નવી દિલ્હી-દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં પૂરગ્રસ્તોની મદદે ગયેલુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં પાંચ ક્રૂ મેમ્બર સહિત ૨૦ના મોત નિપજ્યાં છે. કેદારનાથથી પરત ફરી રહેલુ આ હેલિકોપ્ટર ગૌરીકુંડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓ માટે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રૃ.પાંચ લાખની સહાય જાહેર કરી છે.
કેદારનાથમાં પૂરમાં મૃત્યુ પામનારાઓની અંતિમક્રિયા માટે જરૃરી સામાન લઈને એરફોર્સનુ એમઆઈ-૧૭ હેલિકોપ્ટર આવી રહ્યુ હતુ જે ગૌરીકુંડ નજીક કોઈ કારણસર ક્રેશ થયુ હતુ. ખરાબ હવામાનને કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયાનુ અનુમાન છે. જ્યારે આ હેલિકોપ્ટર ક્રેશ થયુ ત્યારે તેમાં નવ એનડીઆરએફ અને છ આઈટીબીપી જવાન સહિત ૨૦ લોકો હતા. જાણકારોના મતે આ હેલિકોપ્ટર અત્યંત મજબૂત ગણાય છે, પરંતુ ઉત્તરાખંડની વર્તમાન પરિસ્થિતિ જોતા આ દુર્ઘટના આશ્ચર્યજનક કહી ન શકાય. ચોપર બ્લેડ વરસાદના મુદ્દે ભારે સંવેદનશીલ હોય છે. આવા વરસાદી માહોલમાં હેલિકોપ્ટર ઉડાડવુ એ ભારે જોખમરૃપ કામગીરી હતી, પરંતુ પરિસ્થિતિ જોતા જોખમ છતાં તે નિર્ણય કરવો પડ્યો હતો અને સેના હજુ પણ આવા જોખમો લેતી રહેશે.
એર ચીફ માર્ર્શલ એન. એ. કે. બ્રાઉને જણાવ્યુ કે આ અકસ્માત છતાં એરફોર્સ તેનુ કામ ચાલુ રાખશે. સેનાના હેલિકોપ્ટરો બચાવ કાર્ય સતત ચાલુ જ રાખશે. તેમણે ખાતરીપૂર્વક જણાવ્યુ કે, જ્યાં સુધી ફસાયેલી એક-એક વ્યક્તિને બચાવી ન લેવાય ત્યાં સુધી હેલિકોપ્ટરો ઉડાવવાનુ ચાલુ રાખશે. આ માટે એરફોર્સ રાત-દિવસ બચાવ કાર્ય કરશે.
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન વિજય બહુગુણાએ હેલિકોપ્ટર અકસ્માતમાં મોતને ભેટનારા સુરક્ષા જવાનોના પરિવાર માટે રૃ.૧૦-૧૦ લાખની સહાય જાહેર કરી છે. ઉપરાંત મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અકસ્માતના મૃતકો માટે રૃ.પાંચ લાખની સહાય જાહેર કરી છે. એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યુ કે આ અકસ્માત અંગે તપાસ કરવા કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ કરી દેવાયો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો