અનુયાયીઓ

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

જાણો, નવરાત્રિમાં મા અંબેના સ્થાપન-પૂજાવિધિની વિવિધ રીતો

જાણો, નવરાત્રિમાં મા અંબેના સ્થાપન-પૂજાવિધિની વિવિધ રીતો

ધર્મશાસ્ત્રોમાં નવરાત્રિ પર્વની પૂજાના અનેક પ્રકારો દર્શાવ્યા છે. જેમાં અભિગમન, ઉપાદાન, યોગ, સ્વાઘ્યાય અને યજ્ઞ રૂપી પાંચ પ્રકાર મુખ્ય છે. પૂજા સ્થાનને પવિત્ર , સ્વચ્છ કરવાં વગેરે અભિગમન પૂજાની શ્રેણીમાં આવે છે. જુદી જુદી પૂજા વિધિ(ગંધ, ધૂપ, દીપ, નૈવેધ વગેરે) ઉપાદાન પૂજામાં આવે છે. પોતાનાં ઈષ્ટ (દેવી-દેવતા)ની આત્માસ્વરૂપે પૂજા કરવી યોગ કહેવાય છે. દેવી-દેવતાનાં સૂક્ત, સ્ત્રોત, ગુણ, નામ, લીલા વગેરેનો પાઠ કરવો તે સ્વાઘ્યાય પૂજા કહેવાય છે. અષ્ટમીના રોજ માતાજીનો યજ્ઞ કરીને આહુતિ આપવી તેને યજ્ઞપૂજા કહે છે. દેવીપૂજામાં પૂજા સામગ્રીથી દેવીપૂજાની ઉપાસના કેવી રીતે કરીએ આ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. આમ તો દેવીપૂજાના ૬૪, ૧૬, ૧૦ અને પાંચ ઉપચારોથી પૂજા કરવાની પદ્ધતિઓ જોવા મળે છે. તેની સાથે રાજોપચાર પૂજાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. અહીં આપણે માત્ર પંચોપચાર પૂજા જે ઓછા સમયમાં વધુમાં વધુ ફળદાયી છે તેની ચર્ચા કરીશું. પંચોપચારમાં ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધનું વધુ મહત્ત્વ છે. પૂજાવિધિની શરૂઆત કરતા પહેલાં જળથી સંપૂર્ણ શરીરની શુદ્ધિ કરી લો, પૂજા સામગ્રીને એક તાસકમાં એકત્રિત કરીને પોતાની સામે મૂકો. એક પાટ કે બાજઠ ઉપર માતાજીની તસવીર, મૂર્તિ અથવા યંત્ર ઉપલબ્ધ હોય તેની સ્થાપના કરો.

ઘટ (કળશ) સ્થાપન:

એકમના રોજ શુભ મુહૂર્તમાં શુદ્ધતા અને પવિત્રતાપૂર્વક માતાજીની સામે પાટ ઉપર ઘટ(કળશ)ની સ્થાપના કરો. એક તાંબાના પાત્રમાં જળ ભરીને તેમાં નાગરવેલનાં પાંચ લીલાં પાન મૂકો અને તેની ઉપર શ્રીફળ મૂકી દો. આને ધાન્ય(ઘઉ) ઉપર મૂકી તેની ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવૈધથી પૂજા કરો. આને કળશ સ્થાપના કહેવામાં આવે છે. શક્તિપૂજામાં કળશ સ્થાપનાનું ખૂબ જ મહત્ત્વ છે. કળશને લક્ષ્ય કહેવામાં આવે છે. કળશ પવિત્રતા અને સમૃદ્ધિનું સૂચક છે.

જવારા રોપણ:

માતાજીના ભક્તો એકમના દિવસે પરિવારની સુખસમૃદ્ધિ માટે જવારાઓનું રોપણ કરે છે. માટીના એક મોટા કોડિયામાં કાળી માટી નાખીને ઘઉ કે જવને વેરી દો અને તેને માતાજી સમક્ષ મૂકી દો. ત્યારબાદ જળ છાટીને તેની પંચોપચારથી પૂજા કરો તથા રોજ નવે-નવ દિવસ સુધી તેની ઉપર પાણી છાંટો. જવારાઓ કે જવ માંગલિક અને વર્ધનશીલ હોય છે. જે લીલોતરી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

અંખડદીપ સાધના :

માતાજીની પ્રસન્નતા માટે નવરાત્રિમાં અંખડદીપ સાધનાનું ખૂબ જ મહત્ત્વ છે. દીવાને માતાજીની આગળ શુદ્ધ ઘી અથવા તેલના મોટા દીવડામાં રૂની મોટી વાટ બનાવીને સુરક્ષિત સ્થાને મૂકી દો. પછી તેનું પંચોપચાર પૂજન કરો. અખંડદીપ સાધના, ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડતાનું પ્રતીક છે.

દેવી પૂજા :

માતાજીની મૂર્તિ અથવા તસવીરને શુદ્ધ જળથી સ્નાન કરાવી ચોખ્ખા કપડાથી સાફ કરી લો. ત્યારબાદ ચોકીની વચ્ચે ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરો. પૂજા એવી રીતે કરવી કે સાક્ષાત્ માતાજી તમારી સન્મુખ બિરાજેલા હોય અને તમે માતાજીની ઉપાસના કરી રહ્યા હો. અનામિકા આંગળીથી માના મસ્તક, હૃદય, ભુજાઓ(હાથો) અને પગોમાં ગંઘ લગાવો. પછી માતાજીને લાલ ફૂલ સમર્પિત કરો. અગરબત્તી અથવા ગૂગળનો ધૂપ આપો. દીવો સળગાવી પૂજા કરો અને નૈવેધ સમર્પણ કરી પૂજાવિધિ સમર્પિત કરો. આ થઈ પંચોપચાર દેવીપૂજા.

કુળદેવી પૂજન :

પોતપોતાની કુળ પરંપરા પ્રમાણે દુર્ગાષ્ટમી અથવા નોમના રોજ કુળદેવી પૂજાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. જો આપણે નવરાત્રિના નવે-નવ દિવસ સુધી માતાજીની પૂજા, ઉપાસના ન કરી શકીએ તો આઠમ અથવા તો નોમના રોજ સમગ્ર પરિવાર સાથે મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને ભૈરવીપૂજનની સાથે બટુક અને કુમારી પૂજન કરી કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

કુમારી પૂજન :

નવરાત્રિમાં કુમારિકાઓની પૂજાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. જો એકમથી લઈ નોમ સુધી બે થી દસ વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવામાં આવે તો અતિ ઉત્તમ માનવામાં આવે છે. જો શકય હોય તો નોમના રોજ એકીસાથે નવદુર્ગા સ્વરૂપ કુમારી પૂજાથી ઐશ્વર્ય, ભોગ અને મોક્ષ ચારેય પુરુષાર્થ, શ્રી અને સંપદાની પ્રાપ્તિ થાય છે.

દેવી સ્તવન :

એકમથી નોમ સુધી દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકાય છે. આ દુર્ગાપૂજાનો એક મહત્ત્વનો ભાગ માનવામાં આવ્યો છે. દુર્ગાસપ્તશતીમાં ૧૩ અઘ્યાય છે જે ત્રણ ભાગોમાં વહેંચવામાં આવેલ છે. પહેલા, બીજા ને ત્રીજામાં ચરિતને એકમ, બીજ અને ત્રીજના રોજ પઠન કરી શકો છો અથવા નવ દિવસ સુધી પણ તેનું પારાયણ કરી શકાય છે. જો શક્ય ન બને તો નવાર્ણ મંત્ર ‘ઓમ એં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ’ આ મંત્રનો રોજેરોજ પાઠ કરવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જો તે પણ શક્ય ન હોય તો ‘ઓમ દું દુર્ગાયૈ નમ:’ આ મહામંત્રનો જાપ કરવાથી પણ માતાજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

ટિપ્પણીઓ નથી: