૨૭ સપ્ટેમ્બરથી દેશમાં એસએમએસની દુનિયા સંપૂર્ણ બદલાઈ જશે. પ્રમોશનલ એસએમએસથી પરેશાન થતા મોબાઈલધારકોનાં હિતમાં ટ્રાઈએ ડુ નોટ કોલના નિયમોને વધુ આકરા બનાવ્યા છે. ડુ નોટ ડિસ્ટર્બ (ડીએનડી) સુવિધા હવે નેશનલ કસ્ટમર કોલ પ્રેફસન્સ રજિસ્ટ્રી (એનસીસીપીઆર)ના નામથી ઓળખાશે. જાહેરખબરોના ભાગરૂપે મોકલાતા એસએમએસની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે. નાણામંત્રી પ્રણવ મુખરજીએ પણ જણાવ્યું હતું કે આવા એસએમએસ તેમને પણ પરેશાન કરી રહ્યા છે. નવા નિયમોને કારણે એવા યુવાનોને જોકે પરેશાની ઊભી થઈ શકે છે જેઓ કોલ કરવાના બદલે સસ્તા એસએમએસ પેકથી પોતાનું કામ પતાવી દે છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન સંખ્યાબંધ મેસેજ દ્વારા જ શુભેચ્છાઓ મોકલતા લોકોને પણ નવા નિયમોથી પરેશાની થઈ શકે છે.
નવા નિયમ : ગ્રાહકો માટે
૧. જો આપ ‘ડુ નોટ ડિસ્ટર્બ લિસ્ટ’ (ડીએનડી)માં રજિસ્ટર્ડ છો તો આપને પ્રમોશનલ એસએમએસ નહીં મોકલાય.
મહત્વ : ગ્રાહકોને અનિચ્છિત એસએમએસમાંથી મુક્તિ માટે જોગવાઈ કરાઈ છે. તેના ઉલ્લંઘનની પહેલી ફરિયાદમાં ગ્રાહકને રૂપિયા ૨૫ હજારનું વળતર મળશે. આ રકમ દર ફરિયાદે વધતી જશે અને રૂપિયા ૨.૫ લાખ સુધી પણ પહોંચી શકશે. આ રકમ ટેલિમાર્કેટિંગ કંપનીએ ચૂકવવાની રહેશે.
૨. એક દિવસમાં સોથી વધારે એસએમએસ નહીં મોકલી શકાય.
નવા નિયમો: ટેલિમાર્કેટિંગ કંપની માટે
૧ .અઠવાડિયામાં બે વખત અપડેટેડ ડીએનડી લિસ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે.
મહત્વ : ટેલિમાર્કેટિંગ કંપનીઓએ દર મંગળવાર અને શુક્રવારે ડીએનડીમાં રજિસ્ટ્રેશન કરાવનાર ગ્રાહકોનું લિસ્ટ ડાઉનલોડ કરવું પડશે જેથી તેમને એસએમએસ ન મોકલે.
૨. સવારે નવથી રાત્રે નવ દરમિયાન જ પ્રમોશનલ એસએમએસ મોકલી શકાશે.
મહત્વ : ટેલિમાર્કેટિંગ કંપનીઓ રાત્રે એસએમએસ મોકલવાનું વધુ બહેતર માને છે કારણ કે ત્યારે મોબાઈલ નેટવર્ક બહેતર કામ કરે છે. પરંતુ તેનાથી એસએમએસ મેળવનાર પરેશાન થઈ જાય છે.
ડીએનડીનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
૧. જેમને પ્રમોશનલ એસએમએસ નથી જોઈતા-
મોબાઈલ કંપનીના કોલ સેન્ટર નંબર ૧૯૦૯ પર અંગ્રેજીમાં ‘સ્ટાર્ટ ડીએનડી’ લખી એસએમએસ કરો. રજિસ્ટ્રેશનના ૪૫ દિવસમાં પ્રમોશનલ એસએમએસ બંધ થઈ જશે.
૨. જેઓ ચોક્કસ ક્ષેત્રના એસએમએસ ઈચ્છે છે -
કોલ સેન્ટરના નંબર ૧૯૦૯ પર ફોન કરી સાતમાંથી કોઈપણ શ્રેણી પસંદ કરી શકે છે.
ટેલિમાર્કેટિંગની સાત શ્રેણીઓ :
૧. બેકિંગ અને ફાઈનાન્સ, ૨. રિઅલ એસ્ટેટ, ૩. એજ્યુકેશન, ૪. હેલ્થ, ૫. કન્Íયુમર ગુડ્સ, ૬. આઈટી અને એન્ટરટેઈનમેન્ટ, ૭. ટુરિઝમ અને ટ્રાવેલ્સ
તેમને સંબંધિત શ્રેણીના મેસેજ મળવા લાગશે.
ફરિયાદ કેવી રીતે કરવી :
ડીએનડી રજિસ્ટ્રેશનના ૪૫ દિવસ પછી પણ જો પ્રમોશનલ એસએમએસ અથવા કોલ આવે તો, પોતાના મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને ફરિયાદ કરી શકો છો., ફરિયાદમાં આવનાર કોલનો નંબર, સમય અને વિવરણ અનિવાર્યપણે આપવું પડશે., જો એસએમએસમાં નંબર જોવા ન મળે તો, તેના કોડ અને વિષયનું વિવરણ આપવું પડશે., ફરિયાદ કર્યા બાદ ફરિયાદ નંબર અવશ્ય લઈ લેવો.
કાર્યવાહી કેવી રીતે થશે:
જો ફરિયાદ સર્વિસ પ્રોવાઈડરને સંબંધિત ટેલિમાર્કેટિંગ કંપની સામે હશે તો કાર્યવાહીની જાણકારી ૨૮ દિવસમાં આપવાની રહેશે, જો ટેલિમાર્કેટિંગ કંપની અન્ય સર્વિસ પ્રોવાઈડર સાથે સંકળાયેલી હશે તો કાર્યવાહીની જાણકારી ૩૫ દિવસમાં આપવાની રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો