાયત
જો કે સંબંધિત માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી ગેરરીતીયુક્ત બનેલા રોડની તપાસ કરવાની અને એક રોડ વહેલો બનાવવાની ખાતરી આપ્યાનું જણાવતા સરપંચ સોજીત્રા....
જેતપુર તા.૨૩ (કશ્યપ જોશી દ્વારા)
"ચાલો યુવાનો મારી સાથે, અધિકારીઓ દોડી આવશે તમારી પાસે !" તેવું સુત્ર તરતું મૂકી ભેસાણ તાલુકાના સાંકરોળા ગામના સરપંચ પ્રવીણ સોજીત્રાએ આજે પોતાના અણઉકેલ પ્રશ્નો બાબતે ખજૂરી હડમતીયા ચોકડી પર સફળ ચક્કાજામ કાર્યક્રમ કરી દીધા બાદ સરપંચ સહીત ૧૫ લોકોની ભેસાણ પોલીસે અટકાયત કરી છોડી મુક્યા હતા.
મળતી વિગતો મુજબ ભેસાણ તાલુકાના સાંકરોળા ગામના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રા દ્વારા ભૂતકાળમાં અનેક વખત રજુઆતો પછી પણ ભેસાણ, જુનાગઢના લાગતા વળગતા માર્ગ અને મકાનખાતાના અધિકારીઓએ મળતી વિગતો મુજબ ખજૂરી હડમતીયાથી સાંકરોળા સુધીના રોડકામમાં વ્યાપક ગેરરીતી બાબતે કોઈ તપાસ કરાવી નહોતી.
તેમજ ખજૂરી હડમતીયાથી હનુમાન ખીજડીયા સુધીનો ૧૦ માસ પહેલા જ બનાવાયેલ સીસી રોડ તૂટી જતા આ રોડ કામમાં વ્યાપક ગેરરીતી છતી થઇ હોવા છતાં તંત્રે રીતસરના આંખ મીચામણા કર્યા હતા. જયારે સાંકરોળા ગામથી જેતપુર વિગેરે તરફ જવા માટે અત્યંત જરૂરી એવો ખજૂરી હડમતીયાથી જેતપુરના દેવકીગાલોળ સુધીનો રસ્તો મંજુર થયેલા રોડની કામગીરી ચાલુ કરવા અંગે અને આ રોડ પર ઉભેલા વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ દુર કરવાની અવારનવાર રજુઆતો ધ્યાને લેવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય, આ ત્રણેય પ્રશ્નો હલ કરાવવાના વિરોધમાં આજે તા.૨૩ ના રોજ સાંકરોળાના સરપંચ પ્રવીણ સોજીત્રા મોટીસંખ્યામાં ત્રણ-ચાર ગામોના આગેવાનો સાથે ખજૂરી હડમતીયા ચોકડી પર સવારના નવેક વાગ્યાની આસપાસ પહોચી જઈ તેઓએ સત્તાધીસોને લેખિત રજુઆતો કરી ઘડેલો ચક્કાજામનો કાર્યક્રમ સુપેરે પાર પાડી તેઓની માંગણીઓ હલ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા.
આ તકે મારતે ઘોડે દોડી આવેલી ભેસાણ તાલુકા પોલીસે સંકારોલાના સરપંચ સહીત ૧૫ આગેવાનોની અટકાયત કરી હતી. જો કે આ પહેલા જુનાગઢ માર્ગ અને મકાન ખાતાના ઈજનેરો ખજૂરી ચોકડી ખાતે દોડી આવી આંદોલનકર્તાઓને સાંભળી ઉપરોક્ત બંને ગેરરીતિઓથી બનેલા રોડની તપાસ કરવા તેમજ મંજુર થયેલ હડમતીયાથી દેવકી સુધીના રોડનું કામ બને તેટલું વહેલું શરુ કરાવવાની ખાતરી આપતા ચક્કાજામ કરનાર આગેવાનોમાં આનંદ સાથે રાહતની લાગણી છવાઈ હતી.
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો