ધોળકા શહેરમાં રૂા.58 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું
ખાતમુહુર્ત કરતાં મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
અંદાજે એક લાખ લોકોને યોજનાનો લાભ મળશે
મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રૂા.58 કરોડના ખર્ચે નિર્માણ થનાર ધોળકા શહેરની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહુર્ત તથા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાથી ધોળકા શહેરના અંદાજે એક લાખ નાગરિકોને સ્વસ્થ આરોગ્ય મળવાની સાથોસાથ ખેડૂતોને પણ આર્ગેનીક ખાતર તથા પાણી પ્રાપ્ત થશે અને પાકની ઉપજમાં પણ વધારો થશે. જે ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવશે. મંત્રીશ્રીએ આ પ્રસંગે ધોળકાના લોકોને અને ખાસ કરીને મહિલાઓ યુવા દિકરીઓ, સગર્ભા મહિલાઓને રાજ્ય સરકારની સહાય લઇ શૌચાલયની સુવિધા પ્રાપ્ત કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે યુવકો અને યુવતીઓને તાલીમનું મહત્વ સમજાવતાં વધુમાં જણાવ્યું હતું કે, ''ઉમીદ''ના કાર્યક્રમોની તાલીમ લઇ તથા કૌશલ્યવર્ધન કેન્દ્રોનો ઉપયોગ કરી યુવક-યુવતીઓને શહેરના ઉદ્યોગ ધંધા-રોજગારમાં પદાર્પણ કરવું જોઇએ જેનાથી બેરોજગારીની સમયસ્યાનું મહ્દ અંશે નિરાકરણ આવશે.
મહેસુલ મંત્રીશ્રીને આંગણવાડીઓની જરૂરિયાત પર ખાસ ભાર મુકી જણાવ્યું હતું કે, બાળકો જે આવતીકાલના નાગરીકો છે તેમને સંસ્કાર સહ ભોજન મળે તેવી સરકારની આ યોજનાથી એક તંદુરસ્ત નાગરીકનું નિર્માણ થાય છે જે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં ખૂબ જ જરૂરી છે.
મંત્રીશ્રીએ ઇમ્પેકટ ફી કાયદાનો લાભ લઇ પોતાનું બાંધકામ નિયમીત કરી શહેરના નાગરિકોને નગરપાલિકાના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ રાજ્ય સરકારની જુદી જુદી શહેર વિકાસની યોજનાઓની માહિતી આપી. ધોળકા નગરપાલિકાના વિકાસકામોની વિસ્તૃત જાણકારી આપી હતી. વિકાસના એક પણ કામ બાકી ન રહે તેવો સંકલ્પ દોહરાવતા મંત્રીશ્રીએ નાગરિકોને વિકાસના કામોમાં રાજ્ય સરકારને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઇ દેસાઇએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચીફ ઓફીસર શ્રી અશોકભાઇ પંડયાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વ શ્રી બાબુભાઇ પટેલ, શ્રી લાલજીભાઇ મેર, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલ, અગ્રણી શ્રી કમાભાઇ રાઠોડ સહિત મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
સાયબર કાફેના સંચાલન અંગે જાહેરનામું બહાર પડાયું
સાયબર કાફેમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાનાં રહેશે
આતંકવાદીઓ તેમના કૃત્યોને કોમ્પ્યુટર નેટવર્ક દ્વારા અંજામ આપે છે. સીમી જેવી પ્રતિબંધિત સંસ્થા તથા ભયજનક વ્યકિતઓ સંભવિત હરકતો માટે કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. સાયબર કાફે ચલાવવા માટેનું લાયસન્સ કલેકટર કચેરી દ્વારા આપવામાં આવે છે તેથી સાયબર કાફેમાં નિયમોનું પાલન કરવામાં આવે, રાષ્ટ્રીય સુરક્ષા માટે આતંકવાદીઓ તથા તેને લગતી માહિતી કે હેરફેર માટેની પોલીસ તંત્રને માહિતી મળી શકે તે માટે પોલીસ કમિશનરશ્રી, અમદાવાદની હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સાયબર કાફે પર નિયંત્રણો જરૂરી હોઇ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં સાયબર કાફેમાં આવતાં દરેક વ્યકિતની રજિસ્ટરમાં હસ્તાક્ષર, પુરૂષનું ડાબા હાથનું અંગુઠાનું અનેસ્ત્રીનું જમણા હાથનું નિશાન લેવાં, તેમની ઓળખ, ફોન નંબર, મોબાઇલ નંબર, સરનામુ, પરીચીતનું નામ, સરનામું સાયબર કાફેના રજિસ્ટરમાં નોંધવામાં આવે તે જરૂરી છે.
આ સિવાય સાયબર કાફેમાં આવતા દરેક વ્યકિતની ઓળખકાર્ડની નકલ સાયબર કાફેના દફતરમાં રાખવાની રહેશે. જેને લાયસન્સ આપ્યું છે તેના સિવાય અન્ય કોઇ સાયબર કાફેનું સંચાલન કરી શકશે નહીં. સાયબર કાફેની શાખા અન્ય સ્થળે હોય તો તેના મેનેજર/સંચાલકનું નામ, સરનામું, સંપર્ક નંબરની લેખિત માહિતી નિયત પત્રક-અ માં સંબંધિત પોલીસ સ્ટેશન, સંબંધિત સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા એકિઝક્યુટીવ મેજિસ્ટ્રેટને ફરજિયાત આપવાની રહેશે.
આ સિવાય સાયબર કાફેમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવાના રહેશે. સાયબર કાફેમાં અધિકૃત અધિકારી તપાસણી કરવા આવે તો તેને તપાસ કરવા દેવાની રહેશે.
આ જાહેરનામું તા.30-5-2013 સુધી અમલમાં રહેશે તેનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર ઠરશે. તેવું જાહેરનામું શ્રી કે.કે.દુધાત, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બેટી વધાવો અભિયાન અંતર્ગત સ્ત્રી જન્મદર ઓછો ધરાવતા સરપંચોનું સંમેલન યોજ્યું
ગર્ભપરીક્ષણની ગૃપ્ત માહિતી તંત્રને આપવા માટે સરપંચશ્રીઓને સન્માનીત અને પ્રોત્સાહીત કરાશે-કલેકટરશ્રી એચ.એન.ઠક્કર
સેકસ રેશિયો સૌથી વધું હોય તેવા ગામોના સરપંચોને સન્માનીત કરાશે -કલેકટરશ્રી એચ.એન.ઠક્કર
બેટી વધાવો અભિયાન અંતર્ગત સરપંચશ્રીઓ,અધિકારીશ્રીઓ ,પદાધિકારીશ્રીઓએ પ્રતિજ્ઞા લીધી
મહેસાણા જિલ્લા આરોગ્યતંત્ર તેમજ યંગસીટીઝન ગુર્પના સહયોગથી બેટી વધાવો અભિયાન અંતર્ગત જિલ્લાના નવ તાલુકાઓમાં સૌથી ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા જિલ્લાના ૮૦ સરપંચશ્રીઓનું સંમેલન યોજી તેમને માર્ગદર્શીત કર્યા હતા. મહેસાણા જિલ્લામાં ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે સેક્સ રેશીયો માત્ર ૯૨૫ આવ્યો છે.સતત ઘટતા જતા સ્ત્રી જન્મદર એ સામાજિક સમસ્યા છે. આ સમસ્યા માત્ર કાયદાઓ બનાવવાથીજ નહી પરંતું સામાજિક જાગૃતિથી નિરાકણ આવી શકે છે તે હતુથી સરપંચ સંમેલન યોજાવામાં આવ્યું હતું
મહેસાણા જિલ્લામાં વર્ષ ૨૦૧૧-૧૨માં ૪૬,૮૩૩ સર્ગભાઓ સ્ત્રીઓની નોંધણી કરવામાં આવી હતી.જેમાંથી૪૦૪૪૩ સ્ત્રીઓની પ્રસુતિ નોંધણી થઇ છે,બાકીની ૬૩૯૦ સ્ત્રીઓનો તફાવત આવેલછે.તેવીજ રીતે ૨૦૧૨-૧૩ માં ૪૬૭૫૭ સર્ગભા સ્ત્રીઓની નોંધણી કરવામાં આવી હતી.જેમાંથી ૩૮,૭૪૯ સ્ત્રીઓની પ્રસુતિની નોંધણી થઇ છે.જેમાં ૮૦૦૮ સ્ત્રીઓનો તફાવત આવેલો છે.આ તફાવસ સીધી રીતે ઓછા સ્ત્રીજન્મદરનું કારણ બન્યો છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બેટી વધાવો
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.એન.ઠક્કરે જણાવ્યું હતું કે માત્ર કાયદાથી સામાજિક જાગૃતા આવી શકે તેમ નથી આ માટે સમાજિક જન અભિયાન ચલાવવાની જરૂર છે.. જિલ્લામાં ભૃણહત્યા ,ગર્ભપરીક્ષણ કરાવતા દાક્તરો સમાજ સામે કાળી ટીલી સમાન છે.આવા ડોક્ટરો સામે સ્ટીંગ ઓપરેશન કરવા તંત્ર તમામ પ્રકારનો સહયોગ આપશે તેમ જણાવ્યુંહતું
.આ ઉપરાંત ગામડાઓમાં પણ આ પ્રકારના દાકતરોના વચેયટીયાઓ છે આ વચેટીયાઓને ઓળખીને તેમની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.આ ઉપરાંત ગામમાં આશા કાર્યકર બહેનો પણ સરપંચશ્રીઓને તમામ માહિતી આપશે તે પ્રકારનો પરિપત્ર કરવામાં આવશે તેમ જણાવ્યુંહતું.તેમને વધુમાં જણાવ્યું હતું કે દિકરીનો જન્મ થાય ત્યારે જેલબી નહી પણ પેંડા વેચીએ.તંત્ર દ્વારાપણ બેટી જન્મે તેમના માતા પિતાને પ્રશંસનીય પત્ર આપવામાં આવે છે.તેમજ આર્થિક રીતે પણ મદદ થાય તે માટેની વિચારણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ્ં.
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વિષ્ણુંભાઇ પટેલે સુંદર રીતે બેટી બચાવો અભિયાનઅંતર્ગત સરપંચશ્રીઓને માર્ગદર્શન આપ્યુહતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મીબેન ઠાકોર,જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી ભગવાનભાઇ ચૌધરી, યંગસીટીઝનના આયશાબેન પટેલ,યંગસીટીઝનના અમરભાઇ વ્યાસે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ સંમેલનમાં સરપચંશ્રીઓ,તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ ,પદાધિકારીશ્રીઓ,હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યોહતો.
જાતિય ગર્ભપરીક્ષણ અધિનિયમ ૧૯૯૪ ની સમજ
ગર્ભધારણ પછી અને જન્મ પહેલાં જાતિય પરિક્ષણના પ્રતિબંધ અધિનિયમ ૧૯૯૪ અને તે પછી થયેલા સુધારો કરવામાં આવ્યા છે.કલમ-૫ અન્વયે સ્ત્રીની લેખિત સમંતિ સિવાય સોનાગ્રાફી કરાવી શકાય નહી.
કલમ ૦૬ મુજબ કોઇ પણ કેન્દ્ર અલટ્રાસોનોગ્રાફી સાહિત્યનું ગર્ભમાંની જાતિ જાણવા માટે હાથ ધરી શકશે નહી.કલમ ૧૭ અન્વયે આ અધિનિયમના અમલીકરણ માટે સત્તા અધિકારી તથા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે.આ અધિનિયમના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા અધિકૃત અધિકારીશ્રીનેઆપવામાં આવી છે.
કલમ ૧૯ અન્વયે નોંધણીનું પ્રમાણપત્ર સ્થળે દેખાઇ એવા ભાગમાં મુકવાનું રહેશે.કલમ ૨૨ મુજબ જાતિ પરીક્ષણ કરાવવા અન્વયે ત્રણ વર્ષ સુધીની કેદનીસજાઅને રૂપિયા ૧૦ હજાર સુધીનો દંડ થઇ શકે છે.તે પછી કોઇ ગુનેગાર ઠરે તો પાંચ વર્ષ સુધીની કેદ અને ૫૦ હજાર સુધીનો દંડ થઇ શકે છે.અદાલત દ્વારાતહોમતનામું ફરમાયેલ હોયતો કાઉન્સિલના રજિસ્ટરમાંથી તેનું નામ દુર કરવામાંઆવેછે.
કલમ ૨૪ મુજબ ગર્ભવતી સ્ત્રીને કોઇ પણ વ્યક્તિ જાતિ પરીક્ષણ કરવા માટે દબાણ કરેતો મદદગારી માટે પણ સજાને પાત્ર ગણાશે.કલમ ૨૭ મુજબ દરેક ગુનો પોલીસ અધિકારનો,બિનજામીનપાત્ર અને બિનસમાધાની હોય છે.કલમ ૨૯ અન્વયે તમામ રેકોર્ડસ,ફોર્મસ,રીપોર્ટસ,સમંતિપત્રો અન તમામ દસ્તાવજો નિર્દિષ્ટ કરાયા મુજબના સમયગાળા માટેજાળવવાનો હોય છે.
પાટણ યુનિવર્સિટી ખાતે રંગભવનમાં તા. ૦૮/૦૫/૧૩ના રોજ
રક્ષા શક્તિ યુનિવર્સિટી આયોજીત સેમિનાર "સુરક્ષા ક્ષેત્રમાં કારકિર્દીનું નિર્માણ"
ગુજરાત સરકાર દ્વારા સમાજમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, શાંતિ અને સુસંવાદિતતા સુનિશ્ચિત કરવા માટે સક્ષમ તાલીમબધ્ધ વ્યવસાયિક માનવ શક્તિ પુરી પાડવા માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે. આ યુનિવર્સિટીના હેતુ, ઉદે્શો અને અભ્યાસક્રમ, પ્રવેશ પ્રક્રિયાની માહિતી માટે યુનિવર્સિટી દ્વારા "સુરક્ષા ક્ષેત્રમાં કારકિર્દીનું નિર્માણ" સેમિનારનું આયોજન તા. ૦૮/૦૫/૨૦૧૩, બુધવારના સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક, રંગભવન, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ મુકામે કરેલ છે. આ સેમિનારમાં ધોરણ-૧૨ તથા ગ્રેજયુએટ/સ્નાતક વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેમજ નાગરિકોને ઉપસ્થિત રહેવા રક્ષા શક્તિ યુનિવર્સિટીના જિલ્લા કોર્ડિનેટરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ યોજનાથી કોટના કનકસિંહ ઠાકોરને જીવનનું નવું આશાનું કિરણ દેખાયું
સિધ્ધપુર તાલુકાના કોટ ગામે ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા અમરતબેન અને ગુલાબસિંહ ઠાકોરનો પરિવાર કિલ્લોલ કરતો હતો. તેમના ઘરમાં કનકસિંહ નામનું નાનકડા ફુલનું આગમન થયું. આ ખીલતા ફુલ પર કુદરત રૂઠી. બે વર્ષની ઉંમરે નાનકડા કનકસિંહને સતત તાવ આવવા માંડયો. પ્રાઇવેટ દવાખાનાઓમાં સારવાર અપાવવા છતાં તાવ ઉતરતો નહોતો. તપાસ કરતાં માલુમ પડયું કે નાનકડા દીકરાને લોહીનું કેન્સર છે. તેને વારંવાર લોહી ચડાવવું પડતું હતું. નહીંવત આવક સામે સારવારનો ખર્ચ ઘણો વધી ગયો. અને પરિવાર હતાશ થઇ ગયો.
કોટ ગામની આંગણવાડી બેન દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમમાં કનકસિંહની આરોગ્ય તપાસ કરવામાં આવી. કનકસિંહના માતા-પિતાને જાણ કરી કે આ બાળકની સારવાર વિનામુલ્યે સરકાર કરશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ભલામણથી કનકસિંહની સારવાર અમદાવાદની એમ.પી.શાહ કેન્સર હોસ્પીટલ ખાતે ચાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી. આ સારવારથી આર્થીક રીતે પરિવારને ઘણી જ રાહત થઇ.
કનકસિંહના પિતા ગુલાબસિંહે કહયું કે, પૈસાના અભાવે મારા દીકરાની સારવાર કરાવી શકત નહીં. મારું ફુલ કયારનુંય કરમાઇ ગયું હોત. મારા પુત્રની સારવાર ચાલુ છે. ઘણી વખત લોહી બદલવું પડે છે. તેની તબિયત સુધારા પર છે. હાલમાં અમારા બાળક માટે જીવનદાનનું નવું આશાનું કિરણ દેખાય છે. હાલમાં ધોરણ-૩માં અભ્યાસ કરે છે.
કનકસિંહને મળેલ જીવતદાન એ શાળા આરોગ્ય કાર્યક્રમને આભારી છે. ગંભીર રોગવાળા બાળકોની સારવારમાં ભુતપૂર્વ આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસનો પણ સારો સહયોગ મળ્યો છે.આવા ગંભીર રોગથી પીડાતા બાળકોની મેડીકલ તપાસ કરાવી બાળકોને રોગમુકત બનાવીએ.
જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ગણોત હકકે જમીન મેળવનાર ખેડુતોને જમીનની ખરીદ કિંમત ભરપાઇ કરવા માટે તાલુકે તાલુકે ખાસ ઝુંબેશ તા. ૭મી મેથી શરૂ કરાશે.
ગાંઘીનગર જિલ્લાના જે ખેડૂત ખાતેદારોને ગણોત હક્કે જમીન મળી હોય અને ખરીદ કિંમત ભરપાઇ કરવાની બાકી હોય તેવા ખેડૂત ખાતેદારો માટે જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ખરીદ કિંમત સ્વીકારવાની ઝુંબેશ જિલ્લાના વિવિઘ તાલુકાઓમાં તા. ૭ થી ૧૦મી મે, ૨૦૧૩ દરમ્યાન યોજાનાર છે. આ ઝુંબેશમાં આવા ખેડૂત ખાતેદારો પોતાની ખરીદ કિંમત ભરી શકશે.
જે કોઇ ખેડૂત ખાતેદારોને ગણોત હકકે જમીન મળી હોય અને તેઓની ખરીદ કિંમત આજદિન સુઘી ભરપાઇ કરવામાં આવી નથી, તેવા ખેડૂત ખાતેદારો માટે રાજય સરકાર શ્રી દ્વારા તા. ૩૧/ ૦૮ /૨૦૧૩ સુઘીમાં ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદત વઘારવામાં આવી છે. ગાંઘીનગર જિલ્લામાં ગણોત હકકે જમીન મળી હોય તેવા ખેડૂતોને આવી રકમ ભરપાઇ કરવા જિલ્લા કલેકટર શ્રી બી.જે.ભટ્ટના માર્ગદર્શન હેઠળ તાલુકે તાલુકે આવી રકમ ભરપાઇ કરવાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. જેમાં તા. ૭ મી મે- ૨૦૧૩ના રોજ કલોલ તાલુકામાં, તા. ૮મી મે- ૨૦૧૩ના રોજ ગાંઘીનગર તાલુકામાં, તા. ૯મી મે- ૨૦૧૩ના રોજ દહેગામ તાલુકામાં અને તા. ૧૦મી મે- ૨૦૧૩ના રોજ માણસા તાલુકામાં ગણોત હકકે જમીન મેળવનાર ખેડૂતો પોતાની રકમની ભરપાઇ કરી શકશે, તેવું જમીન સુઘારણા નાયબ કલેકટર શ્રી ગુણંવતસિંહ સોંલકીએ જણાવ્યું છે.
વઘુમાં નાયબ કલેકટરશ્રીએ જણાવ્યું છે કે, ખરીદ કિંમત ભરપાઇ કરવાની બાકી હોય તેવા ખેડૂત ખાતેદારોની યાદી દરેક તલાટી કમ મંત્રીશ્રી તેમજ મામલતદાર અને કૃષિપંચશ્રીની કચેરીએથી જોઇ શકશે. જે ખેડૂત ખાતેદારોની ખરીદ કિંમત તા. ૩૧/૦૮/૨૦૧૩ સુઘીમાં ભરપાઇ નહીં થાય, તેવા કિસ્સામાં જમીન સરકારશ્રી હસ્તક લેવાની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લામાં ગણોત હકકે જમીન મેળવનાર ખેડૂત ખાતેદારોને નિયત સમયમાં જમીનની ખરીદ કિંમત ભરવાની બાકી હોય તો સત્વરે આ ઝુંબેશમાં ભરી દેવા પણ જમીન સુઘારણા નાયબ કલેકટરશ્રીએ જણાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો